યુધિષ્ઠિર: મહાભારતનું અજાતશત્રુ તથા પરમ દયાળુ પાત્ર

    ૧૭-ઓક્ટોબર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
મહાભારતનું એક પાત્ર, કે જે પોતાની સત્યનિષ્ઠતા અને ધર્મભાવનાના યુગબળે આખી જિંદગી જીવ્યું. તે ધર્મપુત્ર હતા. પાંચ પાંડવોમાં સૌથી મોટાભાઈ. .તે પાત્ર છે યુધિષ્ઠિરનું. જેણે કૌરવોની સાથે ગુરૂ દ્રોણાચાર્ય પાસેથી ધનુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ, મહાભારતના યુદ્ધને જીત્યા પછી પાંડવોમાં સૌથી મોટાભાઈ હોવાથી હસ્તીનાપુરના રાજા પણ બન્યા અને તેમના નેતૃત્વ હેઠળ, પાંડવોએ 36 વર્ષ સુધી શાસન પણ કર્યું. તેમના રાજ્ય કાર્યથી પ્રજા સંતુષ્ટ હતી. ધર્મની સૂક્ષ્મતમ ભાવનાને વિવેકપૂર્વક પોતાના જીવનમાં ઉતારનાર આખા મહાભારતમાં યુધિષ્ઠિર અદ્વિતીય હતા. યુધિષ્ઠિર તપસ્વી, ધર્મપ્રિય, સરળ પ્રકૃતિના, મદ, માન, મોહ, દંભ, કામ અને ક્રોધથી રહિત, સત્યવાદી, સૌમ્ય, પ્રજાનું પુત્રની જેમ પાલન કરનારા, સમ ભાવવાળા, વત્સલ, મહાવિદ્વાન, જ્ઞાની અને શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. ધર્મનેને લગતા દરેક પ્રશ્નના ઉત્તર મહાભારતમાં યુધિષ્ઠિરના મુખેથી કહેવાયા છે. તે અજાતશત્રુ અને પરમદયાળુ હતા. તેમની સત્યનિષ્ઠા, ધર્મનિષ્ઠાના અનેક પ્રસંગો છે.
 

જ્યારે યુધિષ્ઠિરે કહ્યું આપણામાંથી એકનું અપમાન એટલે ૧૦૫નું અપમાન

 
યુધિષ્ઠિર અજાતશત્રુ હતા તેનું એક ઉદાહરણ જુવો. દુર્યોધન દુર્દશામાં સપડાયેલા પાંડવોને પોતાનો અતુલ વૈભવ દેખાડીને બાળવા માટે ઘોષયાત્રાના નિમિત્તથી દ્વૈતવનમાં ગયો હતો. તે વખતે ચિત્રસેન ગંધર્વે તેને કેદ કરીને ત્યાંથી પોતાના સ્થાને લઈ જવા માંડ્યો. આ વાતની યુધિષ્ઠિરને ખબર પડી, આ સાંભળી ભીમ તો રાજી થયો પણ યુધિષ્ઠિર ચિંતામાં પડી ગયા. તેમણે તરત ભીમને આદેશ આપ્યો કે દુર્યોધનની મદદ કરવામાં આવે અને તેને બચાવવામાં આવે. જેનાથી ભીમને નવાઈ લાગી. ભીમે કહ્યું કે તમે એ વ્યક્તિની રક્ષા કરવાનું કહી રહ્યા છો જેણે આપણી સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો. દ્રોપદીનું ચીરહરણ કર્યુ. જેના કારણે આ વનવાસ ભોગવાનો વારો આવ્યો છે. આ વખતે અર્જુન પણ અહીં હાજર હતો. તે કઈ ન બોલ્યો.
 
બસ યુધિષ્ઠિરનો આદેશ સાંભળી બાણ ઉઠાવી તે દુર્યોધનની રક્ષા કરવા પહોંચી ગયો. દુર્યોધનને બચાવીને અર્જુન યુધિષ્ઠિર પાસે આવે છે અને કહે છે અમે શત્રુને પરાજય આપ્યો છે અને દુર્યોધનને તેની બંદીમાંથી છોડાવી દીધો છે. આ સમાચાર મળ્યા પછી ભીમને સમજાવતા યુધિષ્ઠિર કહે છે. "વયમ્ પંચાધિકમ્ શતમ્" આપણે ભલે પાંચ વિરુદ્ધ એકસો લડતાં હોઈએ, પરંતુ બહારનાઓ માટે આપણે ૫+૧૦૦ - પાંડવો+કૌરવો-એક છીએ ! માટે મેં આપણા ભાઈ દુર્યોધનને છોડાવી લાવવાનું કહ્યું હતુ !
 
યુધિષ્ઠિરની અજાતશત્રુતાનો બીજો દાખલો જોઈએ. દ્યુતસભામાં દુર્યોધને કપટી શકુનિ દ્વારા કપટ કરીને યુધિષ્ઠિરને હરાવ્યા અને દ્રોપદીનું વસ્ત્ર ખેંચી અપમાન કર્યું ત્યારે ભીમસેન તેને મસળી નાખવા તૈયાર હતો પણ યુધિષ્ઠિરે જ ભીમને રોક્યો. આ યુધિષ્ઠિરના ધૈર્ય અને ક્ષમાની પરાકાષ્ઠા હતી. યુધિષ્ઠિર કેવા અજાતશત્રુ હશે કે ધૃતરાષ્ટ્ર જેવો પુત્રમોહી માણસ પણ વનમાં ગયેલા યુધિષ્ઠિરના ગુણો સંભારીને કેટલીય વખત રડતા હતા અને તેમને વખાણતા હતા.
 

જેમણે ભાઈઓ માટે સ્વર્ગને છોડી દીધુ

 
પાંડવો મહાભારતની લડાઇ જીતી ગયા. યુધિષ્ઠિરને હસ્તીનાપુરના રાજા જાહેર કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, પાંડવોએ 36 વર્ષ સુધી શાસન કર્યું. બીજી તરફ એક ઋષિએ પાંડવોને સમજાવ્યું કે તમારો ઉદેશ પૂરો થઈ ગયો છે, તમારે હવે અંતિમ યાત્રા માટે હિમાલય તરફ જવું જોઈએ. ત્યાર બાદ અર્જુનના પૌત્ર અને અભિમન્યુના પુત્ર પરીક્ષીતને રાજપાઠ સોંપી પાંડવો અને દ્રૌપદી હિમાલય તરફ પ્રસ્થાન કર્યુ. રાજપાઠ છોડીને પાંડવો મોક્ષની મહાયાત્રા પણ હિમાલય તરફ નીકળી ગયા. મહાપ્રયાણની આ યાત્રામાં પહેલા દ્રોપદી અને ત્યારબાદ એક પછી એક પાંડવોના પ્રાણ નીકળી ગયા. આ મયાપ્રયાણમાં તેમની સાથે એક કુતરો પણ હતો. બસ અંતે યુધિષ્ઠિર અને આ કુતરો જીવિત રહ્યા. ત્યારે ઇન્દ્ર પોતે રથ લઈને આવ્યા અને યુધિષ્ઠિરને તેમાં બેસી સ્વર્ગે આવવા કર્યું. ત્યારે યુધિષ્ઠિરે ઇન્દ્રને કહ્યુ કે હું મારા ભાઈઓને તથા દ્રોપદીને છોડીને સ્વર્ગમાં નહિ આવું. ઇન્દ્રે કહ્યું કે તમે તેમને સ્વર્ગમાં જોશો. તેઓ દેહ છોડીને સ્વર્ગમાં ગયા છે, તમે સઃદેહ સ્વર્ગમાં ચાલો.
 
યુધિષ્ઠિરે કહ્યું કે આ કૂતરો મારો ભક્ત છે તેથી તે પણ મારી સાથે સ્વર્ગમાં આવવો જોઈએ. ઇન્દ્રે કહ્યું, ધર્મરાજ આ તે કેવો મોહ? તમે સિદ્ધી અને અમરત્વને પ્રાપ્ત થઈ ચૂક્યા છો. તમે સ્વર્ગ સુખને પ્રાપ્ત થયા છો. માટે તમે આ અપવિત્ર કૂતરાને છોડી દો. એમાં કંઈ નિર્દયતા નથી. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આવું કરવું એ આર્યનો ધર્મ નથી. જે સ્વર્ગ માટે મારે મારા ભક્તનો ત્યાગ કરવો પડે તે સ્વર્ગ માને ન ખપે. ભલે મને સ્વર્ગ ન મળે પણ આ ભક્તને હું ન છોડી શકું. આ પછી તરત જ કુતરું અદ્રશ્ય થઈ થાય છે અને ખુદ ધર્મરાજ પ્રગટ થાય છે. અને ધર્મરાહ યુધિષ્ઠિરને કહે છે કે “હું તમારી સત્ય અને કર્તવ્ય નિષ્ઠાને જોવા જ આવ્યો હતો. તમે મારી પરીક્ષામાં ઉતીર્ણ થયા છો. અને ત્યાર પછી યુધિષ્ઠિર સ્વર્ગમાં જાય છે. પાંચ પાંડવોમાં એક માત્ર યુધિષ્ઠિર જ સઃદેહ સ્વર્ગમાં પહોંચે છે….
 
 

માત્ર એકવાર સત્ય છોડયુ… નરો વા કુંજરો વા

 
કુરૂક્ષેત્રના મેદાન પર દ્રોણગુરૂ પાંડવ સેના પર કાળો કેર વર્તાવી રહ્યા હતા. દ્રોણ મોટી સંખ્યામાં સંહાર મચાવવા માંડ્યા. જેનાથી પાડવો ચિંતામાં પડી ગયા. જો દ્રોણને પરાજિત કરવા અધરા હતા. ભલે પાંડવોના ગુરૂ દ્રોણ હતા પણ આજે દ્રોણગુરૂ એવું યુદ્ધ ખેલી રહ્યા હતા જે પાંડવોને પણ ખબર નહોતી પડતી. આથી આવા સમયે કૃષ્ણે યુધિષ્ઠિરને યોજના બનાવી દ્રોણનો અંત આણવાની સલાહ આપી. એ તો સર્વ જાણતા હતાં કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્ર ઉગામેલા છે ત્યાં સુધી કોઈ યોદ્ધા દ્વારા તેમનો નાશ કરવો શક્ય નથી
 
દ્રોણનો પુત્રપ્રેમ કૃષ્ણ જાણતા હતા. દ્રોણનું આખુયં જીવન અશ્વત્થામા પર અવલંબી રહ્યું છે. આથી કૃષ્ણએ એવી સલાહ આપી કે દ્રોણનો પુત્ર અશ્વત્થામા યુદ્ધમાં મરાયો છે એવી વાત દ્રોણ સુધી પહોંચાડો. આવી ખબર સાંભળી દ્રોણ હથિયાર હેઠા મુકશે જ. પણ સત્યપ્રેમી યુધિષ્ઠિરને આ ગમતું નથી પણ કૃષ્ણ ધર્મની જીત અને સૈનિકોના જીવ બચાવવા માટે યુધિષ્ઠિર સમક્ષ આ જુઠાણાને ઉચિત ગણાવે છે. પણ યુધિષ્ઠિર આ વાત માનવા તૈયાર થતા નથી. અંતે ભીમ કૌરવ સેનાના જાણીતા અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે અને દ્રોણગુરૂને સંભળાય એ રીતે બૂમ પાડે છે કે અશ્વત્થામા માર્યો ગયો! અશ્વત્થામા માર્યો ગયો! આ વાત દ્રોણગુરૂ સાંભળે છે પણ ભીમની વાત તેમના ગળે ઉતરતી નથી એટલે સત્યની ખરાઈ કરવા તેઓ યુધિષ્ઠિરને પસંદ કરે છે. ધર્મરાજ યુધિષ્ઠિર અસત્ય ન બોલે એ વિશ્વાસે તેમણે યુધિષ્ઠિરને પુછ્યું. યુધિષ્ઠિર તેમને કહે છે કે અશ્વત્થામા માર્યો ગયો છે અને સંપૂર્ણ જૂઠું ન બોલવા ન સંભળાય તેમ ગણગણે છે કોણ જાણે નર કે હાથી (અશ્વત્થામા - નરો વા કુંજરો વા). એવું પણ કહેવાય છે કે યુધિષ્ઠિરે તે શબ્દો જોરથી જ કહ્યાં હતાં પણ તે શબ્દો બોલાયા ત્યારેજ કૃષ્ણે પોતાનો શંખ વગાડ્યો જેથી દ્રોણને તે સંભળાય નહીં આ વાતની ખાત્રી થતાંજ દ્રોણ પોતાના હથિયાર મુકી દઈ ધ્યાન ધરી લે છે.
 
યુધિષ્ઠિર માત્ર ધર્મના જ નહીં, શસ્ત્રોના પણ જ્ઞાતા હતા. ઘણી વખત તેમણે ધનુષ્ય ધારણ કરીને યુદ્ધો કર્યાં છે. શ્રીકૃષ્ણ જોડે યુદ્ધ કરવાની ઇચ્છા રાખનારા શલ્ય જેવા સમર્થ યોદ્ધાને યુધિષ્ઠિરે હણ્યો હતો. અર્જુન અને ભીમસેન જેવા બે સમર્થ યોદ્ધા પાસે હોવાથી યુદ્ધમાં કૌવત બતાવવાનું યુધિષ્ઠિરના ભાગે ભાગ્યે જ આવતું. પણ એકવાર દ્રોણને હથિયાર નીચે મૂકાવવા યુધિષ્ઠિરે જે કર્યુ તે સમજવા જેવું છે. તેમાં પણ એક ધર્મ-ઉપદેશ છે. પણ એવું કહેવાય છે કે યુધિષ્ઠિર જીવનમાં કદી ખોટું ન્હોતા બોલ્યા જેનાથી તેમોનો રથ જમીનથી થોડો ઊંચે રહેતો પણ અશ્વત્થામા - નરો વા કુંજરો વા આ પ્રસંગ પછી યુધિષ્ઠિરનો રથ જમીન પર આવી ગયો હતો…

 

યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ… જીવનની કેટલીક ગહન વાતો

 
મહાભારતમાં જીવનની કેટલીક ગહન વાતો યક્ષપ્રશ્નો અને યુધિષ્ઠિરના ઉત્તરો દ્વારા રજૂ થઈ છે. જેની મહાભારતમાં અલગથી નોંધ લેવાઈ છે. 'યક્ષપ્રશ્નો' અને યુધિષ્ઠિર તેના જે ઉત્તરો આપે છે તે સફળ અને સ્વસ્થ જીવનનાં ગહન સૂત્રો તરીકે ઓળખાય છે ? યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ પર આખો અલગ લેખ થાય પણ એટલું સમજી લઈએ કે આ સંવાદમાં માણસના જીવનની ગહન વાતો સરળ રીતે સમજાવવામાં આવી છે…
 


અને છેલ્લે…

 
યુધિષ્ઠિરનો મતલબ થાય છે યુદ્ધમ્ સ્થિરમ્ એટલે કે યુદ્ધમાં જે સ્થિર છે. જેનું મન શાંત છે અને તે તેના કાબૂમાં છે. ગમે તેવી વિકટ પરિસ્થિરિમાં તે શાંત રહી શકે છે. એટલે જ કહેવાય છે કે મન પર કાબૂ મેળવવો એટલે તમે યુધિષ્ઠિરનીની શક્તિ મેળવી છે.