આપણે દેશને પ્લાસ્ટિકમુક્ત કરીએ આ અઘરું છે પણ અશક્ય નથી

    ૧૨-ઓક્ટોબર-૨૦૧૯   

 
 
હાલ ભારત સહિત વિશ્ર્વભરના દેશો પ્લાસ્ટિકના કચરાથી ત્રાહી ત્રાહી છે. વડાપ્રધાન મોદીએ પણ ભારતના નાગરિકોને પ્લાસ્ટિક વિરુદ્ધ જનઆંદોલન છેડવાનું આહ્વાન કર્યું છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાની કવાયત હાથ ધરી છે. ત્યારે એક પક્ષે આનો વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ વિશ્ર્વ માટે મહામારી બની ચૂકેલ પ્લાસ્ટિકના પ્રદૂષણની અસરો અને કેટલું શક્ય છે પ્લાસ્ટિકમુક્ત ભારતનું સ્વપ્ન...
 
આપણી પૃથ્વીને નુકસાન પહોંચાડવા માટે અનેક કારણો જવાબદાર છે, જેમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્લાસ્ટિક પૃથ્વી માટે ગંભીર પડકાર જ નહીં મોટો ખતરો બની ઊભર્યુ છે. આપણા દિવસની શરૂઆતથી માંડી રાત્રે પથારીમાં સૂવા જતાં દરમિયાન ધ્યાનથી જોશો તો ખબર પડશે કે પ્લાસ્ટિકે આપણી ક્ષણેક્ષણ પર કબજો જમાવી રાખ્યો છે. બજારમાંથી કોઈ સામાન લાવવો કે પછી ટિફિનમાં ભોજન કે બોટલ્સમાં પાણી - પ્લાસ્ટિક દરેક જગ્યાએ હાજર છે. સૌ પ્રથમ વાત કરીએ પ્લાસ્ટિકના ઇતિહાસ વિશે.

પ્લાસ્ટિકનો ઇતિહાસ

 
પ્લાસ્ટિક શબ્દ ગ્રીક ભાષાના પ્લાસ્તિકોજ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ બનાવવું થાય છે. ઈ.સ. ૧૮૬૨માં ઇંગ્લેન્ડના એલેક્ઝાન્ડર પાર્ક્સે પ્લાસ્ટિકની શોધ કરી હતી. ૧૯૦૩માં બેલ્જિયમના કેમિસ્ટ લિયો બેકલેન્ડ ફેનોસ અને ફાર્મલ્ડિહાઈડે મળીને કૃત્રિમ થર્મોસેટ બનાવ્યું અને કેમિસ્ટ થર્મોસેટ બનાવ્યું ને તેને પ્લાસ્ટિક નામ આપવામાં આવ્યું અને તેને મનુષ્યજાત માટે વરદાન માનવામાં આવ્યું. ત્યારબાદ ઈ.સ. ૧૯૩૩માં ઇંગ્લેન્ડની એક પ્રયોગશાળામાં બે રસાયણ વૈજ્ઞાનિકો એક મહત્ત્વના પ્રયોગોમાં વ્યસ્ત હતા, તેઓ એક એવો કૃત્રિમ પદાર્થ બનાવવા માંગતા હતા. જેનાથી પિયાનોના કીબોર્ડમાં લગાડેલા હાથીદાંતની જગ્યાએ તેનો ઉપયોગ થઈ શકે, પરંતુ કંઈક કરતા તેમાં ગડબડ થઈ ગઈ જેને પરિણામે એક ચીકણો, સફેદ અને વિચિત્ર પદાર્થ શોધાયો. જેને ‘પોલિથીન’ નામ આપવામાં આવ્યું. ઈ.સ. ૧૯૩૯માં પોલિથીનનું ઔદ્યોગિક ઉત્પાદન શરૂ થયું અને જોતજોતામાં તે દુનિયાભરમાં છવાઈ ગયું. ૧૯૭૦ બાદ પ્લાસ્ટિકનો ઉપયોગ ઔદ્યોગિક તેમજ ઘરગથ્થુ ક્ષેત્રમાં ખૂબ ઝડપથી પ્રસરવા લાગ્યો. સસ્તો અને ઓછી જગ્યા રોકનાર પદાર્થ હોવાને કારણે ઔદ્યોગિક કાર્યોમાં ધાતુની જગ્યા પ્લાસ્ટિકે લઈ લીધી. આ સાથે વાહન, ઇલેક્ટ્રોનિક્સ, દૂરસંચાર, કૃષિસાધનો, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, ચપ્પલ, ટી.વી., કેબિનટ રેડિયો, કૂલર, ફર્નિચર સહિતના ક્ષેત્રમાં તેનો પગપેસારો થઈ ગયો.
 

 

એક સમયે આશીર્વાદ - આજે અભિશારૂપ છે પ્લાસ્ટિક

 
પ્લાસ્ટિકની શોધ થઈ ત્યારે તેને માનવજાત માટે આશીર્વાદ ગણવામાં આવ્યું હતું, પરંતુ આજે એ જ આશીર્વાદ જાણે કે અભિશાપ બની ગયો છે. સમગ્ર વિશ્ર્વમાં પ્લાસ્ટિકના કચરા અને પ્રદૂષણને લઈ હાહાકાર મચ્યો છે. ૧૯૫૦થી માંડી અત્યાર સુધી વૈશ્ર્વિક સ્તરે ૮.૩થી ૯ અરબ મેટ્રિક ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ ચૂક્યું છે અને આ પ્લાસ્ટિકનો કચરો ચારથી વધુ માઉન્ટ એવરેસ્ટ જેટલો છે. જાણવા લાયક એ છે કે અત્યાર સુધી જેટલું પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું છે તેમાંનું ૪૪ ટકા તો ઈ.સ. ૨૦૦૦ પછી ઉત્પાદિત થયું છે. એટલે કે છેલ્લા બે દાયકામાં પ્લાસ્ટિકની માંગ અને ઉત્પાદન રાક્ષસી કદે વધ્યું છે.
 
ભારતની વાત કરીએ તો ભારતમાં દરરોજ ૯ હજાર એશિયાઈ હાથીઓના વજન બરાબર એટલે કે ૨૫,૯૪૦ ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. જો કે આપણા માટે રાહતની વાત એ છે કે સરેરાશ ભારતીય વિશ્ર્વમાં સૌથી ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. ૨૦૧૪-૧૫ના આંકડાઓ મુજબ વિશ્ર્વમાં પ્રતિવ્યક્તિ દીઠ સૌથી વધુ પ્લાસ્ટિક અમેરિકનો વાપરે છે. સરેરાશ અમેરિકન દર વર્ષે ૧૦૯ કિલો પ્લાસ્ટિક વાપરે છે. જ્યારે ત્યાર બાદ યુરોપ ૬૫ કિગ્રા સાથે બીજા નંબરે છે. ચીન આ યાદીમાં ૩૮ કિ. ગ્રા. સાથે ત્રીજા, બ્રાઝીલ ૩૨ કિ. ગ્રા. સાથે ચોથા તો ભારત આ બધાયથી ક્યાંય પાછળ એટલે કે વર્ષે ૧૧ કિ.ગ્રા. પ્લાસ્ટિક જ વાપરે છે અને આ આંકડો વૈશ્ર્વિક સરેરાશ પ્રતિ વ્યક્તિ ૨૮ કિ. ગ્રા.થી પણ ઓછો છે. જો કે, એનો મતલબ એ નથી કે પ્લાસ્ટિક પ્રદૂષણની બાબતમાં આપણો સેફઝોનમાં છીએ. આપણે ત્યાં પ્લાસ્ટિકના કચરાની અપૂરતી રિસાયક્લિગંની વ્યવસ્થાને કારણે વર્ષે દહાડે ૧,૯૦,૦૦૦ ટન જેટલો કચરો એકઠો થાય છે. આપણે ત્યાં સૌથી મોટી સમસ્યા છે તો તે એક સમયમાં જ ઉપયોગમાં લેવાતી પોલિથીનની પાતળી થેલીઓ છે. એક તો કચરામાંથી આ થેલીઓને અલગ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આ થેલીઓ પોતાની અંદરના રાસાયણિક પદાર્થોને વાયુમંડળમાં છોડી ભયંકર પ્રદૂષણ ફેલાવે છે અને પ્લાસ્ટિકના કચરાને બાળવાથી તે ખૂબ જ હાનિકારક ગેસ કાઢે છે. એક કિલો પ્લાસ્ટિકનો કચરો બાળવાથી તેમાંથી ત્રણ કિલો કાર્બન વાયુ નીકળે છે. જે ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે, જે સીધેસીધું આપણા ઓઝોન સ્તરને અસર પહોંચાડે છે.
 
સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ દર વર્ષે વિશ્ર્વમાં લગભગ ૫ ટ્રિલિયન પ્લાસ્ટિકની થેલીઓ ઉપયોગમાં લેવામાં આવે છે. જે પર્યાવરણ, સમુદ્ર અને પૃથ્વી પર રહેતા જીવો માટે મોટા ખતરા સમાન છે. માત્ર ભારતમાં જ દર વર્ષે પોલિથીન સહિતનાં પ્લાસ્ટિકનો કચરો પેટમાં જવાથી ૧,૦૦,૦૦૦થી વધુ પશુઓનાં મોત થાય છે. તાજેતરમાં જ રાજસ્થાનના મકરાનામાં એક ગાયના પેટમાંથી ૯૦ કિલો પ્લાસ્ટિક કાઢ્યું હતું. અને આ પ્લાસ્ટિક કાઢવા માટે ડોક્ટરોની આખી ટીમે ચાર કલાક ઓપરેશન કરવું પડ્યું હતું.

 

૨૦૫૦ સુધી દરિયામાં માછલીઓથી વધુ પ્લાસ્ટિક હશે

 
વિશ્ર્વમાં ૧૯૨ જેટલા દેશોને કિનારો મળેલો છે અને પ્લાસ્ટિક જ્યારે સમુદ્રમાં પહોંચે છે ત્યારે સમુદ્રી જીવો પર મોટું સંકટ પેદા થાય છે. એક અનુમાન મુજબ વિશ્ર્વભરમાં દર વર્ષે ઓછામાં ઓછું ૮ મિલિયન ટન પ્લાસ્ટિક દરિયામાં પહોંચે એટલે કે દર મિનિટે કચરો ભરેલી એક ટ્રક દરિયામાં ઠલવાય છે. પરિણામે ૨૦૫૦ સુધી સમુદ્રમાં માછલીઓ કરતાં પ્લાસ્ટિકના ટુકડા વધારે હશે. વિશ્ર્વમાં જેટલું પ્લાસ્ટિક પેદા થાય છે તેથી ૧૦ ટકા પ્લાસ્ટિક સમુદ્રમાં પહોંચી જાય છે, જે ૭૦ ટકા સમુદ્રને આવરી લે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસન (એનઆઈઓ)ના નિર્દેશક ડૉ. એસ.ડલ્યુ. નકવી કહે છે કે હાલ પ્લાસ્ટિક પ્રદૂષણ એક મોટી સમસ્યા છે અને માઇક્રો પ્લાસ્ટિકના કારણે વિશ્ર્વભરના મહાસાગરોમાં ઉદ્ભવેલું પ્રદૂષણ આગામી સમયમાં મોટી સમસ્યા બની જશે, જે વર્ષો સુધી માનવીને પીડતી રહેશે. દરિયાઈ જીવો પ્લાસ્ટિકની થેલીઓને ખોરાક સમજી ગળી જાય છે, જેના પરિણામે તેમની અન્નનળીઓ અવરોધાય છે. એનઆઈઓમાં દરિયાઈ પ્રદૂષણ અંગે કામ કરતાં વૈજ્ઞાનિક ડૉ. મહુઆ સાહા કહે છે કે વિશ્ર્વની વસતી લગભગ પોતાના વજન જેટલું જ પ્લાસ્ટિક દર વર્ષે ઉત્પન્ન કરે છે. ૨૦૧૫ના વૈશ્ર્વિક અભ્યાસ અનુસાર વિશ્ર્વના દેશોના દરિયાકિનારે લગભગ ૨૭.૫ કરોડ ટન પ્લાસ્ટિક કચરો ભેગો થયો છે. તેમાંથી ૧.૨ કરોડ ટન જેટલો દરિયામાં પ્રવેશી ગયો છે. દર વર્ષે લગભગ ૧૦,૦૦૦ કરતાંય વધારે વ્હેલ, સીલ, શાર્ક અને કાચબા જેવાં જળચરો પ્લાસ્ટિકને કારણે મૃત્યુ પામે છે.
 

 

વિશ્ર્વભરમાં પ્લાસ્ટિકમુક્ત બનવા અભિયાન

 
વિશ્ર્વભરમાં પ્લાસ્ટિકની આડઅસરો અને ભયસ્થાનોની વકરતી સમસ્યા બાદ અનેક દેશોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની કવાયત હાથ ધરી છે. વિશ્ર્વના ૧૨૭ જેટલા દેશોએ પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકેલો છે. ૨૭ દેશોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એક વખત જ ઉપયોગમાં લઈ શકાતા પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે ૨૦૧૮ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની હિલચાલ આદરી છે અને ૨૦૨૨ સુધીમાં આ પ્રકારનું પ્લાસ્ટિકમુક્ત ભારત બનાવવાનું આહ્વાહ્ન કર્યું છે. પરંતુ કેટલાંક સંગઠનો સરકારના આ અભિયાનનો એમ કહીને વિરોધ કરી રહ્યા છે કે તેનાથી રોજગારી, અર્થતંત્રની સાથે સાથે પર્યાવરણને પણ ગંભીર નુકસાન પહોંચશે.

પ્લાસ્ટિક પર પ્રતિબંધની આડઅસરો પણ છે

 
વડોદરા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન મુજબ જો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવે તો માત્ર ગુજરાતમાં લાખો લોકોની રોજગારી છીનવાઈ જશે. ત્યારે પ્લાસ્ટિક પર પ્રતિબંધને બદલે તેનો સદ્ઉપયોગ એ જ એકમાત્ર વિકલ્પ છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધની અવેજીમાં બીજી કોઈ વસ્તુ નથી. પેપર અને કાપડનો વિકલ્પ ધ્યાનમાં આવે છે, પરંતુ તેમાં પણ પર્યાવરણને નુકસાન છે. પેપર બનાવવા જંગલો કાપવાં પડે, જે આપણા માટે યોગ્ય નથી. પ્લાસ્ટિક ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં પાણીનો વપરાશ નહીંવત્ છે. તેની સામે પેપર ઉત્પાદનમાં લાખો લીટર પાણી વપરાય છે. જો પ્લાસ્ટિક પર પ્રતિબંધ લદાયો તો કરોડો ‚પિયાનાં પ્લાસ્ટિક યુનિટ મશીનો ભંગાર થઈ જશે, પરિણામે અલગ અલગ બેન્કોમાં કરોડો ‚પિયાનું એન.પી.એ. વધી જશે, જેનાથી ગુજરાતના અર્થતંત્રને પણ નુકસાન થશે. ત્યારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાને બદલે તેના રિસાયક્લિગંની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
 
ત્યારે સવાલ એ થાય છે કે આખરે સમગ્ર જીવસૃષ્ટિ માટે ગંભીર ખતરો બની ગયેલા પ્લાસ્ટિકના દાનવને નાથવો કેવી રીતે? પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ નથી તે તેની સૌથી મોટી નબળાઈ છે. પરંતુ ૪૭થી ૯૦ દિવસમાં કુદરતી વિઘટન પામે તેવું બાયોડિગ્રેબલ પ્લાસ્ટિક બનાવવું શક્ય છે. સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને નોન બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક પરના પ્રતિબંધ ઉપરાંત શણ, કાપડ, વાંસ, નાળિયેર જેવા બાયોડિગ્રેડેબલ પદાર્થોમાંથી બનતી વસ્તુઓના નિર્માણને વેગ આપવો જોઈએ. કૃત્રિમ રીતે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનાં વૈજ્ઞાનિક સંશોધનોને ભંડોળ પૂરું પાડવું જોઈએ.
 

 

સરકાર આ પ્રકારના પગલાં લઈ શકે

 
- સરકારે પ્લાસ્ટિકના વિકલ્પના ઉત્પાદનોના નિર્માણ અને વેચાણ પર જીએસટી હટાવી દેવો જોઈએ. આમ કરવાથી આ ઉત્પાદનોના વિક્રેતાઓને વેચાણ અને વપરાશકર્તાઓને ઉપયોગ માટે વેગ મળશે.
 
- પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ભારત માટે શણ, કપાસ, નાળિયેર, વાંસ વગેરે વિકલ્પો છે. ભારત આ બધાં કૃષિ ઉત્પાદનોમાં વિશ્ર્વમાં અગ્રેસર છે. આમ છતાં આ ઉત્પાદનોમાંથી પ્લાસ્ટિકની થેલી અને સાધનો કેવી રીતે બનાવવાં તેને લગતી ટેક્નિકલ સુવિધા અને માર્ગદર્શન માટે દેશભરમાં હેલ્પ સેન્ટર્સ બનવવાં જોઈએ.
 
- આ કુદરતી થેલીઓનું ઉત્પાદન હાલની પ્લાસ્ટિક ઉત્પાદન કરતી કંપનીઓ જ કરે તો આ પરિવર્તન વધુ સરળતાથી લાગુ કરી શકાય.
 
- શાળા અને કોલેજ સ્તરે આ વિકલ્પોનું સસ્તું અને મોટા પાયે ઉત્પાદન થઈ શકે તે વિષય ઉપર રિસર્ચ થાય તે ખૂબ જ‚રી છે.
 
- ભારતમાં હાલ ૨૩ કરોડ લોકો રેશન કાર્ડધારક છે. આ પરિવારોને રેશનની દુકાનો ઉપર પરિવાર દીઠ ૧૦ કુદરતી બેગ આપવામાં આવે તો કુલ ૨૩૦ કરોડ થેલીઓનું ઉત્પાદન કરવું પડે. આ ઉત્પાદિત થેલીઓ સરકાર પોતે ટેકાના ભાવે ખરીદી લે તો ખેડૂતોને તેનો લાભ મળી શકે.
 
- પ્રવાહી ભરવાની બોટલોનો હજુ સુધી કોઈ સારો વિકલ્પ મળ્યો નથી. ૨ લીટરથી નાની પાણીની અથવા ઠંડા પીણાની બોટલો પર પ્રતિબંધ લાદીને કુલ બનતી બોટલોની સંખ્યા ઘટાડી શકાય.
 

 

આપણે આદત બદલીને આ રીતે પ્લાસ્ટિકને જીવનમાંથી દૂર કરી શકીએ

 
ભોજન : આપણે શું કરીશું : રસોડામાં વપરાતી ચીજવસ્તુઓ બલ્કમાં ખરીદો જેથી પ્લાસ્ટિકના નાનાં પેક ખરીદવાં ન પડે. રેસ્ટોરાંમાંથી ટેકઅવે ફૂડના બદલે ઘરે બનેલી વાનગીનો આગ્રહ રાખો.
 
શોપિંગ : આપણે શું કરીશું : ખરીદી માટે પ્લાસ્ટિકની થેલીનો આગ્રહ રાખવાના બદલે કાપડની થેલી સાથે રાખો. મોટું શોપિંગ હોય તો કાપડના મોટા થેલા. ચીજવસ્તુઓમાં કેરી બેગનો આગ્રહ ન રાખો.
 
ઓફિસ : આપણે શું કરીશું : ઓફિસમાં ચા-કોફી માટે પોતાનો અલાયદો સ્ટીલનો મગ રાખો. પાણી માટે પ્લાસ્ટિકની બોટલ નહીં પણ સ્ટીલની બોટલનો આગ્રહ રાખો.
 
