સિંહણ દોહી... શિવાજીએ...વન્યજીવનને આ રીતે સમજવા જેવું છે

    ૨૯-સપ્ટેમ્બર-૨૦૧૮

 
 
સમર્થ ગુરુ રામદાસજીને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. ઘનઘોર રાત્રી અને અનરાધાર વરસાદ છે, શિવાજીને ચિંતા છે, ગુરુજીની. તે પૂછે છે ગુરુજી, શું કરવાથી આપની પીડા શમી શકે ? ઉપાય કહો, ગુરુજી બહારના દૃશ્ય તરફ નજર કરતાં કહે છે. શિવા, આ પીડાની દવા સિંહણના દૂધ સાથે જ અસર કરે છે ને આ મેઘલી રાતે, સિંહણના દૂધની વ્યવસ્થા થાય કેમ કરીને ?
તમે ગુરુદેવનું ધ્યાન રાખજો, તેવું સાથીઓને કહેતાં, ‘એ લાવ્યો’ કહીને શિવા તો એક પાત્રને ઉઠાવતાં અંધકારમાં ગરક થઈ ગયા.
 
પહોંચ્યા જંગલમાં, વરસાદથી બચવા ઝાડ નીચે ઊભેલી સિંહણ વીજળીના ઝબકારમાં કળાઈ. ચહેરા પર આશા ઊગી નીકળી. મનથી સિંહણને બે હાથ જોડી પ્રાર્થના કરી - ‘હે સિંહણ, મારા ગુરુદેવની પેટપીડાના ઉપાય માટે ઔષધી તરીકે તારા દૂધની આવશ્યકતા છે. દૂધ આપીને શિવાને આભારી કર.’ પહોંચ્યા સિંહણ પાસે, માથે હાથ ફેરવ્યો - પાત્ર આંચળ નીચે મૂકી, તેનાં આંચળ પકડી દૂધ દોહવા માંડ્યું ! સિંહણ પ્રસન્નતાથી શિવાને નીરખતી રહી.
 
મિત્રો, ભય એ ભેદથી પેદા થાય છે. હું ને અન્ય, અલગ-અલગ છીએ અને હું તેને અટકાવીશ, રોકીશ કે ભગાડીશ નહીં તો એ મને નુકસાન કરશે - એવા વિચારો આસપાસમાં પણ એ જ પ્રકારનાં સ્પંદનો પેદા કરે છે. એટલે એ પણ સ્વરક્ષણના ખ્યાલથી આક્રમક બને છે.
 
ગીરના નેસડાઓમાં આજે પણ સિંહને વન્યજીવનનું એક અવિભાજ્ય અંગ જ નહીં પણ પરિવારના સ્વજનની જેમ માનતા લોકો મળી આવે છે.
 
દૂધ લેતા પહેલાં, ફળ, ફૂલ કે ઔષધી લેતા પહેલાં, અરે જમીન ખેડતા પહેલાં તેની પૂજા, હળ જોડતા પહેલાં હળ અને બળદની પૂજા, યુદ્ધ પહેલાં શસ્ત્રની પૂજા આ બધુ અતાર્કિક નથી - એકાત્મજીવન દર્શનનો વ્યવહારિક આવિર્ભાવ છે.
વૃક્ષને કાપવા માટે પ્રાયશ્ર્ચિત્ત વિધિ, નદીની મહાનતા બની રહે એ માટે લોકમાતાનું ભાવઆરોપણ અતિ વૈજ્ઞાનિક છે.
પર્યાવરણ-વિજ્ઞાન-ધર્મ-આ અલગ વિભાગો નથી. કેમ કે પશુ, પક્ષી, માનવ, અરે પૂરું ચરાચર જગત એક જ ચૈતન્યના વિવિધ આવિર્ભાવો છે. આંતરિક ઐક્યની અનુભૂતિના પ્રમાણમાં નિર્ભયતા, આત્મીયતા અને પ્રેમ પાંગરે અને આ નિ:સ્વાર્થ પ્રેમ એ જ ધર્મ.
 
- નરેન્દ્ર ત્રિવેદી (પાલિતાણા)