હિન્દુ પાકિસ્તાનનો વિચાર એક અભારતીય વિચાર છે

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૮

 
 
 
# હિન્દુ પાકિસ્તાન, હિન્દુ તાલિબાન, હિન્દુ આતંકવાદ આ બધું પૂર્ણ‚પે અભારતીય વિચારની અભિવ્યક્તિ છે.
# શું તેઓ નથી જાણતા કે, ભારતનું વિભાજન આ અસ્મિતાને નકારવાને કારણે જ થયું છે ?
# શ્રી એમ. સી. ચાગલા, ડૉ. એ.પી.જે. અબ્દુલકલામ તેમજ પાકિસ્તાનમાં જન્મેલા અને કેનેડા નિવાસી શ્રી તારિક ફતેહ જેવા અનેક લોકો મુસ્લિમ હોવા છતાં પણ પોતાને આ વિરાસત સાથે જોડે છે.
# હિન્દુને નકારવાથી તો પાકિસ્તાનનો જન્મ થયો છે.
# જૂની સંસ્કૃતિની વાત પ્રણવદાએ કરી અને જે વિરાસતને ડૉ. રાધાકૃષ્ણન તેમજ રવીન્દ્રનાથ ઠાકુરે હિન્દુ જીવનદૃષ્ટિ કહી એ વિરાસતનો વારસદાર તો પાકિસ્તાન પણ છે. એ વિરાસતથી પોતાનો સંબંધ કાપીને જ એ પાકિસ્તાન બન્યું છે.
કોંગ્રેસ પાર્ટી ચર્ચ દ્વારા સમર્પિત અને સામ્યવાદીઓના અભારતીય વિચારથી પ્રભાવિત હોય એવું લાગી રહ્યું છે. કેટલાક નેતાઓ પોતાના ક્ષુલ્લક રાજનૈતિક સ્વાર્થો માટે ભારતની અસ્મિતા પર આઘાત કરતાં વક્તવ્યો કરી રહ્યા છે ત્યારે આશ્ર્ચર્ય ઓછું પણ પીડા વધારે થાય છે. આવા નેતાઓને ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત છે. આ નેતાઓની વાતોથી પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકૃષ્ણન આયોગની ભારતીય શિક્ષા પર કરેલી એ ટિપ્પણી યાદ આવે છે. જે આયોગને ૧૯૪૯માં એક પત્ર લખ્યો હતો એમાં ઉલ્લેખ છે. આધુનિક શિક્ષાના અભારતીય ચરિત્ર પર ડૉ. એસ. રાધાકૃષ્ણને લખ્યું છે ‘એક શતાબ્દીથી વધારે વર્ષોથી આ દેશમાં ચાલી રહેલી આપણી શિક્ષણપ્રણાલીની એક મુખ્ય અને ગંભીર ફરિયાદ એ છે કે એમાં ભારતના ભૂતકાળને દુર્લક્ષિત કર્યો છે અને ભારતના વિદ્યાર્થીને આપણા સાંસ્કૃતિક જ્ઞાનથી વંચિત રાખ્યો છે, જેને કારણે કેટલાક લોકોમાં એવી ભાવના નિર્મિત થઈ છે કે આપણા મૂળનો જાણે કોઈ પત્તો જ નથી અને એથી પણ ખરાબ વાત એ છે કે આપણે આપણા મૂળને એવી દુનિયામાં સાબિત કરી દઈએ છીએ કે જેનો વર્તમાન સાથે કોઈ સંબંધ નથી.’
હમણાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ એવું નિવેદન આપ્યું. જેમાં એમણે કહ્યું કે, ભાજપ ફરીથી શાસનમાં આવશે તો ભારત ‘હિન્દુ પાકિસ્તાન’ બની જશે.
 
