સંજયે જ તેની દિવ્યદૃષ્ટિથી મહાભારતનાં યુદ્ધની શરૂઆતથી અંત સુધીની પળે-પળ માહિતી ધૃતરાષ્ટ્રને સંભળાવી હતી.

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |
 
 
 
મહાભારતમાં સંજયનું પાત્ર અદરેકું છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ સંજય મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ધૃતરાષ્ટ્રે સંજયના મુખેથી જ ગીતાનું શ્રવણ કર્યું હતું. હસ્તિનાપુરમાં ગાવાલ્ગણ નામના સૂતને ત્યાં સંજયનો જન્મ થયો હતો. જાતિથી તે વણકર હતો. તેઓની પ્રતિભાને કારણે મહર્ષિ વેદવ્યાસજીએ તેમને પોતાના શિષ્ય બનાવ્યા હતા અને ધૃતરાષ્ટ્રની રાજસભામાં સન્માનિત મંત્રીનું પદ મળ્યું હતું. સંજય એક વિનમ્ર અને ધાર્મિક સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતા હતા. સાથે સાથે સ્પષ્ટવાદી પણ હતા. તેઓ ધૃતરાષ્ટ્રના મંત્રી હોવા છતાં પણ પાંડવો પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા. પુત્રમોહમાં ધૃતરાષ્ટ્ર જ્યારે કૌરવોના અધર્મને મૂંગે મોએ સહન કરતા જાય છે ત્યારે ધૃતરાષ્ટ્રને કડવામાં કડવાં વચનો કહે છે. જ્યારે પાંડવો દ્યુતક્રીડામાં હારી વનવાસ જાય છે ત્યારે સંજયે ધૃતરાષ્ટ્રને ચેતવણી આપતા કહે છે કે, ‘હે રાજન ! હવે કુરુવંશનો વિનાશ નિશ્ર્ચિત છે, પરંતુ આ મહાયુદ્ધમાં હસ્તિનાપુરના અનેક નિર્દોષ પ્રજાજનો પણ નાહકના માર્યા જશે. વિદુર, ભીષ્મપિતામાહ અને ગુરુ દ્રોણાચાર્યના રોકવા છતાં પણ ભરસભામાં તમારા પુત્રોએ દ્રૌપદીનું અપમાન કરી તેમણે પાંડવોના કોપને સામે ચાલી આમંત્રણ આપી દીધું છે.’
 
મહાભારતનું યુદ્ધ શરૂ થવાની પૂર્વે ત્રિકાળદર્શી ભગવાન વેદવ્યાસજી ધૃતરાષ્ટ્ર પાસે પહોંચે છે અને યુદ્ધ જરૂર થશે અને તેમાં કુરુવંશનો વિનાશ થશેની ભવિષ્યવાણી કરે છે અને કહે છે કે જો તમે આ યુદ્ધ જોવા ઇચ્છો તો હું તમને દિવ્યદૃષ્ટિ આપું. ધૃતરાષ્ટ્ર પોતાના કુળનો નાશ પોતાની નજરે જોવા અનિચ્છા દર્શાવે છે, પરંતુ વેદવ્યાસ યુદ્ધ વિશે જાણવાની તાલાવેલી પારખી જાય છે અને સંજયને દિવ્યદૃષ્ટિ આપે છે કે, યુદ્ધની તમામ ઘટનાઓ સંજય નરી આંખે હસ્તિનાપુરમાં બેઠા બેઠા જ જોઈ શકશે. મહાભારત મુજબ યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણનું વિરાટ રૂપ પૃથ્વી પર એક માત્ર અર્જુન, બર્બરિક અને સંજય જ જોઈ શક્યા હતા. ભગવદ્ગીતાનો ઉપદેશ પણ તેઓએ અર્જુનની સાથે સાથે સાંભળ્યો હતો. સંજયે જ તેની દિવ્યદૃષ્ટિથી મહાભારતનાં યુદ્ધની શરૂઆતથી અંત સુધીની પળે-પળ માહિતી ધૃતરાષ્ટ્રને સંભળાવી હતી.

મહાભારતના યુદ્ધ બાદ યુધિષ્ઠિર રાજા બનતાં તે અનેક વર્ષો સુધી હસ્તિનાપુરમાં રહ્યા હતા અને વર્ષો બાદ ધૃતરાષ્ટ્ર-ગાંધારી અને કુંતી સાથે તે પણ સંન્યાસ લઈ વનમાં ચાલ્યા ગયા. વનમાં લાગેલ આગમાં ધૃતરાષ્ટ્ર-ગાંધારી અને કુંતીના મૃત્યુ બાદ મોક્ષ માટે પોતે પણ હિમાલય ચાલ્યા ગયા હતા.