જમ્યા પછી તરત જ કરી શકાય તેવું આ એક માત્ર આસનઃ વજ્રાસન

    ૦૩-જુલાઇ-૨૦૧૮

 
 
 
વજ્રાસનનો અર્થ :
 
વજ્રાસન એટલે વ્રજ અને આસન. વજ્ર એ એક નાડીનું (પ્રાણશક્તિના પ્રવાહનો માર્ગ) નામ છે. જેનો સીધો સંબંધ પ્રજનને તેમજ મૂત્ર ઉત્સર્જન તંત્રથી છે. એવી માન્યતા છે કે આ નાડી ઉપર સ્વૈચ્છિક નિયંત્રણ પ્રાપ્ત થઈ જાય તો વ્યક્તિ શક્તિશાળી બની જાય છે. આ નાડીના માધ્યમથી આપણે મનને એવું તો કેળવી શકીએ છીએ કે કામ-શક્તિના રૂપમાં આ નાડીમાં પ્રવાહિત થતી સમસ્ત શક્તિઓને નિયંત્રિત કરી શકે.
 
આ આસનમાં બેસનાર વ્યક્તિ દૃઢ અને મજબૂત સ્થિતિ મેળવે છે. આ સ્થિતિમાં સહેલાઈથી હાલી શકાતું નથી. તેથી જ આને “વજ્રાસન” કહે છે.
 
મુસ્લિમ તથા બૌદ્ધ ધર્મના સાધકો પ્રાર્થના માટે આ આસનો ઉપયોગ કરે છે. યોગીઓ સામાન્ય રીતે આ આસાનમાં બેસે છે.
 
સાવચેતી :
 
વા (ગઠિયા)ના રોગી આનો અભ્યાસ ન કરે. ગોઠણમાં વધારે તકલીફ હોય તેઓ પણ અભ્યાસ ન કરે.
પગના સાંધા અક્કડ હોય અને સહેલાઈથી હલનચલન કરી શકતા ન હોય તેમણે ખૂબ સાવચેતીથી કરવું.
 
સ્થિતિ :
 
આસન પર દંડાસનમાં બેસો.
 

 
 
 
પદ્ધતિ :
 
સૌ પ્રથમ જમણા પગને ઘૂંટણમાંથી વાળીને તેને પાછળની બાજુએ લઈ જઈ – જમણા પગની એડીને જમણા નિતંબની નીચે ગોઠવો. હવે શરીરનું બધું વજન જમણા પગ પર લઈ, આ પછી ડાબા પગને ઘૂંટણમાંથી વાળીને તેને પાછળની બાજુએ લઈ જઈ, ડાબા પગની એડીને ડાબા નિતંબની નીચે ગોઠવો.
 
બન્ને પગ ઘૂંટણથી પાછળની બાજુએ વાળેલા હોય. બન્ને જાંઘો પગ ઉપર અને હિપ્સ નિતંબ પગના પંજાના તળિયા ઉપર ગોઠવાશે. આ વખતે પગના તળિયા ઉપરની બાજુએ એટલે કે આકાશ તરફ હોવા જોઈએ. બન્ને પગના અંગૂઠા પરસ્પર એકબીજાથી મળેલા હોય. એડીઓને ખોલી નાંખો. જેનાથી નિતંબ એના ઉપર ગોઠવાઈ જાય. બન્ને હાથને સાથળ પર રાખો. બન્ને ઘૂંટણને ખૂબ નજીક રાખો. શરીર, ગરદન અને માથું એક સીધી લીટીમાં રાખીને ટટ્ટાર બેસો. આખા શરીરનું ભાર ઘૂંટણ અને ઘૂંટી ઉપર રાખો. આ આસનના અભ્યાસ દરમિયાન શ્ર્વોસોચ્છવાસ ચાલુ રાખો. શરૂઆતમાં કદાચ ઘૂંટણ અને ઘૂંટીમાં દુઃખાવો થઈ શકે છે. પણ પછી એ દુઃખાવો આપોઆપ નિયમિત અભ્યાસથી દૂર થઈ શકે છે. આપણી ક્ષમતા અને શક્તિનુસાર ઓછામાં ઓછા બે મિનિટ સુધી આ આસનમાં બેસો. પરત આવવા માટે પહેલા ડાબા પગને સીધો કરો. ત્યારબાદ જમણા પગને સીધો કરી દંડાસનની સ્થિતિ લેવી.
 
આ આસન સરળ છે, લાંબા સમય સુધી કરી શકાય છે. “જમ્યા પછી તરત જ કરી શકાય તેવું આ એક માત્ર આસન છે.”
 
ધ્યાન રહે :
 
# બન્ને ઘૂંટણ અડીને રહેવા જોઈએ.
# શરીરને કમરમાંથી વાળીને ન બેસતાં ટટ્ટાર બેસો.
# બન્ને પગના અંગૂઠાઓ એકબીજાને સ્પર્શતા હોવા જોઈએ.
#  આસન સમાપ્ત થયા પછી પગને અવશ્ય હલાવો. જેનાથી રક્તનું પરિભ્રમણ થશે અને અને ખાલી ચઢી જાય તો ઉતરી જશે.