પ્રકરણ – ૩૭ : ગુલાલ સાથે મલ્હારના પ્રેમથી લઈને લગ્ન સુધી બધું જ કોઈ ભેજાબાજ સ્ત્રીએ ગોઠવેલી રમત હતી

    ૨૦-સપ્ટેમ્બર-૨૦૧૮    

ગુલાલ આઈ.સી.યુ.માં દાખલ હતી. એને હોસ્પિટલમાં લાવ્યાને બાર કલાક વીતી ગયા હતા પણ હજુ ભાનમાં નહોતી આવી. મમ્મી કૌશલ્યાબહેન સતત બાર કલાકથી એકધારાં એના પલંગ પાસે ઊભા હતાં. એમનો હાથ એના માથે હતો. છાતી ધડકી રહી હતી. ચામડી અને ચક્ષુ બંનેમાંથી પાણીના ઝરા ફૂટી રહ્યા હતા. નસોમાં ફરતા લોહીમાં ગજબનો ખૌફ હતો. એમને સમજાતું નહોતું કે આખરે બધું થઈ શું રહ્યું છે. એમને નહીં, બહાર ઊભેલા નિખિલ, અંતરા, ધરતી, . ઝાલા અને બીજા કેટલાયે લોકોને નહોતું સમજાતું કે બધું થયું છે શું ?’

મહેસાણા હાઈવે પર ખેતરમાં બેભાન પડેલી ગુલાલને એક રાહદારીએ જોઈ અને એણે તાત્કાલિક એકસો આઠને બોલાવીને ગુલાલને હોસ્પિટલ ભેગી કરી હતી. કૌશલ્યાબહેન અને બીજા લોકોને તો રાતે અગિયાર વાગ્યે હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે ખબર પડી કે ગુલાલ સાથે કોઈ અઘિટત ઘટના થઈ ગઈ છે. બધાંના મનમાં પ્રશ્નો ઘુમરાઈ રહ્યા હતા. ગુલાલ મહેસાણા હાઈવે ગઈ શા માટે ? એની સાથે શું થયું ? મલ્હારની ગાડી ત્યાં પડી છે તો પછી મલ્હાર ક્યાં ગયો ? અનેક પ્રશ્નો હતા પણ એના ઉત્તર ગુલાલ ભાનમાં ના આવે અને એના અધર ના ખોલે ત્યાં સુધી અધ્ધર રહેવાના હતા.

મમ્મી, તમે કાલે રાતથી સતત ઊભાં છો. તમે જાવ હવે! ઘરે જઈને ફ્રેશ થઈને આવો. ત્યાં સુધી હું ગુલાલ પાસે બેઠો છું.’ નિખિલે ગુલાલ પર ઓઢાડેલી ચાદર સરખી કરતાં કૌશલ્યાબહેનને કહ્યું. કૌશલ્યાબહેનના ચહેરા પર કરુણતા છવાઈ ગઈ. એમની નજર ગુલાલના દેહ પર ફરી વળી. જાણે ચાદરની આરપાર એના જખમો જોઈ શકતા હતા. પગે પાટો બાંધેલો હતો. ગોળી જમણા પગના પંજાના ખૂણાને કાપીને નીકળી ગઈ હતી. એક ઝાટકે જાણે ગુલાલનું અડધું લોહી સુકાઈ ગયું હતું. ત્વચા ઘરડી થઈ ગઈ હતી. આંખો પાતાળિયા કૂવા જેટલી ઊંડી ઊતરી ગઈ હતી. ચહેરા પર હંમેશાં રહેતી ખુમારી, ઉત્સાહ અને અલ્લડતા એકસાથે ગાયબ થઈ ગયાં હતાં અને ડર આવીને બેસી ગયો હતો.

મમ્મી, હું તમને કહું છું. તમે ઘરે જાવ. આરામ કરો.’ નિખિલે ફરીવાર કૌશલ્યાબહેનને કહ્યું ત્યારે વિચારતંદ્રામાંથી બહાર આવ્યાં અને બોલ્યા,‘ના, બેટા! આરામ કરીને શું કરું? મારું સુખ, ચેન અને આરામ બધું છે. મારું ઘર પણ છે. ગુલાલને કંઈ થઈ જશે તો હું મરી જઈશ.’ કૌશલ્યાબહેને એમની ટેવ મુજબ સફેદ સાડીનો છેડો ભીનો કર્યો. નિખિલ એમની પાસે આવ્યો. એમના બંને ખભા પકડ્યા અને એમને આશ્વાસન આપતાં બોલ્યો,‘મમ્મી, તમે નાહકની ચિંતા કરો છો. ડોક્ટરોએ કીધું છે કે ગુલાલ સખત આઘાતમાં છે એટલે ભાનમાં આવતાં વાર લાગશે. બાકી ગુલાલને કશું થવાનું નથી. હું છું ને તમારી સાથે. ગુલાલને કંઈ નહીં થવા દઉં. મારું વચન છે મમ્મી. જાવ અને ઘરે જઈને આરામ કરીને આવો અને ગુલાલના લાંબા આયુષ્ય માટે ભગવાનને દીવો પણ કરતાં આવજો.’

નિખિલની લાખ સમજાવટ બાદ કૌશલ્યબહેન ઘરે જવા તૈયાર થયાં. હવે ગુલાલ પાસે નિખિલ સિવાય કોઈ નહોતું. . ઝાલા ઇન્વેસ્ટિગેશનમાં પડ્યા હતા. અંતરા હજુ હમણાં ઘરે ગઈ હતી. નિખિલે એને રોકાવાનું કહ્યું હતું પણ ના રોકાઈ. એક સ્ટૂલ પર નિખીલ બેઠો હતો. સાવ સુકાઈ ગયેલી ગુલાલ પલંગ પર સૂતી હતી. એની આંખો બંધ હતી. વાળ સફેદ ચાદર પર અસ્તવ્યસ્ત પડ્યા હતા. નિખિલ ક્યાંય સુધી મટંકુયે માર્યા વગર એને તાકી રહ્યો હતો. એના મનમાં અત્યારે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. ગુલાલ સાથે ઘટેલી ઘટનાનો જો કોઈને અંદાજ હોય તો માત્ર અને માત્ર નિખિલને હતો. એનું મગજ ચકરાવા લઈ રહ્યું હતું. ગુલાલની હાલત એનાથી જોવાતી નહોતી. ગમે તેમ તોયે એનો પહેલો અને આખરી પ્રેમ હતી. આજે એના શ્વાસોશ્વાસ કોઈ બંધ કરવાની પેરવી કરી રહ્યું હતું. નિખિલની આંખોમાં અચાનક લાલાશ ઊભરાઈ આવી. એણે એનો હાથ ગુલાલના ગાલ પર અને પછી માથા પર ફેરવ્યો અને બબડ્યો,‘ગુલાલ, તારી આવી હાલત કરનારની હું એવી હાલત કરીશ કે એની આખી જિંદગી યાદ રાખશે. મારું તને વચન છે.’ પછી એણે દરવાજા અને બારીમાં જોયું. કોઈ નથીની ખાતરી કરી અને પછી ગુલાલના કપાળ પર એક ચુંબન કર્યું.

