દ્રોણ : અજેય અને પ્રતાપી યુદ્ધ વિશારદ

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
મહાન ઋષિ ભારદ્વાજ મુનિના પુત્ર દ્રોણના નામની કથા પણ રોચક છે. દ્રોણના ગર્ભનું ફલન ‘દ્રોણ’માં થયું હોવાથી આ બાળકનું નામ દ્રોણ રાખવામાં આવ્યું. દ્રોણ એ ખાખરાના પાનમાંથી બનતા પડિયા માટેનો સંસ્કૃત શબ્દ છે. પડિયા-દ્રોણમાં ભારદ્વાજના વીર્ય અને એક અપ્સરાના અંડનું ફલન થવાથી દ્રોણનો જન્મ થયો હતો. દ્રોણના પિતાજી ભારદ્વાજ મુનિ તે સમયના વિદ્વાન આચાર્ય ગણાતા હોવાથી વિશ્ર્વભરના રાજાઓ તેમના સંતાનોને ભારદ્વાજ મુનિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મોકલતા. તેમના ગુરુકુળ આશ્રમમાં પાંચાલ રાજ્યના રાજકુમાર દ્રુપદ પણ વિદ્યાભ્યાસ કરતા હતા. યોગાનુયોગ દ્રોણ અને દ્રુપદ સમવયસ્ક હોવાથી સહાધ્યાયી હોવા ઉપરાંત સહૃદયી પણ બની ગયા. બંનેની મિત્રતા એટલી પ્રગાઢ બની કે રાજકુમાર દ્રુપદે મિત્ર દ્રોણને વચન આપ્યું કે હું પાંચાલ રાજ્યનો રાજા બનીશ પછી મારું અર્ધું રાજ્ય તને આપી દઈશ.
 
કાળક્રમે દ્રુપદ પાંચાલ રાજ્યના રાજા બને છે. અશ્ર્વત્થામાના જન્મ પછી કૃપી તેમની દારુણ નિર્ધનતા અનુભવવા લાગી. પુત્રનું યથાયોગ્ય પાલન-પોષણ નહીં થઈ શકતું હોવાથી કૃપિ અને દ્રોણ વ્યથિત રહેતાં. અન્ય બાળકોને પ્રતિદિન દૂધ પીતા જોઈને એક વાર અશ્ર્વત્થામાએ માતા કૃપિ પાસે દૂધ માંગ્યું. પરંતુ દારુણ નિર્ધનતા ભોગવતા આ પરિવાર માટે દૂધ પણ દોહ્યલું હતું. અંતે બાળહઠને સંતોષવા કૃપિએ પાણી ગરમ કરીને તેમાં ઘઉંનો લોટ અને સાકર મેળવીને દ્રાવણ તૈયાર કર્યું અને તે દૂધ છે તેમ કહીને પુત્ર અશ્ર્વત્થામાને આપ્યું. નિર્દોષ અશ્ર્વત્થામાને અત્યંત આનંદથી તે ‘નકલી’ દૂધ પીતો જોઈને ‘પિતા’ દ્રોણ અત્યંત વ્યથિત થયા. તેમને સ્વયંસ્વીકૃત નિર્ધનતા પ્રત્યે તિરસ્કાર થયો અને તે જ ક્ષણે તેમને પોતાના સહાધ્યાયી અને હવે પાંચાલ રાજ્યના રાજા બનેલા દ્રુપદનું ‘અર્ધા રાજ્ય’ના વચનનું સ્મરણ થયું.
 
અત્યંત નિસ્પૃહી એવા દ્રોણ પાંચાલ નરેશ દ્રુપદની રાજ્યસભામાં પહોંચે છે અને રાજાને તેણે આપેલા વચનનું સ્મરણ કરાવીને કહ્યું છે કે, ‘મારે તારું રાજ્ય તો નથી જોઈતું, તું માત્ર મારા યોગક્ષેમ માટે જીવનનિર્વાહની વ્યવસ્થા કર.’
 
રાજા બન્યા પછી સત્તાંધ બનેલા દ્રુપદે એક સમયના તેના સહૃદયીની રાજ્યસભામાં ઠેકડી ઉડાડતાં કહ્યું કે એક ભિક્ષુક અને એક રાજકુમાર વચ્ચે મિત્રતા કેવી રીતે હોઈ શકે ? દ્રુપદે દ્રોણને અપમાનિત કરીને રાજ્યસભામાંથી તગેડી મૂક્યા તે જ ક્ષણે તેમણે દ્રુપદનો પ્રતિશોધ લેવાની તેમણે પ્રતિજ્ઞા કરી.
 
દ્રુપદને પરાસ્ત કરવા માટે નિર્ધન અકિંચન દ્રોણ માટે એક માત્ર આશા હતી. અવતારી ઋષિ પરશુરામે ઉદ્દંડ બનેલા ક્ષત્રિયોનો સંહાર કરીને પ્રજાનું રક્ષણ કર્યું હતું. તેથી પરશુરામના શરણે જઈને દ્રોણ સહાયતાની યાચના કરે છે, પરંતુ પરશુરામે દ્રોણને એમ કહીને પોતાની અસમર્થતા વ્યક્ત કરી કે ‘મેં મારું સર્વસ્વ અન્ય મુનિઓ તથા બ્રાહ્મણોને સમર્પિત કર્યું છે. મારી પાસે હવે માત્ર ધનુર્વિદ્યા જ રહી છે. જો તારી ઇચ્છા હોય તો હું તને ધનુર્વિદ્યા શીખવી શકીશ, જે પ્રાપ્ત કરીને તું વિશ્ર્વનો અદ્વિતીય ધનુર્ધર બનીશ.’
 
પરશુરામના વચનમાં દ્રોણને આશાનું કિરણ દેખાયું. તરત જ તેઓ પરશુરામના શિષ્ય બન્યા અને વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ અપરાજેય ધનુર્ધારી બન્યા.
 
એક વાર કુરુવંશી રાજકુમારો કંદુક ક્રીડામાં (ક્રિકેટ ?) મગ્ન હતા ત્યારે કંદૂક (દડો) એક કૂવામાં પડી જાય છે. દડાને કાઢવા જતાં યુધિષ્ઠિરની રત્નજડિત અંગુઠી કૂવામાં પડી જાય છે. યોગાનુયોગ દ્રોણ તે જ સમયે ત્યાંથી પસાર થતા હતા. બધી વિગતો જાણીને દ્રોણે રાજકુમારોને કટાક્ષમાં કહ્યું કે, રાજકુમારો થઈને તમને ધનુર્વિદ્યા પણ નથી આવડતી કે જેનાથી તમે આ દડો અને વીંટી કૂવામાંથી બહાર કાઢી શકો ? જુઓ, હું મારા બાણથી ક્ષણાર્ધમાં જ તમારી વસ્તુઓ ઊંડા કૂવામાંથી લાવી આપું છું ! દ્રોણે તેમની અદ્ભુત ધનુર્વિદ્યાથી દડો અને વીંટી કૂવામાંથી બહાર કાઢ્યા. રોમહર્ષિત થયેલા રાજકુમારોએ દોડીને ભીષ્મ પિતામહ અને કુળગુરુ કૃપાચાર્યને આ ‘ચમત્કાર’ની વાત કરી ત્યારે એ બંનેને ધ્યાનમાં આવી ગયું કે આ ચમત્કાર માત્ર દ્રોણ જ કરી શકે. તે બંનેની વિનંતીથી દ્રોણે હસ્તિનાપુરના રાજ્યાશ્રિત બનીને રાજકુમારોને શસ્ત્રાસ્ત્રની શિક્ષા-દીક્ષા આપવાનું સ્વીકાર્યું. કૌરવ-પાંડવોની સાથે તેમણે પોતાના પુત્ર અશ્ર્વત્થામાને પણ વિદ્યા આપી, પરંતુ અર્જુન બધી જ રીતે સૌથી કૌશલ્યવાન શિષ્ય હતો તેથી પુત્રમોહાંધ હોવા છતાં દ્રોણે અર્જુનને વિશેષ શિક્ષા-દીક્ષા આપ્યા હતા.
 
વિશ્ર્વના શ્રેષ્ઠ ધનુર્ધારી હોવા ઉપરાંત દ્રોણ અદ્વિતીય રણનીતિકાર હતા. મહાભારતમાં સાતમા પર્વનું નામ ‘દ્રોણપર્વ’ છે. મહાભારત યુદ્ધના દસમા દિવસે ભીષ્મ પિતામહ બાણશય્યા ઉપર જકડાઈ ગયા, તેથી અગિયારમા દિવસે દુર્યોધન આચાર્ય દ્રોણને કૌરવ સેનાના સેનાપતિ નિયુક્ત કરે છે. બે દિવસના ભીષણ યુદ્ધ પછી પણ દ્રોણ દુર્યોધનને આપેલા વચન પ્રમાણે યુધિષ્ઠિરને પકડી શકતા નથી. તેથી દુર્યોધન દ્રોણને અપમાનિત કરે છે. તેથી કોપિત થયેલા દ્રોણ યુદ્ધના ૧૩મા દિવસે ચક્રવ્યૂહની રચના કરીને પાંડવોને હંફાવે છે. ચક્રવ્યૂહને પરિણામે અભિમન્યુ કરુણ રીતે વીરગતિને પામે છે. અભિમન્યુને મૃત્યુ સમયે અપમાનિત કરનારા જયદ્રથને અર્જુનની વધની પ્રતિજ્ઞાથી બચાવવા દ્રોણ ચૌદમા દિવસે ત્રિવ્યૂહની રચના કરીને જયદ્રથને બધી જ રીતે સુરક્ષિત બનાવે છે. અર્જુન પણ દ્રોણના આ વ્યૂહને ભેદી શકતો નથી. પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણની મુત્સદ્દી નીતિને કારણે જ જયદ્રથ વધની અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ થાય છે. પ્રખર વ્યૂહકાર અને મહારથી યોદ્ધા દ્રોણને પાંડવો કોઈ રીતે હરાવી શકશે નહીં એવું જાણનારા ભગવાન શ્રીકૃષ્ણ દ્રોણની એકમાત્ર મર્યાદા જાણતા હતા અને તે હતો તેમનો અસીમ પુત્રમોહ. પુત્ર અશ્ર્વત્થામા માટે કંઈ પણ કરવા માટે તત્પર દ્રોણના કાને જો અશ્ર્વત્થામાના મૃત્યુની વાત પહોંચે તો તે જ ક્ષણે તે શસ્ત્રો હેઠાં મૂકી દેશે. આ સત્ય જાણનારા ભગવાન શ્રીકૃષ્ણ વાયુપુત્ર ભીમ પાસે અશ્ર્વત્થામા નામના હાથીનો વધ કરાવે છે અને ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં શંખનાદની વચ્ચે અશ્ર્વત્થામા હણાયોની ઘોષણાઓ કરાવે છે. આ ઘોષણાની સત્યતા માટે યુધિષ્ઠિરને પૂછેલા પ્રશ્ર્ન ઉત્તરમાં યુધિષ્ઠિરે કહેલા એ પુરુષ હોય કે હાથી પણ હોય (નરો વા કુંજરો વા) એ શબ્દો પુત્રોમોહાંધ દ્રોણ સાંભળી શકતા નથી અને દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યમ્નના હાથે તેમનું કરુણ મૃત્યુ થાય છે. વિદ્યાભ્યાસ કરાવતી વખતે અર્જુન તથા એકલવ્ય પ્રત્યે કરેલા પક્ષપાતને કારણે વિદ્યાદેવી સરસ્વતીએ દ્રોણને શાપ આપ્યો હતો કે તેમનું મૃત્યુ અસહાય અને નિ:શસ્ત્ર અવસ્થામા થશે. બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, બ્રહ્મમાં શીર્ષાસ્ત્ર વાવવાસ્ત્ર સહિત અનેક અમોઘ, દિવ્ય શસ્ત્રાસ્ત્રોના ધની એવા આચાર્ય દ્રોણ કેવળ પુત્રમોહને કારણે કાળગ્રસ્ત થાય છે.
 
મહાભારતનાં પાત્રોમાં દ્રોણને અમરત્વ સાથે ઘનિષ્ઠ સંબંધ છે તેમ કહી શકાય, કેમ કે મહાભારત કાળને હજારો વર્ષો વીતી ગયા પછી આજે પણ ક્રીડાજગતના શ્રેષ્ઠ ગુરુ-પ્રશિક્ષકને દ્રોણાચાર્ય સન્માન (એવોર્ડ) આપવામાં આવે છે.