સાધુસદનમાં દુર્વાસાના દરવાજા ન હોય તો ગમે

    ૦૩-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
ચિતા નિર્જીવને બાળે છે અને ચિંતા સજીવને બાળે છે. જેનામાં તંત નથી તે સંત છે અને જે અનંત છે તે મહંત છે.
 
લખનૌમાં હું કથા કરતો હતો ત્યારે એક સાઈનબોર્ડ નજરે ચડ્યું, જરા મુસ્કુરાઈએ, આપ લખનૌ મેં હૈ. વાંચતાની સાથે જ હું પણ હસી પડ્યો. "સાધુ તો ચલતા ભલા કહેવતને મારી તલગાજરડી વ્યાસપીઠ થોડી બદલીને કહેવા માગે છે કે સાધુ તો હસતા ભલા. હાસ્ય એ હોઠનું ઘરેણું છે અને સાધુ એ સમાજનું ઘરેણું છે. ઘરેણાને હંમેશા આપણે સેઈફ ડિપોઝિટ વોલ્ટમાં રાખવાં જોઈએ. હવેથી મારે જે હસે નહીં તેને કથા આપવી નથી. સોગિયા મોંવાળા લોકો મને ગમતા નથી. એક આશ્રમમાં એક સાધુ તો જમવામાં થોડું મોડું થાય તો તુરંત ક્રોધિત થઈ સેવકને કહેતા કે "મૈં તુઝે ચકલી બના દૂંગા. ત્યારે મને કહેવાનું મન થતું કે બાબા, ચકલી બનાવી શકતા હો તો જમવાનું જ બનાવી નાખોને. સાધુસદનમાં દુર્વાસાના દરવાજા ન હોય તો ગમે. સાધુનું સન્માન તો જરૂરી છે જ પણ સાથે સાથે આપણા સૌમાં સાધુતા ટકી રહે એ વધુ અગત્યનું છે. અમારી સાધુ પરંપરામાં સંગીત સહજ સાધ્ય છે. મારો જન્મ સાધુ પરિવારમાં થયો છે તેનું મને ગૌરવ છે. દરેકને પોતાની જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ. ગૌરવ અભિમાન બને ત્યારે જ્ઞાતિવાદ સર્જાય છે. જે વ્યક્તિનું જીવન સાદું હોય એ સાધુ હોય. ‘सादगी श्रृंगार हो गयी, आयनों की हार हो गयी’. બાળપણમાં ચા-ખાંડના ડબ્બા વગાડતાં વગાડતાં સાધુબાળ તબલાની થાપ સુધી પહોંચી જાય છે. અધ્યાત્મ અને સંગીતનું જોડાણ બહુ પ્રાચીન છે. બંનેનું કામ માણસને અંદર-અંતર તરફ લઈ જવાનું છે. મીરાંના એકતારાની કોલર ટ્યૂન આજે પણ વૈકુંઠમાં નંબર વન છે.
 
ગામડાગામમાં ઘણીવાર લોકો અંગત સવાલો પણ પૂછી લેતા હોય છે. દરેકના એકાંતનું સન્માન કરવું જોઈએ. ક્યારેક સંવેદનાનું શેરીંગ પણ પીડા આપનારું બની જાય છે. ક્યારેક કોઠો હળવો કરવાથી હૈયું ભારે પણ થઈ જતું હોય છે. નદીનું મૂળ અને સાધુનું ફૂળ કદી ન પુછાય. પારકી પંચાત કરનારે જાત તરફ પણ જોવું રહ્યું... પોતાને પોતું મારી શકે એ જ સાચી સ્વચ્છતા છે. ભીતરનો કચરો સાફ કરી શકે એવા સ્વચ્છતા અભિયાનની દેશને આજે ખૂબ જરૂર છે. સાધુ અરીસા જેવો પારદર્શક હોવો જોઈએ. દંભનો અંચળો ઝાઝો સમય ટકી નથી શકતો. મુખવટાથી તખ્તા બદલી શકાય પણ તખ્ત નહીં. સાધુની વ્યાખ્યા શું ? એવું સ્વામી રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું તો એક યુવાને કહ્યું કે ‘ભોજન મળે તો આરોગે અને ન મળે તો કોઈ હરખશોક ન કરે.’
 
‘આ તો કૂતરાની વ્યાખ્યા છે. સાધુ તો એ છે જે વહેંચીને ખાય. પછી એ જ્ઞાન હોય કે રોટી. જે બધાનો વિચાર કરે એ સાધુ.’ સ્વામીજીએ જવાબ આપ્યો.
 
બસ, એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં, બધાના વિચાર દે.
- મરીઝ
 
‘तानि सर्वाणि संयम्भ युक्त आसीत मत्परः | वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥
 
ગીતાનો આ શ્ર્લોક જાણે સાધુની ઓળખ આપે છે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને સમભાવનો સાગર એટલે સાધુ. સાધુ વસ્ત્રપરિધાનથી નહીં પણ આત્મીય અનુસંધાનથી ઓળખાય છે. માનભાઈ ભટ્ટને હું પેન્ટ શર્ટ પહેરેલા સાધુ કહું છું. વિદેશમાં ત્રણ હસતા સંત થઈ ગયા. ‘થ્રી લાફીંગ સેઈન્ટ્સ’ તરીકે તેઓ ઓળખાતા હતા. જગતને હસતું રાખવું એ જ એમનો ધર્મ અને કર્મ હતું. જીવનને હસતાં હસતાં જીવો એ જ એમનો ઉપદેશ અને ઉદ્દેશ હતો. એમનો હાસ્ય સંપ્રદાય વિશ્ર્વમાં ખૂબ ખ્યાત થયો હતો. ચીનના મહાન ફિલસૂફ યુ આંગ ત્સેના ઘરે બાળકનો જન્મ થયો. લોકો મીઠાઈ માટે આવ્યા તો એ ખૂણામાં બેસીને રડતા હતા. કારણ પૂછતાં કહે કે ‘બાળકનું એક દિવસ મૃત્યુ થવાનું જ છે એ ચિંતામાં રડું છું.’ થોડાં વર્ષો બાદ એમની પત્નીનું અવસાન થયું તો લોકો દિલાસો દેવા ઘરે આવ્યા. યુ આંગ ત્સે ઓટલા પર બેસી બીન વગાડતા હતા. લોકોએ પૂછ્યું તો કહે કે ‘ખુશ થવાનો અવસર છે. એ જન્મમરણના ફેરામાંથી મુક્ત થઈ.’ નરસિંહ મહેતાની ભલું થયું ભાંગી જંજાળની ફિલસૂફીનો મર્મ અહીં મળે છે. સાધુપરંપરામાં મૃત્યુ મહોત્સવ તરીકે ઊજવાય છે. સાધુનું ઉઠમણું ન થાય, ઉગમણું થાય. એની શોકસભા ન હોય, શ્ર્લોકસભા હોય. ઘરથી કબર સુધીની સફરમાં ક્યાંક સાચા સાધુનો ભેટો થઈ જાય તો તો બેડો પાર અને આનંદ અપાર...
 
આલેખન : હરદ્વાર ગોસ્વામી