શકુનિ : ગાંધાર નરેશ

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
મહાભારતના રચયિતા શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ ગાંધારનરેશ સુબલના પુત્ર શકુનિનું પાત્ર કૌરવોના મામા તરીકેની ભૂમિકામાં મુખ્ય સ્વરૂપે વર્ણવ્યું છે. શકુનિનો કાયમ માટે હસ્તિનાપુરમાં નિવાસ કરવામાં બહેન ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થાય છે, જે મુખ્ય નિમિત્ત છે. મહાભારતના ખલનાયકોમાં શકુનિ મોખરે છે.
 
દેવવ્રત ભીષ્મ કુરુવંશ, કુરુજાંગલ દેશ અને કુરુક્ષેત્ર ત્રણેની ઉન્નતિ માટે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનાં લગ્ન કરાવે છે. પાંડુના લગ્ન કુંતીભોજની પુત્રી કુંતી સાથે તથા વિદુરના લગ્ન રાજા દેવકને ત્યાં જે દાસીપુત્રી હતી તેની સાથે કરાવ્યાં. પણ પુત્ર ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાથી તેમનાં લગ્ન કરાવવાં મુશ્કેલ હતાં. છતાં ભીષ્મ માટે કશું અશક્ય નહોતું. તેમણે જાણ્યું કે ગાંધારનરેશ સુબલને ત્યાં બધાં લક્ષણોથી સંપન્ન પુત્રી ગાંધારી છે. તેમણે આ ગાંધારીનાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થાય તેવો પ્રસ્તાવ લઈને દૂતને મોકલ્યો. હવે ! અંધરાજાને પોતાની પુત્રી પરણાવવા સુબલે હિચકિચાટ કર્યો પણ ભીષ્મ આગળ કંઈ ચાલ્યું નહી. ભીષ્મે શકુનિની બહેનનો વિવાહ જબરજસ્તીથી સુબલને મનાવીને કર્યો. તેથી શકુનિના મનમાં દેવવ્રત ભીષ્મ માટે બદલાનાં બીજ રોપાયાં. ગાંધારીએ પણ તેનો પતિ નેત્રહીન છે તેથી તેણે પણ આંખે પાટા બાંધીને પતિદેવને અનુકૂળ રહેવાનો નિર્ધાર કર્યો. બહેન ગાંધારીની આ લાચારી સાથે શકુનિ તેને હસ્તિનાપુર મૂકવા જાય છે. અહીં શકુનિ પણ બહેન-બનેવીની સેવામાં થોડો સમય રોકાય છે. સમય જતાં ગાંધારનરેશ સુબલ અને ધૃતરાષ્ટ્ર વચ્ચે ખટરાગ થાય છે.
 
ધૃતરાષ્ટ્રે ગાંધારીના પિતા તથા તેમના બે પુત્રને જેલમાં પૂર્યા. જેલમાં માત્ર એક જ જણ ધરાય તેટલું ભોજન અપાતું તેથી સૌથી નાના શકુનિનું પોષણ થતું. ગાંધારનરેશ સુબલે ધૃતરાષ્ટ્રને વિનંતી કરી કે, ‘હે કુરુનરેશ ! તમારા વંશમાં આ ન શોભે ! મારી એક વિનંતી છે ભલે હું અને મારો પુત્ર કુપોષણથી મૃત્યુને ભેટીએ પણ મારા આ નાના પુત્ર શકુનિને જીવિત રાખી મુક્ત કરો જેથી મારો ગાંધારવંશ કાયમ રહે.’ સમય જતાં ધૃતરાષ્ટ્રની જેલમાં સુબલ તથા તેના એક પુત્રનું મૃત્યુ થાય છે અને શકુનિને મુક્ત કરવામાં આવે છે. શકુનિ ગાંધાર જવાને બદલે કૌરવ અને પાંડવો વચ્ચે હંમેશા યુદ્ધ ખેલાતું રહે તેવા પ્રતિશોધ અને બદલાની ભાવના સાથે હસ્તિનાપુરમાં મહાભારતનું યુદ્ધ ખેલાય અને સર્વનાશ થાય ત્યાં સુધી કાયમી નિવાસ કરે છે. શકુનિ કૌરવોનાં દિલ જીતે છે. દુર્યોધન શકુનિમામાને સલાહકાર તથા મંત્રીપદે બેસાડે છે. દેવવ્રત ભીષ્મ ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી હસ્તિનાપુરની ગાદીએ તેને બેસાડતા નથી પણ પાંડુને ગાદી સોંપે છે. ત્યારથી શકુનિ પાંડુપુત્રો અને ધૃતરાષ્ટ્ર પુત્રોને લડાવી પાંડવોના નાશની યુક્તિઓ રચે છે. દુર્યોધનને લાક્ષાગૃહમાં પાંડવોના વિનાશની યુક્તિ સુઝાડી શકુનિ ખુશ થાય છે પણ તેમાં સફળ થતો નથી.
 
શકુનિ, પાંડવો અને કૌરવોને લડાવી હંમેશા કૌરવોના વિજય માટે પ્રયત્ન કરે છે. તેમના વચ્ચે દ્યુતક્રીડા કરાવે છે અને પાંડવોને પરાસ્ત કરાવે છે. સોગઠાં ગોઠવવામાં પારંગત શકુનિ પાંડવોને જુગારમાં હરાવી તેમનું સમસ્ત દુર્યોધનને અપાવે છે. છેલ્લે દ્રૌપદીના વસ્ત્રહરણની ઘટનાનું નિમિત્ત જ શકુનિ બને છે. દ્રૌપદીના શાપથી કુરુવંશ તથા હસ્તિનાપુરનો નાશ થશે તે જાણી ધૃતરાષ્ટ્ર જુગારને ફોક કરે છે. આ ચાલમાં શકુનિ ફાવતો નથી. છતાં પ્રતિશોધની આગ શાંત ન થતાં તે પુન: યુધિષ્ઠિરને દુર્યોધન સાથે જુગાર રમાડવાની યુક્તિ કરે છે, જેમાં હાર સ્વરૂપે પાંડવોને ૧૪ વર્ષ વનવાસ ભોગવવો પડે છે.
પાંડવો વિરાટનગરમાં તેમનો ગુપ્તવાસ પૂરો કરી પુન: હસ્તિનાપુરમાં પોતાનો હિસ્સો - હક્ક માગવા જ‚ર આવશે તે જાણી શકુનિ દુર્યોધન સાથે જે વિચાર-વિમર્શ કરે છે તેને શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ મહાભારતમાં અદ્ભુત રીતે વર્ણવ્યો છે.
 
શ્રીકૃષ્ણ હસ્તિનાપુરમાં પાંડવોની માગણી લઈ વિષ્ટિ માટે આવે તે પૂર્વે શકુનિ દુર્યોધનમાં એક વાત ઠસાવે છે. શકુનિએ દુર્યોધનને એક પણ તસુ જમીન ન આપવા માટે માનસિક રીતે તૈયાર કર્યો. જો પિતા ધૃતરાષ્ટ્ર ન માને તો પોતે આત્મઘાત કરી મૃત્યુને ભેટશે તેવી બીક પણ બતાવવી. શકુનિએ દુર્યોધનના મનમાં આમ ઠસાવ્યું. પરિણામે પુત્રમોહવશ યુધિષ્ઠિરની માંગણી લઈને આવેલ કૃષ્ણની વિષ્ટિ ધૃતરાષ્ટ્ર માનતા નથી. આમ શકુનિ કૌરવ અને પાંડવો વચ્ચે વેરનાં બીજ રોપે છે. મહાભારતમાં ખલનાયકોની ચંડાળચોકડીમાં શકુનિ કેન્દ્રમાં રહે છે.
 
શકુનિની બહેન ગાંધારી ધર્મપરાયણ અને પતિવ્રતા સતી હતાં. ઘણા પ્રસંગોમાં પાંડવોએ કૌરવો તથા શકુનિને આપેલ ધોબીપછાડથી ગાંધારી પૂરેપૂરાં વાકેફ હતાં. તે શકુનિને ગાંધાર જઈ રાજ્યભાર સંભાળવા સમજાવે છે તથા દુર્યોધન પોતાનો પુત્ર હોવા છતાં તેનો સાથે છોડવા વિનંતી પણ કરે છે. પણ આ મહાખલનાયક એકનો બે થતો નથી. દુર્યોધન, દુ:શાસન, કર્ણને સાથે રાખી શકુનિ તેની ચંડાળચોકડી સાથે રહી મહાભારતના યુદ્ધમાં વિવિધ કપટોથી પાંડવ યોદ્ધાઓ તથા અભિમન્યુ, ઘટોત્કચ જેવા વીરપુત્રોનો સંહાર કરાવે છે. અંતે શકુનિ પોતાના દીકરા સહિત સૌનો સંહાર કરાવે છે. સહદેવના હાથે શકુનિ તથા તેનો પુત્ર મહાભારતના યુદ્ધમાં માર્યા જાય છે.
 
મહાભારતના યુદ્ધમાં અંતે માર્યા ગયેલા સૌ યોદ્ધાઓનો પરિચય કરાવી શ્રદ્ધાંજલિ આપવા તેમના મૃતદેહો સમક્ષ ગાંધારીને ઊભી રાખી શ્રીકૃષ્ણ રણમેદાનમાં વિચરણ કરે છે. પાંડવ યોદ્ધા, ગુરુદ્રોણ, ધૃષ્ટદ્યુમ્ન જેવા અનેક યોદ્ધાઓના મોત પર ગાંધારી શોકગ્રસ્ત થઈ શ્રદ્ધાંજલિઓ આપે છે. ફરતાં ફરતાં શ્રીકૃષ્ણ ગાંધારીને શકુનિના મૃતદેહ આગળ લાવી બોલ્યા, ‘દેવી ! આ તમારો ભાઈ શકુનિ.’
 
‘શકુનિ !’ ગાંધારી બોલી ઊઠ્યાં, ‘માડીજાયા શકુનિ ! તે ગાંધારના નામને તારી કૂટનીતિથી અમર કર્યું છે. ગાંધારના રાજકુમારો રાજ્યકાર્યમાં કેટલા કુશળ હોય છે તે તેં બતાવી દીધું છે. હે ભ્રાતા ! તેં મારું માન્યું નહીં. છેવટે દ્યુતસભામાં તારા પાસા સવળા પડ્યા પણ આ છેવટની રમતમાં બધા અવળા પડ્યા ! ઈશ્ર્વરનો ન્યાય એવો છે કે દુષ્ટના પાસા શાંતિમાં સવળા પડતા દેખાય છે એટલે દુષ્ટતા ઘડીભર જોરમાં આવે છે અને અભિમાનમાં બહેકે છે પણ અંતે પર્વત પરથી છેક નીચે ખીણમાં પટકાઈને મરી જાય છે. હે ભાઈ ! તારી એકેય રમત ખરે વખતે કામ ન આવી ! તારી બધી મનની મનમાં રહી ગઈ. હવે આવતે ભવ અવતાર લે ત્યાં બુદ્ધિનો સારો ઉપયોગ કરજે. પ્રભુ તારા આત્માને શાંતિ આપો !’ શકુનિને મહાભારતના યુદ્ધના મહાખલનાયક તરીકે વર્ણવ્યા છે. વ્યક્તિ અપમાન તથા તેના પ્રતિશોધ માટે કેટલી હદે જઈ શકે છે તેનું ઉદાહરણ શકુનિ છે, જે મહાભારતના યુદ્ધને અંજામ આપે છે.