ભરતની દૃષ્ટિએ પદ નહીં, પાદુકા મહાન છે

    ૨૯-સપ્ટેમ્બર-૨૦૧૮   

 
 

બાલકાંડમાં તેજ પ્રગટે, અયોધ્યાકાંડમાં તેજ જન્મે, અરણ્યકાંડમાં તેજ ગતિ કરે અને કિષ્ક્ધિધાકાંડમાં તેજ ઊર્ધ્વગતિ કરે. રામ નામના આ તેજે સમગ્ર ભારતવર્ષને ઓજસ્વી બનાવ્યું છે.

ગોસ્વામી તુલસીદાસે ભરતજીની વંદના કરતાં કહ્યું છે કે જેમના નિયમ-વ્રત દૃઢ છે, મન મધુવન જેમ મહેકે છે અને ક્યારેય રામના ચરણથી દૂર થવા રાજી નથી એવા ભરતજીના ચરણોમાં સૌથી પહેલાં પ્રણામ કરું છું. મારાં ભાઈબહેનોને કહેવા માગું છું કે ભરત શબ્દબ્રહ્મ છે. ભરત એક નામ છે. એક સંજ્ઞા છે. વશિષ્ટજીએ કૈકેયીપુત્રનું નામ ભરત રાખ્યું છે. ‘‘बिश्‍व भरनपोशन कर जोई | ताकर नाम भरत अस होई ॥ રામ સુધી પહોંચવા પ્રથમ ભરતમાંથી પસાર થવું પડે છે. રામચરિત માનસમાં મંત્રદીક્ષા છે કે ભરત શબ્દ જે બોલશે એમના સમસ્ત પાપપ્રપંચ મટી જશે. એમનું નામ લેવાથી આ લોકમાં સુજશ અને પરલોકમાં સુખ મળી શકે છે. એટલા માટે તો સ્વયં રામ ભારત નામનો મંત્રજાપ કરે છે. જેના ઉચ્ચાર માત્રથી અખિલ અમંગલ મટી જાય છે. જેનું અંત:કરણ સદૈવ ભજનમાં રત છે એનું નામ ભરત. રત એટલે સતત મંડ્યા રહેવું.

ભરત કહેવામાં કોઈ વાંધો નથી. 

સંસ્કૃત વાઙમયમાં કહેવાયું છે કે, ‘भज् धातु सेवायाम्’ હું ત્યાં સુધી કહીશ કે કોઈ પણ વ્યક્તિને તમે સતત કોઈનામાં ડૂબેલી જુઓ તો એને ભરત કહેવામાં કોઈ વાંધો નથી. જે માણસ અવિરત સેવામાં ડૂબેલો છે એનામાં ભરતનો સ્વભાવ છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે જે નિરંતર કર્મમાં નિરત રહે એ ભરત છે. એક અર્થમાં જોઈએ તો સેવાકર્મ જ છે. ભરતે એક પણ દાયિત્વ છોડ્યું નથી. એ કર્મયોગી છે. ભરતાયનનો પાઠ કરવાથી એક અદ્ભુત ઊર્જા પ્રાપ્ત થશે. રામાયણમાં એક ભરતાયન સમાયું છે. જે સીતાયનની સહોદર ઊભું છે. ભરતાયનની એક પંક્તિ વાંચશો તો આંખોમાં નેહજળનો પડદો આવવા લાગશે. સમગ્ર ભરતચરિત્રને પચાવો તો તો બેડો પાર થઈ જાય. તમારી ઝોળીમાં રામચરિતમાનસ રાખો એ તમારા ભારતીય હોવાનું આઈ-કાર્ડ છે. આ સંતોની તપસ્યા છે. મહાત્માઓની દેન છે. ભરત એટલે એક પરિવારનું ભરણપોષણ કરે, ગામનું ભરણપોષણ કરે, રાજ્ય કે રાષ્ટ્રનું ભરણપોષણ કરે એ કર્મઠ ભરત છે. આજે આવા ભરતની તાતી જરૂર છે.

હાથમાં માળા હોય એ જ ભજન નથી 

ગંગાસતીએ કહ્યુ છે કે ‘જેને સદાય ભજનનો આહાર.’ જે નિરંતર ભજનશીલ હોય એ ભરત. હાથમાં માળા હોય એ જ ભજન નથી. ક્યારેક દેખાદેખીમાં માળા એ ચાળા પણ બની જાય છે. જેના હોઠ સાથે હૈયું, આંખ સાથે અંતર અને પ્રત્યેક અંગમાં ભજનનો ભાવાવેશ ઉમટતો હોય એ મહાપુરુષ ભરત હોય છે. શ્રીમદ્ ભાગવતમાં એક ભરત છે પરંતુ એ જડભરત છે. માનસના ભરત જડને ચેતન કરે છે. ભાગવતમાં જડભરત જ્ઞાની છે. અને માનસના ભરત પ્રેમી છે. શકુંતલાના ભરત શૂરવીર છે. ત્રણ ભરતે આપણા દેશને વિશ્ર્વગુરુની પદવી પ્રદાન કરી હતી. શબરીને ઠાકુરજીએ નવ પ્રકારની ભક્તિ કહી છે. રામાયણના આધારે જેમનામાં એ ભક્તિ તમે જોઈ શકો એનામાં ભરતનો સ્વભાવ છે. ભરત એ ભરત છે, અદ્વિતીય અને અનુપમ છે. ભગવાન રામે ભરતને અનેક પ્રમાણપત્રો આપ્યાં છે. ‘भरतु हँस रबिबंस तडागा | जनानि किन्ह गुनदोष बिभागा ॥ ભારત કહે છે કે અમને ભવોભવ રામચરણમાં રતિ પ્રાપ્ત થાય. મુક્તિ નથી જોઈતી.

 હનુમાનચાલીસાનો પાઠ કરો તો ડર દસ ગાઉ દૂર રહે છે.  

એક ચિંતકનો અભિપ્રાય છે કે ભરત એટલે ભય. ભક્તને ભય કેવો ? બીવે એ બાવો નહીં. એકવાર પણ ભાવથી હનુમાનચાલીસાનો પાઠ કરો તો ડર દસ ગાઉ દૂર રહે છે. શ્રદ્ધા વિકલાંગ થાય ત્યારે ભક્ત ભયગ્રસ્ત બને છે. બાકી સંતો માટે તો ડરના મના હૈ. ભરતને ભય હતો પણ એ રામસ્મરણ છૂટી ન જાય એનો. ભરતની અયોધ્યાથી આરંભાયેલી યાત્રા ચિત્રકૂટ પહોંચતાં અસમંજસતામાં પરિવર્તિત થાય છે. મથુરામાંથી વિદાય વખતે કૃષ્ણની કેટલીક ચેષ્ટાથી નંદ ગભરાયા હતા. જેને ખૂબ પ્રેમ કરતા હોઈએ એના પ્રત્યે ગભરાહટ હોય જ. ભારત ભરત નામનું પાત્ર ભૂલી જાય એવો ભય અસ્થાને છે. એ અજર, અમર છે.
 
-આલેખન - હરદ્વાર ગોસ્વામી