અત્ર, તત્ર અને સર્વત્ર શિવ છે. જ્યાં શિવ નથી ત્યાં કશું નથી.

    ૦૧-સપ્ટેમ્બર-૨૦૧૮   

 
 
કવિશ્રી વિનોદ જોશીએ કહ્યું છે ‘આવ્યો છું તારી હદમાં તડીપાર થઈ જવા, નિહાળી રૂપ તારું નિરાકાર થઈ જવા.’ શિવને અનુરૂપ આ વ્યાખ્યા છે. શિવના તંતનો અંત નથી. પૃથ્વીના છેડેથી અને આકાશના પ્રારંભથી શિવની સમજ શરૂ થાય છે. અનંત, અજન્મા અને અવિનાશી આશુતોષ અવઢરદાની છે. અન્ય દેવોને કદાચ સમજવા સરળ બને પણ શિવને સમજવા બહુ દુષ્કર છે. ઘોડિયાથી સ્મશાન સુધીનો વિસ્તાર છે. અત્ર, તત્ર અને સર્વત્ર શિવ છે. જ્યાં શિવ નથી ત્યાં કશું નથી.
 
રવિવારની રંગત સોમવારની સવાર પડતાં જ ઓગળી જાય છે. સપ્તાહનો સૌથી અપ્રિય દિવસ સોમ છે. ઓફિસમાં જાતને ગોઠવવી મુશ્કેલ બને છે. પણ શ્રાવણનો સોમ હોય તો ચિત્ત ચૈતન્ય આહ્લાદક અનુભૂતિમાં રમમાણ થાય છે. આ વર્ષે શુભ સંયોગ છે કે રવિવારે પ્રારંભાઈ રવિવારે જ શ્રાવણ સંપન્ન થાય છે. આશુતોષ અવઢરદાનીને ભજવા આ પાંચ રવિવાર અને ચાર સોમવાર પંચેન્દ્રિયનો પંચામૃત સમો ઉત્સવ છે. શિવને પાંચ પ્રિય છે. આમ તો કોઈ પણ દિવસે શિવને ભજી શકાય છે પણ સોમવારે ભજવાથી બમણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણે આપની સગવડ પ્રમાણે ધર્મને ગોઠવતા રહ્યા છીએ. મોટા ભાગનાં શિવમંદિરમાં રવિવારે જ ભીડ હોય છે. ભીડ ને ભાંગે એ જ ભીડભંજન. આરંભે શૂરા નહી પણ શિવા.
 
તલગાજરડી વ્યાસપીઠ કહે છે કે ધર્મને સંશોધિત કરીને ગ્લાનિ દૂર કરવી એ ધર્મકલ્યાણ છે. આપણી પરંપરામાં પુસ્તકવાંચનનો વિશેષ મહિમા છે. જ્ઞાનઘડતરમાં પુસ્તકાલયનું વિશેષ મૂલ્ય છે. પહેલાંના સમયમાં ગ્રંથાલયો નહોતાં અને પુસ્તકો પણ આટલાં સુલભ નહોતાં. ત્યારે સંસ્કારઘડતરનું કામ રામાયણ, મહાભારત, શિવપુરાણ ઇત્યાદિ ગ્રંથો કરતા હતા. આ ગ્રંથો માનવતાનો બોધપાઠ છે. સંકટ સમયની સાંકળ છે. શિવ એ સર્વ દેવોમાં શ્રેષ્ઠ છે. એમના કેટલાક દિવ્ય અને ભવ્ય પ્રસંગપારિજાત એટલે શિવપુરાણ. શિવપુરાણના નિયમિત વાંચનથી પાપનો નાશ થાય છે અને આવનારી મુશ્કેલીઓ સામે રક્ષણ મળે છે. આપણને નાનુંઅમથું કશું મળી જાય છે તો હવામાં ઊડવા લાગીએ છીએ જ્યારે જગતનો તાત હોવા છતાં શિવ નિરાભિમાની છે.
 
આ ગ્રંથ સ્વયમ્ શિવસ્વરૂપ છે. પઠન અને શ્રવણથી આત્મશુદ્ધિ થાય છે. માણસ તરીકેની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આ શાસ્ત્રના શ્ર્લોકના પઠનથી શોક દૂર થાય છે. ગ્રંથને આત્મસાત્ કરવાથી શિવપદ પ્રાપ્ત કરી શકાય છે. શ્રાવણમાસ દરમિયાન સંપૂર્ણ શિવપુરાણનો પાઠ કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. પાપી પણ જો શિવપુરાણનો સંસર્ગ કરે તો એને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
 
‘શં કરોતિ ઇતિ શંકર’ શંકર એટલે કલ્યાણ. જગતનું ભલું કરે તે ભોળિયો. ગોસ્વામી તુલસીદાસે શ્રદ્ધાને ભવાની અને વિશ્ર્વાસને શંકર કહ્યા છે. ચોવીસ હજાર શ્ર્લોકમાં કસ્તૂરીની સુગંધ આવતી હોય તો એ ગ્રંથ શિવપુરાણ છે. એક એક શ્ર્લોક જીવન જીવવાની રીતિનીતિ આપે છે. સાત સંહિતા જાણે સાત જન્મારાનું સૂચન કરે છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ આ પુરાણમાં છે. પરબ્રહ્મ પરમાત્મા અને ઓજસ્વી આત્માના મિલન માટે શિવ નામની ઔષધી અનિવાર્ય છે.
 
મંત્રવિધિ માટે વાંચી જવાથી કોઈ ફાયદો થતો નથી. શિવગાથાને અંતરના ઊંડાણથી, અધ્યયન કરવાથી સંસારના સર્વ અને સંપૂર્ણ સુખ સાત્વિકતાપૂર્વક ભોગવી શકે છે. દુર્વૃત્તિથી થયેલું વાંચન કદી ફળ આપતું નથી. ઈહલોક અને પરલોકમાં શાંતિથી રહી શકે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેયની પ્રાપ્તિ થાય છે. શિવપુરાણના શ્રવણથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ અને ચંચુલાને પાપનો ભય તથા સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. આપણી અંદરના ખરા સત્વને પુરાણ બહાર લાવે છે. સદ્ગુણોનું ઘર અને સાત્વિકતાનું સરનામું ચીંધે છે. શૌનકજીના સાધના વિષયક પ્રશ્નના જવાબમાં સૂતજીએ શિવપુરાણના ઉત્કૃષ્ટ મહિમાનું શ્રવણ કરાવ્યું.
 
-भवाब्‌धमिग्‌नं दनिं मां समुद्धर भवार्‌णवात् | कर्‌मग्‌राहगृहीतांगं दासोडहं तव शन्‌कर ॥
શિવમહિમા સાંભળવો એટલે કાન માટે રસાયણ, અમૃતસ્વરૂપ અને દિવ્ય છે.
 
આલેખન
- હરદ્વાર ગોસ્વામી