સામ્યવાદ જેવા અભારતીય વિચારોને કારણે અને તેના પ્રભાવને પરિણામે આ અભારતીયકરણ એટલું ઊંડું થઈ ચૂક્યું છે કે એણે આપણી વિચારપદ્ધતિ જ નહીં, આપણી શબ્દાવલીને પણ પ્રભાવિત કરી દીધી છે. હિન્દુ પાકિસ્તાન, હિન્દુ તાલિબાન, હિન્દુ આતંકવાદ આ બધું પૂર્ણ‚પે અભારતીય વિચારની અભિવ્યક્તિ છે. વાસ્તવમાં ‘હિન્દુ પાકિસ્તાન’ શબ્દ જ પૂરી રીતે વિરોધાભાસી છે.
 
ભારત અને હિન્દુત્વ
 
આ નિવેદનની નિરર્થકતા સમજ્યા પહેલાં એ સમજવું આવશ્યક છે કે ભારત અને હિન્દુત્વ શું છે.
તાજેતરમાં જ નાગપુરમાં ભારત વિશે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, પશ્ર્ચિમની રાજ્ય આધારિત રાષ્ટ્રની અવધારણાથી ભારત રાષ્ટ્રની અવધારણા બહુ જ અલગ છે. પશ્ર્ચિમમાં જે રાષ્ટ્ર વિકસિત થયા એનો આધાર એક વિશિષ્ટ ભૂમિ, એક વિશિષ્ટ ભાષા, એક વિશિષ્ટ રિલિજિયન તેમજ સમાન શત્રુ રહ્યો છે. જ્યારે ભારતની રાષ્ટ્રીયતાનો આધાર વસુધૈવ કુટુમ્બકમ્ તેમજ સર્વે ભવન્તુ સુખીન: સર્વે સન્તુ નિરામયાનું એક વૈશ્ર્વિક ચિંતન છે. ભારતે હંમેશા સમગ્ર વિશ્ર્વને એક પરિવારના ‚પમાં જોયો છે. તેમજ ભારત બધાના સુખ અને નિરાયમતાની કામના કરે છે. ભારતની આ ઓળખ માનવસમૂહોના સંગમ એના આત્મસાક્ષાત્કરણ (સમ્મિલન) તેમજ સહ અસ્તિત્વની લાંબી પ્રક્રિયાથી નીકળીને બની છે. આપણે સહિષ્ણુતાથી શક્તિ પ્રાપ્ત કરીએ છીએ. બહુલતાનું સ્વાગત કરીએ છીએ તેમજ વિવિધતાનું ગુણગાન કરીએ છીએ. આ શતાબ્દીઓથી આપણા સામૂહિક ચિત્ત અને માનસનો અવિભાજ્ય હિસ્સો છે. આ આપણી રાષ્ટ્રીય ઓળખ બની છે.
ભારતના મૂળભૂત એવા ઉદાર, સર્વસમાવેશી, સહિષ્ણુ, વૈશ્ર્વિક ચિંતનનો આધાર ભારતની અધ્યાત્મ આધારિત એકાત્મ તેમજ સર્વાંગીણ જીવનદૃષ્ટિ છે. આ વાત આખી દુનિયા જાણે છે. ડૉ. રાધાકૃષ્ણન આ જ જીવનદૃષ્ટિને હિન્દુ જીવનદૃષ્ટિ કહે છે, જેની વિશેષતા માટે તેઓ કહે છે -
‘પરિષ્કારની હિન્દુ પદ્ધતિની વિશેષતા એ છે કે પ્રત્યેક સમૂહ પોતાના જૂના સંબંધોને બનાવી રાખે છે તેમજ પોતાની ઓળખ અને હિતસંબંધનું સંરક્ષણ પણ કરી શકે છે. જેમ વિદ્યાર્થીઓ પોતાના મહાવિદ્યાલયના ગૌરવ માટે વિચારે છે, એવી જ રીતે આ સમૂહો પોતાના દેવતાઓ માટે વિચારે છે. આપણે એક મહાવિદ્યાલયમાંથી બીજા મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને નથી લઈ જવા પરંતુ પ્રત્યેક મહાવિદ્યાલયનું સ્તર ઊંચું કરવું છે, માનકોને ઊંચા ઉઠાવવા છે. તેમજ તેના આદર્શો પર વિચાર કરવાનો છે. એનું અધ્યયન - પરિશીલન કરવું છે. જેથી આપણે પ્રત્યેક મહાવિદ્યાલય દ્વારા એક જ લક્ષને પ્રાપ્ત કરી શકીએ.’ આગળ તેઓ કહે છે, આપણે દેખીએ છીએ કે હિન્દુ એક જ અંતિમ તત્ત્વ, ચૈતન્યને માને છે, પરંતુ એને વિવિધ નામ આપ્યાં છે. જેની સામાજિક વ્યવસ્થામાં જાતિઓ અનેક છે પણ સમાજ એક જ છે. સમાજમાં અનેક વંશ કે જનજાતિઓ હશે, પણ બધા એક સમાન તત્ત્વથી એકબીજા સાથે જોડાયેલા છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરને પણ ‘સ્વદેશી સમાજ’ આ નિબંધમાં આ જ વાત કહી છે. એ કહે છે ‘અનેકતામાં એકતા દેખવી અને વિવિધતામાં એક્ય પ્રસ્થાપિત કરવું એ જ ભારતનો અંતનિર્હિત ધર્મ છે. ભારત વિવિધતાને વિરોધ નથી માનતું તેમજ પારકાને દુશ્મન નથી સમજતું. એટલે કોઈના ત્યાગ તેમજ વિધ્વંસ કર્યા સિવાય પોતાની વિશાળ વ્યવસ્થામાં બધાનો સમાવેશ કરવાનું માનસ રાખે છે. એ જ કારણે એ બધા જ માર્ગોનો સ્વીકાર કરે છે તેમજ પોતાના પરિઘમાં બધાના મહત્ત્વનો સ્વીકાર કરે છે. ભારતના આ ગુણના કારણે જ આપણે કોઈ સમાજને પોતાનો વિરોધી માનીને ભયભીત નહીં થઈએ. પ્રત્યેક મતભિન્નતા આપણને આપણો વિસ્તાર કરવાનો અવસર આપે છે. હિન્દુ, બૌદ્ધ, મુસ્લિમ ઈસાઈ પરસ્પર લડીને મરશે નહીં. તેઓ એક સામંજસ્ય જ પ્રાપ્ત કરશે. આ સામંજસ્ય અહિન્દુ નહી હોય પરંતુ એ એક વિશિષ્ટ ભાવથી હિન્દુ હશે. એના બાહ્ય અંશ ચાહે ગમે તેટલા વિદેશી હોય પણ એમનો અંતરઆત્મા તો ભારતનો જ રહેશે.’
 
ભારત હિન્દુ રહેશે, પણ પાકિસ્તાન નહીં જ બને
 
કોંગ્રેસી નેતાઓ ભૂલી જાય છે કે ભારતની આ ઉદાર, સર્વસમાવેશી, એકાત્મ તેમજ સર્વાંગીણ આધ્યાત્મિક પરંપરાને નકારીને જ પાકિસ્તાનનું નિર્માણ થયું છે. આ શિક્ષા દ્વારા થઈ રહેલા અભારતીયકરણનું તેમજ સામ્યવાદ જેવા અભારતીય વિચારોથી પ્રભાવિત થવાનું પરિણામ છે. ભારત હિન્દુ રહેશે તો પણ પાકિસ્તાન નહીં જ બને. હિન્દુને નકારવાથી તો પાકિસ્તાનનો જન્મ થયો છે. ભારતની એકતા, સ્વાધીનતા, સાર્વભૌમિકતા તેમજ અખંડતામાં ભારતનું અસ્તિત્વ છે તેમજ હિન્દુત્વના નામથી જાણીતી ભારતની અધ્યાત્મ આધારિત સાંસ્કૃતિક તેમજ વૈચારિક વિરાસત એ જ ભારતની અસ્મિતા. આધુનિક તેમજ ઉચ્ચ શિક્ષિત હોવા છતાં (કે પછી એને કારણે) કોંગ્રેસના નેતા પોતાના ક્ષુદ્ર રાજનીતિક સ્વાર્થ માટે ભારતની અસ્મિતાને નકારી રહ્યા છે. આ ઘોર આશ્ર્ચર્યની વાત છે. શું તેઓ એ નથી જાણતા કે અસ્મિતાને નકારવાને પરિણામે ભારતનું અસ્તિત્વ સંકટમાં આવી શકે છે ? ભારતનું વિભાજન આ અસ્મિતાને નકારવાને કારણે જ થયું છે ?
 
વાસ્તવમાં જે ઉદાર, સહિષ્ણુ, વૈવિધ્યનું ગુણગાન કરવાવાળી ૫૦૦૦ વર્ષથી પણ અધિક જૂની સંસ્કૃતિની વાત પ્રણવદાએ કરી અને જે વિરાસતને ડૉ. રાધાકૃષ્ણન તેમજ રવીન્દ્રનાથ ઠાકુરે હિન્દુ જીવનદૃષ્ટિ કહી એ વિરાસતનો વારસદાર તો પાકિસ્તાન પણ છે. એ વિરાસતથી પોતાનો સંબંધ કાપીને જ એ પાકિસ્તાન બન્યું છે. જો એ આ વિરાસતથી પોતાને જોડી દે તો પોતાની મુસ્લિમ ઉપાસના પદ્ધતિ છોડ્યા વગર પણ હિન્દુ બની શકે છે. શ્રી એમ. સી. ચાગલા, ડૉ. એ.પી.જે. અબ્દુલકલામ તેમજ પાકિસ્તાનમાં જન્મેલા અને કેનેડા નિવાસી શ્રી તારિક ફતેહ જેવા અનેક લોકો મુસ્લિમ હોવા છતાં પણ પોતાને આ વિરાસત સાથે જોડે છે. એવી રીતે મુસલમાન રહીને પણ અગર પાકિસ્તાન આ ઉદાર અને સહિષ્ણુ વિરાસતને સ્વીકારે તો એ ‘હિન્દુ પાકિસ્તાન’ બનશે. અર્થાત્ ભારત જ બનશે. પોતાનું રાજકીય અસ્તિત્વ અલગ રાખીને પણ એ આ કામ કરી શકે છે. આભારતીય વિચાર છે. નેપાળ અલગ રાજ્ય હોવા છતાં ભારતની આ સાંસ્કૃતિક વિરાસત સાથે પોતાને જોડે છે અને એટલે જ નેપાળ ભારતનું પડોશી રાજ્ય હોવા છતાં ભારત સાથે કોઈ સમસ્યા નથી આવતી.
 
ભારતના આ ઊંડા સાંસ્કૃતિક મૂળને કારણે જ ભારતની ઓળખ બની છે. આ મૂળની સાથે જોડાઈ રહેવું અર્થાત્ પોતાની અસ્મિતા સાથે જોડાઈ રહેવું, એ આપણા અસ્તિત્વ માટે આવશ્યક છે. આ અસ્મિતાને ડૉ. રાધાકૃષ્ણન તેમજ ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરે હિન્દુ અસ્મિતા અથવા હિન્દુ જીવનદૃષ્ટિ કહી છે. કોઈને હિન્દુ શબ્દ માટે વિરોધ છે તો એને ભારતીય કે ઇન્ડિક પણ કહી શકે છે, પરંતુ એની વિષયવસ્તુ એ જ છે, જે હજારો વર્ષથી આપણી વિરાસત રહી છે. આમ પણ હિન્દુ ચિન્તન જ એવું માને છે કે સત્ય એક હોવા છતાં એને વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે. વિષયવસ્તુ મહત્ત્વનું છે.
 
એનું પ્રતિલોમ જુઓ, ભારતીય સંસ્કૃતિક વિચાર પરંપરા સાથે ઊંડાણથી જોડાયેલા રહીએ તો આપણી વિચારવાની પદ્ધતિ કેવી હોય છે એનું એક સરસ ઉદાહરણ આચાર્ય મહાપ્રજ્ઞજીના કથનમાં આવે છે. તેરાપંથ એ જૈનોની એક આધ્યાત્મિક પરંપરા છે, જેના મુખ્ય આચાર્ય મહાપ્રજ્ઞ હતા. રાષ્ટ્રીય વિચારોના સંત એ નાતે એમની ચારેબાજુ એ માન્યતા તેમજ પ્રતિષ્ઠા હતી. તેઓ કહેતા કે હું તેરાપંથી છું, એનું કારણ છે કેમ કે હું સ્થાનકવાસી જૈન છું. હું સ્થાનકવાસી જૈન છું કેમ કે હું શ્ર્વેતાંબર જૈન છું. હું શ્ર્વેતાંબર જૈન છું કારણ કે હું જૈન છું અને હું જૈન છું કારણ કે હું હિન્દુ છું. આ ભારતીય પદ્ધતિનો સુંદર વિચાર છે. હું એક સાથે તેરાપંથી, સ્થાનકવાસી, શ્ર્વેતાંબર, જૈન તેમજ હિન્દુ હોઈ શકું છું. કારણ એ જ છે કે ભારતીય ચિંતન આ બધી જ વિવિધતામાં કોઈ વિરોધાભાસ નથી જોતું. આ એકની જ ભિન્ન અભિવ્યક્તિ છે. આ ભારતની પરંપરા રહી છે. પરંતુ આ ઊંડા મૂળ સાથેનું જોડાણ કમજોર પડ્યું તો વ્યાખ્યાઓ બદલાવા લાગે છે. પછી એક કથન શ‚ થાય છે કે હું હિન્દુ છું પરતું જૈન છું, હું જૈન છું પરંતુ હું શ્ર્વેતાંબર છું, હું શ્ર્વેતાંબર છું પરંતુ હું સ્થાનકવાસી જૈન છું અને હું સ્થાનકવાસી જૈન છું પણ હું તો તેરાપંથી છું.
 
મૂળ સાથે જોડાણનું સ્ખલન થતાં થતાં એ સ્થિતિ બની જાય છે કે હું જૈન, શ્ર્વેતાંબર, સ્થાનકવાસી તેમજ તેરાપંથી જે પણ છું પણ હિન્દુ નથી અને પછી એના પર રાજનીતિ શ‚ થઈ જાય છે અને મૂળ સાથેના એ જોડાણનું વધારે સ્ખલન થતાં હિન્દુ પાકિસ્તાન, હિન્દુ તાલીબાન, હિન્દુ આતંકવાદ જેવા વિચારો સૂઝવા લાગે છે અને આ સ્ખલન પૂર્ણ થતાંની સાથે જ અભારતીયકરણની પ્રક્રિયા પૂર્ણ થઈને ભારત તેરે ટુકડે હોંગે... ભારત કી બરબાદી તક જંગ ચલેગી..., આ પ્રકારની વાતો શ‚ થઈ જાય છે. એ પણ અભણ, ગરીબ અને પછાત લોકો દ્વારા નહીં, પરંતુ સૌથી વધારે પ્રગતિશીલ માનવામાં આવતા શૈક્ષણિક સંસ્થાઓની ભારતીય પ્રજ્ઞાના આધુનિકતમ યુવા પ્રતિનિધિઓ તરફથી એ તો ઠીક પણ આ લોકોને સમર્થન પણ આ ભારતના પૈસાથી ભણેલા અને સમૃદ્ધ થયેલ પ્રજ્ઞાવાન પ્રાધ્યાપકો દ્વારા મળી રહ્યું છે. અભારતીયકરણનું આનાથી સ્પષ્ટ ઉદાહરણ આપવાની આવશ્યકતા નથી. ડૉક્ટર પ્રણવદાએ એટલે જ ૫૦૦૦ વર્ષથી બનેલી ભારતની ઓળખની જે વાત કરી એ બહુ જ મહત્ત્વપૂર્ણ હતી. આપણે ઊંડાણપૂર્વક આપણા મૂળ સાથે જોડાઈશું તો જ દુનિયામાં આપણે આપણી ઓળખ બનાવીને ટકી શકીશું. સુપ્રસિદ્ધ કવિ શ્રી પ્રસૂન જોશીએ એક કવિતામાં કહ્યું છે :
 
ઉખડે ઉખડે ક્યોં હો વૃક્ષ સુખ જાઓગે
જીતની ગહરી જડેં તુમ્હારી
ઉતને હી તુમ હરિયાઓંગે
 
- મનમોહન વૈદ્ય
(લેખક : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ છે)