અભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ વિરુદ્ધ અભૂતપૂર્વ તંત્રીલેખો!

    ૦૭-સપ્ટેમ્બર-૨૦૧૮   

 
અમેરિકામાં એક જ દિવસે ૩૫૦ જેટલાં અખબારોએ પ્રેસિડેન્ટ ટ્રમ્પની આપખુદશાહીની ટીકા કરતા તંત્રીલેખ લખી વર્તમાનપત્રના ઇતિહાસમાં નવા રેકર્ડનું સર્જન કર્યું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા અખબારોની સ્વતંત્રતા પર તરાપના કારણે આ તંત્રીલેખો લખાયા તેમ છતાં ટ્રમ્પે અખબારોને ‘નાગરિકના દુશ્મન’ ગણાવ્યાં. ટ્વીટર એકાઉન્ટ પર ‘ફેક ન્યૂઝ’ શબ્દનો ૨૮૧ વાર ઉપયોગ કર્યો અને અખબારોને આડે હાથે લીધાં. ટ્રમ્પના મતે અખબારોએ સરકારનું સમર્થન જ કરવું જોઈએ. આ મત વિરુદ્ધ જનારા પત્રકારો તેમના દુશ્મન જ છે.
 
અમેરિકાનો વર્ષોનો ઇતિહાસ અખબારોની સ્વતંત્રતા દર્શાવનારો છે, જેઓ સરકારની રચનાત્મક ટીકા પણ કરી શકે છે, પરંતુ ટ્રમ્પ અને તેના સમર્થકો પણ અખબારોને દેશના દુશ્મન ગણી ટીકા કરે છે. તેથી ટ્રમ્પની આ સેન્સરશિપસમાન નીતિઓ સામે વિરોધ વ્યક્ત કરવા આ તંત્રીલેખો લખાયા. આ તમામ લેખોની ભાષા પણ મૌલિક છે, જે તમામનો સાર અખબારોને પૂર્ણ સ્વતંત્રતા બક્ષવાનો છે.
 
નેતૃત્વ કરનાર ૧૪૬ વર્ષ જૂના ‘ધ બોસ્ટન ગ્લોબે’ લખ્યું કે, ‘સ્વતંત્ર મીડિયાના સ્થાને સરકારી મીડિયાનું સર્જન કરવું એ જ ભ્રષ્ટ પ્રશાસનની પહેલી પ્રાથમિકતા રહી છે અને ટ્રમ્પ એ જ કરી રહ્યા છે.’ સુવિખ્યાત વોશિંગ્ટન પોસ્ટે ટ્રમ્પના શાસનના ૫૫૮ દિવસ દરમિયાન બોલાયેલાં ૪૨૨૯ જૂઠાણાંઓ દર્શાવી પર્દાફાશ કર્યો.
 
ટ્રમ્પના શાસનના પ્રારંભથી જ સરકાર અને અખબારો વચ્ચે સતત ઘર્ષણ થઈ રહ્યું છે. તેની પ્રકૃતિ પણ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટો કરતાં તદ્દન જુદી છે. તે કહે છે કે, ‘આ નકામા મીડિયાવાળાઓએ મને વ્હાઇટ હાઉસમાં જવા માટે રોકવાની કોશિશ કરી હતી, પરંતુ આજે હું પ્રેસિડેન્ટ છું, એ લોકો નથી. વ્હાઈટ હાઉસમાં યોગ્ય રીતે જ કામ થઈ રહ્યું છે પરંતુ રાજનૈતિક વિરોધીઓ અને મીડિયા મારા લોકોપયોગી કાર્યોને પ્રકાશિત થવા દેતા નથી.’ આ ટીકાઓ સહન ન કરી શકતા તેમની સેન્સરશીપ સમાન નીતિઓ સામે અમેરિકાના ન્યુયોર્ક ટાઇમ્સથી માંડીને ધ બોસ્ટન ગ્લોબ સુધીનાં અખબારો કે સી.એન.એન. જેવી ન્યૂઝ ચેનલો આ અમેરિકન પ્રમુખનો અને તેની નીતિઓનો વિરોધ કરે છે, સ્વતંત્ર અમેરિકામાં આવાં કારણોસર અખબારનું લાઇસન્સ રદ થવાની ધમકીઓ જેવી બાલિશ વાતો કરતાં ટ્રમ્પ અચકાતા નથી.
૨૦૧૫ની ચૂંટણી પહેલાં એક સ્પેનિશ પત્રકાર હોરગને નીતિવિષયક સવાલો ન પૂછવા દઈને સિક્યુરિટી ગાર્ડ દ્વારા કોન્ફરન્સમાંથી બહાર કરાયાનો વીડિયો વાઈરલ થયો છે અને પ્રમુખસ્થાને ચૂંટાયા પછીનું વર્તન પણ અનિચ્છનીય, અસભ્ય અને બેહુદું છે. હાલમાં જ જો તેમની સામે મહાભિયોગ ચલાવવામાં આવે તો અમેરિકન માર્કેટ ક્રેશ થશે તથા સિવિલ વોર ફાટી નીકળશે, એવી વાતો પ્રમુખ માટે બિલકુલ અસંદિગ્ધ જ ગણાય.
 
અમેરિકાના ન્યુયોર્ક ટાઇમ્સે લખ્યું કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ થોમસ જેફરસન કહેતા કે, જો મારી પાસે બે વિકલ્પ મૂકવામાં આવે કે જેમાં સરકાર હોય, પરંતુ અખબાર ના હોય અને બીજા વિકલ્પમાં અખબાર હોય પરંતુ સરકાર ના હોય તો હું એક સેકન્ડમાં બીજો વિકલ્પ પસંદ કરું. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ૨૦૧૮માં સરકારી અધિકારીઓ દ્વારા પ્રેસ પર હુમલા કરવામાં આવ્યા. સરકારને જે સત્ય પસંદ નથી તેને તે લોકો ‘ફેક ન્યૂઝ’ કહે છે, જે લોકશાહી માટે ખતરનાક છે. પત્રકારોને જનતાના દુશ્મન કહેવા તે તેનાથી પણ ખતરનાક વાત છે.’ લોકશાહીમાં મીડિયા હંમેશાં સ્વતંત્ર છે અને કોઈ ચૂંટાયેલી સરકારના દબાણથી જીવી શકે નહીં.
 
સરકાર અને પત્રકારત્વનો સંબંધ સર્વત્ર વિવાદાસ્પદ રહ્યો છે. જો કોઈ અખબાર સરકારનાં વખાણ કરે તો તેને સરકારી, કટકીબાજ, ભ્રષ્ટાચારી, પેઈડ-ન્યૂઝ પીરસનારું ગણી ટીકા કરાય છે અને જો સરકારની ટીકા કરે તો સરકારની ખફગી વહોરી લે છે. સમાજના ચોથા સ્તંભ તરીકે પત્રકારનું કામ સમાજને સાચો અરીસો બતાવવાનું છે, પણ એ સાચો ચહેરો કોઈ જોવા નથી માંગતું એ સમગ્ર દુનિયાની હકીકત છે. અમેરિકામાં આ બદી બહાર આવી પણ અન્યત્ર જમીન નીચે લાવા ધખધખી રહ્યો છે.
 
અમેરિકાના પત્રકારત્વ જગતે જે પણ કર્યું તે દુનિયાના સાતેય ખંડનાં દરેક રાષ્ટ્રો માટે એક ઊંચું ઉદાહરણ છે. દુનિયાના જે દેશમાં સામ્યવાદી શાસન કે લશ્કરી શાસન છે ત્યાંના મીડિયામાં સરકારને મનગમતું જ પીરસાય, પ્રચારાત્મક સિવાય તેમાં બીજું કશું ન હોય પણ લોકશાહી ધરાવતા દેશોમાં મીડિયાની રચનાત્મક ટીકા તો સ્વીકારવી જ રહી, અહીં ચોથી જાગીરને નબળી પાડી જ ન શકાય.
 
સત્ય નીતિ અપનાવે એ અખબાર જ સાચું અખબાર, ચાહે તે અમેરિકા હોય કે વિશ્ર્વનો કોઈ પણ દેશ. ન્યૂયોર્ક ટાઇમ્સ જેવું વિરાટ અખબાર હોય, કોઈ વિચારપત્ર હોય કે પાંચસોની નકલ છાપતું ચોપાનિયું, એણે એનો ધર્મ નિભાવવાનો છે. એ ધર્મ છે લોકો સુધી સત્ય પહોંચાડવાનો. પત્રકારત્વ ચોથી જાગીર છે. એ સત્યને વરેલી રહેશે ત્યાં સુધી જ ચોથી જાગીર જીવતી રહેશે.