પ્રકરણ – ૩૮: તારી છોડીના માથે ઈની જ બેનપણીએ કાળી વિદ્યા કરી છે. મારી કેણીમાં ફરક પડે તો મારું ધૂણવું લાજે.

    ૨૧-સપ્ટેમ્બર-૨૦૧૮    

સબ ખત્મ હોકે ભી, તેરે મેરે દરમિયાં...કુછ તો બાકી હૈ..!’ ટી.વી પર ગીત ચાલી રહ્યું હતું. અચાનક ગુલાલના કાને શબ્દો રેડાયા. એની સાથે પણ આવું થયું હતું. બધું ખતમ થઈ ગયું હતું. મલ્હાર બેવફા નહીં , બહુ મોટો ફ્રોડ હતો. એના કક્કામાંપ્રેમનોનહોતો પણપાસાનોહતો. ચાહત એના માટે એક ચાલ રમવાની કૂકરી માત્ર હતી. એણે ગુલાલને છેતરી નહોતી પણ ગુલાલને છોલી પણ લીધી હતી. અને સ્ત્રીનો ચહેરો તો હજુ સામે આવવાનો બાકી હતો, જેણે બધો ખેલ કર્યો હતો. ચહેરો નજર સમક્ષ આવશે એટલે ગુલાલની છાતી પર ફરી વખત છીણી મુકાશે. ફરી એક વખત કોઈ પોતાના દ્વારા વિશ્વાસઘાત થશે. બધું હતું છતાં મન હતું જે મલ્હારમાંથી બહાર નહોતું નીકળતું. એને એટલું યાદ હતું કે છેલ્લે તો મલ્હારને પણ પસ્તાવો થતો હતો. એને ચાહવા લાગ્યો હતો.

હોસ્પિટલમાંથી રજા આપ્યાને આજે પંદરમો દિવસ હતો અને મલ્હારનુ કિડનેપ થયાને બાવીસમો દિવસ. ગુલાલ સાથે જે રમત રમાઈ હતી અકલ્પ્ય હતી. એક મેઈલ, માત્ર એક મેઈલે એની જિંદગીને અનેક ખૂણેથી છોલી નાંખી હતી. . ઝાલા ખાવા, પીવા, ઊંઘવાનું ભૂલીને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા. એવી છાનીછપની તપાસ નિખીલ પણ ઘણા સમયથી કરી રહ્યો હતો. માટે એણે એક પ્રોફેશનલ ડિટેક્ટિવ પણ રાખ્યો હતો. પોલીસ ખાતાના કેટલાયે માણસોને પૈસા આપીને તેમની મદદ લઈ રહ્યો હતો. કડીઓ ઘણી મળી હતી પણ કોઈ એકબીજા સાથે બેસતી નહોતી. બસ, એકવાર અંકોડા મળી ગયા એટલે ખેલ ખલાસ.

સૌથી કપરી હાલત હતી કૌશલ્યાબહેનની. એમનાથી દીકરીની હાલત જોઈ પણ નહોતી શકાતી કે કંઈ થઈ પણ નહોતું શકતું. પ્રભુને સતત પ્રાર્થના કરી રહ્યાં હતાં. પહેલાં રોજ સવાર, સાંજ ગાયત્રી મંદિરે જતાં હતાં. હવે હનુમાન કેમ્પ પણ જવા માંડ્યાં હતાં. રોજ ગાયત્રી મંદિરનો રેવડી અને સાકરિયાનો પ્રસાદ અને બજરંગ બલીને ચડાવેલા શ્રીફળની પ્રસાદી ગુલાલને ખવરાવતાં. ગુલાલે ઓફિસ જવાનું બંદ કરી દીધું હતું. અંતરા અને નિખિલ આંતરે દિવસે આવીને એને મળી જતાં. એમની સાથે વાતો કરતી પણ બહુ ઓછી.

***

રાતના સાડા બાર વાગે નિખિલ અને બીજા બે જણ ઓફિસમાં બેઠા હતા. કાળો ઓવરકોટ પહેરેલા માણસનું નામ ઓમ્કાર હતું. પ્રાઇવેટ ડિટેક્ટિવ હતા. નિખિલે એમને ગુલાલના કેસની તપાસ માટે પર્સનલી એપોઇન્ટ કર્યા હતા. અને એમની બાજુમાં સાદા પેન્ટ શર્ટમાં બેઠેલો માણસ કોન્સ્ટેબલ પંડ્યા હતો. આમ તો . ઝાલા સાથે કામ કરતો હતો પણ નિખીલે એને પણ એની સાથે રોકી લીધો હતો. પોલીસ-તપાસની ઝીણામાં ઝીણી વિગત કોન્સ્ટેબલ પંડ્યા નિખિલને આપતો. નિખિલને મલ્હાર પર પહેલાંથી શક હતો. ગુલાલ અને મલ્હારના રિસેપ્શન વખતે એક વાત નિખિલની આંખમાં ખૂંચી હતી. મલ્હાર અને ગુલાલ હનિમૂન કરીને આવ્યાં પછી એક દિવસ નિખિલ મલ્હારને એક હોટેલમાંથી બહાર આવતાં જોઈ ગયેલો. બસ, ત્યારથી એણે ડિટેક્ટીવ ઓમ્કાર અને કોન્સ્ટેબલ પંડ્યાને એની તપાસમાં લગાવી દીધા હતા. મલ્હારને કોઈ સ્ત્રી સાથે લફરું છે વાત તો ત્રિપુટી બહુ પહેલેથી જાણતી હતી. બસ, એને એકવાર રંગે હાથે પકડવાનો હતો અને મલ્હારનું કિડનેપ થઈ ગયું.

ટેબલ પર ફાઈલનો થોકડો પડ્યો હતો. ફાઈલ કો. પંડ્યા લઈ આવ્યો હતો. એમાં ગુલાલના કેસને લગતી અથથી ઇતિ વિગતો હતી. એમાં યુવરાજની બધી માહિતી હતી. ગુલાલ પર જે જે ડેટાકાર્ડ દ્વારા મેઈલ આવતા હતા બધાના ફોટા સહિતના ડોક્યુમેન્ટસ હતા. ગુલાલ પર આવેલા મેઈલ્સની પ્રિન્ટ આઉટ્સ હતી. બધુ હતું . નિખિલ અનેક વાર બધા કાગળો પર નજર નાંખી ચૂક્યો હતો. અને અત્યારે ફરીવાર ફાઈલ ઉથલાવી રહ્યો હતો. ફાઈલ જ્યારે જ્યારે જોતો ત્યારે ત્યારે એને કંઈક ખૂંચતું. પણ શું ખૂંચતું એને સમજાતું નહોતું. ફાઈલમાં કંઈક સુરાગ છે પણ એની નજરે નથી ચડતો એવું એને લાગતું હતું. એને વિશ્વાસ હતો કે જો ગુનેગાર પકડાશે તો ફક્ત ફાઈલની મદદથી .

પોલીસ ફાઈલ સાઈડમાં મૂકી એણે ડિટેક્ટીવ ઓમ્કારની ફાઈલ ઉઠાવી. નિખિલને શક હતો કે મલ્હારને કોઈક છોકરી સાથે લફરું છે એટલે એણે ઓમ્કારને એની પાછળ લગાવી દીધો હતો. પણ મલ્હાર અને એની પ્રેમિકા બંને ચાલાક હતાં. ઓમ્કાર ક્યારેય એને રંગે હાથે પકડી ના શક્યો. એણે કેટલીયેવાર મલ્હારનો પીછો કર્યો હતો. મલ્હાર હોટેલ પર જતો. ઓમ્કાર પણ પાછળ પાછળ રિસેપ્શન પર જતો અને એની ઓળખ આપીને એનો રૂમ નંબર પૂછતો પણ ક્યારેય કોઈ હોટેલવાળાએ એની મદદ નહોતી કરી. મલ્હાર અને એની પ્રેમીકાનું સેટીંગ એવું હતું. બીજુ કે ઓમ્કારે ક્યારેય એને એની પ્રેમિકા સ્ત્રી સાથે જોયો નહોતો. લોકો ડાયરેક્ટ રૂમમાં મળતાં અને રૂમમાં છૂટાં પડી જતાં. સ્ત્રી કોણ હતી ? કેવી દેખાતી હતી? ક્યાંથી આવતી હતી ? ક્યાં જતી હતી ? જાણવા ઓમ્કારે આકાશ-પાતાળ એક કરી નાંખ્યાં હતાં, પણ એનો પત્તો નહોતો લાગતો. નિખિલને હતું કે એકવાર રંગે હાથે મલ્હારને અને સ્ત્રીને પકડીને ગુલાલની સામે લઈ જવાં. પણ મોકો આવ્યો નહીં. આખો ખેલ કંઈક જુદો હતો એમને ખબર નહોતી. એમને તો વખતે સપનેય અંદાજ નહોતો કે જે સ્ત્રી સાથે મલ્હારને માત્ર લફરું હોવાનું લોકો માની રહ્યાં છે એણે આટલી મોટી ગેઈમ કરી હશે. ક્વિન ઓફ ગેઈમ હશે અને એની પાછળ કોઈ ડાર્ક સિક્રેટ છુપાયેલું હશે.

