ઉષ્ટ્રાસન : સાઈટિકાના દર્દમાં, સુવાવડ પછી, તાજી સુવાવડી માટે, પીઠના દુઃખાવામાં શ્રેષ્ઠ

    ૧૮-ઓગસ્ટ-૨૦૧૮

 
 
પરિચય :
 
ઉષ્ટ્રાસન. ઉષ્ટ્ર એટલે ઊંટ. આસન એટલે રોકાણ. આ આસનની પૂર્ણ સ્થિતિમાં શરીરનો દેખાવ ઊંટ જેવો થાય છે તેથી તેને ઉષ્ટ્રાસન કહે છે.
 
સાવચેતી :
 
પગના ઘૂંટણમાં અસહ્ય દર્દ થતું હોય તો, હાથના ખભાઓમાં પણ દર્દ થતું હોય તો, ડોક્ટર કે યોગ શિક્ષકની સલાહ લીધા પછી આસન અભ્યાસ કરવો.
 
સ્થિતિ :
 
વજ્રાસનની સ્થિતિ ગ્રહણ કરવી.
 
પદ્ધતિ :
 
વજ્રાસનમાં બેસો. પગના બન્ને ગોઠણ વચ્ચે એકાદ ફૂટનું અંતર રાખો. હવે પગના ગોઠણ ઉપર ઊભા થઈ જાવ. હવે જમણા હાથને ઉપર ઉઠાવી પાછળ લઈ જઈ જમણા પગની એડી ઉપર લઈ જાવ. એ જ રીતે ડાબા હાથને ઉપર ઉઠાવીને પાછળ લઈ જઈ ડાબા પગની એડી ઉપર લઈ જાવ.
 
આમ બન્ને હાથ બન્ને પગની એડી ઉપર ગોઠવાશે. શક્ય હોય તો બન્ને પગની એડીને દૃઢતાથી પકડી લો. શ્વાસ ભરતા ભરતા શરીરને કમરમાંથી ઊંચકો અને ધીમે ધીમે કમરને પેટ તરફ ખેંચો. મસ્તક પાછળ ઢાળી દો. ગોઠણથી મસ્તક સુધીનું શરીર એક કમાનની જેમ વળેલું રહેશે. આ અવસ્થામાં યથાશક્તિ રહો. આ પૂર્ણ સ્થિતિને ઉષ્ટ્રાસન કહેવામાં આવે છે.
પરત ફરવા માટે સૌ પ્રથમ વારા ફરતી બન્ને હાથને આગળ લાવો. ઘૂંટણ ઉપર ઊભા છો તેમાંથી વજ્રાસનમાં આવો. રિલીઝ તો રિલેક્સ થાવ.
 
ધ્યાનમાં રહે :
 
- પગના બન્ને ગોઠણ વચ્ચે એકાદ ફૂટનું અંતર રાખો.
- બન્ને પગની એડી નિતંબની લાઈનમાં રહે તેમ રાખો.
- પેટ અને છાતીને બંને તેટલા બહાર કાઢો અને મસ્તકને બંને તેટલું પાછળ વાળો.
પૂરક આસન : આ આસન પશ્ર્ચિમોત્તાનાસનનું પૂરક આસન છે. આગળ નમીને કરાતા આસનોનું પૂરક આસન છે.
 
ફાયદા :
 
- કમરનો દુખાવો દૂર થાય છે. કરોડરજ્જુની સ્થિતિ સ્થાપકતા વધે છે.
- છાતીનો વિકાસ થાય છે.
- ગળામાં આવેલ થાઈરોઈડ ગ્રંથિની કાર્યક્ષમતા વધે છે.
- પગના પંજા તથા ઘૂંટણના સ્નાયુઓ સ્વસ્થ બને છે.
- ચાલવાની શક્તિ વધે છે. શ્વાસની ક્ષમતા વધે છે.
- સાઇટિકામાં રાહત થાય છે.
- માથાનો દુઃખાવો મટે છે.
- લિવર, બરોળ અને પેન્ક્રિયાસ સ્વસ્થ અને કાર્યક્ષમ રહે છે.
- મહિલારોગના, પ્રજનનતંત્રના અવયવોને તંદુરસ્તીમાં સહાય કરે છે.
- ચરબી દૂર થાય છે.
 
રોગમાં શ્રેષ્ઠ :
 
સાઈટિકાના દર્દમાં, સુવાવડ પછી, તાજી સુવાવડી માટે, પીઠના દુઃખાવામાં.
 
એકાગ્રતા :
 
ચક્ર : વિશુદ્ધિ કે અનાહતચક્ર ઉપર અથવા જઠર, થાઈરોઇડગ્રંથિ, કરોડ ઉપર.
સેકન્ડ વેરિયેસન :
 
પ્રથમ પ્રકારમાં બન્ને હાથપગની એડી ઉપર રાખવામાં આવે છે. જ્યારે આ બીજા પ્રકારમાં બન્ને હાથની હથેળીને બંને પગની ઘૂંટી ઉપર અથવા ઢળેલા પગના પંજા ઉપર રાખવામાં આવે છે.