ગુરુનો કંઠ એ શિષ્યનું વૈકુંઠ છે ગુરુનું મુખ એ શિષ્યનું સુખ છે

    ૨૭-જુલાઇ-૨૦૧૮   

 
 
ગુરૂપૂર્ણિમાના પાવનદિને પૂ. બાપુની પ્રેરક વિચારશ્રેણીનો શુભારંભ
 
ગુરુનો કંઠ એ શિષ્યનું વૈકુંઠ છે ગુરુનું મુખ એ શિષ્યનું સુખ છે
 
તમારા હૃદયને ઉન્નત બનાવો અને નવા વર્ષમાં પ્રવેશ કરો. એ જ્ઞાન સાથે કે સાચે જ એક અદ્ભુત વર્ષ તમારી સામે આવીને ઊભું છે. દરેક બાબતમાંથી સર્વશ્રેષ્ઠને શોધી કાઢો. હું કહું છું કે આ વર્ષ અતિશય પ્રકાશમય હશે. પણ જ્યાં સુધી તમે કૃતજ્ઞતાભર્યા ભરપૂર હૃદયે હું જે કહું છું તે નહીં સ્વીકારો, ત્યાં સુધી કશું નહીં બને. મારા શબ્દોમાં વિશ્ર્વાસ મૂકી શ્રદ્ધાપૂર્વક સર્વશ્રેષ્ઠની આશા નહીં સેવો ત્યાં સુધી કશું નહીં બને.
 
એને સાકાર થવામાં તમારી મદદ જોઈશે. મારા અદ્ભુત વચનોને માનો અને હૃદયમાં ઉતારો. ફક્ત બુદ્ધિથી તેને માનવાથી પૂરું નહીં થાય. તમારી સહજ સ્ફૂરણા, તમારા અંતર્જ્ઞાનથી પરમોચ્ચ સત્તા તરફથી-મારા તરફથી આવા આંદોલનો ઓળખો. જુઓ કે હું તમારી આગળ તમારા માટે માર્ગ તૈયાર કરતો ચાલું છું. સઘળી અશક્યતાઓને શક્યતામાં બદલી નાખું છું. સર્વશ્રેષ્ઠ, પરિપૂર્ણનું વરદાન એવા લોકો માટે જ છે, જે મને પ્રેમ કરે છે અને હંમેશા મને અગ્રસ્થાને મૂકે છે. પશ્ર્ચિમના વિદ્વાન વક્તા એઇલીન કેડીનું નવા વર્ષની વધામણીનું વક્તવ્ય સોનલ પરીખ દ્વારા ભાવાનુવાદ કરેલા અને ડેવિડ અર્લ પ્લેટસ સંપાદિત Opening Doors within તમને તમારા અંતર સુધી લઈ જશે. "ગગન ગજે ને મોરલા બોલેં, મથે ચમકેતી વીજ...! હલો પાંજે કચ્છડે મે..! આવઈ અષાઢી બીજ..! નવા વર્ષે હીજ અસાંજી શુભેચ્છા અને લખ લખ વધાયું. કચ્છી નવું વર્ષ, જગન્નાથજીની રથયાત્રા અને ગુરુપૂર્ણિમાના ત્રિભેટે ઊભા છીએ. એટલે હૈયામાં હરખ અને હોઠમાં હાસ્ય હોવાનું જ. સૌને આ પાવન પર્વોની સ્નેહ ભીની શુભકામના. સૌને સ્નેહ આપો. શરૂઆત તમારા પરિવારથી કરો. પરિવારના સભ્યો આપને અનુકૂળ થાય એ તમારા બસની વાત નથી, પરંતુ તમે બધાને અનુકૂળ થાવ તો તમારા હાથની વાત છે.
 
ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની ગતિ. સાચો રાહ બતાવે તે ગુરુ. કંઠી બાંધવાને બદલે ગ્રંથી છોડાવે તે સાચો ગુરુ. અનિલ જોશીએ કહ્યું છે "તેમ દોરા ધાગા કરવા કરતા ચાદર વણવી સારી છે. કબીર સિવાય કોઈને ‘સાહેબ’ શબ્દ શોભતો નથી. સાર્થ જોડણીકોશ પ્રમાણે ગુરુનો એક અર્થ દીર્ઘ પણ થાય છે. જીવનની અંતિમ પળ સુધી સાથે રહે એ સદગુરુ. કવિ કાગ કહે એમ આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વિંઝણો રોજ હાલે, ઉદય ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ મ્હાલે. સૂર્યને ગુરુ તરીકે પ્રસ્થાપિત કરીએ તો જ આપણામાં પ્રકાશપુંજ વિસ્તરશે. હું શિક્ષક હતો અને રહીશ. કેમ કે ડૉક્ટર અને શિક્ષક કદી નિવૃત્ત ન થાય. શિક્ષણથી માણસને આંખ અને પાંખ મળે છે. આંખ એટલે નવી દૃષ્ટિ અને પાંખ એટલે નવી દિશા. ગુરુનું ચરણ એ શિષ્યનું શરણ છે. ગુરુનો હાથ એ શિષ્યનો સાથ છે. ગુરુનો કંઠ એ શિષ્યનું વૈકુંઠ છે. ગુરુનું મુખ એ શિષ્યનું સુખ છે અને ગુરુની આજ્ઞા એ શિષ્ય માટે વરદાન છે. બુદ્ધિની બોર્ડર આવે ત્યાંથી ગુરુની સરહદ શરૂ થાય છે. ગુરુનું જ્ઞાન કદી મઠ મઢી પૂરતું મર્યાદિત ન હોય શકે. સૌથી શ્રેષ્ઠ પદ ગુરુપદ છે.
 
તમારી પાસે ક્રોધ હોય તો કોઈ દુશ્મનની જરૂર નથી અને તમારી પાસે પ્રેમ છે તો કોઈ દોસ્તની જરૂર નથી. અર્થાત પ્રેમ તમને આપોઆપ દોસ્ત બનાવી જ આપે છે. શિષ્યમાં પણ પાત્રતા અને પ્રેમ હોવા જોઈએ. સાધક બાધક ન હોવો જોઈએ. લોકોને રાજી કરવા કદી મસ્તીને ન ગુમાવવી. નીચું જોઈને ચાલીએ તો કહે કે કોઈ સામે જોતા પણ નથી, ઉપર જોઈને ચાલીએ તો કહે અભિમાની થઈ ગયા છે. ચારે બાજુ જોઈએ તો કહે કે આંખનું ઠેકાણું નથી. આંખ બંધ રાખો તો કહે ધ્યાનનું નાટક કરે છે. અને કંટાળીને આંખો ફોડી નાખો તો કહેશે કરેલા કરમના બદલા દેવા રે પડે છે. કુછ તો લોગ કહેંગે... ઈગ્નોરાય નમ:... ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે સંત, હનુમંત અને ભગવંતનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત થાય અને સાધનાના પથ સફળ થાય એવી તલગાજરડી વ્યાસપીઠની પ્રાર્થના (શીર્ષક પંક્તિ : હરિશ્ર્ચંદ્ર જોશી)
 
આલેખન : હરદ્વાર ગોસ્વામી
 
હાસ્ય કરતો માણસ કદી પાપ કરતો નથી અને પાપ કરનારો માણસ બહુ હસી શકતો નથી.