ઓમ્કાર ક્યારેય મલ્હારને અને એની પ્રેમિકાને સાથે જોઈ નહોતો શક્યો. પણ એકવાર મલ્હારે ભૂલ કરી નાંખેલી. હોટેલમાંથી બહાર નીકળીને મલ્હાર એની ગાડી પાસે જઈ રહ્યો હતો. ત્યાં પાછળથી એક જીન્સ-ટી શર્ટવાળી છોકરી નીકળી. મલ્હારથી ભુલથી એની સામે સ્માઇલ અપાઈ ગયું, પણ છોકરી ના હસી. ફટાફટ હોટેલની બહાર નીકળી અને એક રિક્ષામાં બેસી ગઈ. ઓમ્કારને યકિન થઈ ગયું કે માનો ના માનો છોકરી છે. એણે ફટાફટ એની પાસેના કેમેરાની સ્વીચ દબાવવા માંડી. પછી તરત એની પાછળ દોડ્યો. ત્યાં સુધી પેલી રીક્ષા નીકળી ગઈ હતી. ઓમ્કારે ફટાફટ એની કારથી એનો પીછો કર્યો. કયાંય સુધી એનો પીછો કરતો રહ્યો. પછી રિક્ષા એક ટ્રાફિકવાળા વિસ્તારમાં ઘુસી. અચાનક પેલી છોકરી રીક્ષામાંથી ઉતરી. અને બાજુમાં ઊભેલા એક બાઇકસવાર પાછળ બેસી ગઈ. અને ટ્રાફિકમાંથી ગલી કાઢતી બાઈક થોડી વારમાં અદૃશ્ય થઈ ગઈ. ઓમ્કાર કાચો સાબિત થયો.

અત્યારે નિખિલ સામે પડેલી ફાઈલમાં છોકરીના ફોટા પણ હતા. નિખિલ ફોટા પર કેટલીયે વાર જોઈ ચૂક્યો હતો. આજે ફરીવાર જોઈ રહ્યો હતો. છોકરીએ બ્લ્યુ જિન્સ અને સ્કીન ટાઈટ પીન્ક કલરનું ટી-શર્ટ પહેર્યું હતું. એના ચહેરાને એણે સ્કાર્ફથી એકદમ ચુસ્ત રીતે બાંધેલો હતો અને આંખે ચશ્મા ચડાવેલાં હતાં. એના વાળ, કાન, નાક કે આંખ બધું ઢંકાયેલું હતું. એટલે એને ઓળખવી મુશ્કેલ હતી. પણ પેલી ફાઈલ જેમ નિખિલને ફોટાઓમાં પણ કંઈક ઓળખાણનો આભાષ થતો હતો. એને લાગતું હતું કે સ્ત્રીને એણે પહેલાં પણ ક્યાંક જોઈ છે. પણ ક્યાં જોઈ છે યાદ નહોતું આવતું. ક્યાંય સુધી વિચારતો રહ્યો અને ઓમ્કાર અને કોન્સ્ટેબલ પંડ્યા કેસનું ગૂંચળું ખોલતા રહ્યા.

