પ્રકરણ - ૩૬ : મલ્હારે કહ્યું, ગુલાલ લે આ રિવોલ્વર અને મારી નાંખ મને !

    ૧૯-સપ્ટેમ્બર-૨૦૧૮    

અંધારું છુટ્ટે હાથે રોડ પર વેરાઈ ચૂક્યું હતું. હજુ માત્ર રાતના આઠ વાગ્યા હતા પણ રાતની અદામાંથી મધરાતનો આભાસ ડોકાઈ રહ્યો હતો. હાઈવેની ડાબી સાઈડ સહેજ ઢાળમાં મલ્હારની ગાડી પાર્ક થયેલી હતી અને એની પાછળ ગુલાલની ગાડી. મહેસાણા હાઈવેથી માંડ દસ ડગલાં દૂર એક મોટું વડનું ઝાડ હતું અને એની ફરતે ઓટલો બનાવેલો હતો. ગુલાલ અને મલ્હારે વાત કરવા માટે ઓટલો પસંદ કર્યો. પૂરપાટ ઝડપે દોડી જતાં વાહનો સિવાય ત્યાં કોઈ નહોતું. થોડી થોડીવારે કોઈ મોટું વાહન હવામાં વિંઝાતી તલવાર જેમ ત્યાંથી પસાર થતું અને ઘડી બે ઘડીમાં અદૃશ્ય થઈ જતું. ગુલાલને અંદાજ પણ નહોતો કે મલ્હાર આજે એના જીવનમાં મોટો બોંબધડાકો કરવાનો છે. એને તો એમ હતું કે સિરિયસ વાત કરવાનું બહાનું કરીને મલ્હાર આજે એને કંઈક સરપ્રાઇઝ આપવા લાવ્યો છે. પણ એની ધારણા બિલકુલ ખોટી પડી હતી. મલ્હારે એક પણ શબ્દ ચોર્યા વગર, એક પણ સેકંડ ગુમાવ્યા વિના કહી દીધું હતું કે, ‘ગુલાલ, તું મારો પહેલો પ્રેમ નથી..’ આટલું બોલીને મલ્હાર અટકી ગયો. બરાબર સમયે એક મોટી ટ્રક પૂર ઝડપે પસાર થઈ. ગુલાલને લાગ્યું જાણે એનાં પૈડાં ડામરના રોડને બદલે એની છાતી પરથી પસાર થયાં છે. મલ્હારના શબ્દોએ એનું તમામ લોહી ખેંચી લીધું હતું. ગુલાલનો ચહેરો ફિક્કો પડી ગયો. છાતીમાં ગભરામણ થવા લાગી. એણે મલ્હાર સામે જોયું. અંધારામાંય એણે નોંધ્યું કે મલ્હારના ચહેરા પર પસ્તાવાનું પાણી પરસેવો બનીને છંટાયેલું હતું. માંડ માંડ બોલી શકી, ‘મલ્હાર, તું શું બોલે છે એનું તને ભાન છે ?’

હા, ગુલાલ, વાત એટલી હોતને કે તું મારો પહેલો પ્રેમ નથી તો કશો વાંધો નહોતો, પણ હવે હું જે કહેવા જઈ રહ્યો છું સાંભળીને કદાચ તું મરી જઈશ, કદાચ મારું કતલ કરી નાંખીશ. હું રિવોલ્વર સાથે લાવ્યો છું. તને મારા સોગંદ છે ગુલાલ! મારી વાત સાંભળી લીધા પછી તારા હાથે મને ખતમ કરી નાંખજે..’

સોગંદ પણ તારા અને મારવાનો પણ તને ?’

મને ખબર છે તું મને બહુ પ્રેમ કરે છે એટલે મારા સોગંદ આપ્યા. પણ મને પણ ખબર છે કે મારી વાત સાંભળ્યા પછી તું મને દુનિયામાં કોઈને નહીં કરતી હોય એટલી બધી નફરત પણ કરવાની છે.’

ઓહ, મલ્હાર ! આમ ઉખાણાં ના કર, મારો જીવ ગભરાય છે. શું વાત છે?’ ગુલાલે એના ધ્રુજતા હાથ વડે મલ્હારનો હાથ પકડી લીધો. મલ્હારનો હાથ પણ ધ્રુજી રહ્યો હતો.’

મલ્હાર ગુલાલ સામે જોઈને ફિક્કું હસ્યો અને બોલવા લાગ્યો. ગુલાલ એના એક એક શબ્દને ધ્યાન દઈને સાંભળવા લાગી, ‘ગુલાલ, તારી સામે બેઠો છે મલ્હાર સાચો મલ્હાર નથી. સાચો મલ્હાર તો બહુ લાલચુ છે, કપટી છે, પૈસાનો ભૂખ્યો છે. હું અનાથ છું. પહેલેથી અભાવોના જંગલ જેવા અનાથાશ્રમમાં ઊછરેલો. એટલે સ્વાભાવિક ભૌતિક સુખ-સગવડો અને પૈસા પ્રત્યે ખૂબ ખેંચાણ હતું. અનાથાશ્રમ છોડીને હું પાર્ટટાઇમ જોબ કરતો હતો. અને એમાંથી ભણતો હતો. મને કોમ્પ્યુટર ક્ષેત્રે બહુ રસ હતો. એટલે મેં એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં સોફટવેર એન્જિનિયરીંગનો કોર્સ કર્યો. અડધો દિવસ સ્ટડી કરવા જતો અને બાકીનો સમય હું તનતોડ મહેનત કરી પૈસા ભેગા કરતો. દરમિયાન હું સાયબર કાફેમાં પણ નિયમિત આવતો જતો થયો હતો. ધીમે ધીમે હું ચેટીંગ કરતો થયો. નવા નવા ફ્રેન્ડઝ બનાવવાનું મને ખુબ ગમવા લાગ્યુ. ચેટીંગ કરતા કરતા મને ચીટીંગનો પણ ખ્યાલ આવ્યો. થોડા સમયમાં મને સમજાઈ ગયું કે સાયબરની દુનિયા ગજબની દુનિયા છે. અહીંની દુનિયા એવી છે જો તમને આવડતું હોય તો તમે ખુરશીમાં બેઠા બેઠા દુનિયાની સૌથી સ્વરૂપવાન યુવતીને ફસાવી શકો છો અને કરોડો રૂપિયા કમાઈ શકો છે. ચેટીંગ દરમિયાન હું ઘણી છોકરીઓના સંપર્કમાં આવ્યો. મોટા ભાગની છોકરીઓ એનું શરીર આપવા તૈયાર હતી પણ પૈસા નહીં. અને મને પૈસામાં વધારે રસ હતો.’

મેં નક્કી કરી નાંખ્યું હતું કે ચેટીંગ દ્વારા એક રૂપિયાવાળી છોકરી પટાવવી અને એને પરણી જવું. મારી શોધ ચાલુ હતી અને એક દિવસ અચાનક મને એવી છોકરી મળી ગઈ....’ બોલતાં બોલતાં મલ્હાર થોડીવાર અટકયો. ગુલાલ એની સામે જોઈ રહી હતી. મલ્હારના શબ્દોએ એને લોહીઝાણ કરી મૂકી હતી. માંડ માંડ બોલી, ‘એટલે કે તેં મારી સાથે પૈસા માટે લગ્ન કર્યાં, મને ફસાવી એમ ને ? તું મને પ્રેમ નથી કરતો, મારા પૈસાને પ્રેમ કરે છે એમ ને!’

મલ્હાર બહુ ફિક્કુ હસ્યો, ગુલાલને દેખાયું કે નહીં એને ખબર નહોતી,‘ગુલાલ, એવું હોતને તો કોઈ વાંધો નહોતો, પણ તને અંદાજ પણ નહીં હોય કે હું કેવો લુચ્ચો માણસ છું. હું કઈ હદે નીચે ઊતરી ચૂક્યો છું પૈસા માટે.’

ગુલાલ ફરીવાર મૂંઝાઈ ગઈ, ‘એવુ તે શું કર્યું છે મલ્હાર તેં?’ એની ધીરજ હવે ખૂટી રહી હતી. મલ્હારે આગળ બોલવાનું શરૂ કર્યુ, ‘હું જે છોકરીની વાત કરું છું તું નથી. છોકરીનું નામ તને હમણા નહીં કહું. તું પચાવી નહીં શકે.’ પહેલા આખી વાત સાંભળી લે, જેથી સહન કરવાની શક્તિ આવે. હા, તો છોકરી મને એક દિવસ અચાનક ચેટીંગ દરમિયાન મળી ગઈ હતી. ધીમે ધીમે અમારો પરિચય વધતો ગયો. અમે કલાકો સુધી ચેટીંગ કરવા લાગ્યાં. મારા પ્રેમમાં પડી ગઈ. મને મળવા તડપવા લાગી. પણ હું મુંબઈ રહેતો હતો અને અમદાવાદ. અને એક દિવસ મુંબઈ આવી. એને જોઈને મને આશ્ર્ચર્યનો ઝાટકો લાગ્યો. પણ એના પૈસા જોઈને હું કંઈ બોલી ના શક્યો. મને એમ હતું કે મેં એને ફસાવી છે, પણ ખરેખર એણે મને ફસાવ્યો નહોતો છેતર્યો પણ હતો. અમે મળ્યાં. કદી ફાઇવસ્ટાર હોટેલનું પગથિયું નહીં ચડેલા મને એણે ફાઇવ સ્ટારના સ્યુટમાં રાખ્યો. ગાંડી હતી, સાવ ગાંડી. મને પૈસાની ભૂખ હતી અને એને શરીરની અને પ્રેમની. એને મારો પ્રેમ પણ જોઈતો હતો અને શરીર પણ, અને મને માત્ર અને માત્ર એનો પૈસો. કુલ દસ દિવસ મુંબઈમાં રહી. અમે બંને દસે-દસ દિવસ એકબીજાની જરૂરિયાત સંતોષતા રહ્યાં. પછી ગઈ. મને ઘણાબધા પૈસા આપીને ગઈ હતી. મારે હવે નોકરી કરવાની જરૂર નહોતી. બસ એની એક શરત હતી કે હું એની સાથે ચેટીંગ કરતો રહું. હું સવાર સાંજ એની સાથે ચેટીંગ કર્યા કરતો. મારા વગર નહોતી રહી શકતી. મહિનામાં ફરીવાર મુંબઈ આવી. વખતે એક મહિનાનો સમય લઈને આવી હતી. અમે હવે પતિ-પત્ની જેમ રહેવા લાગ્યાં હતાં. એની એક વાત મને ખૂંચતી હતી. પણ હું એના હાથમાં નોટોની થોકડી જોતો અને મારા હોઠ સિવાઈ જતા હતા. હું ચુપચાપ એની સાથે ફરવા લાગ્યો. વખતે અમે બહુ ફર્યા. ગોવા, મહાબળેશ્વર, ખંડાલા બધે ફર્યાં, એકબીજાના હાથમાં હાથ નાંખીને પ્રેમી પંખીડા જેમ.’ મલ્હાર અટક્યો. એણે એક ઊંડો શ્વાસ લીધો. ગુલાલના કાન એના હોઠમાંથી નીકળતા શબ્દો પર હતા અને આંખો નીચે જમીનને ભીંજવી રહી હતી. મલ્હારના શબ્દોએ એને ચૂર ચૂર કરી નાંખી હતી. એને બોલવાના પણ હોશ નહોતા. અરે બોલવાના તો શું ઊંચું જોઈને મલ્હાર સાથે નજર મેળવવાના પણ હોશ નહોતા. એના બંને હાથના પંજા ઓટલાની ધાર પર ટેકવેલા હતા. માથું નીચે હતું અને આંખોમાંથી માવઠું વરસી રહ્યું હતું. એના સલવારનો છેડો ખાર ચૂઈ રહ્યો હતો. ખારાશ પાંપણનું ઘર છોડીને જમીનમાં ભળી રહી હતી.

મલ્હારની હાલત પણ એવી હતી. એણે ગુલાલ સામે જોયું. બે ઘડી એને થયું કે એને છાની રાખે પણ એણે એમ ના કર્યું. ડૂમો પાણી થઈ જાય વધારે સારૂં હતું. થોડી વાર ચૂપ રહીને બોલ્યો, ‘ગુલાલ, રડી લે... રડવું હોય એટલું... પણ સચ્ચાઈ છે. મારા જીવનમાં આવેલી પહેલી સ્ત્રી તું નથી બીજી કોઈ છે. પછી અમારું મળવાનું વધતું ગયું. દર મહિને મને મળવા આવતી. અમે રાત-દિવસ સાથે રહેતાં અને મજા કરતાં. પણ હવે એની અને મારી ભૂખ બેવડાઈ હતી. એને ઇચ્છા હતી કે હું સતત એની સાથે રહું. હું અમદાવાદ આવતો રહું. અને મારે પણ હવે એના એક મુઠ્ઠી પૈસાને બદલે કરોડપતિ થવું હતું. પણ સૌથી મોટી મુશ્કેલી હતી કે મારી સાથે લગ્ન કરી શકે એમ નહોતી. અને એક દિવસ એણે મારી સમક્ષ એક ગજબનો પ્લાન મૂક્યો. એક એવી રમત જેમા સાપ કરંડિયામાં પુરાઈ જતો હતો અને લાકડી પણ સહીસલામત રહેતી હતી. એનું ભેજું ગજબનું હતું. એણે મારી સમક્ષ એક એવી સાયબર શતરંજ ગોઠવી કે હું કરોડપતિ પણ બની જાઉં અને એનો પતિ પણ. મને પ્લાન ગમ્યો. તને જાણીને દુખ થશે ગુલાલ, કે આખી ગેઇમનું મુખ્ય પાત્ર તું હતી. સ્ત્રીએ મને જે પ્લાન બતાવ્યો હતો પ્લાન મુજબ મારે તારી સાથે પ્રેમનું નાટક કરીને લગ્ન કરવાનાં હતાં અને તારી કરોડોની મિલકતના માલિક બની બેસવાનું હતું. કામ બહુ આસાન હતું. તારા શોખ, તારો સ્વભાવ, તારી પસંદ-નાપસંદ બધું સ્ત્રી જાણતી હતી. મારે તો બસ, ચેટીંગ દ્વારા તને પટાવવાની હતી.’

પટાવવાનીશબ્દ સાંભળીને ગુલાલની છાતી ચિરાઈ ગઈ. ૫ણ કંઈ બોલી નહીં. મલ્હાર થોડીવાર અટક્યો. હાંફી રહ્યો હતો. એના અવાજમાં ડૂમાનું પ્રમાણ ધીમે ધીમે હાઈ થઈ રહ્યું હતું. છાતીમાં મૂંઝારો થતો હતો પણ બોલ્યા વગર ચાલે એમ નહોતું. એણે આગળ બોલવાનું ચાલું રાખ્યુ, ‘..મેં તારી સાથે ફ્રેન્ડશિપ કરી, તને લવ કર્યો બધું પ્લાન્ડ હતું. મેઈલ, મેસેજિસ, લાંબી લાંબી વાતો અને લાંબા લાંબા ચેટીંગ બધું એક રમતના ભાગરૂપે હતું. વખતે હું તને જરાય પ્રેમ નહોતો કરતો. મારે તો તને પ્રેમજાળમાં ફસાવવાની હતી અને તારી સાથે લગ્ન કરવાનાં હતાં. સ્ત્રી તને બહુ સારી રીતે જાણતી હતી. એણે મને કહી રાખ્યું હતું કે તું પૈસાથી જરાય નહીં આકર્ષાય. તને સિમ્પલ વ્યક્તિઓ બહુ આકર્ષે છે. એટલે હું તારી સાથે સિમ્પલ બનીને પેશ થયો. તું મારા પ્રેમમાં પડી અને મુંબઈ આવીને મને સમર્પિત પણ થઈ ગઈ. ત્યાં સુધી બધુ અમારા પ્લાન મુજબ ચાલી રહ્યું હતું. પણ યુવરાજે અમારા પ્લાનમાં બાકોરું પાડ્યું. અમારો પ્લાન તો સીમ્પલ હતો. તું મુંબઈથી પરત જાત પછી તરત હું અમદાવાદ આવવાનો હતો અને તારી સાથે લગ્ન કરી લેવાનો હતો. પણ કોણ જાણે ક્યાંથી યુવરાજ ફૂટી નીકળ્યો અને એણે અમારો આખો પ્લાન ચોપટ કરી નાંખ્યો. હું પોતે ડરી ગયો હતો. અમને અંદાજ પણ નહોતો કે ઘટનામાં આટલો મોટો વળાંક આવશે. અમને પોતાને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. અમારી આખી રમત સાઇડમાં રહી અને એક નવી રમત શરૂ થઈ. પણ આખરે એનો પણ નિકાલ થઈ ગયો. યુવરાજ પકડાઈ ગયો. યુવરાજ પકડાયો અને હું છૂટી ગયો પછી ફરી અમારો પ્લાન શરૂ થયો. અમે ત્યાં સુધી યુવરાજને ઓળખતાં નહોતાં પણ પછી માસ્ટર માઇન્ડ સ્ત્રીએ યુવરાજનો પણ ઉપયોગ કર્યો. તને ખબર નહીં હોય કે એને જેલમાંથી ભગાડવાથી માંડીને યુવરાજની, એના પિતાની અને એની બહેનની હત્યા સુધી બધું પેલી સ્ત્રીએ પ્લાન્ડ કરેલું છે. યુવરાજ જેલમાંથી ભાગ્યો પછી તને એના નામે આવેલા મેઈલ્સ, મારી સાથે નહીં સુવાની ધમકી બધુ પેલી સ્ત્રીએ એની પાસે કરાવ્યુ. સ્વાભાવિક એને બ્લેકમેઇલ કરીને. સ્ત્રીએ મને તારી સાથે લગ્ન કરવાનું કહ્યું હતું અને હવે એને જલન થતી હતી એટલે બધા નાટકો કરી રહી હતી. એણે યુવરાજ મારફતે તને ધમકી આપી કે તું જો મારી સાથે સંબંધ રાખીશ તો મને મારી નાંખશે અને મને બ્લેકમેઇલ કરે છે કે જો હું તારી સાથે શરીરસંબંધ રાખીશ તો તને મારી નાંખશે. અને ગુલાલ, હું તને કોઈ કાળે મરવા દેવા નથી માગતો...’ મલ્હારનું વાક્ય સાંભળી ગુલાલ વચ્ચે બોલી ગઈ,

મારી તો નાંખી છે. હવે બાકી શું રાખ્યું છે ?’

તારી માફી માંગુ છું ગુલાલ!’ પણ વખતની વાત જુદી હતી. અત્યારે હું તને જીવ કરતાંયે વધારે ચાહું છું. તારે મને માફ ના કરવો જોઈએ, પણ મારે પસ્તાવો કરવો છે. ભલે હું મરી જાઉં પણ તને કંઈ નહીં થવા દઉં. ગુલાલ, સ્ત્રીએ મારી પાસે શું શું કરાવ્યું છે એનો હજુ તને અંદાજ નથી. સ્ત્રી નથી પણ ડાકણ છે ડાકણ! બસ, હું તને એનું નામ કહું એટલે તું ફટાફટ પોલીસ સ્ટેશનમાં જાણ કરી દે અને એને ગિરફ્તાર કરાવી દે. મારી પાસે બધા પુરાવા છે. હું તને બધા આપીને જઈશ. એનાં કર્મોની સજા એને મળી જશે અને મારાં કર્મોની સજા તું મને આપી દે. લે રિવોલ્વર અને ખતમ કરી દે મને. હું સ્ત્રીનું નામ કહું પછી તરત ખતમ કરી દેજે મને. હું જીવવાને લાયક નથી. સારું છે અત્યારે અંધારું છે એટલે તારે મારું કાળમુખું મોં નથી જોવું પડતું. મેં તારો એટલો મોટો ગુનો કર્યો છે કે મને મારીને મારી લાશ પર થૂંકીને જજે તો મને ખરી સજા મળશે.

કોણ છે સ્ત્રી?’ ગુલાલે ધીમેથી પૂછ્યું.’

સ્ત્રી તારી બહુ અંગત છે. છાતીને કાબૂમાં રાખજે ગુલાલ. એનું નામ છે...’

મલ્હાર હજુ સ્ત્રીનું નામ બોલે પહેલાં રોડની સામેના છેડેથી એક ગોળી છૂટી અને અંધારાને ચીરતી ગુલાલના પગમાં ઘૂસી ગઈ. ગુલાલે ચીસ પાડી. મલ્હાર અને ગુલાલ બંને ડઘાઈ ગયા. મલ્હારે ફટાફટ ગુલાલનો હાથ પકડીને ખેંચી અને ઝાડ પાછળ સંતાઈ ગયો. પણ ત્યાં બે બુકાનીધારી શખસો હવામાં ગોળીબાર કરતા એમના તરફ આવ્યા. મલ્હાર ગુલાલને ઊંચકીને પાસેનાં ખેતરો તરફ ભાગ્યો. પાછળ પેલા બે વિકરાળ શખસો હતા અને આગળ મલ્હાર. આખરે બંને મલ્હારને આંબી ગયા. પાસે જઈ એક જણે ગુલાલને મલ્હારના હાથમાંથી છોડાવી અને બીજો મલ્હાર પર તૂટી પડ્યો. ભેંકાર ખેતરો ચીસોથી ધણધણી ઊઠ્યાં પણ સાંભળનાર કોઈ નહોતું.

એક વ્યક્તિએ ગુલાલને ઊંચી કરીને ખેતરમાં પછાડી. અને પછી બંને મલ્હારને ઢોરમાર મારતા રોડ તરફ લઈ ગયા. મલ્હારગુલાલ.... ગુલાલની ચિચિયારીઓ પાડતો રહ્યો અને ગુલાલ અંધારાને ચીરતી લંગડાતી ચાલે, લોહી નીગળતા પગેમલ્હાર.... મલ્હારની ચીસો પાડતી પાછળ ઢસડાઈ.

પેલા બંને શખસો મલ્હારને ઢસડતાં ઢસડતા રોડ પર લાવ્યા. એને એક ગાડીમાં નાંખ્યો અને ગાડી મારી મૂકી. થોડી વારે ભાંખોડિયાં ભરતી ગુલાલ ત્યાં આવી ત્યારે કંઈ નહોતું. બધું ખતમ થઈ ગયું હતું. લોકો મલ્હારને લઈને ભાગી છૂટ્યા હતા. ગુલાલ એની દુશ્મન સ્ત્રીનું નામ પણ નહોતી જાણી શકી. જાણે થોડી ક્ષણોમાં જિંદગીએ ગજબનું પડખું ફેરવી લીધું હતું. ગુલાલ ગગનભેદી ચીસ પાડીને રોડ વચ્ચે ફસડાઈ પડી...

ક્રમશ: