પ્રકરણ – ૧ : એ દિવસે જયદેવસિંહ ઝાલાને લેડિઝવેર પહેરાવીને આખા કોલેજ કેમ્પસમાં ફેરવવામાં આવ્યો

    ૧૪-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
પ્રકરણ – ૧
 
નમસ્કાર મિત્રો,
 
સાધના સાપ્તાહિકના ડિજિટલ પ્લેટફોર્મ – sadhanaweekly.com પર આજથી એક નવો શુભારંભ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આધારિત રોમેન્ટિક થ્રિલર - ‘Black Mail : ધી સાઈડ ઈફેકટ ઓફ સાયબર લવ’નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના અતિરેકથી સર્જાતા સામાજિક દૂષણો તરફ આ નવલકથા દિશા નિર્દેશ કરે છે. આજથી દરરોજ રાત્રે ૯ કલાકે ‘સાધના’ની વેબસાઈટ પર લેખક શ્રી રાજ ભાસ્કર દ્વારા લિખિત આ નવલકથાનું એક પ્રકરણ આપ વાંચી શકશો. એક પ્રકરણ વાંચવા માટે આપે માત્ર ૧૨ મિનિટનો સમય ફાળવવો પડશે. અખબાર કે મેગેઝિનમાં મોટાભાગે નવલકથા માટે આપે એક અઠવાડિયું રાહ જોવી પડે છે અને એકાદ પ્રકરણ ચુકાઈ જાય તો મેગેઝિન કે અખબાર શોધવું પડે છે, પણ ડિજિટલ પ્લેટફોર્મ પર આપે હવે અઠવાડિયું રાહ નહીં જોવી પડે, આપ દરરોજ નવલકથાનું એક પ્રકરણ વાંચી શકશો, જેથી કથા સાથે આપનો તંતુ વધુ મજબુતાઈથી જોડાઈ રહે. અને જો કોઈ પ્રકરણ ચુકાઈ જાય તો પણ બધા જ પ્રકરણો તમારા કમ્પ્યૂટર કે મોબાઈલવગાં જ હશે. આપ ગમે ત્યારે, ગમે ત્યાં એને વાંચી શકશો. sadhanaweekly.com આ નવલકથા દ્વારા દૈનિક નવલકથા ક્ષેત્ર નૂતન શુભારંભ કરી રહ્યું છે. આશા છે કે આપ સૌને એ જરૂર ગમશે.
 
 
કોલેજની પાછળ તરફથી કોઈકના ચીખવાનો અવાજ આવ્યો. ચીસ એટલી જોરદાર હતી કે કેમ્પસમાં ઉપસ્થિત તમામના કાનના પરદા ફાટી ગયા 
 
ગુલાલે બેડરૂમમાં આવીને તરત જ વોર્ડરોબનું ડોર ઓપન કર્યું. વોર્ડરોબનું એક ખાનું નેક્‌સ્ટ, ગ્રાસોબીઓ, કોસ્ટા, કવાઇન્ટેસેન્સ, વિનસ, અપારેલ ઈટાલીઆ અને મેઈડન્સ જેવી અનેક બ્રાન્ડસના નાઇટવેરથી ઊભરાતું હતું. એમાંથી એણે કોસ્ટાનું સેટીન બેબીડોલ નાઇટી કાઢ્યું અને બાથરૂમમાં પ્રવેશી. હમણાં થોડીવાર સુધી બ્રાઈટ દેખાતો નાઇટીનો પીંક કલર એની પીંક ત્વચા પર ચઢતાં જ ડલ થઈ ગયો. ફ્રેશ થઈ એ બહાર આવી. એના શરીર પર હજુ પાણીનાં ટીપાં બાજેલાં હતાં. એણે બેડ પર બેસતાં ટી.વી ઓન કર્યું. ઘરમાં કોઈ પુરુષ નહોતો એટલે કલોથિંગની બાબતમાં એ ઓલ્વેઝ આ રીતે છૂટથી રહેતી. ક્યુ એલઈડી સ્ક્રિન પર થ્રી ઈડિયટ ફિલ્મનાં દૃશ્યો ભજવાઈ રહ્યાં હતા. કોલેજનું કેમ્પસ હતું. નોટી બોયઝ ન્યૂ કમર્સને તોફાની રીતે વેલકમ કરી રહ્યાં હતા. આવકાર અને મસ્તીનું તો ફક્ત નામ હતું, બાકી ‘વેલકમ’ નામના સુંવાળા શબ્દોના વાઘા પહેરીને ‘રેગિંગ’ અટ્ટહાસ્ય કરી રહ્યું હતુ. કોલેજના સિનિયર છોકરાઓના ગ્રુપ નવા આવનાર છોકરાઓના પેન્ટ ઉતરાવી રહ્યા હતા. નવા એડ્‌મિશનવાળા દરેક છોકરાએ એનું પેન્ટ ઉતારી, સિનિયર તરફ ફરીને, ઝૂકીને બોલવાનું હતું, ‘જહાંપના તુસી ગ્રેટ હો.... તોહફા કૂબુલ કરો...!’
 
ફિલ્મનું દૃશ્ય જોતાં જ ગુલાલનો મૂડ ખરાબ થઈ ગયો. રેગિંગના નામથી જ એની નસોમાં લોહીને બદલે ગભરામણ દોડવા લાગી. એણે તરજ જ ટી.વી. ઓફ કર્યુ. ટી.વી.નાં દૃશ્યો ઓફ થયાં. એના માનસપટ પર ભજવાતાં દૃશ્યો નહીં. એણે ઓશીકામાં મોં છુપાવી દીધું અને બંને હાથ કાન પર દાબી દીધા. પણ ભૂતકાળના કેમેરામાં કેદ થયેલી એ ઘટના એની આંખ સામેથી ના હટી. એ કોલેજ કેમ્પસ, એ રેગિંગ, એ ન્યૂ કમર્સના ચહેરા અને એ જયદેવસિંહ ઝાલા નામનો છોકરો. બધું જ એક પછી એક એની સામેથી પસાર થવા લાગ્યું. લાખ પ્રયત્નો છતાં એ ભૂતકાળની ખાઈમાં લપસતાં ના બચી શકી.
 
***
 
‘હેય, યુ કમ હિઅર !’ માર્ક બ્રાન્ડેડ પંક લોલિતા સ્ટાઈલ સ્કર્ટ પહેરીને ઊભેલી ગુલાલે કેમ્પસના દરવાજેથી અંદર ઘુસી રહેલા એક છોકરાને બોલાવ્યો, ‘વોટ્સ યોર નેઈમ?’
 
‘મહેશ !’
 
‘તો પછી એકલો કેમ છે ? બહ્મા અને વિષ્ણુ ક્યાં ? ગુલાલની કમેન્ટથી આખું ટોળું હસી પડ્યું. સાથે મહેશ પણ હસી પડતાં બોલ્યો, ‘એ બંનેને આ કોલેજ ના ગમી એટલે બીજી કોલેજમાં એડ્‌મિશન લીધું છે. મળવું હોય તો સરનામું આપું.’ વળતા તીર જેવી મહેશની કમેન્ટ સાંભળી ગુલાલમાંથી પ્રથમ અક્ષર નીકળી ગયો અને એ ‘લાલ’ થઈ ગઈ, લાલઘૂમ.
 
‘સાલા, સિનિયર્સની સામે મજાક કરે છે. ચાલ અંગૂઠા પકડ…’ ગુલાલે હુકમ છોડ્યો. મહેશે આજુબાજુ નજર ઘુમાવી. ગુલાલ જ નહીં આખું ટોળું એની સામે લાલઘૂમ આંખે તાકી રહ્યું હતું. એને થયું એમની આંખોનો લાલઘૂમ કલર એના બરડે છવાઈ જાય એ કરતાં અંગૂઠા પકડી લેવા સારા. એણે અપમાન ગળે ઉતારી માનભેર અંગૂઠા પકડી લીધા.
 
