પ્રકરણ – ૨૧: મારે કોઈ મોટા સાયબર હેકર કે ક્રિમિનલ નથી બનવું, મારે તો એને બરબાદ કરવી છે…

    ૦૪-સપ્ટેમ્બર-૨૦૧૮    

છેલ્લા બે મહિનાથી યુવરાજ ગાંડાની જેમ કોમ્પ્યૂટર પર બેસી રહેતો હતો. તો એને સમયનું ભાન રહેતું, જમવાનું, ન્હાવાનું, ખાવાનું કે તો પહેરવાનું. હા, ધ્યાન રહેતું માત્ર પીવાનું. ટેબલ પર એઈટ પી.એમ.ની સસ્તી દારૂની બોટલ હંમેશાં પડી રહેતી. દસ-બાર કલાક કોમ્પ્યૂટર પર કામ કરવું એના માટે સામાન્ય વાત હતી. પણ ઘણી વાર તો વીસ કલાક કામ કર્યા કરતો. ખાવાનો તો એની પાસે સમય નહોતો એટલે થાકી ગયેલા શરીર અને મનને ચાર્જ કરવા દારૂની નીટ ચુશ્કી મારી લેતો. થોડીવાર એક બળતરા થતી, ખાલીખમ હોજરીમાં એસિડ જેવો દારૂ રેડાતો અને એને શક્તિ આવી જતી. અને પછી દારૂ પાસેથી ઉધાર લીધેલી કૃત્રિમ તાકાતને જૂનૂન બનાવી એની મંજિલ શોધવા ચાલી નીકળતો અલબત, કોમ્પ્યૂટરના રસ્તે . એનું ટાર્ગેટ હતી અમદાવાદની એક મોટી સાયબર કંપનીની સી... ગુલાલ. પહેલાં એણે સરળ અને સીધો રસ્તો લીધો હતો. જેમ્સનું નામ ધારણ કરી ગુલાલને ફસાવવાનો બહુ પ્રયત્ન કરી જોયો. પણ ગુલાલ કોઈ ફુટપાથ પર વેચાતી અત્તરની શીશી નહોતી, તો સાક્ષાત્એક ખુશ્બૂ હતી. જેને પોતાની એક કિંમત હતી, આવા સસ્તા ફની મેસેજિસ, વિડિયોઝ કે જોક્સથી ભરમાઈ જાય એમ નહોતી. યુવરાજ એને ઓળખવામાં થાપ ખાઈ ગયો હતો. એને હતું કે પણ અત્યારની યંગ જનરેશન જેવી બોલ્ડ હશે. બોલ્ડ હતી એમાં ના નહીં, પણ યુવરાજની કિતાબમાં બોલ્ડની જે વ્યાખ્યા હતી ખોટી હતી.

ગુલાલને પટાવવા નહોતો માંગતો, એનું લક્ષ્ય જૂદું હતું. ગુલાલને બરબાદ કરવા માંગતો હતો. એને પલપલ રોતી જોવા માંગતો હતો. પણ શા માટે ? માત્ર જાણતો હતો અને બીજો જાણતો હતો એનો ઝુંપડી પાર્ટનર મનુ.

જેમ્સ તરીકે ગુલાલને મેસેજ કરતો અને ગુલાલે એને સેન્સલેસ કહીને પોલીસ કમ્પ્લેઇન કરવાની ધમકી આપેલી ત્યારે યુવરાજ સમસમી ગયો હતો. એને લાગ્યું જાણે ગુલાલે છેક અમદાવાદથી મુંબઈ સુધી હાથ લાંબો કરીને એને તમાચો માર્યો છે. બાજુમાં બેઠેલો મનુ બરાબર સમયે વડાપાંઉ લઈને આવ્યો, ‘લે, દોસ્ત જમી લે.’

ના, હવે તો આને બરબાદ કરીશ પછી જમીશ!’ યુવરાજ ગુસ્સામાં બોલ્યો.

પણ થયું શું? કેમ આટલો બધો ગુસ્સે થાય છે?’

સાલી, રં.. મને સેન્સલેસ કહે છે. એકવાર હું ધારું છું એવું થઈ ગયું ને તો એની આવનારી સાત પેઢી પણ નેટિંગ અને ચેટિંગ કરવાનું ભુલી જશે દોસ્ત!’

તે તો થવાનું છે, તારા જેવા જિનિયસની સાયબર જાળમાં ફસાઈ છે, હવે નહીં છુટે! લે જમી લે!’

ના, મારે નથી જમવું! મને મારું કામ કરવા દે.’ યુવરાજે બાજુમાં પડેલી બોટલ ખોલી અંદરથી એક નીટ પેગ માર્યો. મગજ તો પહેલેથી ભડભડી રહ્યું હતું. હોજરી પણ ભડભડવા લાગી. મનુ એનો સ્વભાવ જાણતો હતો. કામ કરતો હોય, એમાંય જ્યારે ગુલાલ માટે સાયબર જાળ બિછાવતો હોય ત્યારે એને ડિસ્ટર્બ કરવું કિંગ કોબ્રાની પૂંઠે સળી કરવા જેવું જોખમી હતી. માત્ર ફુત્કારે નહીં, ડસી પણ લે.

મનુ બંને વડાપાંઉ ઝાપટીને એનું કામ કરવા માંડ્યો. ઘડિયાળ એનું કામ કરતી રહી. મુંબઈની હાયરાઈઝ બિલ્ડિંગ્સ અને લો-પ્રાઇસ ઝૂંપડીઓનાં છાપરાં પર ઠેકડો મારીને સૂરજ સમુદ્રની બગલમાં છુપાઈ રહ્યો હતો. સમુદ્રના ફૂલેલા ગાલ પર જાણે કોઈએ તમાચો માર્યો હોય એમ લાલઘૂમ થઈ ગયા હતા. મનુ એના કામમાં વ્યસ્ત હતો ત્યાં યુવરાજની ઉત્સાહી ચીસ એના કાનમાં અથડાઈ,

યેસ, હવે ફસાશે સાલી....’

મનુ તરત બોલ્યો, ‘શું થયું, ગુલાલ ટ્રેસ થઈ ગઈ કે શું?’

અરે જાદુ થયું છે દોસ્ત જાદુ! એક કાંકરે હવે બે પંખી મરી જશે અને બે પંખી જીવી જશે. તું અહીં આવીને જો તો ખરો!’

મનુ તરત ઊભો થઈને યુવરાજ પાસે બેસી ગયો. યુવરાજે એને કોમ્પ્યુટર પર આવેલો મલ્હારનો મેસેજ બતાવ્યો, ‘જો, દોસ્ત ! કોઈક લવરિયાએ ગુલાલને મેસેજ મોકલ્યો છે, મેં અહીં ઓપન કરી નાંખ્યો. મનુની નજર મેસેજ પર ફરી રહી હતી, ‘હાઉ આર યુ ?’ મેસેજ વાંચીને તરત એણે યુવરાજની પીઠમાં ધબ્બો માર્યો, ‘યુ આર જિનિયસ દોસ્ત!’

સામે ગુલાલે મેસેજ સેન્ડ કર્યો, ‘હેલ્લો, આઈ એમ ફાઈન, હાઉ આર યુ ?’

ગુલાલનો મેસેજ માત્ર મલ્હારના સ્ક્રીન પર નહીં, યુવરાજના સ્ક્રીન પર પણ દેખાયો. અને બંનેએ આખી ઝૂંપડી ધણધણી ઊઠે એવી ચિચિયારી કરી મુકી, ‘ઓહ, આપણે જીતી ગયા. હવે નક્કી ગુલાલ મરવાની.’ યુવરાજ બોલ્યો. બંને પૂરેપૂરા રસપૂર્વક ગુલાલ અને મલ્હારનું ચેટિંગ એમના કોમ્પ્યુટર પર જોઈ રહ્યા હતા. બંનેના મેસેજીસને લોકો લોલીપોપ જેમ ચગળી રહ્યા હતા.

તમારી હોબિઝ કઈ કઈ છે ?’ મલ્હારે મેસેજ મોકલ્યો !

