નિર્ણય કરતાં પહેલાં એક ક્ષણ થોભો, જોયેલું, સાંભળેલું ખોટું હોઇ શકે છે!

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૮

 
 
 
એક બાળકીના બન્ને હાથમાં એક-એક સફરજન હતું. એની મમ્મીએ ચહેરા પર સ્મિત સાથે લાડ ભર્યા અવાજે બાળકીને પૂછ્યું : ‘બેટા, તારી પાસે બે સફરજન છે એમાંથી એક મમ્મીને આપીશ ?’
 
પેલી બાળકી એની મમ્મીના ચહેરા પર ક્ષણભર તાકી રહી અને પછી ફટાફટ એક સફરજનમાંથી એક બટકું ખાઈ લીધું ને પછી બીજા સફરજનમાંથી પણ એક બટકું ખાઈ લીધું.
 
આ જોઈને એની મમ્મીના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. એને વિશ્ર્વાસ નહોતો બેસતો કે એની લાડકી દીકરી એની સાથે આવું વર્તન કરે. આઘાતના માર્યા એ ગુસ્સે થવાની અણી પર હતી ત્યાં જ પેલી બાળકીને પોતે ખાધેલા પૈકી એક સફરજન એની મમ્મીને આપતાં કહ્યું : ‘મમ્મી, લે આ સફરજન ખા. આ સફરજન વધારે મીઠું છે.’
 
પોતાની નાનકડી દીકરીની આ સમજણ જોઈને એની મમ્મીનો ગુસ્સો તો ઓગળી ગયો ને એ ભાવવિભોર બની ગઈ. આમાંથી આપણે સમજવાનુું એ છે કે... આપણે વડીલ હોઈએ કે ગમે એવા અનુભવી, ખૂબ જ જ્ઞાની હોઈએ કે ગમે એટલા હોંશિયાર કોઈના વિશે કોઈ નિર્ણય કે ફેંસલો આપતાં પહેલા એક ક્ષણ થોભી જાઓ.
 
સામી વ્યક્તિને ખુલાસા કરવાની, પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપો. આપણે જે જોયું-સાંભળ્યું હોય એવું કદાચ વાસ્તવમાં ન પણ હોય. બીજાની વાતનું તારણ કાઢવા ઉતાવળા થવું જોઈએ નહીં.
 
બીજા શબ્દોમાં કહીએ તો સામેની વ્યક્તિને સ્પષ્ટતા કરવાની તક આપીને વધુ સારી સમજ કેળવવાનું વાતાવરણ સર્જવું જોઈએ.