રજથી સૂરજ સુધી વિસ્તારે એ મા,માની નિશાળમાંથી જ સાચું શિક્ષણ મળે છે.

    ૦૭-સપ્ટેમ્બર-૨૦૧૮   

 
ડાહ્યો માણસ ગમ ખાઈ જાય, કોઈને ગમ ખવડાવે નહીં. રામાયણનો કેન્દ્રીય વિચાર માણસ છે.
કોઈ માતાની દૃષ્ટિએ કોઈ પણ પુત્ર ખરાબ નથી હોતો. ક્યારેક પુત્ર માની ટીકા કરે પણ માતા હંમેશા નર્યા હેતની હેલી જ હોય છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે कुपुत्रो जायते क्वच्चिदपि कुमाता न भवति - પુત્ર ગમે તેવો પાકે પણ માતા કદી કુપાત્ર નથી થતી. રામાયણના માર્ગી માર્ગમાં અને ભગવદ્ગીતાના ગાર્ગી માર્ગમાં માતાનું મૂલ્ય અગ્રસ્થાને રહ્યું છે. ગુણવંત શાહ કહે છે તેમ માતા એ વાત્સલ્યની યુનિવર્સિટી છે. માતા પ્રત્યેનું સમર્પણ સમૃદ્ધિને દોરી લાવે છે. એ પછી પેટજણી મા હોય કે આપનાં કુળદેવી માતાજી હોય... અહંકાર મારે છે અને સમર્પણ તારે છે. પુરુષ અહંકાર રૂપ અને સ્ત્રી-સમર્પણ સ્વરૂપ છે. પુરુષો ઓછું રડે છે અને બહેનો વધુ રડે છે એટલે એમને હાર્ટએટેક ઓછા આવે છે. મા પીડાના અંતિમ મુકામ પર જ દુર્ગારૂપ ધારણ કરી રક્તપાત કરે છે. બાકી મોટાભાગે તો ખૂણામાં બેસીને અશ્રુપાત કરતી હોય છે. સૌથી મોટો પાત અશ્રુપાત છે. પુત્ર અને પતિની ખુશી માટે વેઠેલાં આંસુઓની ગણતરી હોતી નથી. ઈશ્ર્વરે એની આંખમાં કૂવો મૂકેલો છે. ગોપીજન કહે છે તેમ निशदिन बरसत नैन हमारे. ગુજરાતી કવિઓએ આંસુને કેટકેટલાં લાડ લડાવ્યાં છે. કવિશ્રી ચિનુ મોદી કહે છે કે...
 
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની,
ઇચ્છાને હાથપગ છે એ વાત આજે જાણી.
 
બધી પીડાનું મૂળ ઇચ્છા છે. હરીન્દ્ર દવેએ કહ્યું છે તેમ કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. હિન્દી ફિલ્મના ગીતમાં ગવાયું છે તેમ आज फिर दिलने एक तमन्ना की, आज फिर दिल को हमने समजाया. અશ્રુપાતમાં આગળ સૂત્રપાત, વાક્પાત, રક્તપાત અને હિમપાત આવે છે. હિમાલયના ઘરે શૈલજા આવી. હિમાલય પીગળ્યો અને વિખેરાયો. હિમાલયમાંથી શૈલજા પ્રગટ થયાં. માતાઓ હિમપાત કરે છે. ક્યારેક તેજસ્વિની રૂપ ધરીને વીજપાત પણ કરે છે. દુનિયાને ચકાચૌંધ કરી દે છે. ચક્ષુપાત એટલે કૃપાદૃષ્ટિ. મા જગદંબાનું એક આંસુ અશોકવાટિકામાં પડ્યું ત્યાં જ જે રાક્ષસીઓ સગર્ભા હતી એના ગર્ભપાત થવા લાગ્યા. માતાની કથાઓ સાથે અનેક પાત જોડાયેલા છે.
 
ગણેશજીના વધ પછી જ પાર્વતીમાતાએ દુર્ગારૂપ ધારણ કર્યું હતું. હું તો ઇચ્છું છું કે अहिंसा रूपेण संस्थिता. આ સમયની માંગ છે. વિકારી લોકોની દૃષ્ટિમાંથી આસક્તિ કાઢવા માટે માએ શસ્ત્ર ઉઠાવ્યાં. મા ક્યારેય કઠોર નથી થઈ શકતી. આપણે ત્યાં એક શબ્દ છે ‘કઠોર કૃપા’. કઠોર કૃપાનું પણ એક મૂલ્ય છે. બાળકને લેસન કરવું ન ગમે તો પણ માતા એના ભલા માટે બેસાડે છે. આ કઠોર કૃપાનું ઉદાહરણ છે. सर्व खल्वमिदं ब्रह्म આ મંત્રનો ટુકડો નથી. પણ જિવાતા જીવનનું પ્રતિબિંબ છે. હૃદયમાં નિરાકાર માને રાખો અને આંખ સામે સાકાર માને રાખો. જ્યારે કોઈ બહેન દીકરી પર અત્યાચાર થાય છે ત્યારે હૃદય કકળી ઊઠે છે. માતાનું માહાત્મ્ય સૌથી વધુ આ દેશમાં જ થયું છે.
 
ગોસ્વામી તુલસીદાસને પૂછવામાં આવ્યું કે આપ માના નિર્ગુણતત્ત્વને માનો છો કે સગુણતત્ત્વને ? દેવીને કયા રૂપમાં જુવો છો ? તો તુલસીએ કહ્યું, ‘આ વિવાદ છોડો, હું સંવાદનો માણસ છું.’ તે છતાં જવાબનો હઠાગ્રહ’ રખાયો ત્યારે તુલસીએ કહ્યું કે हिय निर्गुन नर नयन सगुन મારી આંખને સગુણ મળે અને મારા હૈયામાં નિર્ગુણ પ્રાપ્ત થાય. મારા હૃદયમાં આખું વિશ્ર્વ સમાઈ જાય એવી ઝંખના સેવું. કવિશ્રી ઉમાશંકર જોશીની વૈશ્ર્વિક સંવેદના હું માનવી મટી, બનું વિશ્ર્વમાનવી. એક ગુજરાતી કવિની આંતરરાષ્ટ્રીય ચેતનાને સલામ. ગાંધીને પણ આપણે ભારતીય સીમાડામાં બદ્ધમન કરવા જોઈએ. सियाराम मय सब जग जानी. સંકુચિત માનસ કદી રામચરિત માનસને સમજી ન શકે. રામાયણ એટલે વાનરોની ચાંચલ્ય વૃત્તિમાંથી અને આસુરી પ્રવૃત્તિમાંથી માનવ બનવાની ફોર્મ્યુલા. માની નિશાળમાંથી જ સાચું શિક્ષણ મળે છે. પહેલો અને છેલ્લો ઉચ્ચારાયેલો શબ્દ પણ ‘મા’ છે.
 
આલેખન : હરદ્વાર ગોસ્વામી