દુ:શાસન : દુર્યોધનનો ભાઈ

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
મહાભારતમાં દુ:શાસનની જન્મકથા કૌરવોના જન્મ સાથે જોડાયેલ છે. પોતાની અપાર સેવાથી પ્રસન્ન થઈ મહર્ષિ વેદ વ્યાસ ગાંધારીને સો પુત્રોનું વરદાન આપે છે. અને સમય જતાં ગાંધારીને સો પુત્રો અને એક પુત્રી થાય છે. આમાંનો બીજા નંબરનો પુત્ર એટલે દુ:શાસન.
 
પાંડુપુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રોને ગુરુદ્રોણ યુદ્ધકળામાં નિપુણ બનાવે છે. જેમાં દુ:શાસનની વિદ્યાગ્રહણની પદ્ધતિ કંઈક વિશેષ જણાતી હતી. તે હંમેશા દુર્યોધનને સાથે રાખતો. પાંડવો કરતાં કૌરવો કઈ રીતે બળવાન બને તેની ચિંતામાં જ રહેતો. ગુરુકુળ આશ્રમમાં સર્વે વિદ્યા શીખવવામાં દુર્યોધનને પક્ષપાત ન થાય અને પોતે યુદ્ધવિદ્યામાં નિપુણ બને તેવા પ્રયત્નો કરતો હતો.
 
દ્રૌપદીના વસ્ત્રહરણમાં દુર્યોધનને મદદ કરવામાં દુ:શાસનની ભૂમિકા ક્રૂર ઘાતકી તથા સૌને તિરસ્કાર ઉપજાવે તેવી રહી છે. દ્યુતક્રીડામાં દુર્યોધન બધું જ જીતી લે છે. યુધિષ્ઠિર પાસે કશું બચતું નથી. ત્યારે જુગારમાં દ્રૌપદીને મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં મહાભારતની ચંડાળચોકડી દુર્યોધન, શકુનિ અને કર્ણની સાથે દુ:શાસનનું નામ પણ જોડાયેલું છે. દ્યુતક્રીડાના નિયમો પ્રમાણે હારેલ વસ્તુઓને વિજેતાને સોંપવી એ ન્યાયે જુગારમાં હારેલ દ્રૌપદીને દ્યુતક્રીડા સભામંડપમાં લાવવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે. સૌ કોઈને ખબર હતી કે દ્રૌપદીને આ રીતે લાવવી અધર્મ તથા અન્યાય છે. આ દુ:સાહસ કોણ કરે ? તુરત જ ભરીસભામાં દુર્યોધન જેને પોતાના ભાઈ દુ:શાસન પર ભરોસો હતો. તેને દ્રૌપદીને સભામંડપમાં લાવવાનું કામ સોંપે છે.
 
દ્રૌપદીના આર્તનાદથી શ્રીકૃષ્ણ તેને સાડીઓ-વસ્ત્રો સતત પૂરાં પાડે છે. એ દરમિયાન દુ:શાસન દ્રૌપદી પરથી ચીર ખેંચે છે. તેમાં તેનામાં રહેલ વિનાશક કુબુદ્ધિ તથા મિથ્યાબળનો પણ પરાભવ થાય છે. દુર્યોધનની સૂચના પ્રમાણે વર્તવામાં દુ:શાસન હારે છે.
 
મહાભારતના યુદ્ધમાં તેનો પરાજય તથા મૃત્યુનું વર્ણન છે.
 
બાહુબલી ભીમ દ્વારા દુ:શાસનનો જે અંત આવે છે તેનું વર્ણન મહાભારત યુદ્ધના અંતિમ ચરણમાં દર્શાવાયું છે. ભીમ દુ:શાસનની છાતી પર બેસી જાય છે. આ અગાઉ તેના જે હાથ વડે દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે ઢસડતો-ઢસડતો દ્રૌપદીની અનિચ્છાએ બળપૂર્વક દ્યુતમંડપમાં લઈ ગયો હતો, એ વજ્ર જેવો જમણો હાથ ભીમે ઉખાડીને ફેંકી દીધો. આ દરમિયાન ભીમે કર્ણ સહિત બધા જ યોદ્ધાઓ જે અભિમન્યુ માટે ચક્રવ્યૂહ ગોઠવીને બેઠા હતા તેમને લલકારતાં કહ્યું, ‘હે દુષ્ટ અધર્મી યોદ્ધાઓ ! તમારામાં જેની પાસે હિંમત હોય તે આ દુ:શાસનને બચાવે.’ ભીમનું આ વિકરાળ સ્વરૂપ જોઈ કૌરવ યોદ્ધો સ્તબ્ધ થઈ ગયા. ભીમ આગળ કોઈનું ચાલ્યું નહીં. બધા યોદ્ધાઓને સંભળાવીને ભીમ બોલ્યો, ‘હું પાંચાલીપતિ તથા કુંતીનો વાયુપુત્ર હસ્તિનાપુરનો વંશજ. મારા પિતા પાંડુનાં પરાક્રમો પ્રમાણે આજે તમારી સમક્ષ મેં જે પ્રતિજ્ઞા લીધી હતી તે પ્રમાણે આ દુષ્ટ, પાપી, અધર્મ દુ:શાસનની છાતી ફાડીને તેના રક્તનું પાન કરું છું.
 
સૌ જુઓ આ ગરમ-ગરમના લોહીનો કેવો સ્વાદ છે. મેં માતાના દૂધનું, મધ અને ઘીનું તથા દિવ્ય રસોનું પણ આસ્વાદન કર્યુ છે. દૂધ અને દહીંને વલોવીને માખણનો સ્વાદ પણ મેં ચાખ્યો છે. આ સિવાય સંસારમાં ઘણા બધા પદાર્થો પીવા જેવા છે. જેમનામાં અમૃત જેવો મધુર સ્વાદ છે, પરંતુ મારા આ શત્રુના રક્તનો સ્વાદ તો એ બધાથી વિલક્ષણ છે. આમાં બધાથી વધારે રસ છે.’ આમ કહી ભીમ તેની તલવાર વડે દુ:શાસનનું માથું ધડથી અલગ કરી તેના પ્રાણ હરે છે. ત્યારબાદ દ્રૌપદી એના કેશ આ દુ:શાસના રક્તથી ભીંજવે છે તેવો ઘટનાક્રમ મહાભારતમાં વર્ણવાયો છે તથા ભીમ યુદ્ધમાં દુર્યોધનની સાથળના ચૂરા કરે છે. શ્રીકૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજીએ મહાભારતનાં પાત્રોમાં દુ:શાસનના પાત્રની અદ્ભુત ગૂંથણી કરીને સમાજમાં અધર્મની પરિભાષા સમજાવી છે.