એકલવ્ય : જેને યાદવ સેનાનો સંહાર કરી હાહાકાર મચાવ્યો હતો તેવા ગુરુભક્તિના શ્રેષ્ઠ ઉદાહરણ સમાન

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
મહાભારતની વાર્તા મુજબ એકલવ્ય એક ભીલ (નિષાદ)પુત્ર હતો. તેના પિતા હિરણ્યધનુ ભીલ કબીલાના રાજા હતા. એક શિકારીના પુત્ર હોવાથી એકલવ્યને બાળપણથી જ ધનુષબાણ પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને તે ધનુષબાણ ચલાવવામાં માહેર થઈ ગયો હતો. એક દિવસ પુલક મુનિ એકલવ્યને વાંસના ધનુષ પર વાંસનું તીર ચલાવતાં જુએ છે અને આટલા નાના બાળકનો આત્મવિશ્ર્વાસ જોઈ અચંબિત બની જાય છે. તે તેના પિતા હિરણ્યધનુને શ્રેષ્ઠ ધર્નુધર બનાવવા માટે દ્રોણાચાર્ય પાસે લઈ જવાની સલાહ આપે છે.
 
હિરણ્યધનુ એકલવ્યને લઈ દ્રોણાચાર્યના આશ્રમે જાય છે અને પોતાના દીકરાને ધનુર્વિદ્યા શીખવવાની અરજ કરે છે. જ્યારે દ્રોણને ખબર પડે છે કે હિરણ્યધનુ ભીલ છે. તો તે અમસ્તા જ મજાક કરી બેસે છે કે તેઓ ધનુર્વિદ્યા માત્ર યુદ્ધ કરવા માટે જ શીખવે છે. શિકાર કરવા માટે નહીં. રાજા હિરણ્યધનુને આ અપમાન લાગ્યું છતાં તે એકલવ્યને ગુરુદ્રોણના આશ્રમમાં છોડી ગયા ત્યાં એકલવ્યને આશ્રમમાં એક ઝૂંપડી આપવામાં આવે છે અને દરરોજ પાંડવ-કૌરવ રાજકુમારોની ધનુર્વિદ્યાના અભ્યાસ બાદ તેમનાં તીરોને સમેટવાનું કામ સોંપવામાં આવે છે. પરંતુ જ્યારે ગુરુ દ્રોણ રાજકુમારોને ધનુષબાણ ચલાવવાની શિક્ષા આપતા ત્યારે એકલવ્ય દૂરથી જ છાનોમાનો બધુ જ ધ્યાનથી સાંભળતો અને શીખતો. ક્યારેક ક્યારેક રાજકુમારોના અભ્યાસ બાદ તે છાનોમાનો અભ્યાસ પણ કરી લેતો. આશ્ર્ચર્યજનક રીતે તે ખૂબ જ ટૂંકા ગાળામાં અન્ય રાજકુમારોથી પણ સારી ધનુષવિદ્યા શીખી ગયો. એક દિવસ દુર્યોધનની નજર ચોરી-છૂપીથી ધનુષબાણ ચલાવતા એકલવ્ય પર પડી જાય છે અને તે ગુરુ દ્રોણને ફરિયાદ કરી દે છે. ગુરુ દ્રોણ પણ એકલવ્યની તીરંદાજી જોઈ અચંબામાં પડી જાય છે, પરંતુ ભીષ્મને આપેલા વચન મુજબ તે માત્ર કૌરવ-પાંડવોને જ ધનુર્વિદ્યા શીખવતા હોવાથી એકલવ્યને આશ્રમ છોડી ચાલ્યા જવાનું કહે છે. એકલવ્ય આશ્રમ તો છોડી દે છે, પરંતુ ઘરે જવાને બદલે જંગલમાં જ દ્રોણાચાર્યની માટીની પ્રતિમા બનાવી તેમની પાસેથી ધનુર્વિદ્યા શીખતો રહે છે.
 
એક દિવસ એકલવ્ય ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હોય છે. ત્યાં જ એક કૂતરો આવી ચડે છે અને ભસવા લાગે છે. પોતાની એકાગ્રતા ભંગ થતાં એકલવ્ય કૂતરાના મોઢાને બાણોથી એવી રીતે બંધ કરી દે છે કે તેના મોઢામાંથી એક પણ ટીપું લોહીનું પડતું નથી. આ કૂતરો દ્રોણાચાર્યનો હોય છે. તે જ્યારે દ્રોણ પાસે પહોંચે છે ત્યારે દ્રોણાચાર્ય તમામ રાજકુમારો સાથે જંગલમાં પહોંચે છે. ત્યારે એકલવ્ય અભ્યાસ કરી રહ્યો હોય છે. એક ભીલ યુવાન તેમની પ્રતિમા સામે ધનુર્વિદ્યાનો અભ્યાસ શું કામ કરી રહ્યો હશે ? એ સવાલ દ્રોણને મૂંઝવે છે. ત્યારે એકલવ્ય ખુદ કહે છે કે એક સમયે તે તેમના આશ્રમમાં ધનુષ-તીર એકઠાં કરવાનું કામ કરતો હતો. પોતે એકલવ્ય છે.
 
ગુરુ દ્રોણાચાર્ય આ જાણી અસમંજસમાં પડી જાય છે, કારણ કે તેઓએ અર્જુનને વચન આપ્યું હતું કે, તેઓ તેને વિશ્ર્વનો શ્રેષ્ઠ ધનુર્ધર બનાવશે એટલે તેઓ એક યુક્તિ કરી એકલવ્ય પાસે ગુરુદક્ષિણા રૂપે તેનો અંગૂઠો માંગી લે છે. આમ છતાં એકલવ્ય પોતાની ચાર આંગળીઓની મદદથી અદ્ભુત તીરંદાજી કરી જાણતો હતો.
 
મહાભારત મુજબ એકલવ્યના રાજા બન્યા બાદ તેણે મથુરા પરના આક્રમણમાં જરાસંધને ભરપૂર મદદ કરી હતી અને તેણે એકલા હાથે જ યાદવ સૈન્યમાં હાહાકાર મચાવી યાદવ વંશના હજારો સૈનિકોને હણી નાખ્યા હતા. તેનો સામનો કરવા ખુદ ભગવાન શ્રીકૃષ્ણે રણભૂમિમાં ઊતરવું પડ્યું હતું અને પોતાના સુદર્શન ચક્રનો ઉપયોગ કરવો પડ્યો હતો. એવું કહેવાય છે કે એકલવ્યના પુત્રનું નામ કેતુમાન હતું. એકલવ્યના યુદ્ધમાં મૃત્યુ બાદ તેણે રાજપાટ સંભાળ્યું હતું. તે પણ ખૂબ જ બળવાન રાજા હતો અને મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ સાથે પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે કૌરવ પક્ષેથી લડ્યો હતો, જે ભીમના હાથે માર્યો ગયો હતો.