મને ફિલ્મો જોવાનો, ફ્રેન્ડઝ બનાવવાનો, રીડિંગનો અને અફકોર્સ ચેટિંગનો બહુ શોખ છે, અને તમારી હોબી ?’

ઓહ, આઈ કાન્ટ બિલીવ ઈટ.’ સામેથી મેસેજ આવ્યો, ‘ગજબનો સંયોગ છે. તમારી હોબી અને મારી હોબી સેઈમ છે.’

યુવરાજ અને મનુએ મલ્હાર અને ગુલાલનું આખું ચેટિંગ એમના કોમ્પ્યૂટર પર વાંચ્યું. પહેલી વારના ચેટિંગમાં બંને જણા બહુ કલોઝલી વાતો કરી રહ્યાં હતાં. મલ્હારનો છેલ્લો મેસેજ વાંચીને મનુએ કહ્યું, ‘બહું ચાલુ અને ચાલાક છોકરો લાગે છે . જોને કેવી મીઠી મીઠી વાતો કરી રહ્યો છે. લાગે છે ગુલાલને પટાવી જવાનો! શું કહેવું છે તારું?’

હું પણ ઇચ્છુ છુ કે છોકરો ગુલાલને પટાવી લે.’ યુવરાજના મગજમાં અત્યારે એક ભયંકર સાયબર ષડયંત્ર ચાલી રહ્યું હતું.

છેલ્લે ગુલાલે બાય કીધું પછી મલ્હારે છેલ્લો મેસેજ મોકલ્યો, ‘થેંક્સ, આઈ ઓલ્સો એન્જોયડ ટુ ચેટ વિથ યુ. શું મને તમારું મેઈલ આઈ ડી મળી શકશે ?

ગુલાલે એનું મેઈલ આઈ.ડી. ટાઇપ કરીને મલ્હારને સેન્ડ કર્યું અને યુવરાજના ચહેરા પર એક વિકૃત સ્માઇલ ફરી વળ્યું.

સાંજે યુવરાજ અને મનુએ પાર્ટી કરી. ખાસ કરીને યુવરાજ આજે બહુ ખુશ હતો. અભિમાનથી છલકાતી એની છાતી આજે ટી-શર્ટ ફાડીને બહાર આવી જશે એવું લાગી રહ્યું હતું. બંને નશામાં ચકચૂર બનીને મુંબઈની સડકો પર લથડિયાં ખાતાં ચાલી રહ્યા હતા. રાતના ત્રણ વાગ્યા હતા. પોલીસની ગાડીની સાયરન સંભળાઈ એટલે બંને એક બાંકડા પાછળ સંતાઈ ગયા. પછી ગાડી ચાલી ગઈ પણ ઊભા ના થયા. સસ્તી સિગારેટના ધુમાડા ઉડાડતા બંને ત્યાં બેસી રહ્યા. મનુ યુવરાજની પીઠ થાબડી રહ્યો હતો, ‘દોસ્ત, તું કમાલ છે. મને તો લાગે છે કે તું દુનિયાનો મોટામાં મોટો સાયબર હેકર છે.’

યુવરાજ હસ્યો, ‘યાર, કોઈનું ચેટિંગ બોક્સ હેક કરવું કંઈ મોટું કામ નથી. મોટું કામ તો હવે થવાનું છે. ગુલાલનું મેઈલ આઈ.ડી. મારી પાસે છે. હવે તું જોજે મારું દિમાગ કેવી કેવી સાયબર જાળ બિછાવે છે. અને સાચું કહું, મારે કોઈ મોટા સાયબર હેકર કે સાયબર ક્રિમિનલ નથી બનવું. મારે તો સાલીને બરબાદ કરવી છે. એની યુવાનીનાં ચીંથરાં ઉડાડી દેવાં છે. એનો બળાત્કાર કરવો છે પણ એના શરીરને અડક્યા વગર.’

તુંયે જબરો છે યાર ! ટચ કર્યા વગર તે કંઈ બળાત્કાર થતો હશે ?’ મનુ દારૂની દુર્ગંધ જેવું હસ્યો. યુવરાજે દુર્ગંધનો પડઘો પાડ્યો, ‘થાય, દોસ્ત બધું થાય. સાયબરની દુનિયામાં બધુંયે થાય. શારીરિક બળાત્કાર પણ થાય અને માનસિક પણ.’

બરાબર સમયે ગુલાલ મલ્હારનાં સપનાંઓમાં ખોવાયેલી હતી અને મલ્હાર ગુલાલનાં. પણ બેમાંથી એકેયને સપનેય ખ્યાલ નહોતો કે એમની આંખોમાં અત્યારે ડાઉનલોડ થઈ રહેલા સપનાના સોફ્ટવેરને તહસનહસ કરવા માટે છેક મુંબઈમાં બેઠેલા યુવરાજ નામના એક વ્યક્તિએ એક ભયંકર વાયરસ તૈયાર કરી દીધો છે.

***

ગુલાલ અને મલ્હારને ખ્યાલ પણ નહોતો કે એમના પર કોઈ નજર રાખી રહ્યું છે. એમની વચ્ચે ચેટિંગ દ્વારા થતા મેસેજીસ ત્રીજું પણ કોઈ વાંચી રહ્યું છે.

રાતના ત્રણ થયા હતા. હાઈરાઈઝ બિલ્ડિંગ્સના પડછાયા વિરારની ઝૂંપડપટ્ટી પર ચાંદનું અજવાળું પણ નહોતા પડવા દેતા. યુવરાજની ખોલીમાં કોમ્પ્યુટરનો પ્રકાશ હજુ પથરાયેલો હતો અને કી-બોર્ડની ટકાટક રાતના સન્નાટાને નાઇફ બનીને ચીરી રહી હતી. મનુ ખૂણામાં પાથરેલી સાદડી પર નસકોરા બોલાવતો ઘોરી રહ્યો હતો. હજુ હમણા એની આંખ મળી હતી, ત્યાં ટેબલ પર જોરથી કોઈનો હાથ પછડાવાનો અવાજ આવ્યો. ઝબકીને જાગી ગયો, યુવરાજ રાતની કે ઊંઘનારાઓની કોઈનીયે શરમ રાખ્યા વગર જોરથી બોલ્યો, ‘યેસ, આઈ હેવ ડન ઈટ !’ ફરીવાર એણે ટેબલ પર મુક્કો પછાડ્યો.

મનુ કસમયે ખૂલી ગયેલી આંખો ચોળતાં બોલ્યો, ‘ભાઈ, તું રોજ ઊઠી શું ડન કરે છે સમજાતું નથી. સોઓ ઔર સોને દો! યુ હેવે જે ડન કર્યું હોય સવારે કહેજે. અને પ્લીઝ ટેબલ પર હાથ પછાડવાનું બંધ કર. પૃથ્વી પર યુવરાજનું એકલાનું રાજ નથી, સમજ્યો ?’

અરે, મૂર્ખ! તને ખબર નથી મેં શું કરી નાંખ્યુ છે. સાંભળીશ તો મારી પીઠ થાબડી થાબડીને તોડી નાંખીશ.’

શું શોધ્યું છે ભાઈ તમે?’ મનુને ખબર હતી કે યુવરાજ એને કહ્યા વગર નહીં રહે એટલે એણે વાત પૂરી કરવાના આશયથી ઊંઘરેટા અવાજમાં પૂછી લીધું.

દોસ્ત, મેં ગુલાલ અને મલ્હાર બંનેના મેઈલના અને ફેઈસબૂકના પાસવર્ડ પણ હેક કરી નાંખ્યા છે.’

વ્હોટ!’ મનુ પથારીમાંથી સફાળો બેઠો થઈ ગયો.

હા, દોસ્ત! હવે એમના મેઈલ્સ અને ફેઈસ બુક પર આપણું સામ્રાજ્ય રહેશે. અને યુ નો ધેટ, આજકાલ મેઈલ અને ફેઈસ બુક પર કોઈની લગામ હોવી એટલે જિંદગી પર લગામ હોવી. ગુલાલ ગઈ દોસ્ત!’

મનુએ કહ્યું, ‘પણ દોસ્ત! ધ્યાન રાખજે. ગુલાલ સાયબર કંપની સાથે જોડાયેલી છે. તું એનું ફેઈસબુક કે મેઈલ ઓપન રાખીશ તો એને ગ્રીન સિગ્નલ દેખાશે. રીતે મલ્હારમાં તું ઓનલાઈન રહીશ તો પણ દેખાશે. બીજું આપણું આઈ. પી એડ્રૂસ પણ લોકેટ થઈ શકે છે.’

યુવરાજ હસ્યો, ‘દોસ્ત, તું મને એટલો કાચો ના ધાર. મેં એક એપ્લીકેશન તૈયાર કરીને આપણે એમનો મેઈલ કે એફ.બી. ઓપન કરીએ તો પણ ઓનલાઈન ના દેખાઈએ એવી વ્યવસ્થા કરી દીધી છે. એન્ડ યેસ, મોટાભાગે હું આસપાસના વાઈ-ફાઈ હેક કરીને કામ કરવાનો છું, જેથી કોઈ મુસીબત ઊભી થાય અને પોલીસ-બોલીસનાં લફરાં ઊભાં થાય તો આપણે ભરાઈએ નહીં.’

માઈન્ડ બ્લોઈંગ દોસ્ત!’

દોસ્ત, હજુ આપણું કામ પૂરું નથી થયું. હવે મારે મલ્હારના નામે એક મેઈલ ગુલાલને મોકલવો પડશે. ગુલાલ એનો જવાબ આપે પછી આપણું કામ સો ટકા સક્સેસ કહેવાય.’

તો મોકલી દે ને!’

હા, પણ શું મોકલું વિચારું છું. કદાચ બંનેને ફોનથી વાત થતી હોય અને મલ્હાર કહી દે કે એણે એવો કોઈ મેસેજ મોકલ્યો નથી તો? તો પ્રોબ્લેમ થઈ જાય. આપણે ના ભૂલવું જોઈએ કે ગુલાલ સામાન્ય છોકરી નથી. એને છેતરવી સૂરજને અજવાળું વેચીને છેતરવા જેટલું મુશ્કેલ છે.’

તો હવે શું કરીશું?’

વિચારીએ!’

બંને વિચારવા લાગ્યા. થોડી વારમાં યુવરાજના વિકૃત માઇન્ડે રસ્તો શોધી કાઢ્યો. એણે બ્લેન્ક મેઈલ મોકલવાનું નક્કી કર્યું. કોરો મેસેજ મોકલીએ એટલે બહુ પ્રોબ્લેમ ના થાય. ગુલાલને લાગશે કે તો નવી સ્ટાઇલ છે. મનુએ પણ સ્વીકૃતિનો સિક્કો મારી દીધો. અને બરાબર સાડા ત્રણ વાગે યુવરાજે મલ્હારના હેક કરેલા પાસવર્ડ દ્વારા મલ્હારનું મેઈલ આઈ.ડી. ઓપન કર્યું અને ગુલાલને એક બ્લેન્ક મેઈલ મોકલી દીધો. માત્ર નામ સિવાય કશું લખ્યુ.

બીજા દિવસે સવારે ઈનબોક્સમાં મલ્હારના નામનો મેઈલ જોઈ ગુલાલ ખૂશ થઈ ગઈ. પણ એને સપનેય ખ્યાલ નહોતો કે મેઈલ મલ્હારે નથી મોકલ્યો પણ મલ્હારનો પાસવર્ડ હેક કરીને યુવરાજે મોકલ્યો છે. એણે ફટાફટ ઓપન કર્યો. મેઈલ લેટર એકદમ કોરો હતો. લેટરના ખૂણામાં નીચે મલ્હારના નામ સિવાય એક પણ શબ્દ નહોતો લખ્યો. પછી તરત એણે સેન્ટ આઈટમમાંથી મેઈલ ડિલીટ કરી દીધો. યુવરાજનું સાયકોલોજી રીડિંગ જીતી ગયું હતું. ગુલાલ વિચારવા લાગી. ગમે તે હોય છોકરામાં સ્ટાઇલ તો છે. એણે પણ કોરા કાગળનો જવાબ કોરા કાગળથી આપવાનુ પસંદ કર્યું. એણે તરત માત્ર એનું નામ લખીને સેન્ડ પર એન્ટર મારી દીધું.

ગુલાલ તરફથી પણ કોરો મેઈલ આવી ગયો હતો. મેઈલ મલ્હાર પહેલાં યુવરાજે જોઈ લીધો હતો અને અનરીડ સાઇન કરીને મેઈલ બોક્સ ક્લોઝ કરી દીધું. ગુલાલે પણ કોરો લેટર લખ્યો હતો એટલે મોટાભાગે પ્રોબ્લેમ ઊભો થાય એમ નહોતો છતાં મલ્હાર આવીને રૂટીન પકડે પછી યુવરાજ અને મનુને શાંતિ થાય એમ હતું. કારણ કે પાસવર્ડ પર એમની આગળની - ગેઈમ્સનાં પાત્રો ગોઠવાયાં હતાં.

યુવરાજનાં નસીબ સારાં હતાં. કોઈ કામ સબલ મલ્હાર ત્રણ દિવસ બહાર હતો. આજે ત્રણ દિવસે મલ્હાર સાયબર કાફે આવ્યો હતો. આવીને તરત એણે એનું મેઈલ એકાઉન્ટ ઓપન કર્યું. ગુલાલના અને એના બંનેના મેઈલ પર યુવરાજની આંખ સતત મંડાયેલી હતી. ગુલાલ તરફથી આવેલો બ્લેન્ક મેઈલ જોઈ મલ્હાર મનમાં ને મનમાં હસ્યો. એણે તરત મેસેજ ટાઈપ કર્યો, ‘સોરી, ગુલાલ, ત્રણ દિવસ માટે બહાર ગયો હતો એટલે કોઈ કોન્ટેક્ટ ના કરી શક્યો. તારી સાથે વાત કર્યા વગર ત્રણ દિવસ માંડ માંડ વીત્યા છે. એકેય કામમાં જીવ ના લાગ્યો. શું તને એવું થતું હતું ?’ અને ગુલાલના આઈ.ડી. પર સેન્ડ કરી દીધો. પછી એના પી.એચ.ડી.ના સર્ફિંગમાં ડૂબી ગયો.’

***

પછી બધું બહુ ઝડપથી બની રહ્યું હતું. ગુલાલ અને મલ્હાર દારૂમાં બરફનો ક્યુબ ઓગળે એમ એકબીજામાં ઓગળી રહ્યા હતા. ફ્રેન્ડશિપની દીવાલો કૂદીને બંને પ્રેમના વાડામાં પ્રવેશી ચૂક્યાં હતાં. રોજ કલાકો સુધી ચેટિંગ કરતાં, રોજ ઢગલાબંધ -મેઈલ મોકલતાં અને ચેટિંગ કરતાં. બંનેએ નક્કી કર્યું હતું કે ફોન કે વોટ્સ એપ પર વાત થાય એટલું સારું ! વાત યુવરાજના ફાયદામાં રહી. યુવરાજ બહુ ધીરજથી બધું જોઈ રહ્યો હતો. ગુલાલ અને મલ્હાર વચ્ચેનું એક પણ કોમ્યુનિકેશન એવું નહોતું કે જે યુવરાજને ના ખબર હોય. ગુલાલ અને મલ્હાર એમની મસ્તીમાં ગુલ હતાં, મસ્તાન હતાં, પાગલ હતાં અને એમનાં સપનાંઓની ઇમારત નીચે સાયબર બોંબ મુકાઈ ચૂક્યો હતો.

યુવરાજ એટલે ધીરજ રાખીને બેસી રહ્યો હતો, કારણ કે એને ખબર હતી કે સાયબર લવ એની શતરંજ છે અને મેઇલ્સ એના પાસા. એક દિવસ જરૂર એવો આવશે જ્યારે ગુલાલ અને મલ્હાર બંને એની નાંખેલી જાળમાં ફસાઈ જશે. અને દિવસ આવી ગયો. એક દિવસ યુવરાજ મલ્હારનું મેઈલ ઓપન કરીને બેઠો હતો. ત્યાં એમાં ગુલાલનો મેઈલ આવ્યો, ‘મલ્હાર, મેં કહ્યું હતુ ને કે આપણું મળવાનું સમય નક્કી કરશે. આવતા વીકે એકવીસમી તારીખે હું મુંબઈ આવી રહી છું. પૂરા દસ દિવસ રોકાઈશ.’

