ઓબીસી આયોગ : આ વર્ગ ઊંચો આવશે તો દેશ ઊંચો આવશે, સમરસતા વધશે.

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
ઓબીસી રાષ્ટ્રીય આયોગને બંધારણીય દરજ્જો આપતા સુધારા બિલને રાજ્યસભામાં ૧૫૬ મતોથી પસાર કરી દેવામાં આવ્યું. આ બિલ માટે દરેક સભ્યોએ બિલના સમર્થનમાં મતદાન કર્યંુ અને વિરોધમાં એક પણ મત ન પડ્યો તે આવકાર્ય.
આયોગ બંધારણને આધિન રહીને સામાજિક, શૈક્ષણિક દૃષ્ટિથી પછાત વર્ગની સુવિધા સવલતો સંબંધી મામલાની તપાસની દેખરેખ રાખશે, ઓબીસીના સામાજિક અને આર્થિક વિકાસમાં ય ભાગ લેશે અને તે અંગે સરકારને સલાહ આપશે. એસસી, એસટી પર અન્યાય થાય ત્યારે એસસી, એસટી આયોગ મુદ્દો ઉઠાવે છે તેમ કોઈ ઓબીસી સાથે અન્યાય, જઘન્ય અપરાધ થશે તો આયોગ મદદ‚પ થશે. રાષ્ટ્રપતિ આ આયોગની કામગીરી નક્કી કરશે અને આયોગની પાસે પોતાની કેટલીક બંધારણીય સત્તાઓ પણ રહેશે.
 
વર્ષ ૨૦૧૧માં મનમોહનસિંહે જાતિગત જનગણના કરાવવાની વાત કરી ત્યારે સંસદમાં મોટો હંગામો થયો. યુપીએ ગઠબંધન સરકારના વિભિન્ન ઘટકોએ શબ્દોની અફરાતફરી મચાવી. લોકસભામાં જનતા દળ (યૂ)ના દિગ્ગજ નેતા શરદ યાદવે પછાત વર્ગ વિષે હૃદયદ્રાવક વાત રજૂ કરી, ‘ઓબીસીમાં સામેલ જાતિના લોકો ભારતના મૂળ નિવાસી છે, પરંતુ ૭૦ વર્ષથી તેમને તેમના અધિકારો મળ્યા નથી. કથિત સવર્ણોએ આ લોકોને તેમના સેવકો બનાવીને રાખ્યા છે. પરંતુ હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. આ વર્ગ પોતાની જનસંખ્યા અનુસાર સત્તામાં સીધી ભાગીદારી માંગે છે.’
 
આ વાતનું બધાએ સમર્થન કરવું પડ્યું. ૨૦૧૧માં જનગણના થઈ, જનસંખ્યા ૧૨૧ કરોડ નોંધાઈ. આ આંકડા તો જાહેર થયા પરંતુ જાતિગત આધાર પર પછાત વર્ગના આંકડાઓ જાહેર ન થયા. મંડળ આયોગે સામાજિક તથા શૈક્ષણિક ‚પે પછાત વર્ગના લોકોને સરકારી નોકરીઓમાં ૨૭% આરક્ષણ આપ્યું. ૨૦૧૫ના એક રીપોર્ટ પ્રમાણે કેટલાક વિભાગોમાં આ ૨૭% સામે માત્ર ૧૨% અને ક્યાંક તો ૬.૫% ઓબીસી લોકોને સરકારી નોકરી મળી છે.
 
સંસદે સંવિધાન સંશોધન દ્વારા ઓબીસી આયોગને સંવૈધાનિક દરજ્જો આપ્યો તેથી આશા રાખી શકાય કે વર્તમાનમાં દેશમાં રહેલા ૪૧% (એક સર્વે મુજબ અંદાજિત) ઓબીસી વર્ગના લોકો જે અધિકારોથી વંચિત છે, તે તેમને પ્રાપ્ત થશે.
પછાત જાતિઓનું નિર્ધારણ દરેક પ્રદેશની સરકાર પોતાની સ્થાનિક સામાજિક પરિસ્થિતિ જોઈ ને કરે છે. ઘણા ખરાં રાજ્યમાં અનેક વિવિધ સવર્ણ જાતિમાં સમાવિષ્ટ લોકો પોતાને પછાત વર્ગમાં સમાવેશ કરવાની વાત કરે છે. બિહારમાં વાણિયા જાતિના લોકો પછાત વર્ગમાં આવે છે, તો અન્ય રાજ્યોમાં સવર્ણ ગણાય છે. દક્ષિણ ભારતના રાજ્યમાં ધોબી સમુદાય પછાત વર્ગમાં સમાવિષ્ટ છે, જ્યારે ઉત્તર ભારતમાં અનુસુચિત જાતિ વર્ગમાં ગણાય છે. અલ્પસંખ્યક ખાસ કરીને મુસ્લિમ તથા શીખ સમુદાયમાં પણ પછાત વર્ગની કમી નથી. આવી વિવિધ સમસ્યાઓ અને વિરોધાભાસો દૂર કરવા ઓબીસી આયોગ કેવી ભૂમિકા નિભાવશે તે પણ જોવું રહ્યું.
 
આ કૃષિપ્રધાન દેશમાં જ્યાં ૬૯% લોકો ગ્રામ્ય વિસ્તારમાં છે ત્યાં હિન્દુ, મુસ્લિમ વિગેરે બધા જ તેમની જનસંખ્યાના ૪૨%ની આસપાસ ઓબીસી છે. ક્રિશ્ર્ચિયન પણ તેમાંથી પાછળ નથી. આવા સહુ લોકોને મેરીટમાં સિલેક્ટ થયા હોય ત્યાં ક્વોટા એડજસ્ટ ન કરવી, પ્રમોશન માટે પણ આજ ટકાવારી નક્કી કરવી, જગ્યા ભરાય નહીં તો ૩ વર્ષ સુધી બાકી રાખવી, ઉંમરની મર્યાદા વધારવી વિગેરે અનેક સમસ્યાઓનું નોકરી ક્ષેત્રે સમાધન થયું નથી. ભણતર માટે પણ આવી જ ત્રુટીઓ છે.
ઓબીસી આયોગ પરિણામલક્ષી કામગીરી કરે તે માટે સમાજ પણ સમરસતાના પથ પર ચાલે તે આવશ્યક છે. કેટલાક સમાજવિરોધી તત્ત્વો જાતિવાદ ફેલાવી દેશને અરાજકતામાં ધકેલવા માંગે છે. સમાજ સાચી આંકડાકીય માહિતી મેળવે તો આવા આંદોલનોમાં ભાગ નહીં લે. સદીઓથી અધિકારોથી વંચિત સમાજ માટે કાયદેસર રીતે કંઈ પ્રદાન કરવું પડે તો સમાજ વિરોધ ન કરે. આવા વર્ગને ઊંચો લાવવા માટે ઊંચનીચના ભેદભાવ ભૂલી તેમના સામાજિક ઉત્થાન, શિક્ષણ-નોકરીમાં વિશેષ સહભાગીતા વગેરે માટે અગ્રેસર રહી કાર્ય કરે. આ વર્ગ ઊંચો આવશે તો દેશ ઊંચો આવશે, સમરસતા વધશે. આપણે સૌ એક સમાન અને દેશનાં સંશાધનો, યોજનાઓ, સુવિધા પર સૌનો સમાન અધિકાર એ ભાવના સાર્થક કરીએ.