પ્રકરણ - ૮ : ગુલાલ માટે હવે બાપ એટલે વિધવા માની આંખોમાં થીજી ગયેલાં આંસુ

    ૨૨-ઓગસ્ટ-૨૦૧૮   

અઢારમી ઓક્ટોબરની એ કાળી રાત ગુલાલની આંખો સામે તરવરવા લાગી. બે દિવસ પછી મલ્હારને મળવાનો નશો વરાળ બનીને ઊડી ગયો અને છાતીના પેટાળમાં ઘગઘગતા લાવા જેવો વેદનાનો જ્વાળામુખી ખદબદવા લાગ્યો. અલ્લાદિનના ચિરાગે જાણે ગુલાલને ઊંચકીને સાત વર્ષ પાછળના કાલખંડમાં મુકી દીધી હતી. ગુલાલ અચાનક પચ્ચીસની સમજુ છોકરી મટીને અઢાર વર્ષની અલ્લડ ગર્લ બની ગઈ. ગુલાલની ખુલ્લી આંખ સામે બંધ ટીવીના એલ.ઈ.ડી સ્ક્રિન પર ભૂતકાળની થ્રીડી ઈમેજ પેશ થઈ. એ સમય, એ સંવાદો, એ વાતાવરણ, એ હવા, એ મોજ એ મસ્તી અને એ ચીસ. બધું વારાફરતી ગુલાલના બેડરૂમમાં ભજવાવા લાગ્યું. એ ભૂતકાળમાં સરી પડી.
 
***
 
સાત વર્ષ પહેલાંનો એક દિવસ. ‘કહું છું, ચાલોને, માઉન્ટ આબુ પણ જતા આવીએ.’ કૌશલ્યાબહેને એકદમ ધીમા અવાજે આંખના ખૂણામાં થોડો શૃંગાર ભરીને પતિ ધનરાજને કહ્યું. એમને હતું કે ગુલાલે નહીં સાંભળ્યું હોય પણ વાકય પૂરું થતાં જ ગુલાલ ઊછળી પડી, ‘વાઉ, ધેટ્સ ગ્રેટ! ડેડી, મારે પણ માઉન્ટ આબુ જવું છે.’
 
ધનરાજે પત્ની સામે ત્રાંસી નજરે થોડો ગુસ્સો સેન્ડ કર્યો પછી ગુલાલ સામે જોતાં કહ્યું, ‘બેટા, અત્યારે નહીં. દિવાળી સામે છે. ઓફિસમાં બહુ કામ છે. આપણે દિવાળી પછી વીસ દિવસની ટૂર ગોઠવીશું બસ! પણ અત્યારે નહીં.’
‘નો, દિવાળી પછી નહીં! તમે દર વરસે કહો છો પછી માંડ એક દિવસ ક્યાંક મંદિરે લઈ જઈને વર્લ્ડ ટૂર કરાવી હોય એવો રોફ કરો છો.’ અઢાર વર્ષની ગુલાલે ડેડી સામે મોં મચકોડ્યું.
‘પણ બેટા, સમજવાની કોશિશ કર!’
‘નો, નેવર!’ ગુલાલ સ્કર્ટમાંથી દેખાતા વેલ જેવા પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ.
‘જોયું, આ બધું તારા કારણે થયું!’ ગુલાલ ગઈ તરત જ ધનરાજ પત્ની કૌશલ્યા પર વરસી પડ્યા, ‘તું પહેલાં ફક્ત મા અંબાજીના દર્શન કરવાનું કહીને લાવી અને હવે માઉન્ટ આબુની વાત કરે છે. તેં વાત જ ના કાઢી હોત તો ગુલાલ આમ રિસાત નહીં યાર!’
 
કૌશલ્યાબહેને એમની એકતાલીસી આંખોમાં રોમાન્સ અને શરમ ઉમેરીને કહ્યું, ‘પણ ચાલોને, આપણે પણ એ બહાને થોડો એન્જોય કરી લઈશું. મને તો યાદ પણ નથી કે ક્યારે તમારી સાથે પેટ ભરીને વાતો કરી હશે. તમને યાદ છે ખરું કે છેલ્લા આઠ મહિનામાં ક્યારે તમે દસ મિનિટ બેસીને મારી સાથે સરખી વાત કરી છે? ચાર મહિના તો તમે વિદેશ ટૂર પર જ રહ્યા છો અને બાકીના દિવસમાં પણ સવારે આઠ વાગે ઘરમાં નથી હોતા અને રાત્રે બાર પહેલા ઘરમાં નથી આવતા. મારે પણ જીવ હોય. હું કાંઈ ઘરડી નથી થઈ ગઈ. મારે પણ અરમાનો હોય, મોટા બંગલાના પિલર ગમે તેવા આરસે મઢ્યા હોય એ પીલરો પુરુષનાં ખભા જેટલા સુંવાળા ક્યારેય નથી બની શકતા, ધનરાજ! એના ટેકે માથું મૂકીને મનનો ભાર હળવો નથી કરી શકાતો. મારે તમારા સાથની જરૂર છે, ટેકાની જરૂર છે, હૂંફની જરૂર છે. કૌશલ્યાબહેન લાંબુલચ્ચ બોલી ગયાં. ધનરાજને પણ ત્યારે જ ખ્યાલ આવ્યો કે બિઝનેસની દોડધામમાં તેઓ પત્ની તરફનું મહત્વનું કર્તવ્ય તો ભૂલી જ ગયા હતા. એમને ભાન થયું કે પતિની ફરજ માત્ર પત્નીના પેટની કે દેહની ભૂખ ભાંગવાનું જ નથી હોતું પણ એના મનની ભૂખ ભાંગવાનું પણ હોય છે.
 
અંબાજીની એક આલિશાન હોટેલનો સ્યુટ હતો. ગુલાલ એના રૂમમાં હતી અને ધનરાજ અને કૌશલ્યા સવારની મીઠી ચા માણી રહ્યાં હતાં. પત્નીની વાત સાંભળીને ધનરાજના મનમાં પણ રોમાંચ અને રોમાંસ છવાઈ ગયો. એમના બેતાલીસ વર્ષના શરીરમાં સંકોચાઈને બેઠેલો પુરુષ એક ઝાટકા સાથે ઊભો થઈ ગયો. એમણે એકતાલીસ વર્ષેય તલવારની ધાર જેવી દેખાતી પત્નીને નજીક ખેંચી, ‘તારી વાત સાચી છે, કૌશલ્યા! ચાલ, માઉન્ટ આબુ નહીં આપણે કાશ્મીર જઈએ. તું કહે એટલી વાતો કરીશું અને વાતોથી ધરાઈ જઈશું પછી રાતો કરીશું.’
 
‘છોડો, હવે! આ બેડરૂમ નથી, બાલ્કની છે. અને જે કરવું હોય એ માઉન્ટ આબુ જઈને કરજો.’ કૌશલ્યાએ ઝાટકો મારીને પોતાની જાતને પતિના પંજામાંથી છોડાવી લીધી. પણ પંજામાંથી છૂટી એ તો માત્ર સ્થૂળ કાયા હતી, બાકી આત્મા અને મન તો હજુ એ પંજામાં જ માઉન્ટ આબુની એકાંતની ક્ષણોની રાહ જોતું બેસી રહ્યું હતું.
 
હોટેલના સ્યૂટમાં એક ડ્રોઇંગરૂમ હતો અને બે બેડરૂમ. ગુલાલ બીજા રૂમમાં હતી. કૌશલ્યાને છોડીને ધનરાજ દીકરીને મનાવવા ગયા. ગુલાલ હજુ મોં મચકોડીને બેઠી હતી, ધનરાજે ગંભીર મોં રાખીને એને કહ્યું, ‘બેટા, આઈ. એમ. સોરી! માઉન્ટ આબુ તો નહીં જ જઈ શકાય! ગુલાલનું મોં અત્યારે અંગારા જેવું હતું અને વાણી પણ, ‘મારે આવવું પણ નથી તમારી સાથે. અત્યારે પણ નહીં અને પછી પણ નહીં. પ્લીઝ લીવ મી અલોન...ડેડ!’
‘પણ મારી વાત તો સાંભળ, બેટા!’
‘પ્લીઝ ડેડ, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મારું મગજ ખરાબ છે!’
‘હું એમ કહેવા માંગુ છું કે આપણે માઉન્ટ આબુ નથી જવું, સીધા કાશ્મીર જ જઈએ. એ પણ અઠવાડિયા માટે.’
‘હેં!’ ધનરાજના એક જ વાક્યે ગુલાલના ચહેરા પરથી અંગારા દૂર થઈ ગયા અને વસંતનાં ફૂલો આવીને બેસી ગયાં. એ ઊછળી પડી, ‘ઓહ, ડેડ, તમે કેટલા સારા છો. પણ યાર, એક પ્રોબ્લેમ છે. હું કપડાં તો પૂરતાં લાવી નથી.’
‘તો શું થઈ ગયું, હું પૈસા પૂરતા લાવ્યો છું. ચાલ, નવાં લઈ લઈએ.’
અચાનક ટૂર ગોઠવાઈ ગઈ. કૌશલ્યાબહેન અને ગુલાલનો ઉત્સાહ એમના મનમાં સમાતો નહોતો. ડ્રાઇવર સાથેની હોન્ડા સિટી સાથે હતી. નક્કી એવું થયું કે પહેલાં માઉન્ટ આબુ એક રાત રોકાઈને પછી જ આગળ જવું.
 
અઢારમી ઓક્ટોબરના રોજ સવારે સાત વાગે ત્રીપુટી માઉન્ટ આબુ પહોંચી ગઈ. પછી શરૂ થઈ એમની રખડપટ્ટી. નખી લેક, દેલવાડાનાં દેરાં, સ્યૂસાઇડ પોઇન્ટ, ગુરુશિખર અને બ્રહ્માકુમારી થઈને સાંજે સનસેટ પોઇન્ટ પર.
ક્ષિતિજ લાલ રંગે રંગાઈ ગઈ હતી. દિવાળી પહેલાંનો સમય હતો એટલે સનસેટ પોઈન્ટ પર બહું ભીડ નહોતી. પાંચ-સાત છૂટાછવાયાં કપલ્સ ખૂણેખાંચરે બેઠાં હતાં. કોઈ હાથમાં હાથ પરોવીને બેઠું હતું તો કોઈ હોઠમાં હોઠ પરોવીને. ગુલાલ ડુબી રહેલા સૂરજને એના ટચૂકડા ડિજિટલ કેમેરામાં ઝડપવામાં મશગૂલ હતી. ધનરાજ અને કૌશલ્યા હાથમાં હાથ નાંખીને એક ઊંચા પથ્થરની ધાર પર બેઠા હતા. સામે દૂર દૂર સુધી ઉંચા ઉંચા પહોડો હતા અને નીચે કાળીડિબાંગ ખીણો પથરાયેલી હતી. કૌશલ્યાએ નીચે નજર કરી, ‘ખીણ બહું ઊંડી છે નહીં ?’
‘હા, ઊંડી તો છે પણ તારા ગાલનાં ખંજન જેટલી નહીં.’
‘શું તમેય! કૌશલ્યાબહેન શરમાઈ ગયાં. ધનરાજે એમને નજીક ખેંચ્યાં. એ સહેજ ઝાટકો મારીને દૂર ખસી ગયાં, ‘જુવાન છોકરી સાથે છે, જરા શરમ રાખો.’
‘તું પણ ખરી છે હોં! એક તો પોતે જ અહીં લાવી છે અને હવે દૂર ખસવાની વાત કરે છે.’
‘હા, પણ લાવી છું એટલે કાંઈ બધાના દેખતાં વળગી થોડું પડાય ? ઉંમરનો તો વિચાર કરવો પડે ને!’
‘ઉંમરને અને રોમાન્સને કાંઈ લેવા-દેવા નથી હોતી. શરીર ઘરડું થાય, દિલ કાંઈ થોડું ઘરડું થાય! ધનરાજે ફરી એમને નજીક ખેંચ્યા, ‘હાથમાં હાથ તો આપ.’ ફરીવાર કૌશલ્યાબહેને હાથ છોડાવી લીધો, ‘સાચુ જ કહ્યું છે મેન્સ આર નોટી એટ ફોર્ટી.’
‘એ તો સાચું છે પણ વુમન્સ નોટી ના થતી હોય તો પુરુષે એકલાએ નોટી થઈને શું તબલાં વગાડવાનાં ?
‘ના મંજીરા!’ કૌશલ્યાએ મજાક કરી અને ખડખડાટ હસવા લાગી. ત્યાં જ દૂર ઉભેલી ગુલાલ નજીક આવી ગઈ,
‘મોમ, ડેડ, આ તરફ જુઓ હું તમારો ફોટો પાડું છું. અને મોમ, આમ જ ખડખડાટ હસતી રહેજે. બહુ સુંદર લાગે છે. તમારા બંનેનો એક કલોઝઅપ સીન લઈ લઉં.’
 
બંનેએ સ્માઈલ આપ્યુ. ફોટો પડી ગયો. ગુલાલે ફરી કહ્યું, ‘ચાલો, હવે ઉભા થઈ જાવ અને પાસેપાસે ઊભાં રહો, જલદી કરો. સનસેટ થઈ જાય એ પહેલાં સેટ થઈ જાઓ. હું તમારો ફુલફ્રેમ ફોટો પાડી લઉં.’
 
કૌશલ્યા અને ધનરાજ ઊભાં થયાં. ગુલાલ લોંગ સીન લેવા માટે દૂર જવા પાછળ ફરીને ચાલવા લાગી. માંડ બે-ચાર ડગલાં ચાલી હશે ત્યાં જ એક જોરદાર ચીસ આવીને એના કાનના પરદા ફાડી ગઈ. એ ચીસ એની મમ્મીની હતી. ગુલાલે પાછળ જોયું. મમ્મી એકલી જ હતી. પપ્પા નહોતા. મમ્મી ખીણની દિશામાં આંખો અને મોઢું ફાડીને જોઈ રહી હતી અને નખી લેકના જળ અને વેરાન ખીણ ખળભળી ઊઠે એવી ચીસ પાડી રહી હતી. ગુલાલ તો અચાનક થઈ ગયેલા આ હાદસાને લીધે જાણે જડ બની ગઈ હતી. ધનરાજનો પગ લપસ્યો હતો અને એ ઊંડી ખીણમાં ગરક થઈ ગયા હતા. ગુલાલનું મન માનવા તૈયાર નહોતું કે હમણાં જ ‘સ્માઈલ પ્લીઝ’ કહીને એ જેને હસાવી રહી હતી એ ‘ક્રાય પ્લીઝ’ની સૂચના આપ્યા વગર જ આખી જિંદગી માટે રડતા મૂકીને ચાલ્યા ગયા હતા.
 
***
 
અચાનક બાજુના રૂમમાં કંઈક અવાજ થયો. ગુલાલ સાત વર્ષ પહેલાંનું માઉન્ટ આબુ છોડીને એક ઝાટકે એના રૂમમાં આવી ગઈ. સામે કેલેન્ડર હજુ ફરફરી રહ્યું હતું. આવતી કાલે એના પિતાની સાતમી પુણ્યતિથિ હતી. આજથી સાત વર્ષ પહેલાંની અઢારમી તારીખે એના પિતા માઉન્ટ આબુની ખીણમાં લપસીને હંમેશાં માટે એમને છોડી ગયા હતા. ગુલાલના ગળામાં ડૂમો બાઝી ગયો. હજુ એ દૃશ્યો એની સામે છૂટાંછવાયાં ભજવાઈ રહ્યાં હતાં. માંડ માંડ મળેલી પપ્પાની લાશ, પપ્પાની લાશ જોઈને બેભાન થઈ ગયેલી મમ્મી, એમનો અગ્નિસંસ્કાર, મમ્મીના શરીર પરથી આભૂષણોનું અને રંગીન કપડાંનું ઊતરવું, એના સેંથામાંથી ભૂંસાતું સિંદૂર અને પોતાના માથેથી હંમેશાં માટે ઊઠી ગયેલો બાપનો હાથ. હવે એના માટે ‘બાપની વ્યાખ્યા વિધવા માની આંખોમાં થીજી ગયેલાં આંસુ જ હતાં.
ફરીવાર બાજુના રૂમમાં અવાજ થયો. ભીંજાયેલું ઓશીકું સાઇડમાં મૂકીને ગુલાલ ઊભી થઈ. બાજુના રૂમમાં ગઈ. ત્યાં પણ ચોમાસું જામ્યું હતું. કૌશલ્યાબહેન સફેદ સાડીના પાલવ વડે પતિની તસવીર લૂછી રહ્યાં હતાં પણ એમની આંખ લૂછવાની બાકી હતી. ગુલાલ જઈને મમ્મીને વળગી પડી. ચોમાસું બેવડાયું.
‘બેટા, મેં જ માઉન્ટ આબુ જવાની જીદ ના કરી હોત તો તારા પપ્પા અત્યારે આપણી વચ્ચે હોત.’
‘મમ્મી, જીદ તારી એકલીની જ નહીં, મારી પણ હતી.’
બંને સ્ત્રીઓ ધનરાજના મોત માટે પોતાને જવાબદાર માની રહી હતી. પણ આખરે તો આ બધી ધમાલ કાળદેવતાની જ હતી. વરસાદ સવાર સુધી ખાબકતો રહ્યો. મોટા ઘરમાં, રૂપિયાની રેલમછેલ વચ્ચે ઊછરતી બે સ્ત્રીઓની આંખો સાંબેલાધાર વરસી રહી હતી. એક સ્ત્રીની આંખોમાંથી પતિનો અભાવ ખાબકી રહ્યો હતો અને બીજી સ્ત્રીની આંખોમાંથી પિતાનો અભાવ.
બીજા દિવસે ગુલાલના ઘરમાં ભજન ગોઠવાયાં. બ્રહ્મભોજન થયું. સવારે નિખિલ, એનાં મમ્મી અને અંતરા જેવાં બે-ચાર અંગત સગાં-વ્હાલાંઓ આવીને મા-દીકરીને આશ્વાસન આપી ગયાં. સાંજે ગુલાલ અને એની મમ્મી શહેરના વૃદ્ધાશ્રમો અને અનાથાશ્રમોમાં જઈને લાખો રૂપિયાનું દાન આપી આવ્યાં. એની મમ્મીએ વિધવાસહાય માટે પણ લાખ્ખો રૂપિયાનું દાન કર્યું.
એ રાત માંડ માંડ વીતી. બીજા દિવસે સવારે ગુલાલ ઓફિસ ગઈ, મલ્હાર સાવ ભુલાઈ જ ગયો હતો. એણે‚રૂટીન કામ પતાવીને પછી મેઈલ ચેક કર્યું. મલ્હારના ચાર-પાંચ મેઈલ હતા. છેલ્લો મેસેજ આજે સવારે આઠ વાગ્યાનો જ હતો. એ લખતો હતો, ‘ક્યાં ખોવાઈ ગઈ છે, યાર? કાલે આખો દિવસ તારો કોઈ મેઈલ ના આવ્યો, મેસેજ ના આવ્યો, તારો સેલ પણ સ્વીચ ઓફ હતો. આપણે બે દિવસ પછી મળવાનું છે અને તારો કોન્ટેક્ટ બંધ થઈ ગયો. મારો તો જીવ ગભરાય છે. યુ નો દિલ તો બચ્ચા હૈ.... બિચારું ફફડી રહ્યું છે. મળવાની તો છે ને?’
 
મલ્હારનો મેઈલ વાંચીને ગુલાલને યાદ આવ્યું કે એણે ગઈ કાલે સવારથી જ મોબાઈલ સ્વીચ ઓફ કરી નાંખ્યો હતો. એણે પહેલું કામ મોબાઈલ સ્વીચ ઓન કરવાનું કર્યુ. પછી એણે મલ્હારને મેઈલ કર્યો,‘ચોક્કસ મળીશું. હું થોડી કામમાં હતી!’
એણે આ શબ્દો તો લખી નાંખ્યા પણ એના મનમાં તો અત્યારે બીજા જ કોઈ સંવાદો ચાલી રહ્યા હતા. એ સ્વગત બબડી રહી હતી, ‘હા, મલ્હાર મળવાનું જ છે. જરૂરથી મળવાનું છે, કારણ કે મારા ઘરમાં હવે એક પુરુષની જરૂર છે અને એ પુરુષ તું જ હોઈશ.
ક્રમશ:
 
અન્ય પ્રકરણ વાંચવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો....