આક્રમક ક્રિકેટર ઈમરાનખાન પપેટ પ્રાઈમ મિનિસ્ટર?

    ૦૩-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
 
પાકિસ્તાનનો કેપ્ટન હવે ઇમરાન ખાન હશે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી તરીકે ઓળખાતી સંસદની ૨૫મી જુલાઈએ ચૂંટણી થઈ અને તેમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ નામની પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી છે. ચૂંટણી પૂર્વેની અટકળો, અભ્યાસો, સંશોધન અને સર્વેમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાનમાં મેદાન મારી જશે તેમ કહેવાતું હતું અને તે સાચું પડ્યું છે. જોકે ૨૦૧૩ની ચૂંટણીમાં પણ એવું જ કહેવાતું હતું પણ ઇમરાનની પાર્ટીને માત્ર ૨૭ સીટ જ મળી હતી, આ વખતે પણ પૂર્ણ બહુમતી તો મળી જ નથી. ૧૧૬ બેઠકો મળી છે. વોટ પણ ઓછા કહી શકાય તેવા ૩૧.૮૯% જ મળ્યા છે, એટલે પાકિસ્તાનમાં આર્મીની મદદથી ગઠબંધનની સરકાર બનશે.’ આર્મી આ વખતે નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ અને આસિફ અલી ઝરદારી- બિલાવલ ભુટ્ટોની પાર્ટીને કોઈપણ રીતે સત્તાથી વિમુખ રાખવા માગતી હતી, કારણકે, પાકિસ્તાનની આઝાદીથી લઈને અત્યાર સુધીનાં વર્ષોમાં આ બંનેએ જ સત્તા સંભાળી છે. આ વખતે ઈમરાન ત્રીજા પરિબળ તરીકે ઉભર્યા. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાને પ્રજાએ નેતા તરીકે ૨૦ વર્ષ સુધી જાકારો આપ્યો હવે તે જ પ્રજાએ તેને વડાપ્રધાન બનાવો છે.
 
પાકિસ્તાનમાં કટ્ટરપંથી વિચારધારા લોકતાંત્રિક પ્રક્રિયાના પ્રવાહમાં રીતસરની ઢસડાઈ ગઈ છે તે હકીકત છે. પાકિસ્તાની અવામે કટ્ટરપંથી સોચ ધરાવતી રાજકીય પાર્ટીઓને રીતસરની ફગાવી દીધી છે અને આ ઘટના ભારત માટે સારા અને ઉત્સાહવર્ધક સમાચાર છે. મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસનો મુખ્ય આરોપી અને ભારતદ્વેષી ઝેર ઓકવામાં પાછીપાની ન કરતો લશ્કર એ તોઈબાનો આકા હાફિજ સઈદ પણ આ ચૂંટણીમાં ધૂળ ચાટતો થઈ ગયો છે. તેની અલ્લાહુ અકબર તહેરિકમાંથી કોઈ ઉમેદવાર ચૂંટાયો નથી અને તેના તમામ ૫૦ ઉમેદવારોની ડિપોઝિટ જમા થઈ ગઈ છે. ગંભીર બાબત એ છે કે ભલે પ્રજાએ તેને જાકારો આપ્યો પણ તેના ઉમેદવારો ચૂંટણી લડવામાં સમર્થ રહ્યા જે આવનારા સમય માટેનો ખતરનાક સંકેત ગણી શકાય. વિવિધ ધાર્મિક પાર્ટીઓનું બનેલું મુત્તાહિદા મજલિસ-એ-અમલ નામનું એક સંગઠન દસથી વધુ બેઠકો મેળવી ગયું છે, આ સંગઠનનું સમર્થન મેળવ્યા વિના ઈમરાનની પાર્ટી પાસે બહુમતી થશે નહીં.
 
ઇમરાનના સૂર ભારત વિરોધી રહ્યા છે. તેણે પ્રજાને નવું પાકિસ્તાન અને ભારત કરતાં દરેક ક્ષેત્રે આગળ વધવાનું વચન તો આપ્યું છે પણ તેને પહેલાં તેના જ દેશના કટ્ટરપંથી સામે લડવું પડશે. પાકિસ્તાન વેપાર અને આર્થિક ક્ષેત્રે ભારતનો સહયોગ માગશે, પણ પ્રચારમાં "જો મોદી કા યાર હૈ વહ ગદ્દાર હૈ-ગદ્દાર હૈનું સૂત્ર પણ નવાઝ વિરુદ્ધ ઇમરાને જ આપ્યુ છે. હવે સ્પષ્ટ બહુમતી પણ નથી માટે ભારત સાથે ઈમરાન યુગના સંબંધો કેવા રહેશે એ તો ત્યાંની આર્મી નક્કી કરશે. એટલે હાલ તો ભારતે આ સંબંધ સંદર્ભે રાહ જ જોવી રહી. ઇમરાન ચીનપ્રેમી રહ્યો છે. તેણે ભાષણોમાં ચીની નીતિઓનાં વખાણ કર્યાં છે. ચીને ૪૬ અરબ ડોલરનું નિવેશ પાકિસ્તાનમાં કર્યું છે અને તે દાવો પણ કરતું આવ્યું છે કે તે પાકિસ્તાનનો મિત્ર છે. સરકાર બદલાતાં ચીને ઇમરાન ખાનને નસીહત પણ આપી દીધી છે કે તે પશ્ર્ચિમી મીડિયાની બચીને રહે. ઇમરાને પણ તેના પહેલા જ ભાષણમાં ચીન તરફી તેનો જુકાવ સ્પષ્ટ કરી દીધો છે. એટલે ચીન પાકનું સાથી ઇમરાનયુગમાં પણ બની રહેશે તેવું લાગે છે.
 
૨૦૧૩માં નવાઝ શરીફ પાસે ૧૨૫ બેઠક હતી માટે અન્ય પાર્ટીનું સમર્થનની તેને બહુ જરૂર ન પડી પણ ઈમરાન ખાનની તહેરિક-એ-ઈન્સાફ પાસે બહુમતી નથી એટલે તેણે અન્ય પાર્ટીઓનું સમર્થન લેવું અનિવાર્ય થઈ પડશે. કટ્ટરપંથી પાર્ટીઓ તેમની શરતો સાથે ઈમરાનની સરકારમાં જોડાશે અને અહીંથી જ સમસ્યાનું સર્જન થશે. પાકિસ્તાનમાં પ્લેબોય અને તાલિબાનખાન તરીકે તેની ઓળખ છે. આથી ભારત સાથે સંબંધો રાખવામાં આ વિચારસરણી આડે આવવાની છે. ભારત એક કદમ આગળ વધે તો અમે બે કદમ વધીશું તેમ કહીને ઈમરાને સકારાત્મક માહોલ તો બનાવ્યો છે પણ હકીકત એ છે કે પાકિસ્તાનના કોઈપણ શાસકની જીવાદોરી તો આર્મી અને કટ્ટરપંથી પરિબળોના હાથમાં જ હોય છે. ઈમરાને સત્તા સંભાળી નથી તે પહેલાં તો ભારત સાથે સંબંધોમાં કાશ્મીરની આડશ આવતી હોવાનું કહી જ દીધું છે. મીડિયાનો રીપોર્ટ કહે છે કે ઘરઆંગણે જ્યારે પણ તે રાજકીય-શાસકીય મુશ્કેલી અનુભવવા માંડશે તે જ વખતે તે કાશ્મીરનો રાગ આલાપશે અને તેમ કરીને ભારતના ઘા પર ઘસરકો કરશે. શરીફ કે ઈમરાન - હકીકત એ છે કે ભારતે બહુ હરખાવા જેવું નથી. જોકે ભારતે પણ પાકિસ્તાનની નવી સરકાર સુરક્ષિત, સ્થિર બને, વિકસિત એશિયા માટે કામ કરે અને પાકિસ્તાન હિંસા-આતંકવાદથી મુક્ત થાય એવી આશા વ્યક્ત કરી છે.
 
પાકિસ્તાનનું મીડિયા કહે છે કે પાકિસ્તાનના યુવાનો આતંકવાદ અને કટ્ટરવાદથી મુક્તિ ઝંખે છે, ટેરરિસ્ટ હાફિસની હાર આ જ સૂચવે છે. ચૂંટણીના પરિણામમાં પાકિસ્તાનની જનતાની થોડી મેચ્યોરિટી જોવા મળી છે પણ ઇયુ (યુરોપિયન યુનિયન) ના નિરીક્ષણ દળની વાત માનીએ તો આ ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ ન હતી એ વાત પણ ગંભીર વાત ગણાવી શકાય. નવાઝની પાર્ટીએ પણ ચૂંટણીમાં લશ્કરે ધાંધલી કરી છે ના આક્ષેપ કર્યા છે. ચૂંટણીનું પરિણામ પણ ૧૭-૧૮ કલાક પછી પણ ન આવતા અહીં વ્યાપક ગેરરીતિના આક્ષેપો થઇ જ રહ્યા છે. ભારતનું મીડિયા તો પહેલેથી જ ઇમરાનને આર્મીનો ઉમેદવાર ગણે છે અને ચૂંટણી પહેલાંનાં તેનાં ભાષણોમાં પણ તેનો ભારત વિરોધી મિજાજ સામે આવી ગયો છે. જો કે હવે સત્તા આવતાં ઇમરાન ભારત સાથે સંબંધ સુધારવાની વાતો કરે છે પણ તે ગમે તે કહે સ્પષ્ટ બહુમતી ન મળતાં ઇમરાન ખાન પણ પપેટ પ્રાઈમ મિનિસ્ટર જ બની રહેશે, ખરી સત્તા તો પાકિસ્તાનની આર્મી જ ભોગવતી આવે છે અને ભોગવતી રહેશે.