ત્રણ વર્ષ પહેલાંની ઘટના છે. એ વખતે ગુલાલ આઈ.આઈ.ટી.માં બી.ઈ કમ્પ્યુટર કરી રહી હતી. કરોડપતિ બાપની દીકરી હતી. લાડથી ઊછરેલી એટલે તોફાની બહુ. એટલી અલ્લડ કે એને ગર્લ્સ કરતાં બોયઝના ગ્રુપમાં વધારે ફાવતું. કોલેજના સૌથી તોફાની અને મસ્તીખોર છોકરાઓ બન્ટી, જેકી, મોન્ટુ, મિતેશ, નિશાંત અને ત્રણ છોકરીઓ મિતાલી, ખુશી અને છટા સાથે એનું ગ્રુપ જામી ગયેલું. સ્ટડી‚રૂમમાં એ ગ્રુપ એકદમ સિન્સિયર રહેતું પણ સ્ટડી‚રૂમની બહાર નીકળે એટલે આખું કોલેજ કેમ્પસ માથે લઈ લેતાં. ન્યૂ કમર્સનું રેગિંગ કરીને એ સૌથી વધું ધમાલ કરતા કોલેજમાં દાખલ થનાર મોટાભાગના વિદ્યાર્થીઓ એમની ઝપટમાં આવી જતા. ગ્રુપ દ્વારા એમનું એવું રેગિંગ થતું કે આખું વર્ષ કોલેજને યાદ રહેતું. પણ આ બધુ માત્ર મસ્તી અને મોજ માટે હતું. આ ગ્રુપનો એક નિયમ હતો કે કોલેજ છૂટ્યા પહેલાં રેગિંગ કરેલા દરેક વિદ્યાર્થીને રોઝ આપીને એને વેલકમ કરવું.
 
મહેશ ટોળાની બાજુમાં અંગૂઠા પકડીને ઊભો હતો. ગુલાલ એન્ડ ગ્રુપ નવા બકરાની શોધમાં હતું ત્યાં જ એક છોકરો હાથમાં બાઈકની ચાવી રમાડતો રમાડતો અંદર પ્રવેશ્યો.
 
‘ગુલાલ, નવો બકરો આવી રહ્યો છે.’ ગુલાલના ફ્રેન્ડ જેકીએ એનું ધ્યાન દોર્યું.
 
‘યેસ, પણ આનો ડોઝ થોડોક વધારવો પડશે. લાટ સાહેબેની ચાલમાં એટલો રોફ છે જાણે આ કોલેજ એના ડિયરેસ્ટ ડેડીએ બંધાવી હોય.’
 
‘ઓ.કે.... શુભ કામમાં વાર શેની ?’ કહીને મીતેશે પેલાને બૂમ મારી, ‘ઓ મીથુનદા અહીં આવો. પેલો મોઢું બગાડીને આવ્યો, ‘મારું નામ મીથુન નથી, ધીરજ છે. બોલો, શું કામ છે?’
 
‘કામ તો એવું છે કે અમારા ગુલાલ મેડમના પગ બહુ દુ:ખે છે. જરા દબાવી આપોને!’ તરત જ ગુલાલ પગથિયા પર બેસી ગઈ અને પગ લાંબો કર્યો. જાણે જમીનનું પડ ફાડીને કોઈ વેલ ફુટી નીકળી હોય એવો સ્કર્ટમાંથી ફૂટી નીકળેલો એનો લીસ્સો પગ જોઈ પેલાનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. એ મનમાં બબડ્યો, ‘કયા બાત હૈ, આવું રેગિંગ રોજ થતું હોય તોયે વાંધો નથી.’ એ ગુલાલના સુંવાળા પગ પર એના ખરબચડા હાથ ફેરવવા લાગ્યો. થોડી જ વારમાં ગુલાલે પગ પાછો ખેંચી લીધો, ‘યુ નોટી, તને પગ દબાવવાનું કીધું છે, પગ પંપાળવાનું નહીં. ચલ, હટ!’ એણે પેલાને ધક્કો મારી પાડી દીધો.
 
મહેશ, ધીરજ, શાલિની, હિતેશ, જીતુ, દીપક, વિશાલ, મનીષ, જીગર, હંસલ જેવા અગિયારેક સ્ટુડન્ટ્સ આ રેગિંગનો ભોગ બની ચૂક્યા હતા. પણ આ તોફાની ટુકડીને હજુ મજા નહોતી આવતી. મોન્ટુ બોલ્યો, ‘અરે યાર, આજે કંઈ મજા નથી આવતી! આ શું અંગૂઠા પકડાવવાના, પગ દબાવડાવવાના, આપણે અઢારસો પંચ્યાસીની સાલના કોલેજિયનો હોઈએ એવું લાગે છે. કંઈક થ્રિલિંગ હોવું જોઈએ. રેગિંગનો ભોગ બનનારને અને આખી કોલેજને આખી જિંદગી યાદ રહી જવું જોઈએ કે આને રેગિંગ કહેવાય. શું કહેવું છે તમારું ?’
 
‘યેસ, વી વોન્ટ, સમથિંગ હટકે.’ ગુલાલે અને બીજી છોકરીઓએ ફરમાન છોડ્યું. તોફાની ટુકડી ફરીવાર નવા બકરાની રાહમાં કોલેજના ગેટ પર નજર માંડીને બેસી ગઈ. થોડી જ વારમાં સાતેક ગામડિયા છોકરા-છોકરીઓનું એક ગ્રુપ ગેટમાં પ્રવેશ્યું. એમને જોઈને જ બધાંને હસવું આવી ગયું. બન્ટીએ કમેન્ટ કરી, ‘દેશી મેગ્નિફિસેન્ટ સેવન આવી રહ્યાં છે. જરા એમને આપણી સેવાનો લાભ આપો.’ મેગ્નિફિસેન્ટ સેવન એમની સામે આવીને ઊભાં રહી ગયાં. ગુલાલે જ વાત શરૂ કરી, ‘ઓ દેશી બાબુઓ! આ આઈ.આઈ.ટી.નું કેમ્પસ છે, ખેતર નથી. કયાંથી આવો છો અને અંદર શા માટે જાવ છો ?’
 
‘મેડમ, અમારામાંથી બે જણને અહીં એડ્મિશન મળ્યું છે. આજે અમારો પહેલો દિવસ છે એટલે અમારા ગામડાના મિત્રો અમને અહીં મૂકવા આવ્યા છે. કોલેજમાં થતા રેગિંગથી એ યુવાન વાકેફ હતો એટલે એણે શાંતિથી જવાબ આપ્યો.
‘ઓહ, માય ગોડ! આ ગામડિયાઓને અહીં એડ્‌મિશન મળ્યું છે !’ જેકીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.’
 
‘અમે ગામડિયા જરૂર છીએ પણ ગમાર નથી. આઈ.ટી.ના કોર્સમાં સૌથી ફર્સ્ટ રેન્કમાં અમારું એડ્મિશન થયું છે.’
‘એય, ગામું! સિનિયર્સ સામે જબાન ચલાવે છે! મૂંગો મર. અને હા, તમારામાંથી જેને એડ્‌મિશન મળ્યું હોય એ બે લોકો સિવાયનાં બીજાં બધાં સામે ઓટલા પર બેસી જાઓ. ગામડિયા લોકો હતા. બધાંય બિચારા બનીને સિનિયર્સની સૂચનાઓનું પાલન કરતા ગયા. બે છોકરાઓ ચુપચાપ સામે ઉભા રહી ગયા. ગુલાલે એકને પૂછ્યુ, ‘શું નામ છે તારું ?’
 
‘પ્રભાત દેસાઈ !’
‘હેવ યુ ઈન લવ વિથ સમવન? કોઈને પ્રેમ-બ્રેમ કર્યો છે કે નહીં ?’ જવાબમાં પ્રભાતે શરમાતાં શરમાતાં હકારમાં માથું ધુણાવ્યુ. ‘શરમાયા વગર એ કહે કે તારી પ્રેમિકા તને કેવી લાગે છે ?’
 
‘ચાંદ જેવી.’
‘ચાલ એના માટે એક ગીત ગા...’
‘મેડમ પ્લીઝ! જવા દોને મને !’
‘ગીત ગા એટલે જવા દઉં.’ ગુલાલે શરત મૂકી.
પ્રભાતે ગીત શરૂ કર્યું. ‘ચાંદસી મહેબૂબા હો મેરી કબ ઐસા મૈંને સોચા થા... હાં તુમ બિલકુલ વૈસી હો જૈસા મૈંને સોચા થા..... તરત જ મોન્ટુએ કમેન્ટ કરી, ‘દોસ્ત, પોતાની પ્રેમિકાને ચાંદ કહેતા પહેલાં એ યાદ રાખવું જોઈએ કે ચાંદ ઉપર અગાઉ પણ ત્રણ જણ ખેડાણ કરી ચૂક્યા છે. જેમાં એક કૂતરો પણ હતો... હા.. હા... હા…’ એની કમેન્ટ સાથે જ આખા ગ્રુપમાં હસાહસી થઈ ગઈ. બન્ટીએ હસતાં હસતાં જ કહ્યું, ‘ગુલાલ, તને રેગિંગ કરતાં જ નથી આવડતું. આવા બરફ જેવા પ્રશ્ર્નો ના કરાય. ચાલ આઘી જા. હવે મારો વારો. મોન્ટુ હાથમાંની કિ-ચેઈન ઘુમાવતો ઘુમાવતો બીજા યુવાન પાસે આવીને ઊભો રહ્યો, ‘નેઈમ પ્લીઝ !’
 
‘જયદેવસિંહ ઝાલા!’ પ્રભાતની બાજુમાં ઊભેલા પડછંદ યુવાને ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો.
‘હંઅઅ... તમારી આંખો જોઈને લાગે છે કે તમને મર્દાનગીનો ઘમંડ છે’
 
‘.....’ જયદેવસિંહ કાંઈ ના બોલ્યો. મોન્ટુએ આગળ ચલાવ્યું, ‘તો મરદસિંહ, ચાલો આજે અમને બાયડી બનીને બતાવો. હું તમારા માટે સુંદર કપડા લાવ્યો છું. ચણિયો અને બ્લાઉઝ! પહેરીને અમને ડાન્સ કરી બતાવો.’ પછી મોન્ટુએ નજીક જઈ કાનમાં કહ્યું, ‘ ચાલો મારી ગાડીમાં કપડાં પડ્યાં છે. બદલી લો.’
 
ગ્રુપમાંથી ચિચિયારી ઊઠી,‘યેસ, નાઉ ઈટ્સ થ્રિલિંગ. હવે મજા આવશે. બન્ટી, જેકી, મોન્ટુ, મિતેશ અને નિશાંત બધાં જયદેવસિંહને ટિંગાટોળી કરી ગાડી તરફ લઈ જઈ રહ્યાં હતાં. છોકરીઓએ હસતાં હસતાં કહ્યું, ‘ફેન્ડઝ પ્લીઝ! લીવ હીમ...ઈટ્સ ઓવર! છોડી દો એને.’ બોયઝની ટુકડીએ ગુલાલને પૂછયું, ‘ગુલાલ, બોલ શું કહે છે તું? આનું રેગિંગ કરીએ કે છોડી દઈએ? તું કહે એમ જ થશે.’ ગુલાલ બોલી, ‘ઈશ્ક ઔર રેગિંગ મેં સબ ચલતા હૈ! આનું રેગિંગ કરવાનું જ અને તમે કહો છો એમ લેડિઝવેર પહેરાવીને જ કરવાનું. લઈ જાવ તમતમારે !’
 
અને એ દિવસે જયદેવસિંહ ઝાલાને લેડિઝવેર પહેરાવીને આખા કોલેજ કેમ્પસમાં ફેરવવામાં આવ્યો. તાબોટા પડાવવામાં આવ્યા. ન્યૂડ સોંગ્સ પર ડાન્સ કરાવવામાં આવ્યો. ચિચિયારીઓ ઊઠી,‘ડાન્સ, બેબી ડાન્સ.’ જયદેવસિંહ ચૂપ હતો અને એની સાથે આવેલા એના મિત્રો પણ કંઈ બોલી શકે એમ નહોતા. કાગડાઓને હસવું આવતું હતું પણ દેડકાનો જીવ જતો હતો, સોરી, અહીં તો સિંહનો.
 
એક કલાકમાં તો આખી કોલેજમાં હાહાકાર થઈ ગયો. જયદેવસિંહનું રેગિંગ ટોપ ઓફ ધી લીસ્ટ બની ગયું. એ આખી કોલેજ માટે મજાકનું સ્થાન બની ગયો. રેગિંગ કંપનીને તો એમણે ધારી પણ નહોતી એનાથી વધારે થ્રિલિંગ થઈ. રેગિંગના નામે સ્ટુડન્ટ્સ એક પછી એક હદ ઓળંગી રહ્યાં હતાં અને જયદેવસિંહની ઇજ્જતના ભડાકા થઈ રહ્યા હતા. પણ આખરે કોલેજના કેટલાક પ્રોફેસરોએ વધારે હદ પાર ન થવા દીધી અને જયદેવસિંહને ટોળકીના સકંજામાંથી છોડાવ્યો.
 
***
 
ગુલાલ એન્ડ ગ્રુપની સવાર સુધરી ગઈ હતી. રેગિંગ કરીને બધાને હેરાન કરી લીધા હતા પણ હવે એમની માફી માગવાનો સમય હતો. સવારે જે જે સ્ટુડન્ટનું રેગિંગ કર્યું હતું એ બધાને રોઝ ભેટમાં આપીને હવે વેલકમ કરવાનો વારો હતો. આખું ગ્રુપ કોલેજમાં ઘૂમી રહ્યું હતું. ગુલાલના હાથમાં ગુલાબો હતાં અને બાકીની ટુકડીના હોઠ પર ‘વેલકમ ટુ ધી કોલેજ’ ના શબ્દો. મહેશ, ધીરજ, શાલિની, હિતેશ, જીતુ, દીપક, વિશાલ, મનીષ, જીગર, હંસલ અને પ્રભાતને ગુલાલે ગુલાબ આપી વેલકમ કરી દીધું હતું. પણ જયદેવસિંહ ઝાલા કયાંય નહોતો દેખાતો. પ્રભાત અને એની સાથે આવેલા બીજા પાંચ લોકો પણ એને શોધી રહ્યા હતા પણ આખી કોલેજમાં એ ક્યાંય નહોતો દેખાતો.
 
લગભગ દોઢ કલાક સુધી જયદેવસિંહની શોધ ચાલી પણ એ ક્યાંય ના મળ્યો. આખરે બધાંને લાગ્યું કે શરમનો માર્યો એ એના દોસ્તોને પણ કીધા વગર ગામડે ઊપડી ગયો હશે. કોલેજનો સમય પૂરો થઈ રહ્યો હતો. ગુલાલ એન્ડ કંપની પાર્કિંગ તરફ જઈ રહી હતી ત્યાં જ કોલેજની પાછળ તરફથી કોઈકના ચીખવાનો અવાજ આવ્યો. ચીસ એટલી જોરદાર હતી કે કેમ્પસમાં ઉપસ્થિત તમામના કાનના પરદા ફાટી ગયા. આખું ટોળું કોલેજની પાછળના ભાગ તરફ દોડ્યું. ગુલાલ એન્ડ કંપની એમાં સૌથી મોખરે હતી. પણ ત્યાં પહોંચતાં જ બધાંના પગ નીચેથી જમીન સરકી ગઈ. કોલેજના પાછળના ભાગે આવેલી અવાવરુ‚જગ્યામાં એક ઝાડ હતું અને એ ઝાડ સાથે જયદેવસિંહ ઝાલાની લાશ લટકી રહી હતી. બાજુની દીવાલ પર માર્કર પેનથી લખાણ લખેલું હતું, ‘દરબારનો દીકરો છું, ધારત તો જડબાતોડ જવાબ આપી શકત. પણ તમે મજાક કરી રહ્યાં હતાં એટલે બોલ્યો નહીં. પણ આટલા મોટા અપમાનનો ભાર લઈ હું જીવી શકું એમ નથી એટલે આ દુનિયા છોડી રહ્યો છું. મારા મોત માટે કોઈને દોષ ના દેશો.... જયદેવસિંહ ઝાલા.’
 
ગુલાલ એક કારમી ચીસ પાડીને બેભાન થઈ ઢળી પડી.....
 
ક્રમશ: