સામાજિક સમરસતાનું પર્વ : રક્ષાબંધન

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૮

 
 
હિંદુ સમાજના ઉત્સવો હિન્દુ સમાજને અને હિન્દુ સંસ્કૃતિને નિત્ય નૂતન, ચૈતન્યમય અને ચિરંજીવ બનાવે છે. હિંદુ સમાજને સ્નેહ અને આત્મીયતાનું અભેદ કવચ પૂરું પાડતો ઉત્સવ એટલે રક્ષાબંધન.
 
સ્વજન પ્રત્યેના અથાહ પ્રેમ અને આત્મીયતાનું પ્રતીક અને ઇન્દ્રાણી દ્વારા ઇન્દ્રના કાંડે બંધાયેલ રક્ષા દેવાસુર સંગ્રામમાં ઇન્દ્રને વિજયી બનાવે છે. કુંતામાતા દ્વારા પૌત્ર અભિમન્યુના કાંડે બંધાયેલ રક્ષાસૂત્ર અનેક દુશ્મનો વચ્ચે તેની રક્ષા કરે છે અને રાખડીના સ્નેહતંતુથી અસુરરાજ બલિને બાંધી લક્ષ્મીજી પોતાના પતિ વિષ્ણુ ભગવાનને બંધનમુક્ત કરાવે છે.
શ્રાવણ પૂર્ણિમાના પાવન દિને ભાઈના કાંડે બહેને બાંધેલ રાખડી શોભતી હોય છે, તો સમાજના પ્રત્યેક ઘટક ભાઈ-બહેન, માતા, બાળક પ્રત્યેકના કાંડે મંદિરમાંથી, બ્રાહ્મણ દ્વારા કે ગુરુ દ્વારા પ્રાપ્ત રક્ષાસૂત્ર શોભતું હોય છે. સ્વજનના કલ્યાણ, ઉન્નતિ અને રક્ષાની મંગલ કામના સાથે સ્વજનના કાંડે બંધાતા પવિત્ર સૂત્રમાં નિ:સ્વાર્થ સ્નેહ અને આત્મીયતાની અજબ તાકાત હોય છે.
 
પૂરી વસુધાને કુટુંબ માનનાર હિન્દુની આ નિર્મળ આત્મીયતા સચરાચર સૃષ્ટિના પ્રત્યેક ઘટક સુધી વ્યાપ્ત હતી, પરંતુ કાળક્રમે સંપૂર્ણ સૃષ્ટિમાં સ્વને અને સ્વમાં સંપૂર્ણ સૃષ્ટિને જોવાની દૃષ્ટિ બાધિત થઈ અને પોતાના જ સમાજબંધુ સાથે અપમાનનો, અનાદરનો અને અસ્પૃશ્યતાનો વ્યવહાર શ‚ થયો. સંપૂર્ણ સૃષ્ટિ સાથે એકાત્મતાની અનુભૂતિ અને વ્યવહાર કરનાર હિન્દુ પોતાને જ્ઞાતિ, જાતિમાં સીમિત કરી સંકુચિત બન્યો. આ સંકુચિતતા, ખંડિતતા, અસંગઠિતતા અને ભેદભાવે વિશાળ જગદ આદર્શ એવા હિન્દુ સમાજને વામણો બનાવ્યો. આ મર્યાદાઓના કારણે જ ભારત ગુલામ, ખંડિત અને સીમિત બન્યું. વિવેકાનંદે કહ્યું, ‘બધા હિન્દુઓ ભાઈઓ છે. અમે તમને અડકીશું નહીં એમ સદીઓ સુધી કહી કહીને આપણા જ ભાઈઓને ઉતારી પાડ્યા છે, પરિણામે સારાય દેશમાં અધમતા, નિર્બળતા અને મૂર્ખાઈ વ્યાપી જાય એમાં કશી નવાઈ નથી.’
રક્ષાબંધનનું પર્વ નિ:સ્વાર્થ સ્નેહ અને આત્મીયતાનો સંદેશ આપે છે. હિન્દુ સમાજના વંચિત, શોષિત ઘટક સુધી સ્નેહનું સામ્રાજ્ય વિસ્તારિત કરી જગદગુરુ ભારતનું નિર્માણ એ આપણુ ઈશ્ર્વરદત્ત કર્તવ્ય છે.
 
શબરીનાં એઠાં બોર પ્રભુ રામે પ્રેમથી આરોગ્યાં. કાનુડાએ પોતાના ગરીબ મિત્રના મોઢામાંથી ઢોળાતી એઠી છાશ પીધી. રામાનુજાચાર્યે અંતરની સ્વચ્છતા માટે પોતાના અંતિમ દિવસોમાં નદીસ્નાન પછી નાના વર્ગના બંધુઓના ખભાનો સહારો લીધો. વંચિત વસ્તીના બંધુઓએ જ નરસિંહ મહેતાને સૌ પ્રથમ ભજવાનું નિમંત્રણ આપ્યું અને નરસિંહ મહેતાએ આખી રાત વંચિતોની વસ્તીમાં હરિગુણ ગાયા. વિવેકાનંદે બેલૂર મઠમાં શ્રી રામકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે હિન્દુ સમાજના વિવિધ બધા જ વર્ણના લોકોને જનોઈ ધારણ કરાવી.
 
હિન્દુ સમાજ શાસ્ત્રોના શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાનને આચરણમાં લાવે છે અને ભગવાન, સંતો અને મહાપુરુષોના વ્યવહારને અપનાવે તે સમયની માંગ છે. દેશના ખૂણે ખૂણે ભેદભાવની દીવાલો ધ્વસ્ત કરતા શુભ સમાચારો મળી રહ્યા છે. સમાજની દિવ્યતા, પવિત્રતાના જાગરણના આ સમયમાં સમરસતા નિર્માણ માટે આપણે વ્યક્તિગત રીતે, પરિવાર તરીકે અને ગામ કે મહોલ્લા તરીકે ભેદભાવમુક્ત અને આત્મીયતાયુક્ત વ્યક્તિ, પરિવાર અને ગામનું ઉદાહરણ પૂરું પાડવું પડશે. પરિવાર પોતાના ઘરે વંચિત વસ્તીના બંધુને સપરિવાર બોલાવે, તેમને ત્યાં જાય, પારિવારિક ભાવથી એકબીજાના સારા-માઠા પ્રસંગમાં સહભાગી બને. ગામના મંદિર, પાણીનો સ્રોત અને સ્મશાન સૌનાં બને.
 
રક્ષાબંધનના આ પર્વે નરસિંહ મહેતાની આ પંક્તિ આપણા સ્નેહવર્તુળને સૃષ્ટિની સીમા સુધી વિસ્તરશે.
 
અખિલ બ્રહ્માંડમાં એક તું
શ્રીહરિ, જૂજવે ‚રૂપે અનંત ભાસે
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે
વિવિધ રચના કરી,
અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે.
 
***
 
- મહેશ ઓઝા 
(લેખક રા.સ્વ.સંઘના ગુજરાત પ્રાંત બૌધ્ધિક પ્રમુખ છે.)