***

રાતના સાડા દસ વાગ્યા હતા. હમણાં બે દિવસથી નિખિલ ગુલાલના ઘરે નહોતો જઈ શકયો અને આવતી કાલે પણ એના કેસ માટે બિઝી હતો એટલે એણે મળવા માટે રાતનો સમય પસંદ કર્યો. ગુલાલના મોટા બંગલાના પોર્ચમાં એણે ગાડી પાર્ક કરી. ત્યાં એની નજર ડ્રોઇંગરૂમની બારી તરફ ગઈ. અંદરથી ધૂમાડો બહાર આવી રહ્યો હતો. નિખિલને થોડુંક અજુગતું લાગ્યું. ફટાફટ બારણા પાસે ગયો. હજુ ડોરબેલ વગાડવા જાય છે ત્યાં એના કાને વિચિત્ર અવાજો આવ્યા,

હુંમ, હંમ...હંમ.... હું કોણ ? કાળ ભૈરવનો કાળ! ઓમ ઐં ર્હ્રીં ક્લીં કાલિકાયે નમ: ઓમ ઐં ર્હ્રીં ક્લીં કાલિકાયૈ નમ:

નિખિલ સડક થઈ ગયો. અંદર કોઈ ભૂવો ધૂણી રહ્યો હતો. મોટે મોટેથી બૂમો પાડી રહ્યો હતો, ‘માડી, તારી છોડીના માથે વંતરીનો છાંયો પડી ગ્યો છે. તો માડીની મેર છે કે તારી પૂજા અને ભક્તિને કારણે છોડી બચી ગઈ બાકી ખેલ ખતમ હતો!’

બાપજી, દયા કરો. મારી દીકરીને ઉગારી લો.’ કૌશલ્યાબહેનનો ભીનો અવાજ આવ્યો. ભૂવો પાછો બરાડ્યો,

અરે હું કોણ ? કાળભૈરવનો કાળ! આવી વંતરીઓને તો ચપટીમાં રોળી દઉં! જા માડી, તારી છોડીનો વાળ વાંકો નહીં થવા દઉં. ખોટો પડું તો તારું ખાસડું ને મારું માથું. તારી છોડીના માથે ઈની બેનપણીએ કાળી વિદ્યા કરી છે. મારી કેણીમાં ફરક પડે તો મારું ધૂણવું લાજે. અમાસે રાતે વિધિ કરી નાંખું છું. પછી ખુદ કાળ ભૈરવેય તારી છોડી માથે નજર નહીં માંડી શકે. ભભૂત અને માદળિયું રાખ. સાક્ષાત કાળકાનો વાસ છે આમાં. છોડીના ગળે પેરાવી દેજે અને ભભૂત રોજ પાણી હારે પાજે. હું કોણ કાળભૈરવનો કાળ ? હા, હા, હા ! કેણીમાં ફરક પડે તો મારું ધૂણવું લાજે...’

બહાર જડ જેમ ઊભા રહેલા નિખિલથી હવે રહેવાયું નહીં. એણે બારણુ તોડી નાંખવું હોય એમ ધણધણાવ્યું. અંદર સોપો પડી ગયો. કૌશલ્યાબહેન ગભરાઈ ગયા. ભૂવાને લઈને આવનાર એમની નોકરાણી શાંતા પણ ધ્રુજવા લાગી. એમને એમ હતું કે આટલી મોડી રાતે વળી કોણ આવશે? એટલે એમણે વીધી શરૂ કરી હતી. શાંતાએ બીતાં બીતાં બારણું ખોલ્યું. નિખિલ ધૂંઆપૂંઆ થતો અંદર પ્રવેશ્યો. રૂમની વચ્ચો વચ્ચ એક કુંડીમાં અગ્નિ સળગતો હતો. એના ચારેય ખૂણે ખોપરીઓ પડેલી હતી. સામે ગુલાલ અને એની મમ્મી બેઠાં હતાં અને એમની સામે એક લાંબા વાળવાળો, કાળાં કપડાં પહેરેલો વિકરાળ માણસ બેઠો હતો. એના ગળામાં ચાર-પાંચ માળાઓ હતી. દાંત સડી ગયા હતા. આંખમાં કીકીની જગ્યાએ અંગારા જડ્યા હોય એવું લાગતું હતું. એક હાથ વડે હવનમાં કંઈક હોમી રહ્યો હતો. નિખિલને જોતાં કૌશલ્યાબહેન ઝંખવાણા પડી ગયા. ભૂવો શ્ર્લોક બોલવાનું ભૂલી નિખિલ સામે ડોળા કાઢીને જોઈ રહ્યો. નિખિલે એને તો કંઈ ના કહ્યું પણ કૌશલ્યાબહેન સામે જોઈને તાડૂક્યો, ‘મમ્મી, વોટ ઈઝ ધીસ રબીશ ? તમે આટલાં એજ્યુકેટેડ થઈને બધાં ધતીંગમાં પડ્યાં ?’ કૌશલ્યાબહેન રડી પડ્યાં, ‘બેટા, મારે કોઈ પણ ભોગે મારી દીકરી પાછી જોઈએ છે. જીવતી લાશમાં કોઈ પણ ભોગે પ્રાણ પૂરવા છે.’ બોલીને ઊભા થઈને રસોડામાં ચાલ્યા ગયાં. નિખિલે ગુલાલ સામે જોયું. પૂછ્યા વગર ગુલાલ બોલવા માંડી, ‘નિખિલ, મારે પણ કોઈ પણ ભોગે મારો મલ્હાર પાછો જોઈએ છે.’

નિખિલને માથું પછાડવાનું મન થયું. ગુસ્સો તો એટલો બધો હતો કે ગુલાલને બે ઝાપટ ચોડી દે કે તારી સાથે આટ આટલી બેવફાઈ કરનારને હજુ તું ચાહે છે? પણ ગુસ્સો ગળી ગયો. એણે શાંતિથી કહ્યું, ‘ગુલાલ, બધી અંધશ્રદ્ધા છે. અમે મલ્હાર માટે મહેનત કરી રહ્યાં છીએ. તારા નસીબમાં હશે તો ભગવાન પણ એને તારી પાસેથી નહીં છીનવી શકે અને નસીબમાં નહીં હોય તો ભૂવો તો શું ભગવાન પણ તને નહીં આપી શકે. બી પ્રેક્ટિકલ !’

બોલીને નિખિલ ભૂવા તરફ ફર્યો, ‘ચાલ પાખંડી, ઉપાડ તારા લબાચા અને ઘર ભેગો થઈ જા. નહીંતર દઉં છુ બે અવળા હાથની.’

એય જુવાન! મોં સંભાળીને વાત કર! હું મારીશ તો પાણીયે નહીં માગે.’

મારવાવાળી ચાલ ચાલતી થા !’ નિખિલે હવનમાં પાણી રેડી દીધું. અને ખોપરીને લાત મારીને ફગાવી દીધી. ભૂવો ધૂંઆપૂંઆ થઈ ગયો, રાડો પાડતો પાડતો ઊભો થઈ ગયો, ‘અનર્થ... અનર્થ કરી નાંખ્યો છે તમે મને છંછેડીને. લાત તમે મને નથી મારી, કાળ ભૈરવને મારી છે. બરબાદ થઈ જશે ઘર. એક વર્ષમાં ઘર માટીનો ટેકરો થઈ જશે. યુવાન, તને હું ખોટો લાગું છું ને? ઢોંગી હોઉં એવું લાગે છે ને ? તો જોજે, છોકરીની જિંદગી એની બેનપણીએ બરબાદ ના કરી હોય તો ફટ કહેજે મને ! હું કોણ ? કાળ ભૈરવનો કાળ ! મારી કેણીમાં ફેર પડે તો મારું ધૂણવું લાજે. યાદ રાખજે. એની બેનપણી છે જે એનો કાળ છે.’ બબડતો બબડતો ભુવો બહાર નીકળી ગયો.

ક્રમશ: