માલદીવ્સના પ્રમુખ અબ્દુલ્લા યામિન બને તો ચીનને મજા...ભારતને સજા...

    ૦૭-સપ્ટેમ્બર-૨૦૧૮

 
 
 
માલદીવ્સમાં યામીનને પ્રમુખ બનતા રોકવા ભારતના હિતમાં
 
ભારતના પાડોશી દેશ માલદીવ્સમાં હમણાં અરાજકતાનો માહોલ છે. માલદીવ્સમાં આવતા મહિને પ્રમુખપદની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં મોટા પાયે ગરબડો કરીને ફરી ગાદી પર બેસવાનો તખ્તો રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને તૈયાર કરી દીધો છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ મુદ્દો હમણાં ઉઠાવ્યો અને એવુ નિવેદન કર્યું કે, માલદીવ્સની ચૂંટણીમાં ગરબડો થાય તો ભારતે માલદીવ્સ પર આક્રમણ કરી દેવું જોઈએ. સ્વામીના આ નિવેદનથી માલદીવ્સ ભડકી ગયું અને ભારતના રાજદૂતને બોલાવીને માલદીવ્સના મામલામાં દખલ નહીં કરવા ચીમકી આપી. ભારતે સ્વામીના નિવેદનને અંગત ગણાવ્યું છે. તેના કારણે આ મામલો ઠંડો પડ્યો છે પણ માલદીવ્સની રાજકીય સ્થિતિની ચર્ચા વિશ્ર્વભરમાં જોરશોરથી ચાલી રહી છે.
માલદીવ્સમાં જે કંઈ થઈ રહ્યું છે એ ભારત માટે ચિંતાનો વિષય છે જ, કેમ કે યામીન ભારતવિરોધી છે અને ચીનના ખોળામાં બેઠેલા છે. યામીન ફરી પ્રમુખપદે ચૂંટાય તો ભારતનાં હિતો જોખમાય એ તો ખતરો છે જ પણ મોટો ખતરો યામીન કાયમ માટે ચડી બેસે એ છે. માલદીવ્સનો ઇતિહાસ લશ્કરી સરમુખત્યારોનો છે. છેલ્લાં ૧૦ વરસોથી ત્યાં લોકશાહી છે, બાકી એ પહેલાં ૩૦ વરસ લગી અબ્દુલ ગયૂમનું એકચક્રી શાસન હતું.
 
માલદીવ્સ પર ૧૯૭૮થી અબ્દુલ ગયુમનું શાસન હતું. અહીં સંસદને મજલિસ કહેવાય છે ને મજલિસ પસંદ કરે તે રાષ્ટ્રપતિ બને, તેથી ગયુમ રાષ્ટ્રપતિપદે ત્રણ દાયકા રહ્યા. ગયૂમ ચૂંટણીનું નાટક કરતા પણ તેમાં ગરબડો પણ કરતા. લશ્કરની મદદથી પોતાના માણસોને સંસદમાં જીતાડી લાવતા ને પછી તેમના મતથી પોતે પ્રમુખ બની જતા. આ રીતે તેમણે ત્રણ દાયકા રાજ કરેલું. ૨૦૦૮માં અમેરિકા સહિતના દેશોના દબાણ હેઠળ તેમણે પ્રમુખ પસંદ કરવા લોકો સીધું મતદાન કરે તેવી પદ્ધતિ દાખલ કરી. તેના કારણે ૨૦૦૮માં રાષ્ટ્રપતિપદ માટે પહેલી વાર બહુપક્ષીય લોકતાંત્રિક ચૂંટણી થઈ. તેમાં ગયુમ હાર્યા ને મોહમ્મદ નાસિરે વિજય હાંસલ કર્યો હતો.
 
નાસિર પાંચ વર્ષ રહ્યા ને ત્રીસ વર્ષોના ગયૂમના વર્ચસ્વને તોડી નાંખ્યું. એ પછી ૨૦૧૩માં થયેલી ચૂંટણીમાં યામીન જીત્યા અને એ સાથે જ તેમણે ભારતવિરોધી નીતિઓ અપનાવવાની શરૂઆત કરી નાંખેલી. તેમણે ભારત જ નહીં પણ અમેરિકા અને પશ્ર્ચિમના દેશોને પણ કોરાણે મૂકી દીધા. તેના બદલે ચીન, સાઉદી અરેબિયા સહિતના દેશો સાથે સંબંધો વધારવા માંડ્યા. યામીને એ પછી ભારતનાં આર્થિક હિતોને પણ નુકસાન કરવા માંડ્યું. માલદીવ્સમાં ભારતીયો નોંધપાત્ર સંખ્યામાં કામ કરે છે ને ગયૂમના સમયમાં ભારતીયો માટે વિઝા ઓન અરાઇવલ્સ નીતિ હતી. યામીને ભારતીયોને મળતી છૂટ બંધ કરી દીધી તેથી ભારતનાં આર્થિક હિતો જોખમાયાં છે ને બંને દેશોના સંબંધો પણ વણસ્યા છે.
 
યામીન ફરી ચૂંટાય તો ભારતનાં હિતો બીજી રીતે પણ જોખમાય. યામીન સરમુખત્યારશાહી માનસ ધરાવે છે ને વિરોધીઓને કચડી નાંખવામાં માને છે. એ માટે તેણે ફેબ્રુઆરીમાં રાજકીય કટોકટી જાહેર કરેલી. માલદીવની સુપ્રીમ કોર્ટે રાજકીય કેદીઓ અને વિરોધ પક્ષના નેતાઓને જેલમાંથી મુક્ત કરવાના આદેશ આપ્યા તેના કારણે માલદીવ્સમાં મોંકાણ મંડાઈ હતી. આ આદેશ પછી રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને દેશમાં કટોકટી લાદી દીધી અને પોતાના વિરોધીઓને પકડી પકડીને અંદર પૂરી દીધા. ત્યાર બાદ યામીનના ઇશારે લશ્કરે સુપ્રીમ કોર્ટ તથા બીજી અદાલતો પર કબજો કરી લીધો હતો. લશ્કરે દેશના ચીફ જસ્ટિસ સહિત બે જજોની ધરપકડ કરી તેમને અંદર કરી દીધા હતા. માલદીવ્સ પર ૩૦ વરસ લગી એકચક્રી શાસન કરનારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગયૂમની પણ ધરપકડ કરીને અંદર કરી દેવાયા હતા.
 
રાષ્ટ્રપતિ યામીને બોલાવેલા આ સપાટાને કારણે સુપ્રીમ કોર્ટ દબાણમાં આવી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પરત ખેંચી લીધા અને રાજકીય કેદીઓને છોડવાનો આદેશ પાછો ખેંચ્યો. આ આખું નાટક એક અઠવાડિયું ચાલ્યું પણ તેના કારણે માલદીવ્સમાં ભયંકર અરાજકતા વ્યાપી ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જેલમાં હતા ને યામીનની હરકતથી ભડકેલા લોકો રસ્તા પર આવી ગયા હતા. લશ્કરે લોકોને દબાવી દેવા માટે અત્યાચારો ગુજારવા માંડ્યા. ને યામીનના વિરોધીઓને પકડી પકડીને અંદર કરવા માંડ્યા. પછી આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ચગ્યો. યુનાઇટેડ નેશન્સ સહિતની સંસ્થાઓએ યામીનને ચીમકી આપી પછી દોઢ મહિને કટોકટી તો ઉઠાવી લેવાઈ પણ યામીને આ દોઢ મહિનામાં પોતાની માનસિકતાનો પરચો આખી દુનિયાને આપી દીધો. હવે એ ફરી પ્રમુખ બને તો બેફામ બનીને સત્તા પર કબજો કરી લે એવું બને.
 
યામીન ફરી પ્રમુખ બને તો ચીનનો માલદીવ્સ પર પૂરો કબજો થઈ જાય એ ખતરો મોટો છે. ૨૦૧૩થી સત્તા સંભાળનારા યામીને ચીન અને સાઉદી રોકાણકારોને ઉમળકાભેર આમંત્રિત કર્યાં છે. ચીન લાંબા સમયથી માલદીવ્સમાં પગપેસારો કરી રહ્યું છે. માલદીવ્સના ૨૬માંથી ૧૬ ટાપુ પર ચીને પોતાનાં થાણાં સ્થાપ્યાં છે. ચીને આ દરેક ટાપુ પર ૪૦ લાખ ડૉલરનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ગયા વર્ષે જ માલદીવ સાથે ચીને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. માલદીવની વસતી માંડ સાડા ચાર લાખ લોકોની છે ને તેની સાથે વેપાર કરીને ચીને કશું કમાવાનું નથી છતાં તેણે માલદીવ્સ સાથે કરાર કર્યા એ ભારત માટે મોટો ખતરો છે. ચીન સામ્રાજ્યવાદી દેશ છે. ચીન દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે. આ માટેના પ્રયત્નો તેણે લાંબા સમયથી શરૂ કર્યા છે. પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ બનાવવાથી લઈને આફ્રિકાના દેશની મજબૂતીમાં મિલિટરી બેઝ સ્થાપવા જેવાં પગલાં ચીન ભરી ચૂક્યું છે. હવે માલદીવ્સ તેનું નવું ડેસ્ટિનેશન છે.
 
વેપારના બહાને ચીન માલદીવ્સમાં પગપેસારો કરે ને તેના કારણે ભારત માટે ખતરો ઊભો થાય. માલદીવ્સ પર કબજો કરવો ચીન માટે રમત વાત છે ને એવું થાય એ સાથે જ ભારત ઘેરાઈ જાય. ચીન ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ના કારણે પોતાના પ્રદેશથી શ‚ કરીને પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી આવી જ ગયું છે. માલદીવ્સ સાથેના વેપારના કારણે ગ્વાદરથી માલદીવ્સ સુધીના દરિયામાં તેનાં જહાજો ફરતાં થાય તેના કારણે ભારતની સલામતી જોખમાય. ભવિષ્યમાં ચીન ભારત પર જમીન, દરિયાઈ અને હવાઈ એમ ત્રણેય માર્ગે આક્રમણ કરી શકે તેવો તખ્તો માલદીવ્સ પર તેના કબજાથી ગોઠવાઈ જાય. ભારત માટે આ મોટો ખતરો છે ને એટલે જ યામીનને પ્રમુખ બનતા રોકવા જરૂરી છે.