કર્ણ : કુંતીનો પહેલો પુત્ર

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
કર્ણ એટલે ઓળખની અસમંજસમાં અટવાયેલું મહાભારતનું મહાન પાત્ર. કર્ણ આજીવન ન કૌંતેય હોવાનું સુખ માણી શક્યો, ન રાધેય હોવાનો સંતોષ પામી શક્યો, ન અંગરાજ તરીકે રાજીખુશીથી રાજ ભોગવી શક્યો, ન અગ્રજ પાંડવ તરીકે પ્રસ્થાપિત થઈ શક્યો. કર્ણ હંમેશાં સૂતપુત્ર તરીકે અપમાનિત થતો રહ્યો અને સૂર્યપુત્ર તરીકે ભાગ્યે જ તે સન્માન પામ્યો. દુર્યોધનના દોસ્ત તરીકેની ઓળખ પણ એટલી ઘટ્ટ બની ગયેલી છે. પરશુરામ સરીખા ગુરુનો શિષ્ય અને પરાક્રમી હોવા છતાં તેણે આખરે પરાજય જ ભોગવવો પડ્યો હતો. કર્ણને દુર્યોધનના કુસંગ ઉપરાંત સતત નડતું રહ્યું તેનું કહેવાતું કુળ. સારથિના પુત્ર તરીકેની ઓળખ તેની શૂરવીરતા પર હંમેશાં હાવી રહી.
 
કર્ણની કષ્ટયાત્રા તેના જન્મ સાથે જ શરૂઆત હતી. કર્ણના જન્મની કથા આપણે સૌ જાણીએ છીએ. કુંતીની સેવાથી રાજી થઈને દુર્વાસા મુનિએ તેને ઇચ્છિત દેવ-લક્ષણોવાળાં સંતાન પ્રાપ્ત કરવાનો મંત્ર આપ્યો હતો. કુંતીને મંત્ર કઈ રીતે કામ કરશે, એ જાણવાની ઉત્સુકતા હતી અને તેણે સૂર્યદેવની પ્રાર્થના કરીને મંત્રનો પ્રયોગ કર્યો. આ મંત્રથી કુંતીને એક સૂર્ય જેવા તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. આ કવચ-કુંડળધારી સૂર્યપુત્ર એટલે કર્ણ. જોકે, કર્ણના જન્મ સમયે કુંતી કુંવારા હતાં, એટલે લોકલાજના ડરે તેમણે પુત્રનો ત્યાગ કરવો પડ્યો. કુંતીએ કર્ણને ટોપલીમાં સુવરાવીને ગંગા નદીમાં વહાવી દીધો. કર્ણ તરતો તરતો હસ્તિનાપુરના સારથિ અધિરથને મળ્યો. અધિરથે આ અલૌકિક બાળકને પોતાની પત્ની રાધાને સોંપ્યો. બાળકનું નામ પાડ્યું વસુષેણ, જે આગળ જતાં કર્ણ તરીકે ઓળખાયો. રાધાએ સગી માતા કરતાં અધિક લાડકોડથી કર્ણનો ઉછેર કર્યો. રાધાના દીકરા તરીકે કર્ણનું રાધેય નામ પણ જાણીતું છે.
 
કર્ણે ગુરુ દ્રોણ પાસેથી ધનુર્વિદ્યા શીખી હતી. જોકે, કર્ણના જન્મ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી એટલે દ્રોણાચાર્યે તેને બ્રહ્મવિદ્યા શીખવવાનો ઇનકાર કરેલો. કર્ણે ભગવાન પરશુરામ પાસેથી બ્રહ્મવિદ્યા શીખવાનું વિચાર્યું. જોકે, પરશુરામ માત્ર બ્રાહ્મણપુત્રોને જ શીખવતા હતા. બાળપણથી જાતિવાદી ભેદભાવથી પરિચિત કર્ણે જૂઠનો સહારો લીધો અને પોતાની ઓળખ બ્રાહ્મણ તરીકે આપીને પરશુરામ પાસે શીખવા માંડ્યો. પરશુરામના ઉત્તમ શિષ્ય તરીકે તેણે બ્રહ્મવિદ્યા પણ પ્રાપ્ત કરી. જોકે, એક દિવસ જંગલમાં ફરતાં ફરતાં થાકેલા પરશુરામ કર્ણના ખોળામાં માથું ઢાળીને સૂઈ ગયા. ત્યાં અચાનક એક કીડો આવીને કર્ણના સાથળ પર બેસી ગયો. કીડાને ઉડાવવા જાય તો ગુરુની ઊંઘ બગડે, એવા ડરે તેણે પગ સ્થિર રાખીને કીડાને બેસવા દીધો, પણ કીડાએ તો સાથળ કોરવાનું શરૂ કર્યું. લોહી વહેવા માંડ્યું અને પીડા વધતી ગઈ પણ કર્ણે ગુરુની ઊંઘ ખાતર સહી લીધી. લોહી છેક ગુરુ સુધી પહોંચ્યું અને પરશુરામ જાગી ગયા. પરશુરામ સમજી ગયા કે આટલું લોહી વહી જતું હોય અને આટલી પીડા થતી હોય, તે કોઈ ક્ષત્રિય જ સહી શકે, બ્રાહ્મણપુત્ર નહીં. એટલે તેમણે તાડૂકીને કર્ણને સાચી ઓળખ પૂછી. કર્ણની વાત સાંભળીને પરશુરામે તેને ક્ષમા તો આપી દીધી, પરંતુ ખોટું બોલવાની, છેતરવાની સજારૂપે શાપ આપ્યો કે મેં શીખવેલી અમૂલ્ય વિદ્યા તું ખરે ટાણે જ ભૂલી જશે. આ શાપ જ કર્ણના પરાજય અને મોતનું કારણ બન્યો હતો.
 
