પ્રકરણ – ૩૯ : મલ્હાર આ દુનિયામાં નથી અને હું પણ એની પાસે જઈ રહી છું. અમારી લાશ એક જ ચિતામાં સળગાવજો

    ૨૨-સપ્ટેમ્બર-૨૦૧૮    

રાત્રે સૂમસામ સડક પર દોડતાં વાહનોની ઝડપે સમય ભાગી રહ્યો હતો. સમય સાથે સાથે દુનિયા પણ ભાગી રહી હતી. પણ ગુલાલ માટે બધું સ્થિર થઈ ગયું હતું. જિંદગી પણ અને જીવન પણ. મલ્હારે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો હોવા છતાં એને એની ફિકર હતી. કદાચ એના સ્વભાવે મલ્હારને પ્રાયશ્ર્ચિત્ત કરવા પ્રેર્યો હશે.

અત્યાર સુધી ભગવાનને એવી પ્રાર્થના કરતી હતી કે કોઈ બ્લેકમેઈલરનો મેઈલ ના આવે. અને આજે હવે હરઘડી બ્લેકમેઈલરના મેઈલનો ઇન્તજાર કરતી હતી. જાણવા માગતી હતી કે એને આટલી બધી નફરત કરનાર, એની જિંદગીને તહસ-નહસ કરી નાંખનાર, એની સાથે આટલી મોટી સાયબર ગેઈમ કરનાર સ્ત્રી કોણ હતી? મલ્હારને પાછો મેળવવા માગતી હતી. ઇચ્છતી હતી કે બ્લેકમેઈલરનો મેઈલ આવે અને મલ્હારને છોડવા માટે કંઈક માગે. મલ્હારને છોડાવવા માટે એની આખી જિંદગી પણ આપી દેવા તૈયાર હતી. પણ દિવસો પર દિવસો વીતતા જતા હતા, મેઈલનું ઈનબોકસ ફરી એકવાર એક બ્લેક-મેઈલને તરસી રહ્યું હતું. પણ જાણે મલ્હાર અને સ્ત્રી હવા બનીની વાતાવરણમાં ભળી ગયાં હતાં. આજે બે મહિના થવા આવ્યા હતા પણ એમના તરફથી કોઈ કોન્ટેક્ટ કરવામાં આવ્યો નહોતો. . ઝાલા, ડિટેક્ટિવ ઓમકાર અને નિખિલ બ્લેકમેઈલરને શોધવા રાત-દિવસ એક કરી રહ્યા હતા, કૌશલ્યાબહેનની ઈશ્ર્વરને આજીજી ચાલુ હતી, અંતરા એની બેસ્ટ ફ્રેન્ડ ગુલાલ અને પ્રિય જીજુ માટે ગુડ વિશ કરી રહી હતી.

***

સમી સાંજનું અંધારું નવેમ્બર મહિનાની ટાઢ લઈને અમદાવાદની છાતી પર બેઠું હતું. સાંજના સાત વાગી રહ્યા હતા. એક સ્ત્રી અમદાવાદના એક પરા વિસ્તારમાં આવેલા ફ્લેટના પગથિયાં ચડી રહી હતી. લગભગ રોજ અહીં આવતી. આવતી ત્યારે ચહેરા પર આશાનું એક કિરણ લઈને આવતી અને જતી ત્યારે ડૂબી ગયેલાં વહાણોની વેદના લીંપીને જતી. આજે બહુ ઝનૂનમાં હતી. રોજ રોજના ધક્કાઓથી હવે કંટાળી ગઈ હતી. એના પર્સમાં એક ચપ્પુ હતું. નાનકડી જલદ એસીડની બાટલી હતી અને હથોડી હતી. બીજા ખભે બીજી એક મોટી બેગ હતી એમાં લેપટોપ હતું.

ચોથા માળે પહોંચતાં પહોંચતાં સ્ત્રી હાંફી ગઈ હતી. હાંફતાં હાંફતાં એણે દરવાજાનું લોક ખોલ્યું અને અંદર પ્રવેશી. સામે પલંગ પર મલ્હાર બંધાયેલી હાલતમાં પડ્યો હતો. સ્ત્રીએ દર વખત જેમ વખતે પણ આવીને તરત એના ગાલ પર હાથ ફેરવ્યો અને કપાળ પર ચુંબન ચોડ્યું, ‘હાય ડાર્લિંગ, કેમ છે ?’ બોલતાં બોલતાં એણે મલ્હારના મોઢેથી ડૂચો કાઢી લીધો. જેવો ડુચો કાઢ્યો કે તરત મલ્હાર જોરથી સ્ત્રીના મોં પર થૂંક્યો. આવું પણ રોજ બનતું. સ્ત્રીએ હેન્કીથી એનો ચહેરો સાફ કર્યો અને એના ગાલે સણસણતો તમાચો ચોડી દીધો, ‘યુ બાસ્ટર્ડ...!’

રોજ સ્ત્રી આવતી, એને વ્હાલ કરતી અને રોજ મલ્હાર એના પર થૂંકતો પણ એણે ક્યારેય એને તમાચો નહોતો માર્યો. પણ આજે જરા જુદા મૂડમાં હતી. એણે મલ્હારના ગાલ પર સોળ ઉપસાવી દીધા, ‘નાલાયક ! છેલ્લા બે મહિનાથી ગાંડાની જેમ તને મનાવી રહી છું પણ તું માનતો નથી. તારા માટે મેં શું નથી કર્યું ! એક વાર તો મારી સામે પ્રેમથી જો. મને ચુમ, મને આલિંગનમાં લે! શું કરવા મને તડપાવે છે ? આઈ લવ યુ યાર! તારા વગર હું નહીં જીવી શકું. મેં જે કંઈ કર્યું છે તારા માટે કર્યું છે. તું વિચાર તો કર, મેં તારા માટે થઈને ગુલાલને દગો કર્યો છે.’ સ્ત્રી રડતી રડતી મલ્હારને આલિંગવા લાગી. મલ્હાર ફરીવાર એના પર થૂંક્યો.

દૂર હટ, કહું છું દૂર હટ મારાથી. તે મારા માટે નથી કર્યું બધું. તેં તારી વિકૃતિ સંતોષવા કર્યું છે અન્ડરસ્ટેન્ડ ? અને હું ગાંડો હતો કે તારી વાતમાં આવી ગયો અને ગુલાલનો વિશ્વાસઘાત કર્યો. તું એક વાત કાન ખોલીને સાંભળી લે, હવે જન્મે તો શું આવતા કોઈ જન્મે હું તારો નહીં થાઉં. આઈ લવ ગુલાલ...! તને હું ફક્ત નફરત કરું છું!’

ઓહ માય ગોડ ! શું થઈ ગયું છે તને?’ સ્ત્રી ભોંય પર બેઠી બેઠી કપાળ પકડીને રડવા લાગી. એની પર્સનાલિટી ધીમે ધીમે ચેન્જ થઈ રહી હતી. જ્યારથી મલ્હારને કિડનેપ કર્યો હતો ત્યારથી એણે એને અહીં રાખ્યો હતો. રોજ અહીં આવતી અને મલ્હારને ભાગી જવા માટે સમજાવતી. એની પાછળ પાગલ હતી. પણ હવે મલ્હાર ગુલાલને ચાહતો હતો. રોજ સ્ત્રીનું અપમાન કરીને કાઢી મૂકતો. એને જરાય મચક ના આપતો. સ્ત્રી જબરદસ્તી કરે તો મરી જવાની ઘમકી આપતો. મલ્હારની નફરતે બે મહિનામાં સ્ત્રીના મગજમાં એટલું બધું ઝેર ભરી દીધું હતું કે આજે ઝેરની ટાંકી ફાટવાની હતી.

મલ્હાર, આપણો ભૂતકાળ યાદ કર ! આપણે એકબીજાને કેટલું ચાહતા હતાં ! કેવી રીતે રહેતાં હતાં. અને હવે તું એમ કહે છે કે તું ગુલાલને ચાહે છે! અરે એવું તે શું છે એનામાં જે મારામાં નથી ? એવું તે એણે તને શું આપ્યું છે જે મેં નથી આપ્યું ? મલ્હાર, તને મારા સોગંદ છે. આપણા ભૂતકાળના સોગંદ છે. મેં તને ધૂળમાંથી ઉઠાવી આસમાનમાં બેસાડી દીધો છે એનો તો વિચાર કર ! અને મારે શું જોઈએ છે, ફક્ત થોડો પ્રેમ ! તારો સાથ ! તારી હૂંફ ! મારી વાત માન મલ્હાર. મને અપનાવી લે. ચાલ, આપણે દૂર ચાલ્યાં જઈએ !’ સ્ત્રી આજે એને છેલ્લીવાર સમજાવી રહી હતી. પણ મલ્હાર કોઈ કાળે માનવા તૈયાર નહોતો, ‘તને ચાહી મારી ભૂલ હતી અને ગુલાલની તો તું સરખામણી ના કરીશ. ગુલાલમાં શરાફત છે, ચોવીસ કેરેટના ગોલ્ડ જેવો શુદ્ધ પ્રેમ છે એની પાસે. અને તું તો વેશ્યા છે. વાસના માટે તેં મારી સાથે સંબંધ બાંધ્યો, પ્રેમનું તો નામ હતું માત્ર. હું મરી જઈશ પણ તારી વાત નહીં માનું! ચાલ નીકળ અહીંથી.’

તો હું ગુલાલને ખતમ કરી નાંખીશ...’

એનો વાળ પણ વાંકો થયો છે તો સમજજે મારી નાંખીશ તને! ગંગા જેવી પવિત્ર ગુલાલને છેતરી છે તેં!’

સટ્ટાક...કક......’ ફરીવાર મલ્હારના ગાલે તમાચો પડ્યો, ‘બંદ થા મલ્હાર! તારી જીભને લગામ દે. એનાં વખાણ ના કર મારી સામે. મને જલન થાય છે. મારું લોહી એસિડ બની રહ્યું છે. તારી પ્રેમિકા ફક્ત હું હોઈ શકું, બીજું કોઈ નહીં!’

એક વાર નહીં સાડી સતરવાર ગુલાલ મારી પ્રેમિકા અને તું...’ મલ્હાર ગાળ કાઢી ફરીવાર થૂંક્યો. સાથે સ્ત્રીએ એના પર્સમાંથી ચપ્પુ કાઢ્યું અને ઝનૂનથી મલ્હારની છાતી પર તૂટી પડી. આડા ઊભા ચાર-પાંચ કાપાથી છાતી વેતરાઈ ગઈ. મલ્હારનો મેલો શર્ટ લોહીથી ખરાડાઈ ગયો. સ્ત્રી રડતી રહી...‘ મલ્હાર, તું જ્યારે એનું નામ લે છે ને ત્યારે મને પણ આવું દર્દ થાય છે. ડાર્લિંગ સોરી, કહી દે કે યુ લવ મી..’ સ્ત્રી વિકૃતિથી બોલી રહી હતી.

મલ્હાર વેદનાથી કણસી રહ્યો હતો. ‘નો.. નો... નેવર! તું તો ધંધો કરાવતી સ્ત્રી છે. આઈ સ્ટીલ લવ ગુલાલ.’

મલ્હાર બોલ્યો સાથે સ્ત્રીએ એના પર્સમાંથી પેલી એસિડની બોટલ કાઢી અને મલ્હારની છાતી પર રેડી દીધી, અને તરત મલ્હારના મોં પર ડૂચો મારી દીધો. અપાર વેદનાથી મલ્હાર તરફડવા માંડ્યો. એના ગળામાંથી ચીસ પણ ના નીકળી. સ્ત્રી બોલી, ‘મલ્હાર હવે તો સમજ, ઘા પર એસીડ પડવાથી તને જેવી વેદના થાય છે એવી વેદના મને ગુલાલના નામથી થાય છે. આઈ લવ યુ.’

થોડીવારે સ્ત્રીએ મલ્હારના મોંમાંથી ડુચો કાઢ્યો, મલ્હારના શ્વાસ ‚રૂંધાઈ રહ્યા હતા. છતાં તૂટતા અવાજે બોલ્યો, ‘આઈ લવ ગુલાલ..’ સ્ત્રીએ પર્સમાંથી હથોડી કાઢીને મલ્હારના માથામાં જોરથી ઠોકી દીધી. મલ્હારના ગળામાંથી ચીસ નીકળી ના નીકળી અને વિલાઈ ગઈ. જાણે નળમાંથી પાણી વહેતું હોય એમ મલ્હારના માથાંમાંથી લોહીની દદૂડી વહેવા લાગી. સ્ત્રી કારમું આક્રંદ કરતાં કરતાં એના પગમાં પડી ગઈ. હવે મલ્હાર કંઈ બોલી શકે એમ નહોતો. એના શ્વાસ સાવ મંદ પડી ગયા હતા, આંખો બુઝાઈ રહી હતી. જીવ તાળવે ચોંટી ગયો હતો. સ્ત્રી પોક મૂકીને રડી રહી હતી, ‘મલ્હાર, મને માફ કરજે, પણ મને ખબર છે કે હવે તું મારા હાથમાંથી ગયો છે. તું મને ક્યારેય મળી શકે એમ નહોતો. અને હું તને બીજાનો થવા દઉં એમ નહોતી. તારે જવું પડે એમ હતું. હવે હું વિધવા થઈ ગઈ. સોરી ડાર્લિંગ, બટ આઈ લવ યુ વેરી મચ. તારા વગર હવે હું કેટલું જીવીશ પણ પ્રશ્ર્ન છે. પણ ડિયર, સાચું કહેજે, હું ગુલાલ કરતાં સારી લાગું છું ને ? એય, તું બોલતો કેમ નથી ? સ્ત્રી પગ પાસેથી ઊઠીને મલ્હારના મોં પાસે આવી..મલ્હારના શ્વાસ બંધ થઈ ગયા હતા. એના ડોળા ફાટી ગયા હતા. ધડકનો બંધ થઈ ગઈ હતી. મલ્હાર મરી ગયો હતો. એણે એની છાતી પર કાન માંડ્યા. કાન ગરમ ગરમ લોહીથી ખરડાઈ ગયો. પણ ધબકારા ના સંભળાયા. સ્ત્રી પાછી અચાનક આક્રંદ કરવા લાગી, ‘ઓહ માય ગોડ, મલ્હાર શું થઈ ગયું ? ઓહ માય ગોડ... ઓહ માય લવ..... તારી છાતીમાંથી, તારા માથામાંથી લોહી નીકળી રહ્યું છે. લાવ, હું સાફ કરી દઉં.’ બોલીને મલ્હારની છાતી પર ઝૂકી અને વિચિત્ર રીતે એના જખ્મો સાફ કરવા લાગી. જોઈ દૂર આસમાનમાંથી જોઈ રહેલી વિકૃતિની દેવીને પણ અરેરાટી આવી ગઈ.

***

સવારના લગભગ આઠ વાગી રહ્યાં હતા. ગુલાલ એના બેડરૂમમાં હતી. કૌશલ્યાબહેન પૂજાખંડમાં આરતી કરી રહ્યાં હતાં. ત્યાં ગુલાલના મોબાઈલની રીંગ વાગી. ગુલાલે સ્ક્રિન પર નજર મારી. નિખિલ હતો. એણે ફોન રિસીવ કર્યો સાથે નિખિલનો ગભરાયેલો અવાજ એના કાનમાં ઠલવાયો, ‘ગુલાલ, ઝડપથી તારો મેઈલ વાંચ. બધું ખતમ થઈ ગયું, બધું !’ હમણાં . ઝાલાનો મારા પર ફોન હતો.’ આટલું બોલીને નિખીલે ફોન કટ કરી નાંખ્યો. ગુલાલે તરત એનું લેપટોપ ઓન કર્યું અને એનું મેઈલ એકાઉન્ટ ઓપન કર્યું.

ગુલાલ, નિખિલ અને .ઝાલા પર એક મેઈલ આવ્યો હતો. બધાના મેઈલ પર સરખો મેઈલ આવ્યો હતો.સૌથી પહેલો . ઝાલાએ મેઈલ જોયો અને નિખિલને જાણ કરી અને નિખિલે ગુલાલને જાણ કરી. અત્યારે ત્રણે જણ માથે હાથ મુકીને મેઈલ વાંચી રહ્યાં હતાં. મેઈલ કંઈક આવો હતો.

ડિયર ગુલાલ, નિખિલ અને . ઝાલા સાહેબ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મેઈલ હું તમારા ત્રણેના મેઈલ આઈ.ડી. પર મોકલી રહી છું. તમને મેઈલ મળશે ત્યારે કદાચ હું બહુ દૂર પહોંચી ગઈ હોઈશ. તમે સમજી ગયા હશો કે મારો ખેલ હવે ખતમ થાય છે. છેલ્લાં એકાદ બે વર્ષથી ખેલાઈ રહેલા સાયબર ક્રાઈમના બ્લેક મેઈલનો છેલ્લો મેઈલ છે. હવે પછી ગુલાલને બ્લેક - મેઈલ કરનાર કે નિખિલ અને . ઝાલાને દોડાવનાર એક પણ મેઈલ નહીં આવે. મલ્હારનો ઉપયોગ કરીને ગુલાલને બરબાદ કરવાનો આખો સાયબર ખેલ મેં ખેલ્યો હતો. ગુલાલ જ્યારે મલ્હારને ઓળખતી પણ નહોતી ત્યારથી અમે બંને એકબીજાના પ્રેમમાં હતાં. અમે ખૂબ ફર્યાં. મજા પણ ખૂબ કરી. મારે એને મારી પાસે રાખવો હતો અને મલ્હારને પૈસા જોઈતા હતા. અમારી ઇચ્છા પૂરી કરવા અમે એક ખેલ કર્યો. મલ્હાર સાથે ગુલાલનાં લગ્ન કરાવી દીધાં જેથી એને પૈસા મળી જાય અને મારી સાથે અમદાવાદમાં રહી શકે. વચ્ચે યુવરાજ નામનો એક બમ્પ નડ્યો પણ પણ હટી ગયો. આખીયે રમત મારી છે. યુવરાજનુ, એના પિતાનું અને એની બહેનનું ખૂન થયું છે, આત્મહત્યા નહીં. અને પણ મેં કરાવ્યું છે. હું કબૂલ કરું છું.

ખરેખર હું બધું કરતી હતી મલ્હારને મેળવવા માટે. પણ શી ખબર કેમ ગુલાલ સાથે લગ્ન પછી મલ્હારને મારામાં રસ નહોતો રહ્યો. બદલાઈ ગયો હતો. અને મલ્હાર મારા સિવાય કોઈનું નામ લે, કોઈના તરફ નજર પણ માંડે મને ગમતું નહોતું. મને જલન થતી હતી. એટલે મેં યુવરાજના નામે મેઈલ્સ મોકલીને એને ખૂબ હેરાન કરી.’

મેં મલ્હારને બહુ સમજાવ્યો પણ ના માન્યો. તો ગુલાલને બધું કહેવા તૈયાર થઈ ગયો હતો. સારું થયું કે મેં યોગ્ય સમયે એને કિડનેપ કરાવી લીધો અને હું બચી ગઈ. પણ આખરે મારે ખતમ થવાનું લખ્યું હતું. છેલ્લા બે મહિનાથી હું મલ્હારને મનાવી રહી હતી. મારે એને લઈને દૂર ભાગી જવું હતું, પણ માનતો નહોતો. કહે છે કે હવે મને નહીં ગુલાલને ચાહે છે. મારાથી સહન નહોતું થતું. છતાં બે મહિના સહન કર્યું. રોજ મને જલન કરાવતો હતો. મારા પર થૂંકતો હતો. મને પ્રોસ્ટિટ્યુટ જેવાં બીભત્સ સંબોધનોથી બોલાવતો હતો. હું સહેતી ગઈ, બધું સહેતી ગઈ પણ આજે મને વિશ્વાસ આવી ગયો કે મલ્હાર હવે કદી મારો થઈ શકે એમ નથી. એટલે મેં નક્કી કરી નાંખ્યું કે જીવતે જીવ નહીં તો મરીને પણ હું એને મળીશ, પણ એને ગુલાલનો તો કોઈ ભોગે નહીં થવા દઉં, એટલે મેં એને ખતમ કરી નાંખ્યો. મારી નાંખ્યો એને. અત્યારે એની લાશ મારી પાસે, મારા ચરણોમાં પડી છે. મેં જાતે એના જખ્મો સાફ કર્યા. શું ગુલાલ એને આટલો બધો પ્રેમ કરી શકવાની હતી? વાત કરે છે તે !’

ખેર, જવા દો. હવે મલ્હાર દુનિયામાં નથી. અને હું પણ એની પાસે જઈ રહી છું. અમે બેય એયને જલસા કરીશું ઉપર અને ગુલાલ ભલે તડપતી અહીં. કદાચ મેઈલ તમને મળશે ત્યાં સુધીમાં હું પણ મલ્હાર પાસે પહોંચી ગઈ હોઈશ. અમારી લાશ લેવા જરૂર આવજો અને મને અને મલ્હારને જોડે , એક ચિતામાં સળગાવજો હોં. સરનામું નોંધી લો. એકસો ચાર, સારથી ફ્લેટ, ચોથે માળ, મીરાનગર, વિજય પ્લાઝા ! અમદાવાદ. ઓકે દોસ્તો, સોરી. ગુલાલ, તને ખાસમખાસ સોરી. પણ મલ્હાર મારો પ્રેમી છે યાદ રાખજે. એના માટે મેં જીવ લઈ પણ બતાવ્યો અને જીવ દઈ પણ બતાવ્યો. ગુડ બાય. આખરી અલવિદા! ઓહ, મને ખબર છે કે તમે મારું નામ જાણવા આતુર છો. પણ યાર, ત્યાં મારી લાશ જોઈ લેજોને, ખબર પડી જશે!’

(ક્રમશ:)