પ્રકરણ – ૩૪ : એ માત્ર યુવરાજની લાશ નહોતી, સાયબર નામનું હથિયાર લઈને હાહાકાર મચાવતા એક અસુરની લાશ હતી.

    ૧૭-સપ્ટેમ્બર-૨૦૧૮    

ગુલાલનુ મગજ કામ નહોતું કરતું. એણે સપનામાંયે કલ્પના નહોતી કરી એ રીતે આખી ઘટનાએ યુ ટર્ન લઈ લીધો હતો. જે દલદલનો અંત દૂર દૂર ક્ષિતિજે પણ નહોતો દેખાતો એનો અંત સાવ પાસે છાતીની અડોઅડ આવીને ઊભો હતો. ગુલાલ સાવ શૂન્યમનસ્ક બેઠી હતી. હજુ યુવરાજના હમણાં જ આવેલા મેઈલના શબ્દો એની આંખોમાં થઈને જહનમાં ઉતરી રહ્યાં હતા, ‘ગુલાલ, હું જાઉં છું. દૂર બહુ દૂર... બંધ ફેક્ટરીના સ્ટોર રૂમમાં મારી લાશ મળશે.’

ગુલાલનો મોબાઈલ રણકી રહ્યો હતો. બે-ત્રણ રીંગ વાગી પછી એનું ધ્યાન ગયું અને એણે ફોન રિસીવ કર્યો. સામે ઇ. ઝાલા બોલી રહ્યાં હતા, ‘ગુલાલ, યુવરાજનો મેઈલ તેં વાંચ્યો ? અમે એણે બતાવેલા સ્થળે જવા નીકળીએ છીએ!’

‘સર, હું પણ આવું છું.’

‘ઓ.કે. જલદી પહોંચ! આપણે ત્યાં જ મળીએ.’ ઇ. ઝાલા ઉતાવળમાં હતા એમણે ઝાઝી લપછપ ના કરી.

ગુલાલે ફોન મૂક્યો ત્યાં જ મલ્હાર દોડતો દોડતો એની કેબિનમાં આવ્યો, ‘ગુલાલ, જલ્દી કર! કદાચ આપણે યુવરાજને બચાવી શકીએ.’ ગુલાલ આશ્ર્ચર્યથી એની સામે જોઈ રહી. એને તો એણે કદી આ વાત કરી નહોતી તો એને યુવરાજની અને એના લેટેસ્ટ મેઈલની વાત કેવી રીતે ખબર પડી ? મલ્હાર એના ચહેરા પર લીંપાયેલો પ્રશ્ર્ન વાંચી ગયો. એણે ટૂંકમાં જ પતાવ્યું, ‘આશ્ર્ચર્ય ના પામ ગુલાલ. મને બધી જ ખબર છે. ગઈ કાલે જ ઇ. ઝાલાએ મને યુવરાજ વિશેની બધી વાત કરી છે. પણ અત્યારે એ બધી વાતો કરવાનો સમય નથી. આપણે ફટાફટ ત્યાં જઈએ. બે પ્રશ્ર્નો છે. કદાચ યુવરાજ સાચો પણ હોય અને ખોટો પણ. કદાચ એણે બીજી કોઈ ચાલ કરીને આપણને બોલાવ્યાં હોય એવું પણ બને. પણ તું ચિંતા ના કરતી. હવે હું તારી સાથે છું.’

ગુલાલે અત્યાર સુધી માંડ માંડ બાંધી રાખેલી હિંમતના પોટલાની ગાંઠ સરકી ગઈ. એ એને વળગી પડી, ‘મલ્હાર, હું એકલી પડી ગઈ હતી !’ મલ્હાર થથરી ઉઠ્યો. એ એની પીઠ પર હાથ પણ ના ફેરવી શક્યો. એણે આજુબાજુ નજર ઘુમાવી લીધી. જોવા કે ક્યાંય કોઈ કેમેરો તો નથી લાગેલો ને. કારણ કે હજુ કદાચ યુવરાજ જ ખતમ થયો હતો. પણ મલ્હારના માથે મંડરાતી ડાકણ જેવી પેલી સ્ત્રી અને એની શરત તો હજુ તલવાર જેમ એના ગળે લટકી જ રહી હતી. એણે તરત જ ગુલાલને અળગી કરી અને હાથ પકડીને બહાર ખેંચી ગયો.

***

એક કલાક પછી પોલીસની ટુકડી સહિત ઇન્સ્પેક્ટર ઝાલા, કોન્સ્ટેબલ રાઠોડ, કોન્સ્ટેબલ પંડ્યા, ગુલાલ અને મલ્હાર યુવરાજે બતાવેલા સ્થળે ઊભા હતાં. એ એક જૂની ફેક્ટરી હતી. ચારે તરફ જાળાં બાઝેલાં હતાં. છત ઉપર સમડીઓ ઉડા ઉડ કરી રહી હતી. એક પતરાની ખુરશીમાં નિર્જીવ યુવરાજ હતો. એની સામે એક પુરાણા ટેબલ પર લેપટોપ અને કેટલાંક ડેટાકાર્ડ પડ્યા હતા. નીચે ફર્શ પર એના પિતા માનસિંહની લાશ પડી હતી. એમના જમણા હાથમાં એક બ્લેડ હતી અને ડાબા હાથની નસ કપાયેલી હતી. નસમાંથી વહેતું લોહી ફર્શ પર પડ્યું હતું. એવી જ હાલત એની નાની બહેન નયના ઉર્ફે નેનકીની હતી. બાપ-દીકરી બંનેના લોહી એક થઈને ફર્શ પર થીજી ગયાં હતાં. યુવરાજ કહેતો હતો એમ એમણે આત્મહત્યા જ કરી હતી. અને એમની આત્મહત્યાથી આઘાત પામી એણે પણ ઝેર ગટગટાવી લીધું હતું. એ જે ખુરશી પર બેઠો બેઠો ગુલાલને મેઈલ કરતો હતો એ જ ખુરશી પર ઢળી પડ્યો હતો. માથું સહેજ જમણી તરફ ઝૂકીને ખુરશીના ટેકે ઢળી પડ્યું હતું. ફીણવાળી લીલીછમ્મ ઉલ્ટી એના મોઢામાંથી નીકળીને એના શર્ટ પર પડી હતી. ઇ. ઝાલાને અંદાજ હતો એટલે એમણે ફોરેન્સિક લેબમાં પણ પહેલેથી જ ફોન કરી દીધો હતો. એ લોકો એકદમ ઝીણવટભરી તપાસ કરી રહ્યા હતા. એમણે એ ઊલટીના નમૂના લીધા, એના ફોટા પાડ્યા અને માનસિંહ અને નેનકીના પણ ફોટા પાડ્યા, લોહીના નમૂના લીધા અને આસપાસની ચીજો પરથી ફિંગર પ્રિન્ટ્સ લેવા માંડ્યા. એક સ્ત્રી થોડેક દૂર ઊભી ઊભી ક્યારની આ બધું જોઈ રહી હતી અને પછી ત્યાંથી સરકી ગઈ.

ગુલાલ અને મલ્હાર ચૂપચાપ આ બધું જોઈ રહ્યાં હતાં. એકદમ કોરી આંખે. સામે પડી હતી એ લાશ યુવરાજની નહોતી પણ એક અસુરની હતી. સાયબર નામનું હથિયાર લઈને હાહાકાર મચાવતા એક અસુરની લાશ. પણ ગુલાલને આઘાત હતો નિર્દોષ હોવા છતાં જીવ ગુમાવનાર માનસિંહ અને નેનકીનો. એ વધારે વાર ત્યાં ઊભી ના રહી શકી. એને ચક્કર આવી રહ્યાં હતાં. ઇ. ઝાલાએ એને ઘરે લઈ જવા માટે મલ્હારને કહ્યું. એ તરત જ નીકળી ગયો. એ પછી લગભગ કલાકેક તપાસ ચાલી. ત્રણે લાશોને પોસ્ટમોર્ટમમાં મોકલ્યા બાદ ઇ. ઝાલા અને એમની ટુકડી ત્યાંથી વિદાય થઈ.

ટુકડી વિદાય થઈ પછી એક કાળા કોટવાળો શખસ ત્યાં આવ્યો. એની પાસેની બેટરી ચાલુ કરી અને અંધારામાં કંઈક ફંફોસવા માંડયો. એ ક્યાંય સુધી ઝીણી ઝીણી તપાસ કરતો રહ્યો. પછી મોડી સાંજે એણે નિખિલને ફોન કર્યો, ‘સર, એક નાનકડો સુરાગ મળ્યો છે.’

કોન્સ્ટેબલ પંડ્યા હમણાં જ ઘરે આવ્યો હતો. આવીને તરત જ એ એના ઘરની પાછળના વરંડામાં ગયો અને કોઈકનો નંબર ડાયલ કર્યો. સામેના છેડેથી અવાજ આવ્યો, ‘હા, બોલ પંડ્યા!’

‘સર....!’ અને જવાબમાં એણે ઘટનાની રજેરજ વિગત સામેના વ્યક્તિને આપી દીધી.

***

રાતનો દોઢ વાગી રહ્યો હતો. આજે ઘણા સમયે ગુલાલના શરીરમાં જાણે લોહી ભરાયું હતું. માથેથી મુશ્કેલીનું પોટલું ઊતરી ગયાની હળવાશ પણ હતી અને બહુ સમયે મલ્હારને માણવાનો ઉન્માદ પણ. એને ઊંઘ નહોતી આવતી. આવી ત્યારની મલ્હાર સાથે વાત કરી રહી હતી, ‘મલ્હાર, આ ઘટનાએ મને વિચલિત કરી નાંખી હતી. આટલા દિવસ મેં તારા વગર કેમ કાઢ્યા છે એ મારું મન જાણે છે. પણ મને તારી ચિંતા હતી. તને જો કંઈ થઈ જાતને તો હું આખી જિંદગી મને માફ ના કરી શકત.’

‘ગુલાલ! આટલી મોટી મુસીબતનો સામનો તું એકલી કરી રહી હતી. તેં મને કીધું પણ નહીં ?’

‘ક્યાંથી કહું, એણે મને ઘમકી આપી હતી. મને મારી નાંખવાની ધમકી હોત તો કહી દેત પણ એ તો તને મારી નાંખવાની વાત કરતો હતો. તોયે સોરી, યાર ! મેં તારી આગળ વ્રતનું ખોટું બહાનું કાઢ્યું એ બદલ સોરી. પણ મલ્હાર, હવે કોઈ ફિકર નથી. બધી મુશ્કેલીનું વૃક્ષ એનાં મૂળિયાં સાથે નાબૂદ થઈ ગયું. હવે બસ, તું અને હું.’ બોલીને ગુલાલ એને ચસોચસ વળગી પડી. મલ્હારનાં ‚રૂંવાડાં ઊભાં થઈ ગયાં. એ એને બાથમાં ના સમાવી શક્યો. એણે રિસ્પોન્સ ના આપ્યો. એના મનમાં અત્યારે વિચારોનું ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. એ મનમાં બબડી રહ્યો હતો. ગુલાલ, મારા માથેથી ઘાત ટળી છે તારા માથેથી નહીં. મારી સાથે શરીરસંબંધ બાંધવા તું ફ્રી થઈ છે હું નહીં. મારા ગળે તો હજુ શરતની તલવાર લટકી જ રહી છે. તને કેમ કરી સમજાવું ?

ગુલાલ તરસી ધરતી જેવી બની મલ્હારને વળગેલી હતી પણ મલ્હારના મનમાં પેલી સ્ત્રીના ધમકીભર્યા શબ્દો પડઘાઈ રહ્યા હતા, ‘જો તેં ગુલાલ સાથે સંબંધ બાંધ્યો તો સમજજે ગુલાલ ગઈ....’ મલ્હારના વિચારો જેટ ગતિએ આગળ વધી રહ્યા હતા. એણે વિચારી લીધું હતું કે શું કરવું. એ એક નિર્ણય પર આવી ગયો હતો. અને એનો બધો જ ડર નીકળી ગયો. પેલી સ્ત્રીના ધમકીભર્યા શબ્દો પણ હવા થઈ ગયા. અને ગુલાલના ઉન્માદી શબ્દો કાનમાં અને શરીરમાં પડઘાવા લાગ્યા. અને એણે ગુલાલને બાથમાં ભરી લીધી. પણ મલ્હારને ખબર નહોતી કે એની કાંડા ઘડિયાળમાં ફિટ કરેલા સ્પાય રેકોર્ડર વડે એના ઉન્માદી શબ્દો કોઈ બીજી જગ્યાએ પણ સંભળાઈ રહ્યા હતા. અને એક એક સિસકારો એના ડેથ વોરન્ટ પર ફાઇનલ મહોર મારી રહ્યો હતો.

વરસાદ પડે અને જેમ ઘરતી ઘૂળ ઉડાડવાનું છોડીને ઠરી જાય એમ ગુલાલ શાંત થઈ ગઈ હતી. થોડી જ વારમાં એને ઊંઘ આવી ગઈ. એ મલ્હારની છાતી પર માથું મૂકીને ઊંઘી ગઈ. પણ મલ્હારને ઊંઘ નહોતી આવતી. એને ખબર હતી કે ગમે તે રીતે પેલી સ્ત્રીને જાણ થઈ જ જવાની છે અને એ વળતો પ્રહાર ગુલાલ પર કરવાની જ છે.

એ વિચારતંદ્રામાં હતો. ગુલાલ ઘેરી નિદ્રામાં સરી પડી હતી અને એનો મોબાઈલ વાયબ્રેટ થયો. પેલી સ્ત્રીનો નંબર હતો. એ ચોંકી ગયો. એને અંદાજ તો હતો કે ખબર પડી જશે પણ એ અંદાજ નહોતો કે આટલી જલદી ખબર પડી જશે. એણે બીતાં બીતાં કોલ રિસીવ કર્યો. અને સામેથી ફરી એકવાર એના અંદાજ બહારના શબ્દો કાનમાં ઠલવાયા. બીભત્સ ગાળો પછી એ બોલી, ‘.... સા... મેં તને ઘૂળમાંથી ઊંચકીને શિખર પર બેસાડ્યો અને મારી સાથે જ દગાબાજી કરે છે ? હું મારી નાંખીશ તને !’

‘પણ ડાર્લિંગ શું થયું એ વાત તો કર ?’

‘સા.. મને ઉલ્લુ સમજે છે. મેં તને આટલો બધો પ્રેમ કર્યો અને તું પેલીના પાલવમાં મજા કરે છે. મેં મારું સર્વસ્વ તને આપી દીધું છે. તારા માટે તો મેં મારા હાથ ખૂનથી રંગ્યા છે. ખબર છે તને ? અને તું ગુલાલની અંદર ખૂંચતો જાય છે.’

‘ખૂન....?’ મલ્હાર ચોંક્યો...

‘હા, ખૂન !’ યુવરાજને મેં ખતમ કર્યો છે, અને એ પણ તારા માટે! એને પોલીસના સકંજામાંથી ભગાડ્યો હતો પણ મેં જ, એના બાપ અને બહેનને પણ મેં જ કિડનેપ કરાવ્યા, એના નામે ગુલાલને મેઈલ કરાવ્યાં જેથી એ જ તારાથી દૂર રહે. પણ તું જ એનાથી દૂર નથી રહી શકતો. આખરે એ ભાગવાની કોશિશ કરતો હતો એટલે મેં એ ત્રણેને ખતમ કરાવી નાખ્યાં. આ બધું જ તારા માટે કર્યું છે ડાર્લિંગ, તારા માટે. તારો પ્રેમ મેળવવા હું ખૂની બની ગઈ, તારો પ્રેમ મેળવવા મેં ગુલાલ સાથે રમતો કરી, તારો પ્રેમ મેળવવા મેં મારી જાત સાથે રમત કરી અને તું... તું હવે મારાથી છૂટવા માંગે છે, હું એ કોઈ કાળે નહીં થવા દઉં....’

‘પણ ડાર્લિંગ વાત તો સાંભળ !’

‘મારે એક પણ વાત નથી સાંભળવી. વાત તારે સાંભળવાની છે. એક વાત કાન ખોલીને સાંભળી લે. તું મારો જ છે અને ફક્ત મારો જ. જો તું ગુલાલને હવે હાથ પણ લગાડીશ તો હું આકાશ-પાતાળ એક કરી નાંખીશ. હવે હું પાગલ થઈ ગઈ છું. એક વાત યાદ રાખ, હું યુવરાજને ભગાડી શકતી હોઉં, એના બાપ અને બહેનનું અપહરણ કરાવી શકતી હોઉં, એમની હત્યા કરાવી શકતી હોઉં, તારા બેડરૂમના અવાજ પણ સાંભળી શકતી હોઉં તો ગુલાલ તો મારા માટે માત્ર એક ઇશારામાં ખતમ થઈ જાય એ ચીજ છે.’

‘.......’ મલ્હાર કંઈ બોલી ના શક્યો. એ ધ્રુજી રહ્યો હતો. સામે છેડે બોલી રહેલી સ્ત્રીના ગળે પણ ડૂમો બાજી ગયો હતો. એ રડી પડી. મોબાઈલ ચાલુ જ હતો. કેટલીયે વાર એ રડ્યા કરી પછી ડૂમાવાળા અવાજે બોલી, ‘મલ્હાર, પ્લીઝ.. છોડી દે એને. મને એની જલન થાય છે. હું તને ખૂબ પ્રેમ કરું છું. ખૂબ જ, બીજાના જીવ અને જાન કરતાં પણ અને મારા જીવ કરતાં પણ. આઈ લવ યુ યાર. શી ખબર કેમ પણ હું તારા માટે પાગલ છું. અને તને મેળવવા કંઈ પણ કરી શકું છું. કંઈ પણ... તને ખબર પડે છે ને મલ્હાર ?’

‘હા....’ મલ્હારે ધીમેથી જવાબ આપ્યો અને મોબાઈલ ડિસકનેક્ટ થઈ ગયો. મલ્હારે બાજુમાં સૂતેલી ગુલાલ તરફ જોયું. એ એના માથા પરથી મુશ્કેલી હટી ગયાનો આનંદ લઈને સૂતી હતી પણ મલ્હારને જ ખબર હતી એ માથા પરથી મુશ્કેલી હટી ગઈ હતી અને મોત મંડરાઈ રહ્યું હતું.

ક્રમશ: