ભારતમાં આવેલું એકમાત્ર નામ વિનાનું રેલવે સ્ટેશન

    ૦૩-ઓગસ્ટ-૨૦૧૮


 

ભારતીય રેલ દેશની લાઇફલાઇન નહીં પરંતુ જીવન પણ છે. ટ્રેનમાં મુસાફરીનો આનંદ દરેક વ્યક્તિએ કોઈ ને કોઈ સમયે લીધો હોય છે. નાના, મોટા દરેક રેલવે સ્ટેશનનું નામ હોય છે, પરંતુ ભારતમાં એક રેલવે સ્ટેશન એવું છે જેનું નામ નથી ! નામ વગરનું રેલવે સ્ટેશન ઝારખંડમાં આવેલું છે. રેલવે નામ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યું છે.

વર્ષ ૨૦૧૧માં સ્ટેશનના નામ મામલે બે ગામો વચ્ચે વિવાદ થયો હતો. કમલે ગામના લોકોનું કહેવું હતું કે તેમના ગામની જમીન પર રેલવે સ્ટેશન બન્યું હોવાથી સ્ટેશનનું નામ તેમના ગામના નામ પર હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે સ્ટેશને ઉતરનાર મુસાફરો બડકીચાંપી સ્ટેશનની ટિકિટ લેતા હોય છે. બડકીચાંપી વિસ્તારનું એક ગામ છે. કમલે ગામના લોકોએ જણાવ્યું હતું કે, સ્ટેશન બનાવવામાં ગ્રામજનોએ પોતાનો પરસેવો વહાવ્યો હતો. પરંતુ પ્રશાસન તેમની સાથે અન્યાય કરી રહ્યું છે. અગાઉ સ્ટેશનનું નામ બડકીચાંપી રાખવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કમલે ગામના લોકોએ ભારે વિરોધ કર્યો હતો. જો કે સરકારની નજરમાં સ્ટેશનનું નામ બડકીચાંપી છે, પરંતુ અજાણ્યા મુસાફરો માટે નામ વિનાનું રેલવે સ્ટેશન છે.