‘ખડા રહા!... ‘અટલ’ હિમાલય... આંધી ઔર તૂફાનો મેં!’

    ૧૬-ઓગસ્ટ-૨૦૧૮

 
અટલજીના અવશાન સાથે ભારતીય પોલિટિક્સના એક યુગનો અંત આવ્યો છે. ભારતની આઝાદીના ૭૧ વર્ષમાં ૪૭ વર્ષ સુધી સસંદમાં રહી તેમણે દેશસેવા કરી. ભારતીય રાજનીતિનો ઇતિહાસ અટલજી વિના અધૂરો રહે. ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ ગ્વાલિયરમાં તેમનો જન્મ થયો. અને આજે એટલે કે ૧૬ ઓગષ્ટ ૨૦૧૮ના દિવસે તેમનું અવસાન થયું છે…ત્યારે આવો જાણીએ તમના જીવન વિષે…
 
પારિવારિક સંસ્કારનો લાભ અટલજીને મળ્યો…..
 
અટલજીને બાલ્યકાળથી જ પારિવારિક સંસ્કારનો લાભ મળ્યો. પિતાજી કૃષ્ણબિહારી પ્રકાંડ વિદ્વાન-વિદ્યાવ્યાસંગી અને કવિ હતા. અટલજીમાં કવિત્વનાં બીજ આમ પરિવારમાંથી જ વવાયાં... વિદ્યાર્થીકાળથી જ તેઓ ‘આર્ય કુમાર સભા’ના સક્રિય કાર્યકર્તા બન્યા. ગ્વાલિયરની વિક્ટોરિયા કાલેજમાં બી.એ. થયા. કાલેજ છાત્રસંઘમાં મંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે પણ ચુંટાયેલા. વાદ-વિવાદ પ્રતિયોગિતામાં અટલજી હંમેશા પ્રથમ રહ્યા. ગ્વાલિયરથી અલાહાબાદ તેઓ એક વક્તૃત્વ સ્પર્ધામાં પહોંચ્યા; પરંતુ ટ્રેઇન મોડી પડવાથી સ્પર્ધાને અંતે પહોંચ્યા. સ્પર્ધાના નિર્ણાયકોમાં હરિવંશરાય બચ્ચન પણ હતા. અટલજીને વક્તવ્ય માટે બોલાવ્યા. તેમણે મંત્રમુગ્ધ કરનાર વક્તવ્ય આપી, પ્રથમ પારિતોષિક મેળવ્યું.
 
અટલજીને આગરાની બાળકોની બેરેકમાં રાખવામાં આવેલા
 
અટલજી કાનપુરની ડી.એ.વી. કાલેજમાંથી રાજનીતિશાસ્ત્ર સાથે એમ.એ. પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા; ત્યાર પછી એલ.એલબી.ના અભ્યાસ દરમિયાન જ અટલજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ ગયા. સ્વાતંત્ર્ય સંગ્રામની 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં અટલજી સક્રિય રહ્યા. 24 દિવસનો જેલવાસ પણ બેઠ્યો. પરંતુ નાની વયના હોવાને લીધે અટલજીને આગરાની બાળકોની બેરેકમાં રાખવામાં આવેલા.
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્ણ સમયના પ્રચારક તરીકે અટલજીએ ભારતમાતાની સેવામાં પૂર્ણ સમર્પિત જીવનની પ્રતિજ્ઞા લીધી... આજીવન પ્રતિજ્ઞાનું પાલન પણ કર્યું. એટલેજ તો પ્રધાનમંત્રી બન્યા પછી, અમેરિકાના પ્રવાસ દરમિયાન; ત્યાંનાં મૂળ ભારતીઓ સમક્ષ અટલજીએ સૂચક ઉદ્ગારો પ્રગટ કરેલા : ‘મૈં ભારત કા પ્રધાનમંત્રી આજ હૂં... લેકિન કલ નહીં રહુંગા. લેકિન મેરા સ્વયંસેવક બને રહને કા અધિકાર જીવનભરકા હૈ... જિસે મુઝસે કોઈ છિન નહીં સકતા!’ 1946માં અટલજી લાડુઓની નગરી સંડીલામાં સંઘના વિસ્તારક તરીકે રહ્યા. ત્યાર પછી અટલજી લખનૌથી પ્રકાશિત ‘રાષ્ટ્રધર્મ’ના પ્રથમ સંપાદક બન્યા. એ જ રીતે ‘પાંચજન્ય’ સાપ્તાહિકનો લખનૌથી પ્રારંભ થયો; તેના સંપાદક તરીકે પણ અટલજીની જ નિયુક્તિ થઈ. આ બંને સામયિકો દ્વારા અટલજીએ એક સંનિષ્ઠ - પ્રભાવી પત્રકાર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી.
 

 
 
પ્રારંભનાં વર્ષોમાં પણ શ્રોતાવર્ગમાં સંમોહન જગાડતો.
 
1942માં અટલજી દસમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. તે વખતે લખનૌમાં કાલીચરણ કાલેજમાં રા.સ્વ.સંઘનો સંઘશિક્ષા વર્ગ હતો. એ વખતે અટલજીએ તેમની સુપ્રસિદ્ધ કાવ્યરચના ‘હિંદુ તન-મન હિંદુ જીવન, રગ-રગ હિંદુ મેરા પરિચય’નું ગાન તત્કાલીન સરસંઘચાલક પ.પૂ. ગુરુજીની ઉપસ્થિતિમાં કર્યું! ઉપસ્થિત સહુ કોઈ આ કાવ્ય-પઠનથી મંત્રમુગ્ધ થઈ ઊઠ્યા! કાવ્ય-પઠન વેળાએ અટલજીના વ્યક્તિત્વની વિશેષ-મુદ્રા, હવામાં હાથ લહેરાવી આંખો પટપટાવતા... ઓજસ્વી વક્તૃત્વ કલાનો પરિચય એ પ્રારંભનાં વર્ષોમાં પણ શ્રોતાવર્ગમાં સંમોહન જગાડતો. આ રીતે અટલજીના કરિશ્માઈ વ્યક્તિત્વ-સંમોહક નેતૃત્વનો પરિચય પ્રારંભથી જ જોવા મળે છે!
દૈનિક ‘સ્વદેશ’ના સંપાદક બન્યા
 
1950માં ફરીથી દૈનિક ‘સ્વદેશ’ના સંપાદક બન્યા પછી, લખનૌથી અટલજી દિલ્હી આવ્યા. અહીં ‘વીર અર્જુન’ના સંપાદક પણ બન્યા. આ વર્ષોની તેમની તેજસ્વી - સંતુલિત કલમથી, તેઓ પત્રકારિતા જગતમાં અને સાર્વજનિક જીવનમાં વિખ્યાત બન્યા.
 
21 આક્ટોબર, 1951માં ભારતીય જનસંઘની સ્થાપ્ના થઈ. ડા. શ્યામાપ્રસાદ મુખર્જી તેના સ્થાપક અધ્યક્ષ બન્યા. પં. દીનદયાળ ઉપાધ્યાયજી સાથે અટલજી પણ જનસંઘના આદ્ય સંસ્થાપકો પૈકી અગ્રણી રહ્યા. અટલજી ડા. મુખર્જીના અંગત સચિવ પણ બન્યા. આ રીતે અટલજીની ઉજ્જ્વળ રાજનૈતિક કારકીર્દિના પ્રારંભમાં ડા. મુખર્જી અને પં. દીનદયાળજીનું અનન્ય યોગદાન રહ્યું છે.
 
જ્યારે ડા. મુખર્જીએ તેમના ઐતિહાસિક કાશ્મીર સત્યાગ્રહ માટે પ્રસ્થાન કર્યું ત્યારે; પઠાણકોટથી જમ્મુ જવાના રાવી નદીના પુલ સુધી; અટલજી ડા. મુખર્જીની સાથે જ હતા. પૂર્વયોજના અનુસાર ડા. મુખર્જીએ અટલજીને સત્યાગ્રહમાં તેમની સાથે કાશ્મીર આવવાને બદલે; તેમના કાશ્મીર મિશનનો શેષ ભારતમાં પ્રચાર-પ્રસાર કરવા માટે; અટલજીને દિલ્હી પરત થવાનું સૂચન કરેલું; જે અટલજીએ બખૂબી નિભાવી જાણ્યું...
 
અને પાર્ટીએ અટલજીને એકી સાથે ત્રણ સ્થાનો ઉપર ચૂંટણી લડવાનો આદેશ આપ્યો
 
1953માં સત્યાગ્રહી ડા. મુખર્જીના કાશ્મીર જેલમાં થયેલા રહસ્યમય નિધનથી; સમગ્ર દેશે ઊંડો આઘાત અને આંચકો અનુભવ્યો. ડા. મુખર્જીના નિધન પછી ભારતીય જનસંઘનું દાયિત્વ પં. દીનદયાળજી અને અટલજીના સક્ષમ ખભા પર આવ્યું.
 
પં. દીનદયાળજી જનસંઘની ‘થિંક ટેંક’ હતા. ‘એકાત્મ માનવવાદ’ જેવા દર્શનથી દીનદયાળજીએ ભારતીય જનસંઘનું સાર્વજનિક જીવનમાં સન્માન્ય સ્થાન પ્રસ્થાપિત કર્યું. અટલજીએ તેમની સંમોહક નેતૃત્વકલાથી અને અપ્રતિમ વક્તૃત્વક્ષમતાથી; ભારતીય જનસંઘની રાષ્ટ્રવાદી વિચારધારાનો પ્રચાર-પ્રસાર આસેતુ હિમાચલ જનમનના હૃદય સુધી અત્યંત પ્રભાવી - યશસ્વી રીતે પહોંચાડ્યો.
 
1957માં બીજી લોકસભાની ચૂંટણીઓ આવી. એ વખતે ભારતીય જનસંઘ સમક્ષ પ્રભાવી ઉમેદવારો મેળવવાનું કઠિન હતું. પાર્ટીએ અટલજીને એકી સાથે ત્રણ સ્થાનો ઉપર ચૂંટણી લડવાનો આદેશ આપ્યો જેથી જનસંઘના વિચારો પ્રસરી શકે; જેમાં મથુરા, લખનૌ અને બલરામપુરનો સમાવેશ થાય છે. મથુરામાં અટલજીની ડિપોઝિટ પણ ગયેલી - સામે અપક્ષ ઉમેદવાર - ધુરંધર રાજા મહેન્દ્ર પ્રતાપ હતા; જેઓ કોંગ્રેસને હરાવી લોકસભામાં પહોંચેલા. લખનૌમાં ડિપોઝિટ તો બચી શકી; પરંતુ પરાજય થયો. જ્યારે બલરામપુરથી અટલજી સર્વપ્રથમ વાર લોકસભામાં ચૂંટાઈ આવ્યા.
 
અટલજીના હિન્દી સંભાષણની ખાસ નોંધ લેવાઇ…
 
1957માં આ રીતે અટલજીના સંસદ-પ્રવેશથી, ભારતના સંસદીય રાજકીય અધ્યાયમાં; એક સુવર્ણપૃષ્ઠનો ઉમેરો થયો. એ દિવસોમાં વર્તમાનપત્રો - પ્રેસ સંસદીય ચર્ચાના અહેવાલ માટે કેવળ અંગ્રેજીમાં થયેલાં ભાષણોને જ ધ્યાનમાં લેતા.
પરંતુ અટલજીનાં ઉત્તમ સંસદીય વ્યાખ્યાનો અને સંસદીય ચર્ચામાં સ્વસ્થ - સક્ષમ - સંતુલિત ભાગીદારીથી પ્રેસનું, મીડિયા જગતનું ધ્યાન આ તેજસ્વી વક્તા હિન્દીમાં વક્તવ્ય આપ્નાર સાંસદ અટલજી પર કેન્દ્રિત થયું. આ વાત એટલે મહત્ત્વની બની રહી કે, એક પ્રસંગે અટલજીના હિન્દી સંભાષણની ખાસ નોંધ લઈ, તત્કાલીન પ્રધાનમંત્રી પં. નહેરુજીએ; તેમના અંગ્રેજી પ્રત્યુત્તરના અંતે અટલજીને ખાસ ઉદ્દેશીને, કેટલાંક વાક્યો હિન્દીમાં ઉચ્ચારીને અટલજીનું બહુમાન કર્યું. મળતા અહેવાલ પ્રમાણે અટલજીનાં ત્યાર પછીનાં વર્ષોમાં સંસદનાં સંભાષણો અને તેમના સૌમ્ય - તેજસ્વી - સ્વસ્થ - શાલીન વ્યવહારથી પ્રસન્ન-પ્રભાવિત થઈ, સ્વયં પંડિત નહેરુજી બોલી ઊઠેલા કે, અટલજીમાં હું ભાવિ ભારતના યશસ્વી મહાનાયકને ઊભરતા જોઈ રહ્યો છું!
 
1957થી લઈ 2004 સુધીનું અટલજીનું સુદીર્ઘ સક્રિય સંનિષ્ઠ સંસદીય જીવન; ભારતીય સાર્વજનિક જીવનમાં અપૂર્વ બની રહ્યું... છેલ્લે 2004માં ચૂંટાઈ આવ્યા પછી... અને સત્તા ગુમાવ્યા પછી... અટલજીના સ્વાસ્થ્યના પ્રશ્ર્નો ગંભીર બન્યા... તેથી વીતેલો છેલ્લો દાયકો અટલજીના સાર્વજનિક જીવન ઉપર પર્દારૂપ ઘટના બની રહી; જેનું સમગ્ર દેશવાસીઓને ઊંડું દુ:ખ પણ છે.
 
૪૭ વર્ષનું સંસદીયજીવન…
 
1957થી 2004 સુધીનાં 47 વર્ષના... આશરે અર્ધશતાબ્દી સુધીના સુદીર્ઘ કાળખંડના કેનવાસ ઉપર અટલજીનું સંસદીય જીવન એક દંતકથારૂપ બની રહ્યું છે. 1957થી 1998 સુધી વિપક્ષના પ્રભાવી નેતા તરીકે (1996ના 13 દિવસના પ્રધાનમંત્રી પદના સુખદ ઇન્ટરવલને બાદ કરતાં) અટલજીએ સંસદીય ઇતિહાસમાં અમીટ છાપ મૂકી છે.
અટલજી 1977ની જનતા સરકારમાં; તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈની કેબિનેટમાં, વિદેશમંત્રી બન્યા અને ભારતના દ્ષ્ટિસંપ્ન્ન વિદેશમંત્રી તરીકે વિશ્ર્વવિખ્યાત બન્યા.
તો 1998થી 2004 સુધી ભારતવર્ષના પ્રધાનમંત્રી તરીકે આ સંસ્કારી - અજાતશત્રુ - રાજપુરુષે તમામ પક્ષો અને તમામ રાજકીય આગેવાનોનાં સ્નેહ-સન્માન મેળવ્યાં છે.
વિપક્ષમાંથી શાસક - પ્રધાનમંત્રી બનેલા સર્વપ્રથમ રાજપુરુષ છે.
 
અટલજી એન.ડી.એ.ના સર્વમાન્ય નેતા તરીકે 1998 અને 1999માં, બે વખત પ્રધાનમંત્રી બન્યા. અટલજી બિનકોંગ્રેસી ગોત્ર-વિશુદ્ધ વિપક્ષમાંથી શાસક - પ્રધાનમંત્રી બનેલા સર્વપ્રથમ રાજપુરુષ છે.
 
પ્રધાનમંત્રી અટલજીએ સ્વરાજને સુશાસનમાં રૂપાંતરિત કરવાનો મહાપુરુષાર્થ આરંભ્યો. આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, રોજગારવૃદ્ધિ, અર્થતંત્રમાં વૃદ્ધિ અને વિકાસ, સ્વર્ણિમ ચતુર્ભુજ - રાષ્ટ્રીય રાજમાર્ગો - એક્સપ્રેસ હાઈ-વે, ગ્રામીણ સડક યોજના, કાશ્મીર પ્રશ્ર્ને ઇન્સાનિયતને ધોરણે સહુ સાથે સંવાદ... પાકિસ્તાન સાથે મૈત્રીસંબંધો - લાહોર બસયાત્રા, આંતર્રાષ્ટ્રીય સંબંધોમાં ભારતની સમુદાર, સંતુલિત, સુસંવાદી વૈશ્ર્વિક દ્ષ્ટિનો પરિચય આપ્યો.
 
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સર્વપ્રથમ હિન્દીમાં ઉદ્બોધન કર્યુ…
 
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સર્વપ્રથમ હિન્દીમાં ઉદ્બોધન કરી, ભારતવર્ષનું ગૌરવ સંસ્થાપિત કરી; ભારતની વાણીને વિશ્ર્વમંચ ઉપર સુપ્રતિષ્ઠ કરી! ભારતની વિદેશનીતિ રાષ્ટ્રહિત સાધના સાથે, વૈશ્ર્વિક કક્ષાએ મિત્રવૃદ્ધિનું પણ કાર્ય કરી શકે છે એ સિદ્ધ કર્યું.
 
અટલજીનાં ચિરસ્મરણીય વક્તવ્યો અને કાવ્યોમાં રહેલી માનવીય સંવેદના, રાષ્ટ્રીય અભીપ્સા, વૈશ્ર્વિક દર્શન અને એક મેધાવી રાજપુરુષની; નવક્ષિતિજોના ઉઘાડની આસ્વાદ્ય ઝંખનાનો સંસ્પર્શ થઈ રહે છે. અટલજી જ્યારે સાર્વજનિક વક્તવ્ય આપતા હોય ત્યારે શ્રોતાઓમાં એવો ભાવ જાગે... કે જાણે આ નેતા આપણા હૃદયની જ વાણી ઉચ્ચારે છે. આ રીતે અટલવાણી એ રાષ્ટ્રવાણી બની રહી ! અટલજીને જાણવા, માણવા, સાંભળવા-જોવા એ એક સૂક્ષ્મતમ અનુભૂતિ, આનંદોર્મિ - ભાવસમાધિનો દિવ્ય આવિર્ભાવ બની રહે છે !
 
‘ભારતરત્ન’ અટલજી ૯૩માં વર્ષે હવે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી. તેમને શત્ શત્ નમન…..
 
મહાનુંભાવોના મુખેથી અટલજી વિષે….
 
શ્રી અટલ બિહારી વાજપેયી બધા જ અંધારાઓ વચ્ચે રોશનીનું એક કિરણ છે, તેઓ રાજનીતિથી ઉપર ઉઠીને માનવીય મર્યાદાઓને મહત્ત્વ આપે છે. - શ્રી ચંદ્રશેખર (પૂર્વ વડાપ્રધાન)
- - -
શ્રી અટલ બિહારી વાજપેયીના ભાષણમાં માત્ર વાદ-વિવાદ માટે તર્ક નથી હોતો, તેની પાછળ ઠોસ અને ઊંડો વિચાર હોય છે. - શ્રી કે. આર. નારાયણન (પૂર્વ રાષ્ટ્રપતિ)
 
અટલ એક વ્યક્તિનું નહિ, રાષ્ટ્રીય વિચારધારાનું નામ છે. ‘તેરા વૈભવ અમર રહે માઁ, હમ દિન ચાર રહે ન રહેં’-માં જ તેઓ જીવનની સાર્થકતા સમજે છે. - રાજમાતા વિજયારાજે સિંધિયા
- - -

અટલજીના વ્યકતવ્યોમાના કેટલાંક અંશો…..

 
યહી રાષ્ટ્ર-ભક્તિ કા મૂલ-મંત્ર હૈ...
 
‘ભારત કી ભૂમિ કોઈ જમીન કા ટુકડા નહીં હૈ... યહ તો જીતા જાગતા રાષ્ટ્ર-પુરુષ હૈ... હિમાલય મસ્તક હૈ... કશ્મીર કિરીટ હૈ... પંજાબ ઔર બંગાલ જિનકી ભુજાએં હૈ... વિંધ્યા કટિ-મેખલા હૈ... નર્મદા કરધની હૈ... પૂર્વી - ઘાટ ઔર પશ્ર્ચિમી ઘાટ જિનકી જંઘાએં હૈ... કન્યાકુમારી ચરણ હૈ... સાગર નિશદિન ચરણ ધૂલાતા હૈ... આષાઢ-સાવન કે કાલે...કાલે બાદલ જિનકી કુંતલ કેશ-રાશિ હૈ... યહ વંદન કી ભૂમિ, અભિનંદન કી ભૂમિ, યહ અર્પણ કી ભૂમિ, યહ તર્પણ કી ભૂમિ... યહ ઋષિ-મહર્ષિ - ત્યાગી - તપસ્વી - તીથંકરો કી પાવન ભૂમિ હૈ - યહી તો રાષ્ટ્ર-પુરુષ ગીતા મેં વર્ણિત વિરાટ પુરુષ કા જીતા - જાગતા અવતાર હૈ... યહી હમારી સપ્નોં કી દુનિયા હૈ... જીયેંગે તો ઉસી કે ખાતિર... ઔર અગર મરેંગે તો ભી ઉસી કે હી ખાતિર... યહી રાષ્ટ્ર-ભક્તિ કા મૂલ-મંત્ર હૈ... જિન્હેં લેકર હમ આગે ચલતે રહેંગે...! - અમદાવાદમાં રાયપુર - ઔદિચ્યવાડીની સભામાં 1961માં અટલજીના મુખેથી બોલાયેલા આ શબ્દો છે…
 
‘આજ પૂર્ણિમા હૈ... ઔર ગ્રહણ ભી... કોંગ્રેસ કા ચંદ્ર બઢતે-બઢતે પૂર્ણિમા તક પહુંચ ગયા... ઔર રાહુને ઉસે ગ્રસ ભી લિયા.... ભારતીય જનસંઘ દ્વિતીયા કે ચંદ્ર કી ભાંતી - છોટા હોતા હુઆ ભી ટેઢા ઔર તીખા હૈ... ઉસે રાહુ નહીં ગ્રસ સકતા... પૂર્ણિમા કે ચંદ્ર કો અતીત હોતા હૈ... લેકિન ભવિષ્ય નહીં હોતા; દ્વિતીયા કે ચંદ્ર કો ભવિષ્ય હોતા હૈ!’ - ડિસેમ્બર 1963માં ભારતીય જનસંઘનું અખિલ ભારતીય અધિવેશન અમદાવાદના કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડમાં સંપ્ન્ન થયું. એ પ્રસંગે અટલજીનું કાવ્યમય ઉદ્બોધન
 
- - -
‘હમ લડાઈ કે મૈદાનમેં કભી નહીં હારે. હમ દિલ્હી કે દરબાર મેં હારે હૈ... હમ યુદ્ધ મેં કભી નહીં હારે... હમ શાંતિ મેં હારે હૈ... હમ સંઘર્ષ મેં કભી નહીં હારે... હમ સંધિ મેં હારે હૈં!’ - 1966માં ’તાશ્કંદ કરાર’ વિરોધમાં અટલજી
- - -
‘‘યહ રાત્રિ જાગરણ રંગ લાયેગા...
રાત કટ જાયેગી, અંધેરા છટ જાયેગા..
સૂરજ નિકલ આયેગા... કમલ ખિલ જાયેગા...’’ (20 જૂન, 1991. અમદાવાદ - કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં મોડી શરૂ થયેલી ચૂંટણી પ્રચાર સભામાં રાત્રે 2 વાગ્યે).