ઇન્સ્પેક્ટર હો તો રાજેન્દ્ર ત્યાગી જેસા...નહિ તો....

    ૨૭-જુલાઇ-૨૦૧૮
 
 
ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ત્યાગીએ ફરજમાં બેદરકારી માટે પોતાની સામે જ કરી ફરિયાદ
પોતાની ભૂલોને છુપાવવા અને ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી રોકવા માટે ઘણા પોલીસ કર્મચારીઓ દરેક પ્રયાસો કરી છૂટે છે. પરંતુ મેરઠના એસએચઓ (સ્ટેશન હાઉસ ઓફિસર) રાજેન્દ્ર ત્યાગીએ પોતાના જ પોલીસ સ્ટેશનમાં પોતાની સામે ફરજમાં બેદરકારીની ફરિયાદ કરી છે. ખરખૌદા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ત્યાગીએ વધતા જતા ગુનાના કારણે પોતાની અને અન્ય કર્મચારીઓ સામે જનરલ ડાયરીમાં ટિપ્પણી કરી હતી અને કામગીરીમાં બેદરકારી થઈ હોવાની વાત માની હતી, જેના પરિણામે રાજેન્દ્ર ત્યાગી દ્વારા પોતાના નિયમોની પણ કરવામાં આવતી અમલવારી ઉત્તરપ્રદેશ પોલીસમાં પ્રશંસાને પાત્ર બની છે.
રાજેન્દ્ર ત્યાગી મેરઠના ખરખૌદા પોલીસે સ્ટેશનના એસએચઓ છે અને થોડા દિવસ પહેલાં જ જવાબદારી સંભાળી છે. ચાર્જ લેતાં સમયે ત્યાગીએ પોતાના સહિત પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ માટે નિયમ બનાવ્યો હતો કે, કોઈપણ ક્ષેત્રમાં ચોરી થવાની જવાબદારી તે ક્ષેત્રના બીટ કોન્સ્ટેબલની રહેશે. આવી જ રીતે ગંભીર ગુના જેવા કે લૂંટ, ગાયોની તસ્કરી અને કતલ વગેરે ગુના માટે એસએચઓ સહિત ક્ષેત્રના તમામ પોલીસકર્મી જવાબદાર રહેશે. તેમજ વારંવાર ગુનો બનતાં ઉચ્ચસ્તરે ફરિયાદ મોકલવામાં આવશે.
આ નિયમો હેઠળ રાજેન્દ્ર ત્યાગીએ સ્વીકાર કર્યો હતો કે, પોતે ચાર્જ લીધા બાદ ચોરીના છ બનાવો બન્યા છે જેમાં ૬ કોન્સ્ટેબલની જનરલ ડાયરીમાં નોંધ કરાઈ છે. આવી રીતે શુક્રવારના રોજ ગાયની ચોરીનો બનાવ બની જતાં પોતાની ડાયરીમાં પણ બેદરકારીની નોંધ કરી છે. રાજેન્દ્ર ત્યાગી ૨૦૦૫માં યુપી પોલીસમાં જોડાયા હતા અને ક્રાઈમ રોકવા માટે તેમના પ્રયાસોની ખૂબ પ્રશંસા પણ થઈ છે. ત્યાગીના કહેવા પ્રમાણે ક્રાઈમ રોકવા માટે પોલીસ સતત સતર્ક રહેવી જોઈએ અને કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓ પોલીસની કરોડરજ્જુ સમાન છે. તેઓને સતર્ક રાખવા માટે જ નિયમો બનાવવામાં આવ્યા હતા. ત્યાગીએ પોતાની સામે જ લીધેલા પગલા ઉપર મેરઠના એસએસપીએ પણ પ્રશંસા કરી હતી.