દ્રોણાચાર્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને આવેલા પાંડવો અને કૌરવો પોતપોતાનું કૌશલ્ય બતાવી રહ્યા હતા ત્યારે કર્ણે પણ પોતાની અસ્ત્ર-શસ્ત્રની વિદ્યાનું અદ્ભુત પ્રદર્શન કરીને અર્જુનને પડકાર્યો હતો. જોકે, એક રાજકુમાર સામે સૂતપુત્ર લડી શકે નહીં, એવું કહીને તેની અવગણના કરવામાં આવી. દુર્યોધને તેનામાં અને અર્જુનને પરાસ્ત કરવાની તાકાત અને હીર પારખીને તેને અંગદેશનો રાજા બનાવી તેને સન્માન અપાવ્યું હતું. અંગરાજ કર્ણ પોતાના કવચ-કુંડળ અને ધનુર્વિદ્યાના બળે ખૂબ સફળ રાજા પુરવાર થયો હતો. રોજ સવારે સૂર્યને અર્ધ્ય આપીને તે રોજ દાન આપતો. શૂરવીર કર્ણ દાનવીર તરીકે પણ ખ્યાતિ પામ્યો હતો.
 
દ્રૌપદીના સ્વયંવરમાં કર્ણે પણ ભાગ લીધો હતો અને મત્સ્યવેધ કરવો તેના માટે આસાન હતું, પરંતુ કૃષ્ણની સલાહ માનીને દ્રૌપદીએ ભરીસભામાં હું સૂતપુત્રને નહીં પરણું એવું કહીને કર્ણને અપમાનિત કરેલો. કર્ણ આ અપમાન આજીવન ભૂલી શક્યો નહોતો. કદાચ આ કારણે જ દ્રૌપદીનું ચીરહરણ તેને અન્યાયી લાગ્યું હોવા છતાં તે કૌરવસભામાં ચૂપ રહ્યો હતો.
કુરુક્ષેત્રમાં યુદ્ધ શરૂ થયું એ પછી કર્ણને પાંડવો વિરુદ્ધ યુદ્ધ કરતા રોકવા માટે ઘણા પ્રયાસ કરવામાં આવ્યા હતા. કૃષ્ણે તેને સમજાવ્યો હતો, આ ઉપરાંત માતા કુંતી પોતે કર્ણ પાસે ગયાં હતાં. કુંતીમાતાએ પોતાના જીવનનું રહસ્ય ખોલીને કર્ણને જણાવ્યું હતું કે કઈ રીતે સૂર્યદેવ થકી તેનો જન્મ થયો હતો અને કેવા સંજોગોમાં કુંવારી માતા તરીકે તેનો ત્યાગ કરવો પડ્યો હતો. કુંતીએ તેને અગ્રજ પાંડવ તરીકે કુરુક્ષેત્રનું યુદ્ધ જીતીને રાજા બનવા પણ સમજાવ્યો હતો, પરંતુ દુર્યોધનની દોસ્તીનો દ્રોહ કરવાનો તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કુંતીમાતાએ ખૂબ વિનવણી કરી ત્યારે કર્ણે તેમને વચન આપ્યું હતું કે હું અર્જુન સિવાય એકેય પાંડવ પર પ્રહાર નહીં કરું, તારા પાંડવો પાંચ જ રહેશે!
 
ઇન્દ્રની ચાલને જાણી ગયો હોવા છતાં કર્ણે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કવચ-કુંડળ દાનમાં આપી દીધાં હતાં. આથી ઇન્દ્રદેવે રાજી થઈને તેને અમોઘ શસ્ત્ર આપ્યું હતું. કર્ણે વિચારેલું કે આ શસ્ત્ર હું અર્જુન પર છોડીને તેનો વધ કરીશ. જોકે, ભીમના દીકરા ઘટોત્કચે કુરુક્ષેત્રમાં એવો હાહાકાર મચાવ્યો કે નાછૂટકે કર્ણે અમોઘ શસ્ત્ર તેના પર છોડવું પડ્યું હતું અને અર્જુનને બચવાની તક મળી.
 
મહાભારતના યુદ્ધમાં કર્ણ અને અર્જુનનો સામનો થાય છે ત્યારે ખરાખરીનો જંગ જામે છે. ખરે ટાંકણે કર્ણના રથનું પૈડું ખાડામાં ફસાઈ જાય છે. કર્ણના રથનો સારથિ શલ્ય પહેલેથી તેને સૂતપુત્ર કહીને અપમાનિત કરતો હોય છે અને રથને ખાડામાંથી કાઢવા માટે રથની નીચે પણ ઊતરવાનો ઇનકાર કરે છે ત્યારે કર્ણ પોતે રથનું પૈડું કાઢવા નીચે ઊતરે છે. કર્ણને રથની નીચે ઊતરેલો જોઈને અર્જુન બાણ મારવાનું અટકાવી દે છે, પરંતુ શ્રીકૃષ્ણ તેને દ્રૌપદીના ચીરહરણ અને અભિમન્યુના ક્રૂર મોતની યાદ અપાવીને નિ:શસ્ત્ર કર્ણ પર તીરો છોડવા માટે ઉશ્કેરે છે અને એ રીતે કર્ણ ક્ષતવિક્ષત થઈ જાય છે અને મરણને ભેટે છે. એક કથા એવી પણ છે કે અર્જુનના બાણથી મરણપથારીએ પડેલા કર્ણ પાસે શ્રીકૃષ્ણ દાન માગવા જાય છે. કર્ણ કહે છે કે આ સ્થિતિમાં તો મારી પાસે કશું નથી ત્યારે શ્રીકૃષ્ણ તેના સોનાના દાંત તરફ ઇશારો કરે છે. એટલે કર્ણ પોતાના હાથે સોનાના દાંત કાઢીને આપે છે. લોહીવાળા દાંત લેવાનો ઇનકાર કરતાં કર્ણ પોતાના તીરથી ગંગા પ્રગટાવીને દાંત ધોઈ આપે છે. આમ, જીવનની અંતિમ ક્ષણોમાં પણ તે દાનધર્મને છોડતો નથી. શ્રીકૃષ્ણ તેને વરદાન માગવા કહે છે ત્યારે કર્ણ ત્રણ વરદાન માગે છે. એક, તમારે આગલા જન્મમાં મારી જાતિના લોકોને થતો અન્યાય દૂર કરી તેમનું કલ્યાણ કરવું. બીજું, તમે હવે પછી જન્મ લો તો મારા રાજ્યમાં લેવો. ત્રીજું, હું કુંવારી માતાનું સંતાન છું તો મારો અંતિમ સંસ્કાર કુંવારી (પાપમુક્ત) ભૂમિ પર કરવો. ઘણા કહે છે કે યુદ્ધ પછી એકેય સ્થળ પાપમુક્ત રહ્યું નહોતું એટલે શ્રીકૃષ્ણે પોતાની હથેળીમાં કર્ણનો અંતિમ સંસ્કાર કરેલો. જોકે, ગુજરાતમાં પ્રચલિત એક દંતકથા મુજબ શ્રીકૃષ્ણે તાપી નદીના કાંઠે અશ્ર્વિનીકુમારના દેવાલય પાસેની પવિત્ર ભૂમિમાં કર્ણના અંતિમ સંસ્કાર કર્યા હતા.
 
દોસ્તી અને દાન બાબતે કોઈ ન પહોંચે એવા મહાનાયક કર્ણની કથા આમ તો એક કરુણ કહાણી છે. કર્ણના જીવનની કરુણતા માટે જવાબદાર છે જાતિપ્રથા. કર્ણની કથા આપણને વિચારવા મજબૂર કરે છે કે ક્યાં સુધી આપણે વ્યક્તિની ઓળખ-પરખ તેની જાતિના આધારે જ કર્યા કરીશું?