મેસેજ વાંચીને યુવરાજ અને મનુ ઊછળી પડ્યા, યુવરાજે મનુની પીઠ પર ધબ્બો મારતાં કહ્યું, ‘દોસ્ત, આપણી ધીરજનું ફળ પાકી ગયું છે. હવે બસ, ખરીને નીચે પડે એટલી વાર. છોકરી મલ્હારને ખુબ પ્રેમ કરે છે. અને મારે જોઈએ છે. હવે જો હું ધારુ છું એવી એક ઘટના ઘટી જાયને તો આપણે જીતી ગયા સમજ. આપણી જાળમાં તો ફસાઈ ગઈ છે. હવે બસ એને તડપાવવાની છે, તરસાવવાની છે. એના એવા હાલ કરવા છે કે માત્ર એને નહીં એની આવનારી તમામ પેઢીઓને પણ યાદ રહી જાય કે આને કહેવાય સાયબર લવ. તો કરાય.’

યુવરાજ ઝનુનપૂર્વક બોલી રહ્યો હતો. મનુને એના ઝનુનનું કારણ ખબર હતી. હસ્યો, ‘દોસ્ત, તું માત્ર સાયબર વર્લ્ડમાં નહીં સાયકોલોજીમાં પણ જિનિયસ છે. આઈ સ્યોર તું ધારે છે એમ થશે.’

ત્રણ દિવસ પછી ગુલાલે મેસેજ મોકલ્યો, ‘મલ્હાર, એકવીસમી તારીખે સવારે હું મુંબઈ આવી જઈશ. હોટેલ તાજના સ્યૂટ નંબર ત્રણસો ત્રણમાં મારુ બુકિંગ થઈ ચૂક્યું છે. સાંજે વાગે ગેટ વે ઓફ ઈન્ડિયા પર હું તારી રાહ જોઈશ. આવી શકીશ ?’

સામેથી તરત મલ્હારનો મેઈલ આવી ગયો, ‘આવી શકીશ એમ કેમ પૂછે છે ? તું કહેતી હોય તો અત્યારથી ગેટવે ઓફ ઇન્ડિયાના ગેટ પર તારી રાહ જોતો ઊભો રહી જાઉં.’

યુવરાજ ઉભો થયો અને કોમ્પ્યુટર શટડાઉન કર્યુ, ‘મનુ, ચાલ ઊભો થા. કોમ્પ્યુટર પરનું આપણુ કામ હવે પૂરું થયું. ગુલાલ અને મલ્હાર એકવીસમી તારીખે મુંબઈ આવી રહ્યાં છે. દિવસો ઘણા ઓછા છે અને તૈયારી વધારે કરવાની છે. બહુ મોટું પંખી આપણી જાળમાં ફસાયું છે. આપણી જાળ જો કાચી હશે તો છટકી જશે. ચાલ, દોસ્ત, મુંબઈમાં કોઈ કપલનું સ્વાગત બંનેનું નહીં થયું હોય એવું સ્વાગત કરવાનું છે. સ્વાગત માટે સ્પાય કેમેરા, ભાડાની ગાડી, બે મોબાઈલ વગેરે અનેક ચીજોની ખરીદી કરવી પડશે.’

પણ પૈસા?’ મનુએ મુદ્દાનો સવાલ પૂછ્યો.

દોસ્ત, ભૂખ્યા રહીને પૈસા બચાવ્યા છે શેના માટે ? બસ ગુલાલ બરબાદ થઈ જાય એટલે હું ધરાઈ જઈશ.’ યુવરાજ આંખમાં લાલાશ ભરીને બોલ્યો. એના શબ્દોમાં ગજબનો ગુસ્સો હતો. મનુ પણ થથરી ગયો. ચૂપચાપ યુવરાજ પાછળ ચાલી નીકળ્યો, ગુલાલના અને મલ્હારના રસ્તામાં બીજી એક જાળ બિછાવવા.

ક્રમશ: