NDRF : જાનના જોખમે બીજાના જીવ બચાવતા જાંબાઝ જવાનો

    ૨૮-જુલાઇ-૨૦૧૮

 
 
ગીર-સોમનાથ, જૂનાગઢ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળી નાખ્યા છે. દક્ષિણ ગુજરાતનાં નવસારી, વાપી, વલસાડ જળબંબાકાર થઈ ગયાં છે. મુંબઈની તો વાત જ જવા દો. આવા સમયમાં અનેક મનુષ્ય અને પશુઓના જીવ બચાવાયા છે અને તેનું શ્રેય જાય છે એન.ડી.આર.એફ.ના જાંબાઝ જવાનોને. એન.ડી.આર.એફ. એવો શબ્દ ચોમાસામાં વધારે સંભળાય છે. પણ આ જાંબાઝ જવાનોના આ યુનિટ વિશે પણ જાણવા જેવું છે.
એન.ડી.આર.એફ.નું ફુલ ફોર્મ થાય છે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. ભારત સરકાર દ્વારા એન.ડી.આર.એફ.ની સ્થાપના આજથી ૧૨ વર્ષ પહેલાં ૨૦૦૬માં કરવામાં આવી હતી. એન.ડી.આર.એફ.નું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતેના અંત્યોદય ભવનમાં છે. એન.ડી.આર.એફ.નો ઉદ્દેશ જ જિંદગી બચાવવાનો છે. રાજનાથસિંહ જેના મંત્રી છે તે મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સમાં એન.ડી.આર.એફ. આવે. હાલમાં આઈપીએસ સંજયકુમાર એન.ડી.આર.એફ.ના ડાયરેક્ટર જનરલ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ મુજબ એ કામ કરે છે. ભારતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એન.ડી.એમ.એ.) સંભાળે છે અને તેના ચેરમેન વડાપ્રધાન હોય છે.
કોઈપણ રાજ્યમાં પૂર, હોનારત, કુદરતી આપદા આવે ત્યારે કેન્દ્ર સરકારની જવાબદારી આવે છે કે તે એન.ડી.આર.એફ.ના જવાનોને જે-તે રાજ્યમાં બચાવકાર્ય માટે મોકલે અને રાજ્યોની જવાબદારી એ છે કે, કોઈપણ આપદા સમયે કેન્દ્ર સરકારને જાણ કરીને જરૂરિયાત મુજબ એન.ડી.આર.એફ.ની ટીમ બોલાવવી.
 

 
 
એન.ડી.આર.એફ. (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)માં ૧૨ બટાલિયન હોય છે. એમાં પેરા મિલિટરી ફોર્સના જવાનોને સમાવવામાં આવે છે. આ બટાલિયનમાં બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)ની ત્રણ બટાલિયન, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર.પી.એફ.)ની ત્રણ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રી સિક્યોરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.)ની ત્રણ બટાલિયન, ઇન્ડો-તિબેટિયન પોલીસ ફોર્સની બે અને શસ્ત્ર સીમા બલની બે બટાલિયન એન.ડી.આર.એફ.માં સામેલ હોય છે. એક બટાલિયનમાં ૧૧૪૯ જવાનો હોય છે. એક બટાલિયનમાં બચાવકાર્યને બુદ્ધિપૂર્વક પાર પાડનાર ૧૮ નિષ્ણાતો હોય છે અને ૪૫ એન્જિનિયરો હોય છે. સાથે સાથે ટેક્નિશિયન, ઇલેક્ટ્રીશિયન, ડૉગ સ્કવોડ, મેડિકલ પેરામેડિકલ તજ્જ્ઞો પણ સામેલ હોય છે. એન.ડી.આર.એફ.માં એવી ચાર બટાલિયન અલગ છે જે રેડિયોલોજીકલ, ન્યૂક્લિયર, બાયોલોજીકલ અને કેમિકલ દ્વારા આવેલી આપત્તિનો સામનો કરી શકે. ભારતનાં બાર રાજ્યોમાં કાયમી એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત રહે છે. દરેક રાજ્યોની રાજધાનીમાં અથવા સંવેદનશીલ સ્થળ નજીક તેનો મુકામ-ઓફિસ હોય છે. આસામના ગૌહત્તી, વેસ્ટ બેંગાલના કોલકત્તા, ઓરિસ્સાના મુંડલી, તામિલનાડુના અરાકોર્રમ, મહારાષ્ટ્રના પૂને, ગુજરાતના ગાંધીનગર, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, પંજાબના ભટીંડા, બિહારના પટના, આંધ્રપ્રદેશના વિજયાવાડા, ઉત્તર પ્રદેશ વારાણસી અને અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં એન.ડી.આર.એફ.ની સ્થાપના કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં એન.ડી.આર.એફ.ના જાંબાઝ જવાનોએ પૂર, હોનારત, બિલ્ડિંગ પડવી, જમીન ધરાશાયી થવી, ભયાનક વાવાઝોડું આવવું એમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. દેશભરમાં મહત્ત્વના કહી શકાય એવા ૭૩ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યાં છે. ૨૭૬ મૃતદેહોને બહાર કાઢ્યા છે અને ૧ લાખ ૩૩ હજાર ૧૯૨ લોકોની જિંદગી બચાવી છે. એન.ડી.આર.એફ.ના જવાનોને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેના કોર્સ ભારત સરકાર દ્વારા કરાવવામાં આવે છે. ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સના અનુુભવીઓ આ જવાનોને તાલીમ આપે છે. આ સિવાય અમેરિકા, ચાઈના, સિંગાપોર, ફીનલેન્ડ જેવા દેશોમાંથી તજ્જ્ઞો ભારત આવીને આ જવાનોને તાલીમ આપે છે. એન.ડી.આર.એફ.ના જવાનો પણ ગામડાંઓમાં જઈને સ્વયંસેવકોને તાલીમ આપે છે. સામા પાણીએ તરીને પણ કોઈનો જીવ બચાવવો, પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાની જિંદગી બચાવવાનો ધ્યેય રાખીને અપ્રતિમ રાષ્ટ્રભાવના સાથે અનેક આપત્તિઓ સામે ઝઝૂમતા એન.ડી.આર.એફ.ના જાંબાઝ જવાનોને સલામ. વંદે માતરમ્.