પ્રકરણ – ૧૪ : બ્લેકમેઈલર અભી ભી ચેટિંગ પર બીઝી હૈ. આપ જલ્દી વહાં પહુંચીએ ઔર ઉસે ગિરફ્તાર કર લિજીયે.

    ૨૮-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
 
કોફી શોપની ગ્લાસ વોલ પર પાણીનાં બુંદ છવાયેલાં હતાં. બેલ્જિયમથી આયાત કરેલો એ ગ્લાસ અત્યારે કોઈ ટીનએજ છોકરી બાથ લઈને બહાર નીકળી હોય એવો લાગી રહ્યો હતો. બહાર ઝરમર મલ્હાર વરસી રહ્યો હતો અને અંદર મ્યુઝિક. સ્પીકર્સમાંથી એકદમ સ્લો વોલ્યુમમાં જસ્ટીન બિબરનું સોંગ છલકાઈ રહ્યું હતું. જેટ એરવેઝની ઝડપે ફોરવર્ડ થતા જતા અમદાવાદના યંગસ્ટર્સ પોતપોતાના સ્પાઉસ સાથે કોફી વિથ કીસનો એન્જોય માણી રહ્યાં હતાં.
 
ગેપના સ્કીની જિન્સ અને લેવીસના શોર્ટ ટી-શર્ટમાં સજ્જ ગુલાલ પણ અત્યારે એ કોફી શોપમાં બેઠી હતી. એની ફ્રેન્ડ અંતરા પણ હતી. એણે પણ હાઈ વેસ્ટ જીન્સ અને ટોપ પહેર્યાં હતાં. બંનેના હાથમાં ગરમાગરમ ફોકીનો મગ હતો. વરસાદી વાતાવરણ અને કોફી ગુલાલની ખાસ પસંદ હતી. વરસાદ ચાલુ થતાં જ એ ઓફિસમાંથી ગુલાલને લઈને અહીંયાં આવી હતી. બાજુમાં બેઠેલા કપલને કિસ કરતાં જોઈને અંતરાએ કહ્યું :
 
‘જમાનો બહુ આગળ વધી ગયો છે નહીં, જોને આ લોકો આટલી ભીડમાંય કિસ કરતાં પણ શરમાતાં નથી.’
‘જમાનો આગળ નથી વધી ગયો, કદાચ આપણે પાછળ રહી ગયા છીએ. આ યંગસ્ટર્સ માત્ર એન્જોય કરી રહ્યાં છે. બસની પાછલી સીટમાં બેસીને આગળ બેઠેલી સ્ત્રીની પીઠ તાકી રહેલા બુઢ્ઢાઓ, કાલુપુર કે લાલદરવાજા જેવા સ્થળેથી પચાસ-પચાસ રૂપિયામાં વેશ્યાઓ સાથે સૂઈ જતા આધેડો, મંદિરે જવાનું કહીને પ્રેમી સાથે કપલ‚રૂમમાંથી પકડાતી પરિણીત સ્ત્રીઓ, કે પછી ઓફિસ ટૂરના બહાને અઠવાડિયું અઠવાડિયું પ્રેમી કે પ્રેમિકા સાથે બેંગકોકની સફર કરી આવનારા પરણવા લાયક છોકરાઓનાં મા-બાપો કરતાં આ યંગસ્ટર્સ વધારે સારાં છે. એ લોકો જે છે એ જ દેખાય છે. એમાં ચોરી નથી, સીનાજોરી નથી. એમના ચહેરા પર આજના જુનવાણી લોકો પહેરીને ફરે છે એવું સંસ્કારિતાનું ખોટું મહોરું નથી.’
‘ઓ, બાપ રે! તેં તો ભાષણ આપી દીધું. એક વાત કહું ? તું વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લે. જરૂર જીતી જઈશ.’
 
‘મજાક ના કર! મારી વાત ખોટી હોય તો કહે.’
‘વાત તો સો ટચના સોના જેવી સાચી છે.’
‘અરે, આ તો કંઈ નથી. અમદાવાદમાં અત્યારે કેવી કેવી પાર્ટીઓ યોજાય છે એ તને ખબર છે ? હમણાં હમણાં અમદાવાદમાં એક હટકે પાર્ટી પણ શરૂ થઈ છે. એમાં ઓન્લી ટીનએજર્સને જ એન્ટ્રી હોય છે. પાર્ટીમાં ડાન્સ અને ફૂડ તો સ્વાભાવિક જ હોય, પણ આમાં તો શરાબ પણ હોય છે અને સેક્સ પણ. જેને જેની સાથે ઇચ્છા થાય એની સાથે ડાન્સ કરે, ડ્રિન્ક લે અને પછી જે મૂડ આવે તે. મોડી રાત્રે આ પાર્ટી શરૂ થાય અને વહેલી સવારે પૂરી..’
 
‘આ તો બહું ઓવર કહેવાય!’
‘યેસ, ઈટ્સ ઓવર, બટ આશ્ચર્યની વાત તો એ છે કે એના પેરેન્ટસ પણ આવી પાર્ટીઓ વિશે જાણતા હોય છે. પણ એ લોકો સ્ટેટસ સિમ્બોલ અને પોતાની જાતને ફોરવર્ડ કરવામાં ક્યારેક ડાઉનવર્ડ પણ થઈ જતાં હોય છે.’
‘ઓહ, માય ગોડ !’ બહું કહેવાય! આમાં ને આમા તારા જેવું થાય. કોઈ માથાનો મળી જાય તો પછી.....’
 
અંતરાથી બોલાઈ ગયું. ભૂલથી બોલાઈ ગયું એટલે એ અડધા વાક્યે જ અટકી ગઈ. બાહ્ય વાતાવરણ એનું એ જ રહ્યું હતું પણ ગુલાલની અંદરનું વાતાવરણ ધખી ગયું. એની અંદર ખળભળાટ મચી ગયો. જાણે અંતરાએ એક જ ઝાટકે એના જૂના ઝખમનું કાચું ભીંગડું ઉખાડી નાંખ્યું હતું. મલ્હાર ભુલાઈ ગયો હતો, એની સાથે ઘટેલી ઘટના પણ ભુલાઈ ગઈ હતી ને આજે છ મહિના પછી અચાનક અંતરાએ એને એ ઘટના યાદ કરાવી દીધી હતી. ગુલાલ કંઈ બોલી નહીં. માત્ર કોફીના કપમાંથી નીકળતી ગરમાગરમ વરાળને જોઈ રહી હતી. અંતરાને ખબર હતી કે અત્યારે એના કરતાંયે વધારે ગરમ વરાળ ગુલાલની છાતીમાંથી નીકળી રહી છે. એણે ટૂંકમાં જ પતાવ્યું, ‘સોરી, ગુલાલ! લાગે છે કે આ વાત કરીને મેં તારો મૂડ ખરાબ કરી નાંખ્યુ.’
 
‘ઈટ્સ ઓ.કે....!’ ગુલાલ બોલી પણ હવે એ જાણે આ જ વાત કરવા માંગતી હતી, ‘અત્યારે તેં વાત કાઢી એટલે મૂડ તો ખરાબ થયો જ છે પણ સાચુ કહું તો એકાદ બે દિવસમાં હું આ વાત કાઢવાની જ હતી.’
‘કેમ, પાછું કંઈ થયું છે કે શું?’
 
‘ના, બાબા! ના, કંઈ જ થયું નથી. મારે તો તને એ કહેવું હતું કે આજે છ મહિના થઈ ગયા. નથી મલ્હાર દેખાતો કે નથી એના કોઈ મેસેજ કે મેઈલ્સ! તું વિચાર કર. તું કહેતી હતી એમ જો મેં પૈસા ના આપ્યા હોત તો હજુ આ બબાલથી આપણો છેડાછૂટકો ના થયો હોત. પોલીસ કેસ કર્યો હોત તો હજુ દોડધામ ચાલુ હોત અને ગામને ખબર પડત એ જુદું. એક કરોડ ગયા પણ શાંતિ થઈ ગઈ.’
 
‘હંઅ.’ અંતરાએ ડોકું ધુણાવ્યું. એના મનમાં અત્યારે ગુલાલની વાતથી તદ્દન વિરુદ્ધ વિચારો ચાલી રહ્યા હતા.
‘અંતરા, હવે જીવન પાછું સપ્તરંગી બની ગયું છે.’ ગુલાલે પાણીની બુંદો મઢેલા ગ્લાસની આરપારથી આકાશમાં છવાયેલા રેઈનબો પર નજર નાંખતાં કહ્યું, ‘જોને, મલ્હાર નામની મુશ્કેલીથી પણ છૂટી ગયાં અને પેલો કંપનીનો સાયબર ચોર પણ પકડાઈ ગયો. બસ, હવે ફરી પાછું મજાનું ‚રૂટીન શરૂ થઈ ગયું છે. મમ્મી, તું, નિખિલ, ઓફિસ સ્ટાફ, ક્લાયન્ટ્સ, ડ્રાઇવર, અને રસોઈયાના રીલેશનલ રેઈનબોમાં લાઇફ એન્જોય કરવાની મજા આવે છે યાર! કોઈ મુસીબત નથી. કોઈ ટેન્શન નથી. અને લાગે છે કે હવે મુશ્કેલી આવશે પણ નહીં.’
 