પીણાં : આપણે શું કરીશું : પીવાના પાણી માટે પ્લાસ્ટિકની બોટલ નહીં પણ પોતાની સ્ટીલ કે પિત્તળની બોટલ રાખો. કાચ કે સ્ટીલના વાસણમાં પીરસાય એવા કોલ્ડડ્રિંક્સનો આગ્રહ રાખી શકાય.
 
કપડાં : આપણે શું કરીશું : પ્લાસ્ટિકમુક્ત ફાઈબરને પસંદ કરો. પોલિસ્ટર, એક્રેલિક જેવાં ફાઈબરનાં કપડાં ન હોય તેનું ધ્યાન રાખો. કોટન, સિલ્ક કે ઊનનાં વસ્ત્રો પસંદ કરો.
 
બિઝનેસ : આપણે શું કરીશું : જો તમે રીટેલ બિઝનેસ કરતા હોવ તો પ્લાસ્ટિકના સ્થાને પેપર કે કાપડની બેગમાં ચીજવસ્તુ, સામાન આપો. ટેગીંગ માટે કે બાંધવા માટે વપરાતી પ્લાસ્ટિકની દોરીનો વપરાશ ટાળો.
 
પ્રવાસ : આપણે શું કરીશું : વેકેશનમાં ફરવા જાઓ કે ઓફિસ-બિઝનેસ ટૂર માટે જાઓ ત્યારે પેકીંગ માટે કે ફૂડ રાખવા પ્લાસ્ટિક ટાળો. ખાસ કરીને પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં નહીં, ડસ્ટ બીનમાં જ નિકાલ કરવો.
 

 

દેશનાં અનેક રાજ્યોની પ્રેરક પહેલ

 
એ વાતમાં તથ્ય અને દમ છે કે, પ્લાસ્ટિકને રોજબરોજના જીવનમાંથી સંપૂર્ણપણે કાઢી નાખવું અશક્ય છે, પરંતુ આપણા જ દેશના એક રાજ્ય સિક્કિમનો દાખલો આપણી સમક્ષ છે. આ રાજ્ય સરકારે લોકોમાં જાગૃતિ ફેલાવી લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા પ્રેર્યા અને જ્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થયો ત્યારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો. કેરલ સરકાર પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ રસ્તાઓ બનાવવા માટે કરી રહી છે. રાજ્ય સરકારે રાજ્યના પ્રત્યેક બ્લોક-ગામ-ગ્રામપંચાયત ગ્રીન વારિયર્સ નામની મહિલાઓનું સંગઠન બનાવ્યું છે, જે પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવા માટે ડોર ટૂ ડોર અભિયાન ચલાવે છે, જેનાથી મહિલાઓને રોજગારી પણ મળી રહી છે. આ પહેલ થકી કેરલ પ્લાસ્ટિકને પ્રભાવી રીતે રીસાયક્લિગં કરી દેશના અન્ય રાજ્યો માટે દાખલા સમાન બન્યું છે.
 
દિલ્હીની જાણીતી મધર ડેરીએ પણ આ મુદ્દે એક અનોખી પહેલ કરી છે. લોકો છૂટું દૂધ લેવા પ્રેરાય તે માટે જે લોકો દૂધ લેવા માટે ઘરેથી વાસણ લઈને આવે તેમને પ્લાસ્ટિકની થેલીવાળા દૂધ કરતાં ૪ ‚પિયા સસ્તું આપે છે. દિલ્હીના લગભગ ૯૦૦ જેટલાં બુથો પર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કંપનીના અધિકારી સંગ્રામ ચૌધરી કહે છે કે એક લીટર દૂધના પેકિંગમાં ૪.૨ ગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ત્યારે છૂટક દૂધના વેચાણથી વર્ષે ૯૦૦ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થશે.
 
આમ ભલે હાલ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ અશક્ય લાગે પણ જો સૌનો સાથ અને સૌનો સહકાર મળે તો પ્લાસ્ટિક ‚પી આ સમસ્યાનું સમાધાન અશક્ય નથી જ.