શિખંડી : ના સ્ત્રી, ના પુરુષ એવું, મહાભારતનું અનોખું પાત્ર

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
જગતમાં મોત કોને ગમે... ? મૃત્યુ કરતાંયે વધુ ડર મોતના ભયનો દરેક જીવને હોય છે. મહાભારતનું આદરણીય વડીલ પાત્ર એટલે ભીષ્મ પિતામહ. આ ભીષ્મ પિતામહને ‘ઇચ્છામૃત્યુ’નું વરદાન મળેલું. આથી તેમને કોઈ મારી શકે જ નહીં. તેમની પોતાની ઇચ્છા થાય ત્યારે જ તેઓ મૃત્યુ પામી શકે. વળી, તેઓ પાછા મહાભારતના યુદ્ધમાં કૌરવોના પક્ષે રહેલા. આથી એ યુદ્ધમાં સંપૂર્ણ વિજય મેળવવો કઈ રીતે ? ભગવાન શ્રીકૃષ્ણને માટે આ એક મૂંઝવણભર્યો અને ગંભીર પ્રશ્ર્ન હતો કે, ભીષ્મને યુદ્ધમાં મારવા કઈ રીતે ?
 
પરંતુ, એ એક સહજ બાબત હોય છે કે, જ્યાં જ્યાં પ્રશ્ર્ન હોય છે કે સમસ્યા હોય છે, ત્યાં ત્યાં તેનો ઉકેલ પણ વહેલો કે મોડો મળી જ આવે છે અને વળી પાછું આ તો ભગવાન શ્રીકૃષ્ણની મૂંઝવણ ! વળી, પાછું ભીષ્મ પિતામહને બીજુંયે એક વરદાન મળેલું, ન તો તેમને કોઈ પુરુષ મારી શકે કે ન તો કોઈ સ્ત્રી ! અર્જુન અને ભીમ સહિત યુદ્ધમાં તો સૌ સૈનિકો પુરુષો જ પાંડવોના પક્ષે લડતા હતા ! અને, ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોના પક્ષે ખરા, પણ પુરુષ હોવાથી તેઓ પણ ભીષ્મ પિતામહને મારી જ ન શકે ! આ વળી એક ઓર મુશ્કેલી અને મૂંઝવણ હતી.
 
શું કરવું ? શું ના કરવું ? શ્રીકૃષ્ણ તો વિમાસણમાં હતા. ત્યાં વળી ચિંતન કરતાં ભીષ્મ પિતામહને મારવા માટે તત્કાલીન સમયમાં જીવતું એક પાત્ર મળી આવ્યું અને તે હતું એક અનોખું અને યાદગાર પાત્ર તે શિખંડી ! શિખંડી એ મહાભારતનું એક વિચિત્ર પાત્ર છે, કેમ કે તેઓ જન્મ્યા ત્યારે બાળકી ‚પે હતા. તેમના પિતા પાંચાલ પ્રદેશના રાજા દ્રુપદ હતા. દ્રુપદ રાજાના કુટુંબમાં જ્યારે તેઓ સ્ત્રી તરીકે જન્મ્યા ત્યારે તેમનું નામ ‘અંબા’ પાડેલું. અંબાને બીજી બે બહેનો - અંબિકા અને અંબાલિકા પણ હતી. કાશી રાજ્યના રાજાની અંબા સૌથી મોટી દીકરી હતી. આપણને જાણીને આશ્ર્ચર્ય થાય છે કે, અંબાને ભીષ્મના આગ્રહને પરિણામે જ સ્વયંવરમાં પોતાની બે બહેનો સાથે રાજકુમાર વિચિત્રવીર્યના હસ્તિનાપુરમાં જવું પડેલું ! અંબા સ્વભાવે ખૂબ નીડર, એટલે તેણે તો ભીષ્મ પિતામહને સ્પષ્ટપણે કહી દીધું કે, ‘હું વિચિત્રવીર્ય મને પસંદ કરે તો યે પરણવાની નથી જ નથી, કેમ કે હું સાલ્વના રાજાના પ્રેમમાં છું અને તેથી અન્ય કોઈનેય મારા જીવન સાથે જોડી શકું નહીં. આથી નાછૂટકે ભીષ્મે અંબાને સાલ્વ રાજ્યના રાજાને ત્યાં મોકલી આપી.
 
વિચિત્રવીર્યએ બાકીની બે બહેનો જોડે ધામધૂમથી લગ્ન કર્યાં ! બીજી તરફ સાલ્વના રાજાએ અંબાને (સત્યવતીને) પસંદ ન કરી, તે અંબા પાછી ફરી અને ભીષ્મ સમક્ષ આવીને ભગ્નહૃદયે જણાવ્યું, ‘તમે જ મારી સાથે પરણો ! પરંતુ ભીષ્મ પિતામહે અંબાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, ‘મેં જિંદગીભર અપરિણીત રહેવાની - બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી છે, તેથી તારો પ્રસ્તાવ હું કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકું તેમ નથી.’ આથી બેઉ બાજુએથી નાસીપાસ થયેલી અંબાએ રોષે ભરાઈને જણાવ્યું, ‘હે ભીષ્મ ! હવે હું પણ આજન્મ કુંવારી સ્ત્રી જ રહીશ અને તમે મારો પ્રસ્તાવ ઠુકરાવ્યો છે, તેથી હું તમને નહીં છોડું ! અને પ્રતિજ્ઞા લઉં છું કે, સમય આવે હું તમારો વધ કરીશ !’ તેણે અન્ય રાજાઓને ભીષ્મની સામે લડવા સમજાવ્યા. પરંતુ ભીષ્મ પિતામહ જેવા મહાન યોદ્ધાની સામે લડવા કોઈ તૈયાર થયું જ નહીં. આથી ભીષ્મને મારી નાખવાની યોજના તે સમયે મનની મનમાં જ રહી ગઈ ! પણ મનમાં ગાંઠ વાળી દીધી કે સમય આવે ભીષ્મને કોઈ પણ રીતે હું મારી નાખીને જ જંપીશ !
 
અંબાએ ભગવાનની એકચિત્તે ભક્તિ કરી. આથી ભગવાન સુબ્રમણ્યમે પ્રસન્ન થઈ, અંબાને બ્લ્યુ રંગના કમળનાં પુષ્પોમાંથી બનેલ વસ્ત્રની ભેટ આપી અને ભગવાને સાથે સાથે એમ પણ જણાવ્યું કે, જે કોઈ આ વસ્ત્ર પહેરીને ભીષ્મ પિતામહનો સામનો કરશે, તે વ્યક્તિ જ ભીષ્મને મારી શકશે. આમ છતાં ભીષ્મનો સામનો કરી શકે એવો તો ભારતભરમાં કોઈ વીરલો જાણે પાક્યો જ ન હતો, એવી જાણે કહેવત જ પ્રચલિત થઈ ગઈ હતી ! અને બીજી તરફ ‘સ્ત્રીહઠ’ પણ એટલી જ મજબૂત હતી.
અંબાએ તો પેલું ભૂરા રંગના કમળપુષ્પોથી અલંકૃત થયેલું અને ભગવાન તરફથી ભેટમાં મળેલું વસ્ત્ર દ્રુપદ રાજાની રાજનગરીના મુખ્ય દ્વાર પર ગુસ્સામાં આવી મધ્યમાં ટીંગાડીને નીચે લખાવ્યું. જે કોઈ યોદ્ધો આ વસ્ત્ર પહેરીને મહાભારતના યુદ્ધમાં લડશે, તે ભીષ્મને મારી શકશે. આમ છતાં, સમગ્ર નગરમાંથી કોઈ યોદ્ધો આ વસ્ત્ર પહેરીને, ભીષ્મ પિતામહ સાથે લડવા આવ્યો જ નહીં. આમ, થોડો સમય પસાર થઈ ગયો અને પેલા વસ્ત્રની વાત સાવ વિસરાઈ ગઈ. અને અંબાએ દ્રુપદ રાજાને ત્યાં શીખંડિની નામથી એક પુત્રીરૂપે પુનર્જન્મ લીધો.
 
‘મહાભારત’માં નિરૂપાયેલી વાર્તા અનુસાર જ્યારે શિખંડીને એક શક્તિના પુંજસમી યુવતી બની, ત્યારે તેણે એકવાર પાટનગરના મુખ્ય દરવાજે મધ્યમાં લટકતું પેલું વસ્ત્ર નિહાળ્યું. આથી માણસોને બોલાવી વસ્ત્ર ઉત્તરાવ્યું, અને તે લઈને પોતાના ગળાની આસપાસ વીંટાળીને પુલકિત બની ગઈ. તેણે અદ્ભુત રોમાંચ અનુભવ્યો ! અને તેની સાથે જ પુરાણી બધી જ સ્મૃતિઓ જાગી ગઈ !
  
વાસ્તવમાં એ પૂર્વજન્મની અંબા જ હતી અને તે હવે શિખંડિની રૂપે શક્તિશાળી યુવતી હતી. તેને યાદ આવ્યું કે, ‘અરે ! આ વસ્ત્ર તો મેં જ ભૂતકાળમાં અહીં ટીંગાડેલું ! શિખંડિનીએ જેવું એ વસ્ત્ર ગળા પર વીંટાળ્યું કે તરત જ દ્રુપદ રાજા જોઈ ગયા અને આવનાર ભયથી ચિંતિત બની ગયા ! અરે ! આ તો ભીષ્મ પિતામહની જ દુશ્મન રૂપે અવતરી છે, આથી દ્રુપદ રાજાએ અગમચેતી વાપરી શિખંડિનીને રાજ્ય બહાર કાઢી મૂકી.’
 
અને, હવે શિખંડિનીના જીવનનો જાણે કે એક નવો અધ્યાય શરૂ થઈ ગયો. જંગલોમાં રખડી-રખડીને શિખંડીનીને દિવસો પસાર કરવા પડ્યા, પરંતુ તે નાસીપાસ ન થઈ તેમજ અગાઉની પોતાની પ્રતિજ્ઞામાંથી પણ વિચલિત ન જ થઈ ! દિવસો પસાર થતા ગયા ! સમયનું ચક્ર ફરતું જ રહ્યું ! શિખંડિનીના જીવનમાં પણ વનવાસ દરમિયાન અનેક ઉતાર-ચઢાવ આવ્યા જ કર્યા ! આ સમય દરમિયાન શિખંડિનીએ નીડરતાથી રહેવા પોતાની લિંગ પણ બદલી નાખી ! હવે તે ન તો યુવતી રહી કે ન તો યુવક ! ‘મહાભારત’ના રચયિતા મુનિ વેદવ્યાસ પણ લખે છે કે શિખંડિનીએ પોતાની જાતિ બદલી નાખેલી અને હવે તે શિખંડી બની ગયો. માતાજીનો ભક્ત બની ગયો ! પરંતુ બીજી તરફ યક્ષ તો તેને સ્ત્રી‚પે રાખવા માગતા હતા.
 
મહાભારતના કુરુક્ષેત્ર યુદ્ધમાં ભીષ્મ પિતામહે પોતાની જાતને અન્ય સ્થળે ખસેડી, કેમ કે તેઓ કોઈ સ્ત્રી સામે લડવા માગતા ન હતા. અર્જુન અને શ્રીકૃષ્ણ બન્ને જાણતા હતા કે ભીષ્મ પિતામહ શિખંડી ઉપર શસ્ત્રોથી વાર નહીં જ કરે, આથી શ્રીકૃષ્ણે એ તક ઝડપી લીધી અને આગળ શિખંડીને ઊભો રાખી, તેની બરાબર પાછળ શ્રીકૃષ્ણે અર્જુનને ગોઠવી દીધો ! શિખંડીની પાછળ ઊભેલો અર્જુન સામા પક્ષને દેખાતો જ ન હતો. આથી અર્જુને ઉપરા છાપરી બાણોની વર્ષા વરસાવીને ભીષ્મનું સમગ્ર શરીર કાણું કરી નાખ્યું અને ભીષ્મ ઢળી પડ્યા. આમ, મહાભારતના યુદ્ધમાં શિખંડી એક સાધન બની ગયા અને ભીષ્મના મૃત્યુનું નિમિત બન્યા, તેથી આ પાત્ર પણ મહાભારતના મહાકાવ્યમાં થઈ ગયું. યુદ્ધના ૧૮મા અને અંતિમ દિવસે અશ્ર્વત્થામાએ શિખંડીને મારી નાખેલો.