‘હા, હવે કયારેય મુશ્કેલી નહીં આવે.’ અંતરા બોલી પણ તેના મનમાં તો હજુયે કંઈક બીજું જ રમી રહ્યું હતું.’
 
***
 
ગુલાલ એના મોબાઈલ પર વિડિયો કોલિંગથી દિલ્હીના એક ક્લાયન્ટ સાથે વાત કરી રહી હતી. પણ આ મોબાઇલને ત્રણ મહિના થઈ ગયા હતા. એને એનું સોફટવેર બરાબર માફક નહોતું આવતું. થોડું લેન્ધી લાગતું હતું. એ નવા ફોન માટે જોઈ રહી હતી. એનું મેઈલ અકાઉન્ટ પણ ઓપન જ હતું. માંડ એણે એકાદ બે સાઈટ ચેક કરી હશે ત્યાં જ એનું ચેટિંગ બોકસ ઓપન થયું અને કરંડિયામાંથી ફુત્કારતો સાપ ઘસી આવે એમ એક મેસેજ ધસી આવ્યો, ‘હાય, ગુલાલ, હાઉ આર યુ?’
‘હુ?’ ગુલાલે ડરતાં ડરતાં મેસેજ મોકલ્યો.’
 
‘લે, છ જ મહિનામાં ભૂલી ગઈ. તારો સગો, તારો વ્હાલો, તારો પ્રેમી, તારો દુશ્મન, તારો મલ્હાર....’ સામેથી ફરી એકવાર જૂના અને જાણીતા માણસ દ્રારા ગુજરાતી ફિલ્મનો ડાયલોગ ફટકારાયો. ગુલાલ ધ્રૂજી ગઈ. એની નસોમાં વહેતા લોહીનો પ્રવાહ થીજી ગયો. શરીર બરફ બની ગયું. જાણે શરીરને લકવા મારી ગયો હોય એમ એ લાકડું બનીને બેસી રહી હતી આ શું થઈ ગયું ? હવે શું કરું ? શું જવાબ આપું ? આ કેમ પાછો આવ્યો હશે? જેવા અનેક પ્રશ્ર્નો સુદર્શન ચક્ર બનીને એના મસ્તિષ્કમાં ઘુમરાવા લાગ્યા ત્યાં જ એક બીજી ઘટના બની ગઈ.
 
એક ઝાટકા સાથે ગુલાલની કેબિનનું બારણું ખૂલ્યું અને અંતરા, નિખિલ અને બીજો એક અજાણ્યો માણસ અંદર આવી ગયાં. અંતરા તરત જ ગુલાલની ચેર પાસે દોડી આવી. પેલો માણસ મોબાઈલ પર કોઈકને સૂચનાઓ આપી રહ્યો હતો. નિખિલ પણ આવીને તરત જ ઇન્ટરકોમ પર કોઈ સાથે વાત કરવા માંડ્યો હતો અને અંતરાએ તો આવતાવેંત જ ગુલાલનો હાથ પકડીને એક ઝાટકા સાથે ચેરમાંથી ઊભી કરી દીધી અને પોતે ત્યાં ગોઠવાઈ ગઈ. ત્યાં સુધી નિખિલ અને પેલા માણસની વાત પૂરી થઈ ગઈ હતી. નિખિલે ગુલાલને કહ્યું, ‘અત્યારે કંઈ જ પૂછીશ નહીં, અને બોલીશ પણ નહિ. ચૂપચાપ અમે જે કરીએ એ બધું જોયા કર.’
 
ગુલાલ બાઘા જેમ બધું જોવા લાગી. પેલા માણસે અંતરાને સૂચના આપી, ‘અંતરા, કોઈ પણ ભોગે એની સાથે વાત ચાલુ રાખજે! અંતરાએ હકારમાં માથું ધુણાવ્યું અને મેસેજ ટાઇપ કરવા લાગી.
‘ઓહ, મલ્હાર! તું છે! તને તો કેમ ભુલાય યાર!’
‘વાહ, આજે તો સારા મૂડમાં લાગે છે ને કાંઈ!’
‘મારો મૂડ હંમેશાં સારો જ હોય છે. બોલ, કેમ યાદ કરવી પડી મને?’
 
‘શું કહું યાર!’ આ પૈસા પણ સાલી બહુ ખરાબ ચીજ છે. એક વાર પૈસા આવે પછી શરીરમાં એવું રસાયણ ભળી જાય છે કે એના વગર ચાલે જ નહીં. જોને, તેં એક કરોડ રૂપિયા આપ્યા હતા એમાંથી માંડ દસ લાખ બચ્યા છે. હવે મારે કેમ જીવવું બોલ? એટલે તું યાદ આવી. ગમે એમ તોયે હું તારો પહેલો પ્રેમી છું. તને જીવનનું સર્વોત્તમ સુખ આપનાર પ્રથમ પુરુષ છું. તને મારા માટે જીવ બળે જ બળે. યાર, મારે પચાસ લાખ રૂપિયાની જરૂર છે.’
 
મલ્હારે બીજા પચાસ લાખની માંગણી કરી. અંતરા પણ ધ્રૂજી ગઈ હતી. શું જવાબ આપવો એ પણ એને સૂજતું નહોતું. નિખિલ એની બાજુંમાં જ ઊભો હતો. એણે કહ્યું, ‘થોડી આનાકાની કર એટલે વાત ચાલુ રહે.’
‘હા,’ પેલા બીજા માણસે પણ કહ્યું, ‘હજુ મલ્હાર ટ્રેસ નથી થયો. ચેટિંગ ચાલુ રાખ.’
અંતરાએ મેસેજ મોકલ્યો, ‘મલ્હાર, હજુ છ મહિના પહેલાં તો તને એક કરોડ રૂપિયા આપ્યા છે. ફરીવાર હું પૈસા ક્યાંથી લાવું ? મારી પાસે પૈસાનું ઝાડ થોડું છે ?’
 
આ બાજુ પેલો માણસ એના ઓફિસના જ ઈન્ટરકોમ પર જોર જોરથી વાત કરી રહ્યો હતો, ‘જજ્ઞેશ! વોટ હેપન, બ્લેકમેઈલર ટ્રેસ થયો કે નહીં? અંતરાને અમે હજુ એની સાથે ચેટિંગ પર બીઝી રાખી છે.’
 
‘યેસ, ઇન્સ્પેક્ટર ! જસ્ટ અ મિનિટ્સ !’
ગુલાલને તો હજુ કંઈ ગતાગમ નહોતી પડતી કે આ બધું શું ચાલી રહ્યું છે. એણે અંતરા સામે જોયું. અંતરા અત્યારે મેસેજ ટાઇપ કરવામાં બીઝી હતી, ‘જો, મલ્હાર, હવે તું મને બ્લેક મેઈલ નહીં કરી શકે. તેં ઓરિજિનલ સોર્સ મને આપી દીધા છે. હા, તારી પાસે એ વિડિયોની કોપી હશે એ વાત પણ નક્કી છે. પણ યાર, આ બેઈમાનીના ધંધામાં થોડી તો ઈમાનદારી રાખ. મેં તારી પાસે પ્રોમિસ લીધું હતું કે તું વિશ્વાસઘાત નહીં કરે. મને ફરી બ્લેક મેઈલ નહીં કરે. પ્લીઝ !’
 
‘આમાં કોઈ ઈમાનદારી ના હોય. વિડિયો મારી પાસે સેવ છે. તું ના પાડીશ તો વાઈરલ કરી દઈશ.’
 
અંતરા ભાંગી રહી હતી. એણે પેલા માણસ સામે જોયું. એ અમદાવાદના એક જાંબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર હતા. અંતરાએ એમને ઉદ્દેશીને પૂછ્યુ, ‘ઇન્સ્પેક્ટર સાહેબ, હજુ કેટલી વાર લાગશે ? લાગે છે મલ્હાર હવે વધારે વાર ચેટિંગ પર નહીં રહે.’
‘બસ, થોડી સેકન્ડસ. ઈન્સપેકટરનો ફોન ચાલું જ હતો. એમણે સ્પીકર પર હાથ રાખીને ધીમેથી કહ્યું. ત્યાં જ સામેથી અવાજ આવ્યો, ‘સર, અમે બ્લેકમેઈલરને ટ્રેસ કરી લીધો છે ! એ મુંબઈથી ચેટિંગ કરી રહ્યો છે.’
 
‘ધેટ્સ ગ્રેટ.’ હવે જલદીથી એનું આઈ.પી. એડ્રેસ શોધી કાઢો.’
‘યસ, સર!’
‘અંતરા તું હજુ એને બીઝી રાખજે. છટકવા ના દેતી. બહુ વાર નહીં લાગે.’ ઇન્સ્પેક્ટરે અંતરાને કહ્યું.
‘જો આમ ને આમ ચાલ્યું તો તું ત્રીજી વાર પણ મારી પાસે પૈસા માગીશ. આખી જિંદગી મને બ્લેક મેઈલ કરીશ.’
‘ના, આઈ સ્વેર એવું નહીં કરું. બસ એકવાર પચાસ લાખ આપી દે.’ મલ્હારે મેસેજ મોકલ્યો.
 
ઇન્સ્પેક્ટર હજુ ઇન્ટરકોમ પર જ હતા, સામેથી અવાજ આવ્યો, ‘સર, વી હેવ જસ્ટ ફાઇન્ડ ધી એરીયા. એ બોરીવલીથી ચેટિંગ કરી રહ્યો છે. બટ ધી એક્ઝેક્ટ સ્પોટ વી આર ટ્રાઈંગ ટુ લોકેટ...’
‘હરીઅપ...’
 
‘જસ્ટ અ સેકન્ડસ સર, યસ, વી હેવ ફાઇન્ડ ઈટ. એ બોરીવલીના ‘નેટવર્ક ચેટવર્ક’ નામના સાયબર કાફેમાંથી ચેટિંગ કરી રહ્યો છે સર!’
 
‘ઓ.કે.’ ઇન્સ્પેક્ટરે તરત જ ઇન્ટરકોમ મૂકી દીધો અને બોરીવલી પોલીસ સ્ટેશનના પી.આઈ. દેશમુખને મોબાઈલ જોડયો, ‘ઇ. દેશમુખ, ઇ. ઝાલા હીઅર! ઈન્સપેકટરે ટૂંકમાં આખી વાત સમજાવી દીધી અને કહ્યું,‘ બ્લેકમેઈલર અભી ભી ચેટિંગ પર બીઝી હૈ. બોરીવલી... ‘નેટવર્ક ચેટવર્ક’ સાયબર કાફે. આપકી ટીમ કે સાથ જલ્દી વહાં પહુંચીએ ઔર ઉસે ગિરફ્તાર કર લીજીયે.પ્લીઝ, ધ્યાન રખના, વો બહુત સાતિર દિમાગ સાયબર ક્રિમિનલ હૈ. કિસી ભી હાલમેં છુટકના નહીં ચાહિએ.’
‘ડોન્ટ વરી. મેં હૂં ના.’ સામેથી ઇન્સ્પેક્ટરે ટૂંકો જવાબ આપ્યો અને સેલ ડિસકનેક્ટ થઈ ગયો.
 
એ પછી પાંચ મિનિટ બાદ મલ્હારે પણ છેલ્લો મેસેજ મોકલ્યો, ‘વધારે ચપ-ચપ ના કર. તારી પાસે મને પૈસા આપ્યા સિવાય કોઈ છૂટકો નથી. પૈસા ક્યાં આપવા એ હું તને મેઈલ પર જણાવીશ. ગુડબાય.’ એ સાઈન આઉટ થઈ ગયો.
ધ્રૂજી ઉઠેલી અંતરા બોલી, ‘સર, એ છટકી તો નહીં જાય ને ?’
 
‘ડોન્ટ વરી અંતરા, ઇ. દેશમુખ બહુ બાહોશ છે. બસ, હવે થોડી જ વારમાં આ સાયબર શરતરંજનો મહોરો ખુલ્લો પડી જશે. મલ્હારની ગેમ આજે પૂરી થઈ સમજ. સાંજે પાર્ટી પાક્કી.’
 
ઇન્સ્પેક્ટરની વાત સાચી હતી. બરાબર દસ મિનિટ પછી ઈ. દેશમુખ એમની ટીમ સાથે બોરીવલીના ‘નેટવર્ક ચેટવર્ક સાયબર કાફે’ ના દરવાજામાં દાખલ થઈ રહ્યા હતા.
ક્રમશ: