બર્બરિક : માત્ર એક બાણસંધાનથી સમગ્ર યુદ્ધ પૂરું કરી શકનાર મહાભારત મહાયુદ્ધનો મહાનાયક

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
મહાવીર પાંડુપુત્ર ભીમસેને હિડિમ્બા રાક્ષસી સાથે લગ્ન કર્યું હતું અને તેનાથી તેમને ઘટોત્કચ નામે અત્યંત પરાક્રમી પુત્ર થયો હતો. ઘટોત્કચે ભગવાન શ્રીકૃષ્ણના આદેશથી ભૌમાસુરના નગરપાલ મુર દાનવની રૂપાળી કન્યા કામકટંકટા સાથે લગ્ન કર્યું હતું. ઘટોત્કચને મુર ક્ધયાથી બર્બરિક નામે પુત્ર થયો હતો. આ બર્બરિક યુવાન થતાં મહિસાગર સંગમ તીર્થમાં જઈ ત્રણ વર્ષ સુધી દેવીઓની ઉપાસના અને આકરુ તપ કર્યું. તેની તપસ્યાથી પ્રસન્ન થઈ દેવીઓએ બર્બરિકને પ્રત્યક્ષ દર્શન આપી ત્રણે લોકોમાં કોઈની પાસે ન હોય એવું દુર્લભ બળ અને ત્રણ તીર આપ્યા. પાંડવોના વનવાસ દરમિયાન બર્બરિક અને ભીમ વચ્ચે તળાવમાં સ્નાન કરવાના મુદ્દે મહાભયંકર યુદ્ધ થયું હતું. ત્યારે ભગવાન શંકરે આકાશવાણી દ્વારા બર્બરિકને કહ્યું હતું કે, ‘ભીમસેન એ તારા દાદા છે. ત્યારે બર્બરિકે ભીમસેનની માફી માંગી હતી.’
 
જ્યારે પાંડવોના વનવાસની અવધિ પૂરી થઈ અને દુર્યોધને તેમનું રાજ્ય પાછું આપવાનું ન સ્વીકાર્યું, ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધની તૈયારી થવા લાગી. યુદ્ધની શરૂઆતમાં મહારાજા યુધિષ્ઠરે અર્જુનને પોતાના પક્ષના મહારથીઓની શક્તિ વિશે પૂછપરછ કરી. અર્જુને બધાનાં પરાક્રમોની પ્રશંસા કરી છેવટે જણાવ્યું કે, ‘હું એકલો જ કૌરવોની સેનાનો એક દિવસમાં વિનાશ કરવા સમર્થ છું.’ આ વાત સાંભળીને બર્બરિકથી રહેવાયું નહીં. તેણે કહ્યું, ‘મારી પાસે એવાં દિવ્ય અસ્ત્ર-શસ્ત્રો તેમજ પદાર્થો છે કે, જેથી હું એક મુહૂર્તમાં જ આખી કૌરવસેનાને યમરાજને ઘેર પહોંચાડી શકું છું.’
 
ભગવાન શ્રીકૃષ્ણે બર્બરિકની વાતનું સમર્થન કર્યું અને પછી કહ્યું, ‘બેટા ! તમે, ભીષ્મ, દ્રોણ વગેરેથી રક્ષાયેલી કૌરવસેનાને મુહૂર્ત માત્રમાં જ કેવી રીતે મારી શકો છો?’
 
ભગવાનની વાત સાંભળી અસામાન્ય બળવાન બર્બરિક પોતાનું ધનુષ ચઢાવી તે પર એક પોલું બાણ મૂક્યું અને તે બાણને લાલ રંગની રાખોડીથી ભરી, કાન સુધી તાણી છોડી દીધું. તે બાણથી ઊડેલી ભસ્મ બન્ને સેનાઓના સૈનિકોના મર્મસ્થળ પર જઈ પડી. માત્ર પાંડવો, કૃપાચાર્ય અને અશ્ર્વત્થામાના શરીર પર તે પડી નહીં. બર્બરિકે આટલું કરીને કહ્યું, ‘આપે જોયું હશે કે મેં આ ક્રિયાથી મારનારા વીરોના મર્મસ્થાનોનું નિરીક્ષણ કર્યું છે. હવે દેવીએ આપેલાં તીક્ષ્ણ બાણો તેમનાં મર્મસ્થળોમાં મારી તેમને સુવાડી દઈશ. આપ સર્વને આપના ધર્મના સોગંદ છે કે કોઈ પોતાનું શસ્ત્ર ન વાપરે. હું બે ઘડીમાં જ શત્રુઓને મારી નાખું છું.
 
બર્બરિક અતુલ બળવાન હતો, ધર્માત્મા હતો. અને વિનયી પણ હતો, પણ આ વખતે અહંકારથી તેણે ધર્મની મર્યાદા તોડી નાખી. બન્ને સેનાઓમાં અનેક વીરોને દેવતાઓ અને ઋષિઓ પાસેથી વરદાન મળેલાં હતા. તે બધાં વરદાનોને ફોક કરવાથી દેવતાઓ, ધર્મ તેમજ તપની મર્યાદા જ નષ્ટ થઈ જાત. ધર્મની મર્યાદાના રક્ષણ માટે જ અવતાર ધારણ કરનારા ભગવાન શ્રીકૃષ્ણે બર્બરિકની આ વાત સાંભળી પોતાના ચક્રથી તેનું માથું કાપી નાખ્યું. બર્બરિકના મરણથી બધા લોક સ્તબ્ધ થઈ ગયા. પાંડવો શોકમાં ગરકાવ થયા. ઘટોત્કચ મૂર્ચ્છિત થઈ ધરણી પર ઢળી પડ્યો. તે જ વખતે ત્યાં ચૌદ દેવીઓ આવી. તેમણે ઘટોત્કચ તથા પાંડવોને જણાવ્યું કે, ‘બર્બરિક પૂર્વજન્મમાં સૂર્યવર્ચા નામનો યક્ષ હતો. દેવતાઓ બ્રહ્માજી સાથે પૃથ્વીનો ભાર હળવો કરવા માટે મેરુ પર્વત પર ભગવાન નારાયણની જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા, ત્યારે અહંકારી બની તે યક્ષે કહ્યું, ‘પૃથ્વીનો ભાર તો હું જ દૂર કરી દઈશ.’ તેના ગર્વને લીધે નારાજ થઈ બ્રહ્માજીએ તેને શાપ આપ્યો કે ભૂમિનો ભાર દૂર કરતી વખતે ભગવાન તેનો વધ કરશે. બ્રહ્માજી તે શાપને સત્ય ઠરાવવા માટે જ ભગવાન શ્રીકૃષ્ણચંદ્રે બર્બરિકને માર્યો છે.’
 
ભગવાનની આજ્ઞાથી દેવીઓએ બર્બરિકના માથાને અમૃત સીંચી રાહુના માથાની પેઠે અજર-અમર બનાવી દીધું. તે મસ્તકે યુદ્ધ જોવાની ઇચ્છા કરી, તેથી ભગવાન શ્રીકૃષ્ણે તેને એક પર્વત પર સ્થાપિત કર્યું અને જગતમાં પૂજાવાનું તેને વરદાન આપ્યું. આમ, આ બર્બરિક હાલ બળિયાદેવના નામે પૂજાય છે. મહાભારતના સમગ્ર યુધ્ધને બર્બરિકે જીવંત જોયું હતું.