ભારતીયો હવે મ્યાનમારના પ્રવાસે આરામથી જઈ શકશે...

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૮

 
 
ભારત-મ્યાનમાર સરહદ ખુલ્લી મૂકવાનું પગલું ઐતિહાસિક
 
છેલ્લા ઘણા સમયથી ભારતની વિદેશ નીતિમાં કોઈએ કલ્પના પણ ના કર્યાં હોય એવાં સુખદ પરિવર્તન આવ્યાં છે. ભારતે કેટલાય એવા દેશો સાથેના સંબંધોને ગાઢ બનાવ્યા છે કે જેમની સાથે આપણે પહેલાં ઔપચારિક સંબંધો હતા. આ દેશોમાં એક મ્યાનમાર છે ને બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જતાં તાજેતરમાં બંને દેશોએ એકબીજાના નાગરિકો માટે પોતપોતાની સરહદો ખુલ્લી મૂકી દીધી. મતલબ કે ભારત અને બર્માના નાગરિકો એકબીજાના દેશમાં વિના રોકટોક આવ-જા કરી શકશે.
 
અત્યાર સુધી મ્યાનમારમાં ભારતીયોના પ્રવેશ માટે કેટલાક આકરા નિયમો હતા અને ભારતીયો માટે મ્યાનમારમાં જવું અઘરું હતું. આપણે મ્યાનમારમાં જવું હોય તો મ્યાનમારના વિદેશ મંત્રાલય પાસેથી પ્રવેશ માટે ખાસ મંજૂરી લેવી પડતી હતી. મ્યાનમાર સરકાર પરમિટ આપે તો જ મ્યાનમાર જઈ શકાય, નહીંતર ના જઈ શકાય. હવે આ જોગવાઇને મ્યાનમારે રદ કરી દીધી છે. હવે જે નિયમ છે તે પ્રમાણે બન્ને દેશના જે નાગરિકો પાસે માન્ય પાસપોર્ટ હશે અને તેના આધારે તેઓ એકબીજાના દેશમાં પ્રવેશી શકશે. મ્યાનમાર ભારતની પૂર્વ દિશામાં આવેલો દેશ છે અને મિઝોરમ થઈને મ્યાનમારમાં પ્રવેશી શકાય છે. ભારત અને મ્યાનમાર વચ્ચે થયેલી સમજૂતીના કારણે તામુ-મોરેહ વિસ્તારમાં સરહદ ખુલ્લી મૂકવામાં આવી છે અને ભારતીયો જેવા મ્યાનમાર પહોંચે કે તુરંત જ વીઝા મળી જશે.
 
ભારત અને મ્યાનમારે આ સિવાય બીજી પણ મહત્વની સમજૂતી કરી છે. ભારત અને મ્યાનમાર બન્ને દેશની સરહદે રહેતા પોતપોતાના નાગરિકોને બોર્ડર પાસ આપશે. આ પાસની મદદથી ભારત અને મ્યાનમારનાં લોકો બીજા દેશમાં ૧૬ કિમી અંદર સુધી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કે મંજૂરી વિના પ્રવેશી શકશે.
 
ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધોમાં આ જે નવું પ્રકરણ ઉમેરાયું છે તે ઐતિહાસિક છે ને તેનાં મૂળ એક વરસ પહેલાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારની યાત્રાએ ગયેલા ત્યારે જ નંખાઈ ગયેલાં. મોદીની મ્યાનમાર યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવા માટે ૧૧ મહત્ત્વના કરાર કરવામાં આવ્યા હતા. મોદી અને મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સુ કીની હાજરીમાં દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવા, દ્વિપક્ષીય વેપાર વધારવા, શિપિંગ ક્ષેત્રે વિવિધ માહિતી પૂરી પાડવા, મ્યાનમારમાં રાષ્ટ્રીય સ્તરનું ચૂંટણી પંચ રચવા, ૨૦૨૦ સુધી બંને દેશોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા, બંને દેશની પ્રેસ કાઉન્સિલ વચ્ચે સહયોગ વધારવા, આઈટી સ્કિલ વધારવા સેન્ટર સ્થાપવા, મેડિકલ પ્રોડક્ટ નિયમન માટે સહયોગ સાધવા, મહિલા પોલીસને તાલીમ માટે સહયોગ વધારવા સહિતના કરાર કર્યા હતા. આ કરારની દિશામાં આગળ વધવા જ હવે બંને દેશોએ સરહદો ખુલ્લી મૂકી છે.
 
ચીનનું વર્ચસ્વ તોડવાની વ્યૂહરચના
 
આ નિર્ણય ભારત માટે અત્યંત ફાયદાકારક છે. નરેન્દ્ર મોદીએ દક્ષિણ એશિયાના દેશો સાથેના સંબંધોને ગાઢ બનાવીને ચીનનું વર્ચસ્વ તોડવાની વ્યૂહરચના અપનાવી છે. મ્યાનમાર સાથેના સંબંધો ગાઢ કરવા લેવાતાં પગલાં એ રીતે મહત્વનાં છે. મ્યાનમાર પાસે પુષ્કળ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને ખનિજ સંપત્તિ છે. મ્યાનમાર પાસે મોટા પ્રમાણમાં જંગલો છે ને સંબંધો ગાઢ બને તો ભારતને તેનો લાભ મળે. મ્યાનમાર પાસે મોટું બજાર પણ છે કેમ કે ત્યાં બહુ વિકાસ થયો નથી. આ સંજોગોમાં ભારતીય કંપનીઓ પોતાનો માલ મ્યાનમારમાં ખપાવી શકે ને મોટી કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં મદદ કરી શકે. હાલ બંને દેશો વચ્ચે ૨.૨ અબજ ડોલરનો વેપાર છે અને તેને વધારી શકાય તેમ છે. ભારતે થોડા સમયથી મ્યાનમારમાં ટેંકરો મારફતે હાઈસ્પીડ ડીઝલની નિકાસ કરવાનું શ‚ કર્યું છે ને એ સિલસિલો આગળ વધારીને બીજો માલ પણ આપી શકે. આ રીતે મ્યાનમારમાં પગપેસારો કરીને ભારત સાઉથ એશિયામાં ચીનનું પ્રભુત્વ ઓછું કરી શકે. મ્યાનમાર વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વનું છે અને ત્યાં ભારતની હાજરી હોય તો ચીન પર નજર પણ રાખી શકાય. મ્યાનમાર પ્રવાસનની રીતે મજાનો દેશ છે એ જોતાં ભારતીયો મ્યાનમારના પ્રવાસે પણ હવે સરળતાથી જઈ શકશે.
 
ભારત અને મ્યાનમાર વચ્ચે જૂના ગાઢ સંબંધો છે તેના કારણે પણ મ્યાનમાર ભારતનું મિત્ર બની શકે. મ્યાનમારની વસતી લગભગ પાંચ કરોડની આસપાસ છે ને તેમાંથી સાડા ચાર કરોડ તો બૌદ્ધધર્મી છે. આ બૌદ્ધધર્મીઓનાં ધર્મનાં મૂળ ભારતમાં છે કેમ કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો પાલી ભાષામાં હતા. મ્યાનમારના બૌદ્ધધર્મી તેને અનુસરે છે. આ બૌદ્ધધર્મીઓ થેરાવાદી કહેવાય છે ને તેમનું મ્યાનમારમાં વર્ચસ્વ છે. એ લોકોએ ભારતીય મૂળના બીજા લોકોને સરળતાથી અપનાવી લીધા છે. વિશ્ર્વમાં ભારતીયોની સૌથી વધારે વસતી મ્યાનમારમાં જ છે એ વાતની ઘણાને ખબર નથી.
 
મ્યાનમાર ભારતની જેમ મુસ્લિમ કટ્ટરવાદથી પરેશાન છે અને મુસ્લિમો સાથે તેમને સતત ઘર્ષણ થયા કરે છે. આ મુસ્લિમોમાં રોહિંગ્યા મુસ્લિમો મુખ્ય છે રોહિંગ્યા મુસ્લિમો મૂળ મ્યાનમારના રખાઈન પ્રાંતના છે ને બૌદ્ધ ધર્મીઓ સાથે તેમને બાપે માર્યાં વેર છે. તેના કારણે મ્યાનમારમાં બૌદ્ધધર્મીઓ અને રોહિંગ્યા મુસ્લિમો વચ્ચે લાંબા સમયથી ડખા ચાલતા હતા. ૨૦૧૨માં આ ઝઘડો વકર્યો ને મોટા પાયે રમખાણ થયેલાં. રોહિંગ્યામાંથી મોટા ભાગના સુન્ની મુસ્લિમ છે ને કટ્ટરવાદી છે તેથી મ્યાનમારને પણ કટ્ટરવાદને રંગે રંગવા મથે છે. એ શક્ય નથી તેથી આતંક મચાવે છે. એ રીતે ભારતના જેવી જ તેમની સમસ્યા છે. આ સંજોગોમાં ભારત તેમને આ આતંકમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરીને પણ સંબંધોને ગાઢ બનાવી શકે.