૯ ઑગસ્ટથી શરૂ થતા એવરત-જીવરત-જયા-વિજયાની ધર્મકથા...

    ૦૬-ઓગસ્ટ-૨૦૧૮

 
 
 
તા. ૯ ઑગસ્ટથી ૧૧મી ઑગસ્ટ સુધી
(અષાઢ વદ તેરસથી અમાસ સુધી ૩ દિવસ માટેના શક્તિ ઉપાસના વ્રત નિમિત્તે)
આદ્યશક્તિ એવરત-જીવરત-જયા-વિજયાનું ઉપાસના પર્વ (વ્રત)
 
ઉપાસનાના અર્ક તરીકે આપણને અનેક ધર્મકથાઓ (વ્રત) પ્રાપ્ત થયાં છે. આવું જ એકવ્રત સોહાગણ સ્ત્રીના સર્વે મનોરથ અને કુંવારી ક્ધયાના સર્વ કોડ પૂર્ણ કરતું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધીના ત્રણ દિવસ માટે ઊજવાય છે. આ વ્રતની ધર્મકથા જોઈએ...
 
એવરત-જીવરત વ્રતની ધર્મકથા
 
સોનાવતી નામે એક નગર હતું. નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેનો પત્ની તથા પુત્ર હતાં. ત્રણે સુખેથી રહેતાં હતાં. પુત્ર મોટો થતાં તેનાં લગ્ન થયાં. આ વર-વહુ દરરોજ સાંજે મંદિરે દર્શને જતાં હતાં. એક દિવસ સાંજે માતાજીના મંદિરે દર્શને જતાં પતિને મંદિરના પગથિયા ઉપર નાગ કરડ્યો. મંદિરના પગથિયા પર પડેલા પોતાના પતિના મૃતદેહને લઈ પત્નીએ માતાજીના મંદિરમાં આશરો લીધો. આ દૃશ્ય ગામની એક બાઈએ જોયું. રાત્રી હોવાથી ભયની મારી વહુએ મંદિરના દરવાજા બંધ કર્યા.
 
વર-વહુને મંદિરમાં કલ્પાંત કરતી અવસ્થામાં જોયેલ બાઈએ ગામમાં આવી સોમદત્તને ઘટનાનું વર્ણન કર્યું. બ્રાહ્મણ તેની પત્નીને લઈ મંદિરે પહોંચ્યા. તેમની પાછળ ગામના લોકો પણ દોડતા-દોડતા પહોંચ્યા. સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું, ‘બેટા ! દરવાજો ખોલ.’ પણ વહુ દરવાજો ખોલતી નથી. આખરે કંટાળીને સવાર થાય ત્યારે વાત, એમ વિચારી બધાં ગામમાં પાછાં ફર્યાં.
 
રાત્રીનો પહેલો પ્રહર થયો અને એવરતમાં મંદિરે પધાર્યાં. જોયું તો દરવાજો બંધ છે. એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે, ‘મંદિરમાં કોણ છે ? જે હોય તે કમાડ ઉઘાડે નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે.’
વહુએ આ સાંભળી દરવાજા ઉઘાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભાં છે. હાથ જોડી વહુએ પૂછ્યું, ‘આપ કોણ છો ?’
 
દેવી બોલ્યા, ‘તેં મને ઓળખી નહીં ? આ મંદિર અમારી ચાર બહેનોનું છે. એવરત-જીવરત-જયા-વિજયા. જેમાં હું એવરત છું, પણ આ અંદર કોણ સૂતું છે ?’
 
એવરતમાની વાત સાંભળી વહુ બોલી, ‘માડી ! મારી ઉપર દયા કરો. પરણ્યાને થોડો જ સમય થયો છે. આ મારા પતિ છે જેમને નાગ કરડ્યો છે. તેમના મૃતદેહને લઈ અહીં બેઠું છું. મા ! તમે મારા પતિને જીવતદાન આપો.’
એવરતમા કહે, ‘હું જે કહું તે કરીશ ?’
 
વહુ કહે, ‘હા મા ! તમે જે કહેશો તે કરીશ. મારા પતિ જો જીવંત થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું. એવતરમાએ કહ્યું, ‘તો તને જે પહેલું બાળક થાય તે મારું. બોલ છે તૈયાર ?
 
વહુ કહે, ‘હા મા ! આપીશ... પહેલું બાળક તમને આપીશ પણ કૃપા કરી મારા પતિને સજીવન કરો.’
એવરતમાએ તેના પતિ પર દૃષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું. એટલામાં પહેલો પ્રહર પૂરો થયો અને એવતરમા અદૃશ્ય થઈ ગયાં.
 
બીજા પ્રહરે વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું. વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપી દેવી ઊભાં છે. વહુએ હાથ જોડી પૂછ્યું, ‘મા ! આપ કોણ છો ?’
 
ત્યારે પેલાં દેવી બોલ્યાં, હું જીવરતમા છું અને આ મંદિરમાં અમારાં બેસણા છે પણ તું કોણ છે ?
વહુએ બધી વાત કહી... રડી પડી...મા ! મારા પતિને જીવિત કરો.
 
જીવરતમાએ પણ એવરતમાની જેમ જ બીજું બાળક માંગ્યું. પતિના શરીરમાં સળવળાટ થયો. જીવરતમા અદૃશ્ય થયાં.
આ જ પ્રમાણે ત્રીજા પ્રહરમાં જયામા સાથે થયું. તેમણે ત્રીજો બાળક માગ્યો. પતિ તુરત જ પડખું ફેરવવા લાગ્યો.
ચોથા પ્રહરમાં વિજયામા સાથે પણ ઉપર પ્રમાણે સંવાદ થયો તથા તેમણે પણ ચોથા પુત્રની માગણી કરી. તેનો પતિ બેઠો થઈ ગયો અને પત્ની સાથે મંદિરમાં દર્શન કરવા લાગ્યો. પતિને પત્નીએ સમસ્ત ઘટના કહી સંભળાવી. સવાર પડી ગઈ હતી. મંદિરનો પૂજારી આવ્યો. તેણે જે દૃશ્ય જોયું તેનાથી આશ્ર્ચર્યચકિત થયો. જોયું તો મંદિરમાં નવોઢા યુગલ ચારે માતાજીઓની પૂજા-અર્ચના કરતાં હતાં.
 
મંદિરના પૂજારીએ ગામમાં આ વાત સંભળાવી સોમદત્ત અને તેની પત્નીના આનંદ પાર ન રહ્યો. ગ્રામજનો પણ વર-વહુનાં દર્શને આવ્યાં.
 
સમય જતાં વહુને સારા દિવસો દેખાયા અને તેણે બરાબર નવ માસે પુત્રને જન્મ આપ્યો.
 
બીજા જ દિવસે રાત્રે એવરત મા આવ્યાં અને વહુને કહ્યું, ‘દીકરી જાગે છે કે ઊંઘે છે ? આપેલું વચન યાદ છે ને ?’
વહુએ જવાબ વાળ્યો, ‘હા મા ! આપેલું વચન કેમ ભુલાય ?’
 
‘તો લાવ મારો દીકરો...’ વહુએ પતિના જીવન માટે પુત્રનું બલિદાન આપ્યું. એવરતમા દીકરાને લઈ અંતર્ધાન થયાં. સવાર પડી. સાસુને આ વાતની જાણ થઈ. તેમને કંઈ સમજણ પડી નહીં, કે બાળકનું શું થયું ! રાતમાં બાળકને કોણ લઈ જાય ? ચોક્કસ આમાં કંઈ ગોટાળો છે.
 
આમ થોડો સમય જતાં આ વાત ભુલાઈ ગઈ. દોઢ વર્ષ પછી વહુએ બીજા પુત્રને જન્મ આપ્યો. આ પુત્રને પણ જીવરતમા વચન પ્રમાણે લઈ ગયાં. વહુ સાથે આવું જ બનતું રહ્યું. ત્રીજો પુત્ર જયામા તથા ચોથો પુત્ર વિજયમા લઈ ગયાં. સાસુને વહેમ પડ્યો કે ચોક્કસ કોઈ ડાકણો વહુના પુત્રોને ભરખી જાય છે.
 
હવે વહુને સારા દિવસો આવ્યા. તેણે પાંચમાં પ્રસવમાં દીકરીને જન્મ આપ્યો. સાસુએ સવારે જોયું તો દીકરી સલામત છે. વહુએ સાસુને કહ્યું કે, મેં એવરત-જીવરત વ્રત રાખ્યું છે. બા, પણ મારે ગોયણીઓ જમાડવી છે. મારે વ્રતની ઉજવણી કરવી છે. એવરતમા તથા તેમની બહેનોને પણ ભક્તિભાવથી ગોયણી તરીકે જમવાનું આમંત્રણ આપે છે. વહુએ કહ્યું, ‘મા ! મેં આપનું વ્રત રાખ્યું છે. તેની ઉજવણી કરવાની હોઈ તમે ચારે અમારે ઘરે પધારો.’
 
ચારે માતાજીઓ ગોયણી જમવા આવે છે. એવામાં વહુની દીકરી ઘોડિયામાં ખૂબ રડે છે. વહુએ કહ્યું, ‘હે મા ! ઘોડિયું નાખનાર કોઈ નથી, જો તેને ભાઈ હોય તો હીંચકો નાખે.’ ત્યાં તો માતાજી બોલ્યાં, ‘ભાઈ કેમ નથી ? એને તો ચાર ભાઈઓ છે. લે આ તારા ચારેય દીકરા.’ માતાજી ગોયણી જમીને આશીર્વાદ આપી અદૃશ્ય થયાં. બ્રાહ્મણ તથા તેની પત્ની અને સૌ ગ્રામજનોને સાચી વાતની ખબર પડી. એવરતમા, જીવરતમા, જયામા તથા વિજયમાનો જયજયકાર થયો. ત્યારથી સૌ એવરત - જીવરત વ્રત કરવા માંડ્યા. શ્રદ્ધા રાખવા માંડ્યા કે જેમ વહુને આ માતાજી ફળ્યાં તેમ સૌને ફળે. આદ્યશક્તિની શ્રદ્ધાથી ઉપાસના કરવાથી સઘળા મનોરથો પૂર્ણ થતા હોય છે.
 
યા દેવી સર્વ ભૂતેષુ
શક્તિ ‚પેણ સંસ્થિતા
નમ:તસ્યૈ નમ:તસ્યૈ
નમ:તસ્યૈ નમો નમ: ॥