પ્રકરણ - ૯ : ઉમ્ર લગી કહેતે હુએ, દો લબ્ઝ થે ઇક બાત થી

    ૨૩-ઓગસ્ટ-૨૦૧૮   

 
એકવીસમી તારીખ. ગુલાલ મુંબઈ પહોંચી ગઈ હતી. સાંજના સાડા પાંચ વાગ્યા હતા. ઇન્ટરનેશનલ સોફ્ટવેર સેમિનારનો ફર્સ્ટ ડેનો પ્રોગ્રામ પતાવીને ગુલાલ તાજ હોટેલના સ્યૂટ નંબર ત્રણસો ત્રણમાં આઈના સામે ઉભી ઉભી અલગ અલગ ડ્રેસિસ ટ્રાય કરી રહી હતી. એણે લેવીસનું પેન્સિલ હિલ જિન્સ અને ટોપ પહેરી જોયું, સ્કર્ટ અને લુઝ ટી-શર્ટ પણ પહેરી જોયું. પણ ઢગલાબંધ બ્રાન્ડેડ વુમન્સ વેર્સમાંથી આજે એને એકેય પસંદ નહોતાં આવતાં. મલ્હાર સામે કયાં કપડાં પહેરીને જાઉં તો એને સારી લાગીશ એ વિચારવામાં જ એણે કલાક કાઢી નાંખ્યો હતો. આખરે એણે બ્રાન્ડેડ લેગીઝ અને પીન્ક કલરનું એમ્બ્રોઇડરીવાળું સ્કિનફિટ ટોપ પહેર્યું. ત્વચા પર ડેનિમનું બોડી સ્પ્રે તો પહેલેથી જ છાંટેલું હતું. કપડાં પર પણ જેસીકા મેક-ક્લીન્ટોકનું પરફ્યૂમ છાંટી દીધું. સીલ્કી લેયર કટ હેરને ખુલ્લા જ છોડી દીધા. મહાબળેશ્ર્વરની ચેરી જેવા હોઠ પર ડિઓર બ્રાન્ડની આછા પિન્ક કલરની લિપસ્ટિકનો લસરકો મારી લીધો અને માંજરી આંખોને બ્લેક આઈ લાઇનર વડે ધાર કાઢી લીધી.
 
છ વાગવામાં દસ મિનિટની વાર હતી. ગુલાલ ગેટ વે ઓફ ઇન્ડિયાની સામે પાળી પાસે ઊભી હતી. આસપાસના લોકો એને જોઈને આહ પોકારી રહ્યા હતા. આટલી સુંદરતા એમણે ફિલ્મના પરદા પર પણ નહોતી જોઈ. એ મલ્હારને શોધવા આમ તેમ નજર દોડાવી રહી હતી. પાંચ મિનિટ થઈ ગઈ. એ મલ્હારનો સેલ નંબર લગાવવા જ જતી હતી ત્યાં એક છોકરો સામે આવીને ઉભો રહી ગયો.
 
‘હાય, આઈ. એમ મલ્હાર!’ ગુલાલે શેક હેન્ડ માટે હાથ લંબાવતાં એની સામે જોયું. સાવ સાદા બ્લ્યૂ જિન્સ અને બોટલ ગ્રીન ટી-શર્ટમાં સજ્જ મલ્હાર પરથી એની નજર હટી જ નહીં. આજ સુધી એ એને તસવીરમાં જ જોતી આવી હતી. આજે પહેલી વાર એ સદેહે એની સામે ઊભો હતો. એ સહેજ શ્યામ હતો પણ એનું વ્યક્તિત્વ આંજી દે તેવું હતું. એકદમ ઊંચો, મોટી આંખો, કસાયેલું શરીર, આછી આછી દાઢી અને બાંધી દો તો ચોટલો વળાઈ જાય એવા લાંબા હેર. ગુલાલને લાગ્યું પોતે ખોટી તૈયાર થવામાં આટલી બધી મહેનત કરતી હતી. આ છોકરો જો, જેવો છે એવો જ સામે આવી ગયો.
 
મલ્હારને પણ ખબર નહોતી પડતી કે શું બોલવું. તસવીર કરતાં ગુલાલ અનેકગણી સુંદર અને આકર્ષક લાગતી હતી. એ માંડ માંડ બોલી શકયો, ‘ચાલો, આપણે ત્યાં પાળી પર બેસીએ.’
‘ના!’ ગુલાલે ધીમેથી કહ્યું, ‘પહેલાં મહાલક્ષ્મી મંદિરે જઈએ...’
 
ગુલાલની ગાડીમાં બંને મંદિરે પહોંચ્યાં. ગુલાલ ક્યાંય સુધી બે હાથ જોડીને ઉભી રહી. મલ્હાર મહાલક્ષ્મીની સામે જોવાનું ભૂલીને એને જ જોઈ રહ્યો હતો.દર્શન પતાવીને બહાર નીકળતાં મલ્હારે પૂછી લીધું, ‘હવે ક્યાં જઈશું?
‘જુહુ બીચ!’ ગુલાલે ટૂંકમાં જ કહ્યું, પહેલી મુલાકાત હતી. કોઈના હોઠ નહોતા ખૂલતા. બહાર આવી ગાડીમાં ગોઠવાઈ ગયા. ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો. બંને બેક સીટ પર બેઠાં હતાં. ગાડીના ડી.વી.ડી પ્લેયર પર સોંગ ચાલી રહ્યું હતું, અને ગુલાલ એમાં ડૂબી રહી હતી.
 
‘તુમ જો આયે, જિંદગીમેં બાત બન ગઈ,
ઈશ્ક મજહબ, ઇશ્ક મેરી જાન બન ગઈ,
સપને તેરી ચાહતોં કે દેખતી હૂં અબ કઈ,
દિન હૈ સોના ઔર ચાંદી રાત બન ગઈ...
 
***
 
જુહુનો દરિયાકિનારો હતો. સન પાણીની ક્ષિતિજે સેટ થઈ રહ્યો હતો. ગુલાલ અને મલ્હાર ભીની રેતીમાં પગ પલાળતાં બેઠાં હતાં. હજુ ખાસ શબ્દોની આપ-લે થઈ નહોતી. બંને ચૂપચાપ બેઠાં હતાં. અચાનક ગુલાલે હળવેકથી કહ્યું, ‘મલ્હાર આઈ લવ યુ... આઈ.વોન્ટ ટુ મેરી યુ.’
 
મલ્હારે ગુલાલનો હાથ એના હાથમાં લીધો અને બોલ્યો, ‘મારી સામે જો ગુલાલ!’ ગુલાલે, સામે જોયું, મલ્હારે અમેરિકન રોઝીસનું બુકે ઊંચકતો હોય એમ ગુલાલના ચહેરાને બંને હાથે ઉંચકયો અને પાસે લાવીને કપાળ પર ચુંબન કર્યું, ‘લવ. યુ ટુ ગુલાલ!’ ગુલાલ શરમાઈ ગઈ. મલ્હારે એને આગોશમાં લઈ લીધી. બંનેના શ્વાસ પતંગની દોરી જેમ એકમેકના શ્વાસ સાથે ગૂંચળું વળી ગયા. હોઠ અને નજર બંને મૌન બની ઊછળતા સાગરને તાકી રહ્યા. દૂર વડાપાંઉની લારી પર ચાલી રહેલા ગીતના શબ્દો સાગરના ઘુઘવાટ સાથે મિક્ષ થઈ કાનમાં ઠલવાઈ રહ્યા હતા, ‘ધાગે તોડ લાઓ ચાંદની કે નૂર કે, ઘૂંઘટ હી બના લો રોશની કે નૂર સે
 
શરમા ગઈ તો આગોશ મેં લો, સાંસો સે ઉલઝી રહે મેરી સાંસે...
બોલ હલકે હલકે... બોલ હલકે...
ઉમ્ર લગી કહેતે હુએ, દો લબ્ઝ થે ઈક બાત થી
વોહ ઈક દિન સો સાલ કા, સો સાલ કી વો રાત થી
કૈસા લગે જો ચૂપચાપ દોનોં, પલ પલમેં પૂરી સદીયાં બીતા દે..
બોલના હલકે ... હલકે…’
 
ગીતના શબ્દો બંનેના શરીરમાં જબદસ્ત ઉન્માદ ભરી રહ્યા હતા. એ એકબીજાને ચપોચપ વળગી પડ્યાં. બરાબર એ જ વખતે એમનાથી વીસ જ ફૂટ દૂર નિખિલ ઊભો હતો. આ દૃશ્ય જોઈને એ સળગીને રાખ થઈ ગયો.
 
***
 
બીજા દિવસે સવારે સેમિનારના લંચ બ્રેકમાં નિખિલે ધીમેથી ગુલાલને કહ્યું,‘ગુલાલ, મને લાગે છે તું ખોટા રસ્તે જઈ રહી છે. આ વખતે તેં રૂમ પણ જુદો બુક કરાવ્યો છે. કાલે મેં તને એક છોકરા સાથે જોઈ હતી. મને એ છોકરો બરાબર નથી લાગતો. ક્યાંક તું એની સાથે...!’ મલ્હારે અધ્યાહાર છોડી દીધો.
 
ગુલાલ તપી ગઈ, ‘હું કયાં અને કોની સાથે જાઉં છું એની પંચાત તારે કરવાની જરૂર નથી સમજ્યો, માઈન્ડ યોર ઓન બિઝનેસ! દ્રાક્ષ ના મળી એટલે ખાટી છે એમ ને!’
 
‘ના એમ નહીં, દ્રાક્ષનો ઉપયોગ માંદા દર્દીને ખાવા માટે થતો હોય તો વાંધો નથી પણ દારૂ બનાવવામાં થાય છે એટલે કીધું. તું મારા વિશે ગલત સમજી રહી છે.’
‘શટ અપ.... એન્ડ ગેટ લોસ્ટ!’
‘ગુલાલ, તું મારું અપમાન કરી રહી છે. તને આ મોંઘું પડશે.... નિખિલ પગ પછાડતો જતો રહ્યો.
 
***
 
બોરીવલીના રેલવે સ્ટેશન પર મલ્હાર સાંજની ચાર વાગ્યાની લોકલ ટ્રેનની રાહ જોઈને બેસી રહ્યો હતો ત્યાં જ કેશવે આવીને એને ધબ્બો માર્યો, ‘ભાઈસાહેબ, બે દિવસથી સાયબર કાફેમાં કેમ નથી દેખાતા ?’
‘હવે, સાયબર પર ચેટિંગ કરવાની જરૂર નથી રહી માટે. ગુલાલ જ અહીં આવી છે દોસ્ત!’
‘શું વાત કરે છે તારી પેલી ચેટિંગવાળી ફ્રેન્ડ?’
‘હા, હોટેલ તાજમાં રોકાઈ છે. સોફટવેર કંપનીની સીઈઓ છે, સમજ્યો ? હા, હવે બહુ દિવસ હું આ લોકલ ટ્રેનમાં કે ખખડી ગયેલા સાયબર કાફેમાં નહીં રહું.’ કેશવને ઈર્ષા આવી રહી હતી. પણ એણે ચહેરા પર કળાવા ના દીધી, સામે તો એ કાંઈ ના બોલ્યો પણ મનમાં ને મનમાં બોલી ગયો, ‘તેં તો સોનાના ઈંડા આપનારી મુર્ગી ફસાવી છે દોસ્ત!’
 
***
 
ગુલાલ અને મલ્હાર રોજ મળતાં. રોજ સાંજે જુહુના દરિયાકિનારે કલાકો સુધી બેસી રહેતાં. પછી ડિનર સાથે લેતાં અને રાત્રે બાર કે એક વાગે છૂટાં પડતાં. ગુલાલ એની હોટેલ પર જતી અને મલ્હાર એના ફ્લેટ પર.
 
‘ગુલાલ, તારા વિશે વધારે જણાવ!’ એક મુલાકાતમાં મલ્હારે એને પૂછ્યું. ‘વધારે તો શું કહું, પૈસા બહુ છે પણ પપ્પા નથી. વિધવા મમ્મી સાથે અમદાવાદમાં રહું છું. માઉન્ટ આબુના પ્રવાસ વખતે અકસ્માતે પપ્પા ગુજરી ગયા ત્યારે હું અઢારની હતી. ડિપ્લોમાના ફર્સ્ટ યરમાં હતી. એ પછી મમ્મીએ જ બિઝનેસ સંભાળેલો. ભણેલીગણેલી ખરી એટલે સોફ્ટવેરના બિઝનેસમાં ચાંચ ડૂબતાં વાર ના લાગી. સાથે અમારા બિઝનેસ પાર્ટનર હતા એટલે વાંધો ના આવ્યો. પછી મેં આઈ.આઈ.ટી. જોઈન કર્યુ. મે તને કહ્યુંને કે મારા લીધે રેગિંગના કારણે એક છોકરાએ આત્મહત્યા કરી લીધી હતી. બસ એ પછી હું સિરિયસ થઈ ગઈ. એ વખતે આઈ.આઈ.ટીમાં થર્ડ યરમાં હતી. બે વર્ષ બાકી હતાં. છતાં ઓફિસ જોઇન કરી લીધી. હજુ ગઈ સાલ જ બી.ઈ કમ્પલીટ કર્યુ. મમ્મી કંપનીની માલિક છે, નિખિલ ભટ્ટ પાર્ટનર છે અને હું સી.ઈ.ઓ. છું. બાકી આટલી નાની એજમાં કોણ આટલી મોટી જવાબદારી સોંપે. બસ, બાકી બધું રૂટીન ચાલતું હતું. મમ્મી, ઘર અને ઓફિસ. પણ તું આવ્યો એટલે લાઇફ સેલિબ્રેટ કરવાનો ઉત્સાહ આવ્યો છે. છેલ્લાં ઘણાં વર્ષથી ઘરમાં પુરુષનું છત્ર નથી એટલે જિંદગીમાં એક ખાલીપો છે, તું એ ભરીશને મલ્હાર? મારી સાથે લગ્ન કરીશને ?’
 
મલ્હારે એને નજીક ખેંચી, ‘ગુલાલ, મારે તારી આગળ એક ખુલાસો કરવો છે. હું તને પ્રેમ કરું છું. અઢળક પ્રેમ કરું છું. પણ કદાચ મારી આ વાત સાંભળ્યા પછી તારો નિર્ણય ફરી જાય તો પણ મને વાંધો નથી. હું અનાથ છું. મુંબઈના જ એક અનાથાશ્રમમાં રહીને મોટો થયો છું. અત્યારે બોરીવલીમાં ભાડાના ફ્લેટમાં રહું છું. નેટ સોલ્યુશન નામની કંપનીમાં પાર્ટટાઇમ જોબ કરીને મારો ખર્ચો કાઢું છું. તેં ચેટિંગ પર કીધું હતું કે તું કંપનીની સીઈઓ છે ત્યારે મજાક લાગી હતી. પણ એ હકીકત છે એટલે લાગે છે કે હું તારા લાયક નથી. ન તો રૂપિયાની તોલે, ન તો રૂપની તોલે.
 
ગુલાલ થોડીવાર ચૂપ રહી પછી બોલી, ‘મલ્હાર, છોકરી રૂપિયાવાળી હોય, રૂપવાળી હોય કે રુઆબવાળી પણ પ્રેમ તો એ એક જ વાર કરે છે. હું તને પ્રેમ કરી ચૂકી છું અને તારી સાથે જ લગ્ન કરવાની છું. પૈસા તો મારી પાસે ખૂબ છે પણ મારે પૈસાદાર પુરુષની નહીં પ્રેમી પુરુષની જરૂર છે. તું એ બાબતની બિલકુલ ચિંતા ના કર! આસપાસની ભીડની પરવા કર્યા વગર મલ્હાર એને વળગી પડ્યો, ‘આઈ લવ યુ ગુલાલ!’
 
***
 
એ પછીના દિવસો ગુલાલ અને મલ્હાર માટે પૃથ્વી પર ઊતરેલું સ્વર્ગ હતા. ગુલાલ સેમિનારમાં પણ નહોતી જતી. આખો દિવસ બંને ફર્યાં કરતાં. ક્યારેક ગુલાલની ગાડીમાં ખુલ્લેઆમ, કયારેક લોકલ ટ્રેનની ભીડમાં, ક્યારે ટેક્ષીમાં તો ક્યારે પગપાળા. હાથમાં હાથ નાંખીને મુંબઈની સડકોને ખૂંદી રહ્યાં હતાં. એમની સાથે એમનો પ્રેમ પણ દોડવા લાગ્યો હતો. સ્પીડબ્રેકરોની પરવા કર્યા વગર, રસ્તામાં આવતા ‘સ્લો પ્લીઝ’ના સાઇન બોર્ડને અવગણીને અને ટ્રાફિક સિગ્નલોના નિયમોને તોડીને. મુંબઈના મલ્ટીપ્લેક્ષ થિયેટરોના ખૂણાના બોક્સ બંનેના સાહચર્યના સાક્ષી બનવા લાગ્યાં હતાં અને તાજ હોટેલનો સ્યૂટ બંનેની ધિંગામસ્તીનો બોલતો પુરાવો બની ગયો હતો.
 
આજે દસમો દિવસ હતો. સેમિનાર પૂરો થઈ ચૂક્યો હતો. આજની રાત કતલની રાત હતી. સવારની ફ્લાઈટમાં ગુલાલ અમદાવાદ ચાલી જવાની હતી. અમદાવાદ જઈને એ એની મમ્મીને વાત કરશે અને પછી મલ્હારને અમદાવાદ બોલાવી લેશે એવું નક્કી થયું હતું. છેલ્લી સાંજે ગુલાલે મલ્હારને કહ્યું, ‘મલ્હાર, આપણે આ દસ દિવસમાં બધે ગયાં પણ મને તારા ફ્લેટ પર તો તું લઈ જ ના ગયો. હવે કદાચ એવું બનશે કે તારે જ અમદાવાદ આવી જવાનું થશે. મારે એકવાર તારું ઘર જોવું છે. જેવું હોય એવું પણ મારું સાસરું છે. મારે એકવાર તારા ઘરમાં પગલાં પાડવાં છે, આજે લઈ જઈશ મને?’
 
‘ચોક્કસ ગુલાલ. ચાલ, અત્યારે જ જઈએ.’
કલાક પછી ગુલાલ બોરીવલીમાં મલ્હારના ખખડધજ ભાડાના ફ્લેટમાં પગલાં પાડી રહી હતી. મલ્હારે ખૂણામાં પડેલા એકમાત્ર સેટી પલંગ પર એને બેસાડી. એ થોડો નર્વસ હતો, ‘સોરી , ગુલાલ! આવી ગંદી જગ્યાએ તને બેસાડું છું..’
‘સ..સ...સ... સ! ગુલાલે એના હોઠ પર આંગળી મૂકી દીધી,
 
‘કંઈ ના બોલીશ! આ જ મારું ઘર છે. ગુલાલ શરમાઈ ગઈ. અંધારું ઢળી રહ્યું હતું. વાતાવરણ માદક બનતું જતું હતું. ગુલાલ મલ્હારની છાતી પર માથું મૂકીને સૂતી હતી. નવ દિવસ સુધી ચુંબનો અને આલિંગનોની હદ ઓળંગાઈ ગઈ હતી પણ આજે બંને છેલ્લી હદ ઓળંગવા આતુર થયાં હતાં. શરૂઆત મલ્હારે જ કરી, ‘ગુલાલ, તું મને તારો પતિ માને છે ને?’
‘હા.’
‘મારી એક ઇચ્છા છે, એ તું પૂરી કરીશ?’
‘હુકમ કર!’
‘તેં કહ્યું કે આ જ તારું ઘર છે. તો શું આ તારો શયનખંડ ના બની શકે ? આજ પછી કદાચ મારે જ તારા ઘરે રહેવું પડશે. મારી ઇચ્છા છે કે તું મારી થાય તો મારા જ ઘરે, મારા જ ઓરડામાં....’ ગુલાલે નજર ઝુકાવી દીધી, ‘હું પણ એ જ ઇચ્છું છું મલ્હાર, મારે સંપૂર્ણ તારામય બની જવું છે.’
 
અને પછી સ્પીડબ્રેકરોની, સ્લો પ્લીઝના સાઇન બોર્ડની અને ટ્રાફિક સિગ્નલોની પરવા કર્યા વગર દોડતા આ પ્રેમીઓએ સંયમની બ્રેક પરથી પણ પગ હટાવી લીધો. હોઠ ચૂપ થઈ ગયા અને ત્વચા બોલકી બની ગઈ. મલ્હાર ગુલાલ પર તૂટી પડ્યો..... સાંબેલાધાર .... અનરાધાર.....અને કાચની પૂતળી તઈડ.... તઈડ....તૂટવા લાગી.
ક્રમશ:
 
અન્ય પ્રકરણ વાંચવા ક્લિક કરો....