***

રાતના સાડા ત્રણ થયા હતા. એક સ્ત્રી અમદાવાદના એક પરાવિસ્તારમાં આવેલા ફ્લેટનાં પગથિયાં ચડી રહી હતી. એવો ફ્લેટ હતો જ્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ નહોતો. ચાર માળના ફ્લેટનાં મોટા ભાગનાં મકાનો ખાલી હતાં. પરાવિસ્તારના જંગલ જેવા વિસ્તારમાં ફ્લેટ હતો એટલે આસપાસની ચહલ પહલ પણ બહું ઓછી હતી. ચોથા માળે પહોંચતાં પહોંચતાં સ્ત્રી હાંફી ગઈ હતી. જોર જોરથી શ્વાસ લેતાં આખરે એના ફ્લેટના બારણે આવી ઊભી. આવીને તરત એણે આજુબાજુના બે ફ્લેટના બારણા પર નજર મારી. પહેલેથી ખાલી હતા. બહાર તાળાં લટકી રહ્યાં હતાં છતા એણે ખાતરી કરવા ખાતર તાળા ચેક કરી લીધા. પછી એના જીન્સના સ્ક્રીન ટાઇટ ખિસ્સામાં મહાપરાણે હાથ નાંખ્યો અને અંદરથી ફ્લેટની ચાવી કાઢી. બારણું ખોલીને અંદર દાખલ થઈ. ઝીરોનો લેમ્પ ચાલુ કર્યો. બલ્બના મધ્યમાંથી વછુટેલો પ્રકાશ પલંગ પર બંધાયેલા મલ્હાર પર જઈને ખાબક્યો. મલ્હારના બંને હાથ પાછળથી બાંધેલા હતા અને પગ પલંગ સાથે બાંધેલા હતા. એના મોઢામાં ડૂચો હતો. પેલી સ્ત્રીને જોઈને ચમક્યો. એની આંખોમાં ગુસ્સો તરવરી ઊઠ્યો. બંધાયેલી હાલતમાં તરફડિયાં મારવા લાગ્યો. સ્ત્રી એની હાલત જોઈને દ્રવી ઊઠી, બબડી,‘ચુ..ચુ..ચુ..ચુ! શું હાલત કરી છે મારી જાનની. નાલાયકોને મેં કહ્યુંતું કે એને બહુ કષ્ટ ના પડે એમ કરજો. કાલે મળવા દે સાલાઓને! એક એકના વાળ ખેંચી લઈશ! બબડતાં બબડતાં દોડીને મલ્હાર પાસે પહોંચી ગઈ. એના મોંનો ડુચો ખેંચી લીધો અને એનાં મો નજીક આવી. મલ્હારે એને બટકું ભરી લીધું. જોરથી બરાડ્યો, ‘સા, છોડ મને. કહું છું છોડ મને, ટચ ના કરીશ!’ મલ્હારનો બરાડો ફ્લેટની દીવાલો ચીરીને આકાશમાં પડઘાયો પણ સદનસીબે કોઈના કાને ના પડ્યો. સ્ત્રીએ પાછો એના મોં પર ડૂચો મારી દીધો. અને એના પગમાં પડી ગઈ, ‘મલ્હાર, મલ્હાર.. આઈ લવ યુ યાર ! તું સમજતો કેમ નથી ? હું તને ખૂબ ચાહું છું. તારી સામે કોઈ જુએ તો પણ મને જલન થાય છે. પ્લીઝ મલ્હારચાલ આપણે અહીંથી દૂર દૂર ભાગી જઈએ. એટલાં બધાં દૂર કે ખુદ યમરાજ પણ આપણા સુધી પહોંચી ના શકે ! ચાલ !’

મલ્હાર કંઈ બોલ્યો નહીં પણ એના ચહેરાના હાવભાવ કહી રહ્યા હતા કે સ્ત્રી પર બહુ ગુસ્સે થયો છે. સ્ત્રી બબડતી રહી,‘ડાર્લિંગ, તે મને દગો કર્યો છે. ગુલાલને સાચી હકીકત કહેવાની શી જરૂર હતી? સારું થયું તેં મારુ નામ નથી કહ્યું, નહીંતર મારે તો એને પણ ખતમ કરી નાંખવી પડત. પણ હવે ધ્યાન રાખજે. ગુલાલ પર મારી નજર છે, તેં અહીં કંઈ આડુંઅવળું કર્યું તો ગુલાલ ગઈ સમજજે!’ સ્ત્રીના ચહેરાનો રંગ વારે ઘડીએ ફરી રહ્યો હતો. એનો અવાજ, એની વાત, એનો મૂડ બધું કાચીંડા જેમ બદલાઈ રહ્યું હતું. મલ્ટીપલ પર્સનાલિટીનાં દર્શન થઈ રહ્યાં હતાં. ઘડીક માફી માંગતી, ઘડીક ધમકી આપતી. એના એક શરીરમાં બે વ્યક્તિત્વો આવીને વસી ગયાં હતાં. અચાનક એણે બોલવાનું બંધ કર્યું અને એની આંખોમાં વિકૃતિ આવીને બેસી ગઈ. એની નજર મલ્હારની છાતીમાંથી નીકળતા લોહી પર ગઈ. ધીમે ધીમે બબડી, ‘ઓહ, માય ડાર્લિંગ, તને શું થઈ ગયું? તને આટલું બધું લોહી કોણે કાઢ્યું ? લાવ, હું સાફ કરી આપું.’ બોલીને ધીમે ધીમે એની છાતી પાસે ચહેરો લઈ ગઈ અને હળવેકથી જીભ બહાર કાઢી એના જખમ પર ફેરવી લીધી. પછી ખડખડાટ હસી. એના અટ્ટહાસ્ય અને રક્તટપકતી જીભમાંથી વિકૃતિની તમામ હદો ખરી પડી.

***

યેસ, બોસ! બોલો!’ નિખિલ એની સામે બેઠલા કાળા કોટધારી માણસને પૂછી રહ્યો હતો. માણસ ક્યાંય સુધી નિખિલને કંઈક સમજાવતો રહ્યો. કેટલાયે ફોટોગ્રાફ્સ અને કાગળોના ઢગલા એની સામે કરતો રહ્યો. નિખિલે એક અછડતી નજર એના પર મારી લીધી અને પછી બોલ્યો, ‘ બધું તો બરાબર છે પણ હજુ આપણે કોઈ એક નિષ્કર્ષ પર નથી આવ્યા.’

બહુ જલદી આવી જઈશું સર!’

.કે. અત્યારે તો મારી પાસે બહુ સમય નથી. હજુ ગુલાલ બેભાન છે. મારે પાછું ત્યાં જવું છે. આપણે કાલે મળીશું.’ પછી એણે એની સામે બેઠેલા બીજા એક માણસને પૂછ્યું, ‘. ઝાલાની તપાસ કેટલે પહોંચી?’

સર, તપાસ જોરશોરમાં ચાલે છે. ઘટનાસ્થળની તપાસ કરી. બે-ચાર સાક્ષીઓ પણ મળ્યા છે. એમણે વધારે તો કંઈ નથી જોયું. પણ ચાલતા વાહને જોયુ કે બે બુકાનીધારી માણસો રોડની સામેની પારથી ગોળી ચલાવતા ચલાવતા તરફ આવ્યા અને સાથે વડના ઝાડ નીચે બેસીને વાતો કરી રહેલું કપલ નાસવા માંડ્યું.

ઓકે, તો એક કામ કર. મને આજે સાંજ સુધીમાં આખા કેસની ફાઈલની ઝેરોક્ષ નકલ આપી જા. એક પણ કાગળ બાકી ના રહેવો જોઈએ.’

સ્યોર!’ સામેવાળાએ સ્યોરિટી આપી ત્યાં નિખિલનો ફોન રણકયો. નિખિલે કોલ રિસીવ કર્યો. સામેથી અંતરા બોલી રહી હતી, ‘સર, ગુલાલને હોશ આવી ગયા છે.’ નિખિલ તરત ઉભો થઈને હોસ્પિટલ તરફ દોડી ગયો.

***

ગુલાલ હવે સંપૂર્ણ હોંશમાં હતી. એને હોંશમાં આવ્યાને ચાર પાંચ કલાક થઈ ગયા હતા. સ્પેશિયલ રૂમમાં નિખીલ, . ઝાલા, અંતરા, કૌશલ્યાબહેન, અન્ય બે ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ પંડ્યા હાજર હતા. ગુલાલ હોશમાં આવી ત્યારથી મલ્હાર... મલ્હારના નામનું રટણ કરી રહી હતી. અત્યારે પણ . ઝાલાને પૂછી રહી હતી, ‘સર, મલ્હાર ક્યાં છે? તમે એને ગમે તેમ કરીને શોધી કાઢો નહિતર લોકો એને મારી નાંખશે.

. ઝાલા બોલ્યા, ‘બેટા, તારા મલ્હારને કાંઈ નહીં થાય. પણ તું અમને વાત તો કર કે આખરે દિવસે થયું હતું શું? તું અને મલ્હાર છેક મહેસાણા હાઈવે શા માટે ગયાં હતાં ? અમને કશી ખબર નથી બેટા.’

ગુલાલ થોડીવાર ચૂપ રહી. અંદર ને અંદર વિચારતી રહી. પછી બોલી, ‘સર, દિવસે મલ્હારે મને એક પત્ર લખી કહ્યું કે મને એક ખાસ વાત કરવા માંગે છે પણ લોકોની નજર અમારા પર છે અને જાનને જોખમ છે એટલે બહાર મળવું પડશે. મને પણ આશ્ચર્ય થયું હતું કે શું વાત હશે ? હું આશ્ચર્યવશ મલ્હારને બહાર મળવા ગઈ. અમે મહેસાણા હાઈવે પર એક વડના ઝાડ પાસે બેઠા. પછી મલ્હારે જે વાત કરી, વાત નહોતી પણ બોમ્બ-વિસ્ફોટ હતો...’ બોલતાં બોલતાં ગુલાલ અટકી ગઈ. ગળું ભીનું થઈ ગયું. બધા એક કાન થઈને એની વાત સાંભળી રહ્યાં હતા. ગુલાલે નીચુ મોં કરીને વાત આગળ ચલાવી, ‘સર, મલ્હાર મને નહોતો ચાહતો. બીજી એક સ્ત્રીને ચાહતો હતો. અને મારી દોલત માટે એણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું હતું. એમનો પ્લાન એવો હતો કે મારી સાથે પ્રેમ-લગ્ન કરીને અમદાવાદ આવી જાય. મારી દોલત મેળવે અને એની પ્રેમિકા જે અમદાવાદમાં રહે છે એની સાથે રંગરેલિયાં કરે. પણ વચ્ચે યુવરાજ આવી જતા એમનો પ્લાન થોડો પાછો ઠેલાયો. પણ આખરે યુવરાજ પકડાઈ ગયો એટલે એમણે ફરી એમની રમત શરૂ કરી. મારાં લગ્ન મલ્હાર સાથે થઈ ગયા. પણ પછી મલ્હારના કહેવા મુજબ સ્ત્રી ફરી ગઈ. સાઈકિક થઈ ગઈ છે, મલ્ટીપલ પર્સનાલીટીવાળી થઈ ગઈ. મલ્હાર મારી સાથે હરે, ફરે, સૂવે પણ એને નહોતું ગમતું. એણે એને ઘમકી આપી કે જો મલ્હાર મારી સાથે સંબંધ બાંધશે તો મને મારી નાંખશે. એટલું નહીં સર, આશ્ચર્યની વાત તો છે કે યુવરાજને પણ એણે ભગાડ્યો અને એના દ્વારા મને પણ મેઈલ કરાવ્યો કે જો હું મલ્હાર સાથે સંબંધ રાખીશ તો મલ્હારને મારી નાંખશે. બસ આટલી વાત એણે મને કરી. મારી સાથે મલ્હારના પ્રેમથી લઈને લગ્ન સુધી બધું એક નાટક હતું. કોઈ ભેજાબાજ સ્ત્રીએ લખેલી સ્ક્રીપ્ટ હતી. પણ હવે સ્ત્રી એના રંગ બદલી રહી હતી અને મલ્હારને મારી સાથે, મારી સારપ સાથે પ્રેમ થઈ ગયો હતો એટલે એણે પસ્તાવા રૂપે વાત મારી આગળ કબૂલ કરી લીધી. એણે મને કહ્યું કે સ્ત્રીએ એનું જીવન હરામ કરી દીધું છે. હવે એને નથી ચાહતો. મારા માટે મરવા પણ તૈયાર હતો. એણે મને રિવોલ્વર આપીને એને ગુના બદલ ખતમ કરી નાંખવાની પણ ઓફર કરી હતી. મેં એને કહ્યું કે મારે એને મારવો નથી. બસ સ્ત્રી કોણ છે જાણવું છે. મલ્હાર હજુ સ્ત્રીનું નામ બોલે ત્યાં હવામાંથી ગોળી છૂટી. મારા પગમાં વાગી. મલ્હાર મને ઊંચકીને ભાગ્યો. અમારી પાછળ બે બુકાનીધારી શખસો હતા. એમણે અમને પકડી લીધા અને મલ્હારને મારતા મારતા ઢસડીને ગાડીમાં બેસાડીને ભાગી છૂટ્યા. બસ, પછી મને કંઈ યાદ નથી....’

ગુલાલ વાત પૂરી કરતાં કરતાં રડી પડી. આખોયે ઓરડો સ્તબ્ધ હતો. કોઈએ ધાર્યું પણ નહોતું કે ખરબચડા રસ્તા પાછળ કોઈ સુંવાળા હાથ હશે, કોઈ સુંવાળી વાત હશે! જે સમય જતા વિકૃત બની ગઈ હશે. . ઝાલા સામે હવે એક નવો પડકાર સ્ત્રીનું રૂપ ઘરીને ઊભો હતો. નિખિલ, કૌશલ્યાબહેન, અંતરા, . ઝાલા, કોન્સ્ટેબલ પંડ્યા સહિત બધાના મનમાં અત્યારે એક પ્રશ્ન ઘુમરાઈ રહ્યો હતો. કોણ હશે સ્ત્રી ?

ક્રમશ: