જરાસંધ : શ્રી કૃષ્ણનો શક્તિશાળી શત્રુ

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
મહાભારત અનુસાર જરાસંધ નામનો એક રાજા હતો. તે ઘણો શક્તિશાળી હતો. જરાસંધે ઘણા બળવાન રાજાઓ સાથે યુદ્ધ કર્યું હતું અને બધા રાજાઓને એણે ઘણી સરળતાથી હરાવ્યા હતા. મહાભારતમાં જરાસંધનું વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે, તે એક શક્તિશાળી રાજા હતો અને એણે મગધ (બિહાર)માં ઘણાં વર્ષો સુધી રાજ કર્યું હતું. આ દરમિયાન એણે ઘણાં બધાં યુદ્ધ કર્યાં હતાં અને એ યુદ્ધ સરળતાથી જીતી લીધાં હતાં. એવામાં એકવાર જરાસંધનો સામનો શ્રીકૃષ્ણ અને એમના ભાઈ બલરામ સાથે થયો. શ્રીકૃષ્ણ અને બલરામને ખબર હતી કે જરાસંધ એમના કરતાં વધારે શક્તિશાળી છે અને એને હરાવવો સરળ નથી.
 
જરાસંધ સાથે યુદ્ધ કરતા સમયે શ્રીકૃષ્ણ અને બલરામને જ્યારે એની શક્તિનો અનુભવ થયો, તો બંને ભાઈ યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયા અને ઘણા ઊંચા એવા પ્રવર્શણ પર્વત પર ચડી ગયા. શ્રીકૃષ્ણ અને બલરામને યુદ્ધના મેદાનમાંથી ભાગતા જોઈને જરાસંધ એમના પર હસવા લાગ્યો અને એમની પાછળ પોતાની સેના મોકલી. પહાડ પર જઈને શ્રીકૃષ્ણ અને બલરામ છુપાઈગયા અને એ બંનેને શોધવા જરાસંધની સેના માટે ઘણું મુશ્કેલ થવા લાગ્યું.
 
એ સમયે જરાસંધે વિચાર્યું કે પર્વતને જ આગ લગાવી દેવામાં આવે, તો આ પર્વત સળગી જવાની સાથે સાથે એ બંને ભાઈ પણ સળગી જશે. જરાસંધે પોતાની સેનાને પર્વતની ચારેય તરફ આગ લગાવવાનો આદેશ આપ્યો અને સેનાએ પર્વતને આગ લગાવી દીધી. પર્વત પર આગ ફેલાતી જોઈને શ્રીકૃષ્ણ અને બલરામે આ પર્વત પરથી કૂદકો માર્યો અને સુરક્ષિત રીતે પોતાના રાજ્યમાં પાછા જતા રહ્યા. પર્વતને સળગતો જોઈને જરાસંધને લાગ્યું કે એણે પોતાના શત્રુને મારી નાખ્યા છે અને તે ઘણો ખુશ થઈ ગયો.
 
યુદ્ધના મેદાનમાંથી ભાગીને શ્રીકૃષ્ણે ઘણું મોટું જ્ઞાન લોકોને આપ્યું છે, અને જણાવ્યું છે કે જ્યારે તમારો શત્રુ તમારા કરતાં શક્તિશાળી હોય તો તમે એની સાથે લડો નહીં, પણ એનાથી વધારે મજબૂત થવા પર ધ્યાન આપો અને શક્તિશાળી થયા પછી જ શત્રુ સાથે યુદ્ધ કરો. જો તમારો શત્રુ તમારા કરતાં શક્તિશાળી છે, તો એની સાથે યુદ્ધ કરવાની ભૂલ કરવી જોઈએ નહીં. મહાભારત અનુસાર થોડા સમય પછી ભીમે જરાસંધ સાથે યુદ્ધ કર્યું હતું અને જરાસંધને મારી નાખ્યો હતો. શ્રીકૃષ્ણની મદદથી જ ભીમ જરાસંધને મારવામાં સફળ થઈ શક્યો હતો.