દુર્યોધન : ધુતરાષ્ટ્રનો મોટો પુત્ર, કૌરવસેનાનો સેનાપતિ

18 Oct 2019 14:24:35

 
 
મહાભારતની કથાઓમાં સહુથી વધુ વગોવાયેલ પાત્ર એટલે દુર્યોધન. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું પ્રથમ સંતાન અને કૌરવોમાં સહુથી મોટો ભાઈ એટલે દુર્યોધન. એ હસ્તિનાપુરની ગાદીનો ન્યાયિક વારસદાર અને હકદાર હતો. તેના જન્મ પહેલાંથી જ હસ્તિનાપુરની ગાદીના વારસ તરીકે ધૃતરાષ્ટ્રના આ પુત્રજન્મની તેનાં માતા-પિતા અત્યંત આતુરતાથી વાટ જોતા હતા. દુર્યોધનનો જન્મ થતાં જ્યારે ગાંધારીએ રાજજ્યોતિષીને તેડાવ્યા ત્યારે જ તેમણે ભવિષ્યવાણી કરી હતી કે તમારો આ પુત્ર કુરુકુળનો નાશ કરશે, તે પોતાના ભાઈઓ સાથે કાવાદાવા ખેલશે, ભાઈઓનો નાશ કરવાનો પ્રયત્ન કરશે. પોતાનો પુત્ર કુરુવંશનો વિનાશક ના બની રહે તેવું ઇચ્છતી ગાંધારી તો આ પુત્રનો ત્યાગ કરવા તૈયાર થઈ ગઈ હતી પરંતુ પુત્રમોહમાં અંધ બનેલા ધૃતરાષ્ટ્રે તેને એમ કરતાં અટકાવી અને ત્યારથી જ કુરુવંશના નાશના શ્રીગણેશ મંડાયા.
 
દુર્યોધનનું જીવન ત્રિપરિમાણીય હતું. શકુનિ, દ્રૌપદી અને કર્ણ - આ ત્રણ પાત્રોના સંસર્ગ અને સંપર્કમાં દુર્યોધનનું જીવનચક્ર ચાલ્યું અને વિરમ્યું છે. એક વ્યક્તિ તરીકે દુર્યોધનના ગુણોને મૂલવીએ તો જ્યારે કર્ણનું ‘સૂતપુત્ર’ કહીને સૌ અપમાન કરે છે અને તેની જાતિને કારણે તેનો તિરસ્કાર કરી તેને ધિક્કારે છે ત્યારે માત્ર ને માત્ર દુર્યોધન કર્ણની વીરતાને જોઈ તેને પોતાનો મિત્ર માને છે એટલું જ નહીં તેને અંગદેશનો રાજા પણ બનાવે છે. આ બાબત ભલે તે સમયની સમાજવ્યવસ્થાની વિરુદ્ધ હતી તેમ છતાં કર્ણની જાતિ તેને મિત્ર બનાવતી વખતે તેને કયાંય આડે આવતી નથી. આ તેની સરળ નિખાલસતા છે. આ જ કર્ણ મહાભારતના યુદ્ધ વખતે પણ તેના મૃત્યુની ક્ષણ સુધી તેનો સાચો મિત્ર થઈને મિત્રતા નિભાવે છે, તથા અંગરાજ બનવા છતાં હસ્તિનાપુરથી કુરુક્ષેત્ર સુધી દુર્યોધનનો પોતાના જીવનના અંત સુધી સાથ નિભાવે છે.
 
દુર્યોધનના બાળપણથી જ તેના વ્યક્તિત્વને સૌથી વધુ અસર કરનારી વ્યક્તિ તરીકે મહત્ત્વની વ્યક્તિ એટલે તેના શકુનિમામા. શતરંજના અઠંગ ખેલાડી એવા દુર્યોધનના આ મામા, ગાંધારી એટલે કે તેની બહેનની સાથે જ ગાંધાર છોડીને હસ્તિનાપુર આવ્યા હતા અને એક અંધ સાથે બહેનનાં લગ્ન થવાથી, બહેને આખી જિંદગી જાતે જ અંધાપો વેઠી લેવાથી ક્રોધનો એક છૂપો દાવાનળ શકુનિના મનમાં હંમેશાથી પ્રજ્વલિત રહેલો અને તેમણે કુરુવંશનો નાશ કરવાની તેમની હૃદયના ખૂણે સંઘરી રાખેલી પ્રતિજ્ઞાએ મહાભારતના યુદ્ધમાં પરોક્ષપણે ઘણી જ અગત્યની એવી ભૂમિકા ભજવી હતી, જેમાં તેમનું સૌથી મજબૂત પાસું એ દુર્યોધન હતો, જેનો તેમણે હંમેશા એક પ્યાદા તરીકે બખૂબી ઉપયોગ કર્યો. દુર્યોધનને પણ તેના મામા સૌથી નજીકના અને સાચા લાગતા, તેથી તેમની સલાહ તે મહદ્અંશે અવગણતો નહીં. દુર્યોધનમાં પાંડવો પ્રત્યે ધિક્કારની લાગણીને ઉશ્કેરવામાં, દુર્યોધનના ગુણોને અવગુણમાં પલોટવામાં શકુનિમામાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો જે અંતે તો કૌરવો-પાંડવો વચ્ચે થયેલા ભયંકર મહાભારતના યુદ્ધમાં પરિણમ્યો હતો.
 
મહાભારતના યુદ્ધ માટે કારણભૂત એવી મહત્ત્વની ઘટનાઓમાં એક પ્રસંગ એ દુર્યોધન અને દ્રૌપદી વચ્ચેનો છે. પાંડવોએ ખાંડવ વનને બાળીને મયાસુરની મદદથી ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ કર્યું હતું. અહીં સભામાં મયે એવી કારીગરી કરી હતી કે સભાની જમીન પણ પાણીના સરોવર જેવી લાગે, અને પાણી હોય ત્યાં જમીનનો આભાસ થાય. અજાણી વ્યક્તિ ગફલતમાં રહી જાય. દુર્યોધનને જલ અને જમીન વચ્ચેનો તફાવત દેખાયો નહીં એટલે એ સીધો પાણીમાં પડ્યો. આખી સભા આ દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગઈ. સભામાં સન્નાટો છવાઈ ગયો. અને પછી અચાનક શાંતિ ભેદતું હાસ્ય સભામાં ગૂંજી ઊઠ્યું, ‘અંધ પિતાનો અંધપુત્ર’. ક્રૂરતા અને અધમતાના ભાવ સાથે દ્રૌપદીએ કરેલા દુર્યોધનના આવા ભયંકર અપમાનની આગે દુર્યોધનના મનમાં શકુનિ દ્વારા પાંડવો વિરુદ્ધ પ્રજ્વલિત અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું અને કૃષ્ણ જેવા કુશળ વિષ્ટિકાર વચમાં પડ્યા છતાં દુર્યોધન યુદ્ધ ટાળવા માટે ટસનો મસ ન થયો, આખરે સમગ્ર કુરુવંશનો નાશ કરતું યુદ્ધ કૌરવો-પાંડવો વચ્ચે ખેલાયું.
 
દુર્યોધનના સમગ્ર જીવન-કવન પર નજર કરીએ તો ઘણા પ્રસંગોએ તેનામાં રહેલી સારપ ઊડીને આંખે વળગે છે, પણ એ માટે જ‚ર છે તેના પાત્રને તટસ્થ રીતે મૂલવવાની. તેની જાતિને કારણે હડધૂત અને અપમાનિત થઈ રહેલા કર્ણને તે પોતાના કોઈપણ અંગત સ્વાર્થ વિના અંગ દેશનો રાજા બનાવી પરંપરાગત ‚ઢિઓને પડકારે છે, એકલવ્ય સાથેનું તેનું વર્તન, સુભદ્રા માટે અર્જુન સાથે લડવાનો તેનો નકાર, પાંડવોને પડકારવાની એની હિંમત, મિત્રોમાં તેણે મૂકેલો અખૂટ વિશ્ર્વાસ વગેરે જોતાં એ એક ખલનાયકને બદલે મહાનાયક બની શકે તેવું તેનું ચરિત્ર ઊપસી આવે છે. એક જરા ઓછી પ્રચલિત એવી વાયકા એ પણ છે કે દુર્યોધનનું મૂળ નામ ‘સુયોધન’ હતું. એક અર્થ થાય છે ‘જેને પરાજિત કરવો મુશ્કેલ છે તે.’ પરંતુ તેને નીચો દેખાડવા માટે પાંડવોએ ‘સુ’ ની જગ્યાએ ‘દુ’ કરી દીધું હતું એવી પણ કિંવદંતી છે. દુર્યોધનનો બીજો અર્થ - ‘જેને શક્તિ કે શસ્ત્રનો ઉપયોગ કરતાં નથી આવડતું તે’ થાય છે, જેને પાંડવોએ પ્રચલિત કરી દીધો. જનસામાન્યમાં હંમેશા અત્યંત લુચ્ચા અને ઘમંડી કુરુકુમાર તરીકે દુર્યોધનનું પાત્ર વર્ણવાતું રહ્યું છે.
 
પુરાણોમાં સૌથી વધુ તિરસ્કૃત થયેલો ખલનાયક દુર્યોધન, તેનું એક ભાગ્યે જ જાણીતું એવું હકારાત્મક પાસું પણ છે. ગુપ્તવેશે છુપાયેલા પાંડવોની શોધમાં દુર્યોધન આ ગામમાં પહોંચ્યો ત્યારે ખૂબ જ તરસ્યો થઈ ગયો હતો. તેણે એક વૃદ્ધ સ્ત્રી પાસે પાણી માંગ્યું. વૃદ્ધાએ પાણીને બદલે પોતાની પાસે હતી તે તાડી તેને આપી અને દુર્યોધને તે પ્રેમથી પીધી. પછી તે સ્ત્રીને ખ્યાલ આવ્યો કે તેની સામે ક્ષત્રિય યોદ્ધો ઊભો હતો અને તે કુરાવા જાતિની અસ્પૃશ્ય ગણાતી જાતિની સ્ત્રી હતી. એ સમયની પ્રચલિત પ્રથા અનુસાર અસ્પૃશ્યના હાથનું પાણી પીનાર સવર્ણ પોતાની જાતિ ગુમાવી બેસે. પાપ કરનાર અસ્પૃશ્યને ભારે સજા થાય. વૃદ્ધ સ્ત્રી પોતાના જીવને પણ જોખમમાં મૂકીને સાચું બોલી પણ એના આશ્ર્ચર્ય વચ્ચે તલવારથી તેનું માથું ઉડાવી દેવાને બદલે દુર્યોધને કહ્યું, ‘માતા, ક્ષુધા અને તૃષ્ણાને કોઈ જાતિ નથી હોતી. ધન્ય છે તને, જેણે એક તરસ્યાની તરસ છીપાવવા માટે પોતાના પ્રાણ સંકટમાં મૂક્યા.’ ગ્રામવાસીઓ આ અનોખા ક્ષત્રિય કુમારને જોવા દોડી આવ્યા ત્યારે દુર્યોધને ત્યાં મંદિર બનાવવાની જાહેરાત કરી અને આસપાસનાં ગામો તેણે આ મંદિરને ભેટ ચડાવી દીધાં. તેણે કહ્યું કે મંદિરમાં કોઈ પ્રતિમાની સ્થાપના નહીં થાય અને મંદિરના પૂજારી તરીકે અસ્પૃશ્ય ગણાતી કુરાવા જાતિના લોકો રહેશે.
 
મહાભારતનાં યુદ્ધ પહેલાં દુર્યોધનની સુરક્ષા માટે ગાંધારી દુર્યોધનને ગંગા સ્નાન કરી નિર્વસ્ત્ર અવસ્થામાં જ તેની સામે આવવાનું કહે છે. દુર્યોધન જ્યારે નિર્વસ્ત્ર અવસ્થામાં જ માતા સામે જઈ રહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણ ચાલાકીપૂર્વક માતા-પુત્ર વચ્ચેની મર્યાદાની દુહાઈ આપીને દુર્યોધન પાસે તેની જાંગ પર કાપડનું આવરણ કરાવડાવી દે છે. પરિણામે ગાંધારીનાં આંખોના તેજથી દુર્યોધનનું સમગ્ર શરીર તો વ્રજનું બની જાય છે. પરંતુ જાંગનો ભાગ જેમનો તેમ રહી જાય છે મહાભારતનાં યુદ્ધ દરમિયાન ભીમ અને દુર્યોધન વચ્ચે યુદ્ધમાં વજ્રનો દુર્યોધન ભીમને હંફાવી નાખે છે ત્યારે શ્રીકૃષ્ણ ભીમને દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતની દુર્યોધનની જાંગ ચીરી નાખવાની પ્રતિજ્ઞા યાદ દેવડાવે છે અને પછી ભીમ દુર્યોધનની જાંગ પર પ્રહાર કરતા દુર્યોધનનું મૃત્યુ થાય છે.
Powered By Sangraha 9.0