માનસમર્મ । મોરારિબાપુ । આપણે આ ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકીએ

    ૧૬-ઓક્ટોબર-૨૦૧૯   

 
એક જિજ્ઞાસુ ભગવાન બુદ્ધ પાસે આવ્યો. એણે પ્રણામ કરીને પૂછ્યું કે ‘ભગવાન, મારે મૌનને જાણવું છે, જે શબ્દોથી પર હોય.’
 
બુદ્ધ લાંબો સમય મૌન બેસી રહ્યા. જિજ્ઞાસુ પણ મૌન બની બેસી રહ્યો. થોડીવાર પછી એ પ્રસન્ન ચિત્તે પ્રણામ કરીને બોલ્યો કે પ્રભો, આપનો ખૂબ ખૂબ આભાર. મારી શંકાનું સમાધાન થઈ ગયું. મૌનનો મહિમા જાણી લીધો. આટલું કહી વિદાય લીધી.
જ્યારે બુદ્ધે મૌન તોડ્યું ત્યારે આ આખી ઘટના નિહાળી રહેલ એક શિષ્યએ પૂછ્યું ‘પ્રભો, આપ તો કશું ન બોલ્યા. છતાં પેલા જિજ્ઞાસુની શંકાનું સમાધાન કેવી રીતે થયું ?’
 
બુદ્ધે હસતાં હસતાં કહ્યું ‘જ્યારે ઘોડાગાડીમાં એનો ચાલક બેઠો હોય ત્યારે ચાબુકના પડછાયાથી પણ ઘોડો ઝડપથી દોડે છે.’
દરેક મહાપુરુષની પાછળનું આભામંડળ પ્રભાવિત કર્યા વગર રહે નહીં. અસ્તિત્વના ઓરાનું અંધારું કે અજવાળું સામેની વ્યક્તિને સ્પર્શ્યા વગર રહેતું નથી. માનવમાં સૌથી વધુ ઓરાનું અજવાળું માનું હોય છે. શબ્દકોશનો શ્રેષ્ઠ શબ્દ મા છે. મા એ શબ્દ નથી પણ સંવેદના છે. મા આપણને નવ મહિના વધુ ઓળખે છે. નવરાત્રી એ સાધનારાત્રી છે. આ નવ દિવસ જગતજનની માનું પૂજન અર્ચન થાય છે. નવ એ પૂર્ણાંક છે. આ પૂર્ણાંકની શોધ નવરાત્રીમાં આરંભાય છે. આપણે માતૃભૂમિ, માતૃભાષા અને જન્મ આપનારી માના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકીએ. મા એ મા હોય છે. જગતજનની હોય કે જન્મ આપનારી.
 
જાનકીજી જયારે કિશોરી હતાં ત્યારે એ ધનુષનો ઘોડો બનાવીને જનકના આંગણામાં અથવા જ્યાં ધનુષ રાખવામાં આવ્યું હતું ત્યાં રમતાં રહેતાં હતાં. જનકભવનમાં રોજ પૂજા થતી હતી. અને એ પુરાણી પૂજાપદ્ધતિ હતી કે જ્યાં પૂજા થતી હોય ત્યાં ગોબરથી લીંપણ કરવામાં આવતું હતું. તો ધનુષની પૂજાના સમયે તેની આજુબાજુ લીંપન કરવામાં આવતું હતું. પરંતુ ધનુષ ભારે હોવાના કારણે તેની નીચે રજ રહી જતી હતી. કોઈ ધનુષને ઊંચું કરે તો લીંપણ થઈ શકે તેમ હતું. અને તે ધનુષ તો ઉઠાવી શકાય તેમ ન હતું. એક દિવસ જનકના પરિવારમાં ચર્ચા ચાલી કે ધનુષની પૂજા તો બરાબર થાય છે પણ તેની નીચે લીંપણ થઈ શકતું નથી. ત્યારે જાનકીજીએ કહ્યું કે મા, મને પણ થોડી સેવા આપતા રહો. માએ કહ્યું કે, હા બેટા, તું કર. ત્યારે જાનકીજી પૂજા, લીંપણ એ બધું કરી રહ્યાં છે ત્યારે અચાનક એકવાર સુનૈનાજી આવે છે અને જુએ છે કે જાનકીજીએ ડાબા હાથે ધનુષ ઉઠાવ્યું, નીચે ગોબરથી લીંપણ કર્યું અને ફરી પાછું ધનુષ મૂકી દીધું ! એ દૃશ્ય જોઈ મા સુનૈનાને થયું કે આ શું છે ? એમણે જનકને વાત કરી તો એ પણ વિચારમાં પડી ગયા કે આ તો ગજબ છે ! એ શૃંખલામાં જનકે સંકલ્પ કર્યો કે આ એક પરમશક્તિ છે એને તો એ જ પરણી શકે જે આ ધનુષ ઉઠાવી શકે, ચડાવી શકે અથવા તો આને તોડી શકે.
 
અહલ્યાનો ઉદ્ધાર તો એ સમયે થયો હતો. આજે અહલ્યાને આપણે ક્યાં શોધીએ? તુલસી એને આજનું સત્ય બનાવે છે કે અહલ્યા એટલે બીજું કંઈ નથી પરંતુ આપણી જડમતિ જ અહલ્યા છે. તલગાજરડી દૃષ્ટિએ માનસમાં જાનકીરૂપી આદિશક્તિની બાર પીઠ છે. એમાં પહેલી ધનુષપીઠ છે. આજે એ જાનકી આપણી સાથે સ્થૂળરૂપે નથી; રામ નથી; આપણી પાસે એ પ્રસંગ છે. ક્યાં ત્રેતાયુગ, ક્યાં કળિયુગ ! તો એને આજનું સત્ય કેવી રીતે બનાવી શકાય ? આજે પણ રામકથા પ્રાસંગિક શા માટે લાગે છે ? એ સિદ્ધ થઈ ચૂક્યું છે કે આટલી પુરાણી સનાતની કથા આપણા જીવનનું સત્ય બની શકે છે. એ સમયે રામ શિવનું ધનુષ તોડે છે અને તુલસી કહે છે કે આજે આપણી અંદર પણ જે અહંકારનું ધનુષ છે એને આપણે તોડી નાખીએ તો આજે પણ શાંતિરૂપી, શક્તિરૂપી, ભક્તિરૂપી સીતા આપણા કંઠમાં માળા પહેરાવી શકે છે. અને ગંગાસતીના શબ્દો જીવનમાં ઉતારીએ તો બાવનબારા નીકળી જઈએ.... ‘ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું...’
 
- આલેખન - હરદ્વાર ગોસ્વામી 
કુલ દૃશ્યો |