પરીક્ષિત : શ્રી કૃષ્ણની કૃપાથી જન્મનાર, જન્મ પહેલા જગતને જાણનાર, મોક્ષગતિને પામનાર, શ્રીમદ ભાગવતના ઉત્તમ શ્રોતા

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
શ્રીમદ્ ભાગવતના માહાત્મ્યમાં ભાગવતકાર આ સવાલ મૂકે છે. સ્થૂળ અર્થમાં જોઈએ તો ભાગવત કથા જેને ઉદ્દેશીને કહેવાઈ છે એ રાજા પરીક્ષિત છે, જેને ઋષિના શ્રાપને લીધે સાત દિવસમાં તક્ષક નાગ દંશ દેવાનો છે. પણ સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો આપણે સૌ, પરીક્ષિત જ છીએ. પરીક્ષિતનો અર્થ છે પ્રભુનાં દર્શન માટે આતુર એવો જીવ. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ર્ચિત છે એટલે કે ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે એમ તક્ષક તો કોઈનેય છોડવાનો નથી. ફર્ક માત્ર એટલો છે કે આપણને એ ખબર નથી કે ક્યારે ? જ્યારે રાજા પરીક્ષિતને ખબર હતી કે બરાબર સાત દિવસ પછી ! અને એ સાત દિવસ એમણે શ્રીમદ્ ભાગવત સાંભળ્યું.
 
વૈદિક કાળના પ્રસિદ્ધ દશરાજ્ઞ યુદ્ધના રાજા સુદાસની ૪૦ પેઢી પછી કૌરવ-પાંડવની પેઢી થઈ એવું સંશોધન મહાભારતનાં મૂલ્યોની શોધ નિમિત્તે ડૉ. રવીન્દ્ર શોભણેએ કર્યું છે. કુરુક્ષેત્રના રણમેદાનમાં જ્યારે ૧૮ દિવસ સુધી મહાભારતનું યુદ્ધ થાય છે ત્યારે એમાં કૌરવ કે પાંડવ બેમાંથી એકેય પક્ષે, એ ૧૦૫ જણામાંથી કોઈપણ બેમાંથી એકેય સેનાનો સેનાપતિ બનતો નથી. પાંડવો તરફથી એકમાત્ર દ્યુષ્ટદ્યુમ્ન અને કૌરવો તરફથી ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, શલ્યરાજ અને છેલ્લે અશ્ર્વત્થામા સેનાપતિ બને છે. કૃતવર્મા અને મામા કૃપાચાર્યની સાથે મળીને અશ્ર્વત્થામા પાંડવપુત્રોનો વધ કરે છે ત્યારે એ બદલો લેવા માટે અશ્ર્વત્થામા અને અર્જુન વચ્ચે યુદ્ધ જામે છે. અશ્ર્વત્થામા પોતાનું નારાયણાસ્ત્ર છોડે તો છે પરંતુ અર્જુનની જેમ પોતાના બ્રહ્માસ્ત્રને પાછું વાળી શકતો નથી ત્યારે શ્રીકૃષ્ણ વિશ્ર્વશાંતિ માટે એ નારાયણાસ્ત્રને પાંડવ વંશની અંતિમ નિશાની એવા અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ ઉપર વાળવા સલાહ આપે છે. મહાભારતના યુદ્ધમાં હજુ અભિમન્યુના અપમૃત્યુને અઠવાડિયું જ થયું હોય છે અને પાંડવોના એકમાત્ર વંશજ સમો પરીક્ષિત મૃત જન્મે છે. મૃત શિશુના અવતરણ પછી દ્રૌપદી સ્ત્રીહઠ કરીને ગુરુપુત્ર અશ્ર્વત્થામાને આ કૃત્યની સજારૂપે એનો મણિ છીનવી લેવા માગે છે અને મેળવે પણ છે.
 
મૃત શિશુને સજીવન કરવા ભગવાન શ્રીકૃષ્ણ પોતાનું પુણ્ય હોડમાં મૂકે છે અને પરીક્ષિત જીવતો થાય છે. મહર્ષિ વ્યાસને પગલે પગલે ચાલવાનો રમ્ય સંકલ્પ કરીને મહાભારત કથા આપનારા કરસનદાસ માણેક નોંધે છે કે, પરીક્ષિતનો જન્મ થયો ત્યારે એ ચેતનારહિત હતા, દાદી કુંતી ત્યારે પોતાના કુળના અસ્તિત્વની રક્ષા માટે ભગવાનની સ્તુતિ કરતાં બોલી ઊઠે છે કે,
 
‘ત્વ નો ગતિ: પ્રતિષ્ઠા ચ,
ત્વદાયત્તમિદં કુલમ્.’
 
પાંડવોની ગેરહાજરીમાં પાંડવ સ્ત્રીઓની રક્ષા કાજે, કુરુવંશની રક્ષા કાજે સ્વયં શ્રીકૃષ્ણ હાજર હતા. ભગવાન શ્રીકૃષ્ણ એટલું જ કહે છે કે,
 
‘યથા સત્યં ચ ધર્મશ્ર્ચ મયિ
નિત્યં પ્રતિષ્ઠિતૌ,
યથા મૃત: શિશુરંય
જીવતામભિમન્યુજ:.’
 
અર્થાત્, ‘સત્ય અને ધર્મ મારામાં નિત્ય પ્રતિષ્ઠિત છે, તેથી હું કહું છું કે અભિમન્યુનો આ બાળક જીવતો થાઓ.’
 
પરીક્ષિતનો અર્થ છે, જેણે જન્મતા પહેલાં જ જગત જોઈ-જાણી લીધું છે એ. જગતમાં જે કંઈપણ સારું-ખરાબ છે એ બધું જ એણે ગર્ભ સ્વરૂપે રહીને જાણી લીધું છે. પરીક્ષિતનો એક બીજો અર્થ એ પણ છે કે જ્યારે પોતાનું કુળ ક્ષીણ થયું છે, परिक्षीणे कुले - કુરુક્ષેત્રના યુદ્ધમાં કુરુવંશના કૌરવો-પાંડવો બેય પક્ષે ભારે નુકસાન થયું છે ત્યારે આ બાળક જન્મ્યો છે અને સ્વયં કેશવ એને ‘પરીક્ષિત’ તરીકે સંબોધે છે. ભગવાન વિષ્ણુએ પરીક્ષિતની રક્ષા કરી હતી એટલે રાજા પરીક્ષિતનું એક નામ ‘વિષ્ણુરાત’ પણ છે.
 
પરીક્ષિત એ કદાચ એકમાત્ર એવું પાત્ર છે કે જેનો જન્મ શ્રીકૃષ્ણની કૃપાથી થયો છે અને એમના અંતિમ સમયે, તક્ષકનો દંશ લાગે એ પહેલાં પણ એમને શ્રીકૃષ્ણની લીલા સાંભળવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જોઈએ તો પરીક્ષિત એટલે ક્ધયા રાશિ અને એના માટે ભગવાન વિષ્ણુના પૂજાઅર્ચન અત્યંત મહત્ત્વનાં ગણાયાં છે. સ્વયં શ્રીકૃષ્ણની હાજરીને લીધે જેમનો જન્મ સંભવિત બન્યો છે અને જેમની ભાગવત કથાનું રસપાન કરતાં કરતાં રાજા પરીક્ષિત વૈકુંઠ પ્રાપ્ત કરે છે. આમ, જન્મ અને મૃત્યુ બેય સમયે, સ્વયં ભગવાન તમારી સાથે હોય તો પછી મુક્તિ તો થવાની જ છે, પરંતુ સમગ્ર માનવજાત ઉપર રાજા પરીક્ષિતનો એક ઉપકાર રહ્યો છે અને એ છે એમના માધ્યમથી રચાયેલું આ ‘શ્રીમદ્ ભાગવત.’ પરીક્ષિત રાજાને નિમિત્ત બનાવીને સાંસારિક લોકોને માટે કૃષ્ણદ્વૈપાયન વ્યાસજીએ શ્રીમદ્ ભાગવતની રચના કરી છે. વેદવ્યાસજીના પુત્ર શુકદેવજીના શ્રીમુખે પરીક્ષિતને સતત સાત દિવસ સુધી શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવાનો અનન્ય લહાવો મળ્યો છે. શ્રીમદ્ ભાગવતની કથા પિતાના મૃત્યુ નિમિત્તે સર્પસત્ર કરી રહેલા રાજા જનમેજયને વ્યાસજીના ચાર શિષ્યોમાંના એક એવા વૈશંપાયને, મહર્ષિ નારદને સનકાદિક મુનિઓએ, શૌનક આદિ ઋષિમુનિઓને સૂત પુરાણીએ સંભળાવી હતી. ભાગવતમાં ૧૮૦૦૦ શ્ર્લોક છે અને ૧૨ સ્કંધ છે. આ ભાગવતની કથાનું પારાયણ એકલું જ મોક્ષ આપવા માટે બસ છે, એવું શ્રીમદ્ લોકભાગવતના કર્તા નાનાભાઈ ભટ્ટ પણ નોંધે છે. વ્યાસજીના એક અન્ય શિષ્ય જૈમિનીએ દુર્યોધનને કથાનાયક કલ્પીને ‘જૈમિની ભારત’ રચેલું એવી નોંધ ‘યુગાંત’માં ઈરાવતી કર્વે કરે છે પરંતુ જૈમિનીનું એ ભારત ઝાઝું પ્રચલિત થયું નથી.
 
મહાપ્રસ્થાનિક પર્વમાં હસ્તિનાપુરની ગાદી જ્યારે પરીક્ષિતને સોંપવામાં આવે છે ત્યારે મહાભારતના યુદ્ધને પૂરાં ૩૬ વર્ષ થઈ ચૂક્યાં હતાં અને બરાબર એટલાં વર્ષની આયુ પરીક્ષિતની હતી. મૃગયા રમવા જતાં ખુલ્લી આંખે તપસ્યા કરી રહેલા શમિક મુનિ દ્વારા યોગ્ય રીતે આદરસત્કાર ન થતાં ક્રોધિત રાજા પરીક્ષિત ઋષિના ગળામાં મૃત સર્પનો હાર પહેરાવી દે છે. ઋષિપુત્ર શૃંગી મહાક્રોધી હતા. આ ઘટનાની જાણ થતાં એ રાજા પરીક્ષિતને સાતમા દિવસે તક્ષક નાગ કરડશે એવો શ્રાપ આપે છે. મહાભારતમાં અપાયેલાં વરદાનોની સંખ્યા ૨૭૨ છે અને શ્રાપની સંખ્યા ૧૪૭, એવી નોંધ મહાભારતની શાપવાણી અને મહાભારતના વરદાન નિમિત્તે શ્રી ર. ભિડે કરે છે. ઋષિપુત્રના આ શ્રાપની જાણ રાજા પરીક્ષિતને થતાં એ દેહવિસર્જન પહેલાં ભાગવતકથા સાંભળવાનું સ્વીકારે છે એમ જણાવતાં પરીક્ષિત તક્ષક આખ્યાનના રચયિતા નૌતમકાન્ત સાહિત્યવિલાસી લખે છે કે, ભાગવતકથા વાચન માટે મહર્ષિ શુકદેવજીને પસંદ કરવામાં આવ્યા. કથાશ્રવણને અંતે, સાતમા દિવસે શૃંગી ઋષિના શ્રાપ મુજબ તક્ષકનો શિકાર બને છે પરંતુ એ તો રાજાનું શરીર, કારણકે શરીરને જન્મ અને મૃત્યુના ફેરા છે. રાજા પરીક્ષિતનો આત્મા તો શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરીને અમર બની ચૂક્યો હોય છે.
 
મહાભારતનો ઉત્તરાર્ધ એટલે પરીક્ષિત-તક્ષક સંઘર્ષ અને પિતાના વધના વેરથી સળગી ઊઠેલા જનમેજયનું સર્પસત્ર. ભૃગુકુલોત્પન્ન જરત્કારુ ઋષિ અને તક્ષકની બહેન જરત્કારુ, બેય જરત્કારુ નામધારી દંપતીના પુત્ર આસ્તિક મુનિની મધ્યસ્થીથી સર્પસંહાર અટકે છે અને મહાભારત વિરામ લે છે. આપણે જે કળિયુગમાં જીવીએ છીએ એની શ‚આત ભગવાન શ્રીકૃષ્ણના વૈકુંઠગમન અને રાજા પરીક્ષિતના રાજ્યાભિષેકના સમયકાળમાં થઈ હતી. પરીક્ષિતના મૃત્યુ પહેલાં પણ એ શ્રીકૃષ્ણની કથા સાંભળે છે. એ રીતે અર્જુનથી શ‚ થયેલી શ્રીકૃષ્ણની ભક્તિ અહીં પરીક્ષિતના પાત્ર સાથે ચરમસીમાએ પહોંચે છે. આપણે પણ જન્મથી મૃત્યુ સુધી ભગવાનની ભક્તિ જ કરવાની છે કે જેના લીધે આપણો જન્મ થયો છે એ ભગવાન જ આપણને મૃત્યુ પહેલાં ભવસાગરમાંથી તારે. આ અર્થમાં આપણી જાતને લઈએ તો આપણે સૌ પણ ‘પરીક્ષિત’ જ છીએ.
 
પરીક્ષિત જોશી