ખેલેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા

    ૧૩-સપ્ટેમ્બર-૨૦૧૮   

 

૬૫ એવોર્ડઝનો રેકોર્ડ

જકાર્તામાં યોજાયેલ એશિયાડ ગેમ્સમાં ભારતે પોતાનો જ જૂનો ૬૫ એવોર્ડઝનો રેકોર્ડ તોડતાં ૧૫ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ મેડલ્સ મળીને કુલ ૬૯ એવોર્ડ જીતી ઊજળો ઇતિહાસ સર્જ્યો. ભારતીય ખેલાડીઓએ પોતાના અપ્રતિમ ખેલથી સમગ્ર રાષ્ટ્રને ગૌરવાન્વિત કર્યું. માર્ચ - ૧૯૫૧માં પહેલો અને ૧૯૮૨માં નવમો એશિયાડ ખેલ પણ ભારતમાં યોજાયો અને આપણે ભવ્ય એશિયાડ વિલેજ તૈયાર કર્યું એનું ય ગૌરવ.

ખેલાડીમાં રાષ્ટ્રનું ગૌરવ  

 
રમતો સદીઓથી આપણા સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી છે. કૃષ્ણના ગેડી-દડાની રમતથી માંડીને ચોપાટ, રથની સ્પર્ધા, તીરંદાજી, કોડી જેવી રમતો અને એના થકી પરસ્પર સૌહાર્દની સ્થાપનાનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથોમાં છે. આજે રમતો બદલાઈ છે, પરંતુ એના થકી થઈ રહેલો વિકાસ એ જ છે. રમતો થકી ચપળતા, મેનેજમેન્ટ, ક્વિક રિસ્પોન્સિસ, હેલ્થ, ફાઇટિંગ સ્પિરિટ, કોમ્યુનિટી લિવિંગ, ટીમ બિલ્ડિંગ અને જ્યારે રાષ્ટ્ર માટે રમતા હોય ત્યારે ખેલાડીમાં રાષ્ટ્રનું ગૌરવ પણ ફલિત થાય છે. રમતગમતથી વ્યક્તિનો આત્મવિશ્ર્વાસ વધે, સાંસ્કૃતિક વૈવિધ્ય પ્રત્યે સંવેદનશીલતા કેળવાય છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે ખેલકૂદમાં તેના નાગરિકે કેટલું કાઠું કાઢ્યું તે જરૂરી છે. રમતગમત અને રાષ્ટ્રીય વિકાસ વચ્ચે મજબૂત સંબંધ છે. ભારતના ખેલાડીઓ અન્ય દેશના રમતોત્સવમાં ભાગ લેતા હોય ત્યારે આખો દેશ જાણે કોઈ એક જ લક્ષ્ય પાર પાડવા કામ કરતો હોય એવો માહોલ સર્જાય છે. ધર્મ બાદ રમતગમત જ એવી બાબત છે જે લોકોને એક મંચ પર એક જ તાંતણે બાંધી રાખે છે. રમત-ગમતને કારણે અર્થતંત્રને પણ નવો જ ટેકો મળે છે. ખેલકૂદનાં સાધનો, રમતોને લગતી ઈવેન્ટ્સ, ખેલ મહોત્સવોને કારણે રોજગારીની તકોનું સર્જન, રમતના ક્ધઝ્યુમર ગુડ્સનું ખરીદ-વેચાણ પણ આર્થિક સંપત્તિને ઉભારે છે.

 દેશના આઈકોન

 
એશિયાડ કે ઇન્ટરનેશનલ રમતો યુથ અને વાયબ્રન્સીનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક દેશનો રાષ્ટ્રીય ખેલ છે. ભારતનો રાષ્ટ્રીય ખેલ હોકી, અમેરિકા બેસબોલ, જાપાન જુડો, બ્રાઝિલ ફૂટબોલ, ભૂતાન તીરંદાજી, ઈરાન કુસ્તી વગેરે. દુનિયામાં અનેક એવી રમતો ચાલે છે જે થકી ખેલાડી આઈકોન બની જાય છે. રમતો લોકોને એકત્ર કરી જોડવાનું કાર્ય કરે છે. લોકો એકત્ર થાય તેથી રાષ્ટ્રગૌરવ ઊભું થાય છે. રમનારા જેટલા જ ઉત્સાહી જોનારા પણ હોય છે. કેટલીક રમતો દોઢસો-બસો દેશોમાં લાઇવ જોવાય છે, લોકો માટે આ એક પ્રકારનો ઉત્સવ જ છે. રમતોમાં રમવા માટે અને પોતાના સ્કિલ ડેવલપમેન્ટ માટે ઘણા ખેલાડીઓ અને મા-બાપ ઘણા લાંબા સમયથી સંતાનોને ચેમ્પિયન બનાવવા માટે તૈયાર કરતાં હોય છે. અનેક પ્રકારના ભોગ આપી મા-બાપ બાળકને તૈયાર કરે છે અથવા તો ખેલાડી પોતે લાંબા ગાળાનો સંઘર્ષ કરીને પોતાની જાતને જે તે રમત માટે તૈયાર કરે છે. ક્રિકેટમાં સચીન તેન્ડુલકર, મહેન્દ્ર સિંઘ, કુસ્તીમાં ગીતા-બબિતા, સુશીલ કુમાર, તીરંદાજીમાં દીપિકા કુમારી, બોક્સિગંમાં મેરી કોમ, વેઈટ લિફ્ટિંગમાં રેનુબાલા ચાનુ સંઘર્ષનાં ઉદાહરણો છે. તેમને બે ટંકનું ખાવાનું પણ માંડ નસીબ થતું અને આજે તેઓ દેશના આઈકોન છે.

 સફળતાનું લક્ષ્ય

 
અમેરિકા, બ્રિટન, રશિયા, જર્મની, જાપાન જેવા દેશોમાં વસ્તી ભારત કરતાં ખૂબ ઓછી છે, છતાં ખેલ-જગતના ચેમ્પિયનોની સંખ્યા અને કદર વધુ છે. વિદેશોના ખેલાડીઓ ફિટનેસને વધારે મહત્ત્વ આપે છે. આપણે ત્યાં માત્ર સિક્સ પેક બોડી એટલે ફિટનેસ એવું ઘણા સમજે છે, પણ સામટું ૨૫ કિલોમીટર દોડીને થાકવું નહીં એ ફિટનેસ બહુ ઓછાના ધ્યાનમાં છે. ચીન જેવા દેશોમાં તો સો ટકા સરકારી ખર્ચે માત્ર સ્પોર્ટ્સની અનેક શાળાઓ ઊભી કરાઈ છે. બાલ્કન રાષ્ટ્રો, રવાન્ડા, પેલેસ્ટાઈન, જોર્ડન, કોંગો, તાન્જાનિયા અને દક્ષિણ આફ્રિકાએ રમતગમતનો ઉપયોગ કરીને રાષ્ટ્રના ઘડતરને નવી દિશા આપી છે. ભારતમાં રમતોની કદર થાય છે પણ હજુ વધારે જરૂર છે. એ માટે સૌના પ્રયત્નો જરૂરી છે. બોલિવૂડે મેરી કોમ, ચક દે ઇન્ડિયા, ભાગ મિલ્ખા ભાગ, દંગલ જેવી ફિલ્મો બનાવી ખેલાડીઓ અને ખેલજગતમાં કારકિર્દી બનાવવાનું સપનું જોતા લોકો માટે બહુ જ મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેલાડીઓને મદદરૂપ બને છે, રાષ્ટ્રપતિ સહિત અને સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓ પારિતોષિક આપીને ખેલાડીઓનું સન્માન કરે છે. પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ ફર્મ પણ નોકરીની તક આપી ગૌરવ અનુભવે છે. પણ હજુ પણ વધારે પ્રોત્સાહનની જરૂરિયાત છે. ભારત દેશનું બાળક સ્કૂલ કૉલેજમાંથી જ રમત માટે પ્રોત્સાહિત થાય, એ જવાબદારી શિક્ષકે ઉપાડી લેવી જોઈએ, ત્યાર બાદ ગેમ્સ ક્લબ, ફેડરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા હજુ વધારે પ્રોત્સાહક નીતિઓનું ઘડતર કરીને ભારત જેવા યુવાદેશને રમત થકી ભવ્ય દેશ બનાવવાનું બીડું ઝડપી લેવું જોઈએ. ગુજરાત સરકારે વરસો પહેલાં કરેલ ખેલ મહાકુંભની સરાહના કરવી આ પ્રસંગે ઘટે. સરકાર, સંસ્થાઓ સાથે રમતવીર ખુદ પણ ગંભીર હોવો જરૂરી છે. નિયમિત પ્રેક્ટિસ ધગશ અને સફળતાનું લક્ષ્ય રમતવીરની આંખોમાં હોય એ આવશ્યક છે.

 ‘ખેલેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા.’

 
રમતગમતથી વ્યક્તિથી માંડીને સમગ્ર રાષ્ટ્રનો વિકાસ શક્ય છે. રાષ્ટ્રને દુનિયામાં ઓળખ મળે છે. આપણે જે કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ ત્યાં રહીને રમત ક્ષેત્રે કંઈક પ્રદાન કરવાનો સંકલ્પ કરીએ, કારણ કે ‘ખેલેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા.’ રમત-ગમત ક્ષેત્રે કાર્યરત યુવક-યુવતીઓની જીવન પદ્ધતિ નિત્યનવીન, આકર્ષક હોય છે. સફળતા, અત્યંત પ્રોત્સાહક. ટીમ તરીકે રાજ્ય કે દેશ માટે રમવા/જીતવાની તક, અત્યંત ગૌરવશાળી. તેની સાથે જોડાયેલ દરેક સંસ્થા, નિષ્પક્ષ, નિયમોને વરેલ અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સાથે સરકાર-કોર્પોરેટ દુનિયા અને સમાજ તેમને યોગ્ય માન-સન્માન આપે તો ભારત રમશે - ભારત જીતશે અને પ્રત્યેક રમતમાં વિશ્ર્વમાં નામના મેળવશે.