વિદુર : વિદુરનીતિના જનક

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |
 
 
 
ચિત્રાંગદ અને વિચિત્રવીર્યના અવસાન બાદ હસ્તિનાપુરની ગાદીના વંશ માટે સત્યવતીએ ભીષ્મને બોલાવી કહ્યું, ‘બેટા ભીષ્મ ! હવે ધર્મપરાયણ પિતાનું પિંડદાન, સુયશ અને હસ્તિનાપુરના વંશની રક્ષાનો ભાર તારા પર જ છે. તારો ભાઈ વિચિત્રવીર્ય આ લોકમાંથી સંતાનહીન અવસ્થામાં પરલોકવાસી થઈ ગયો છે. તું કાશીરાજની પુત્રકામિની ક્ધયાઓ દ્વારા સંતાન ઉત્પન્ન કરીને હસ્તિનાપુરના વંશની રક્ષા કર. ત્યારે ભીષ્મ પોતાનાં આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા આગળ ધરી સત્યવ્રતીની ક્ષમા માંગે છે.
 
સત્યવતીએ દેવવ્રત ભીષ્મની ‘ભીષ્મ પ્રતિજ્ઞા’ સાંભળીને તેમની સાથે ચર્ચા કરી. નક્કી થયા મુજબ વ્યાસજીનું સ્મરણ કર્યું. વ્યાસ ઉપસ્થિત થયા અને કહ્યું, ‘માતા ! હું તમારી શી સેવા કરું ?’ સત્યવતીએ કહ્યું, ‘બેટા ! તારો ભાઈ વિચિત્રવીર્ય નિ:સંતાન જ મૃત્યુ પામ્યો છે. તું તેના કુળ માટે નિયોગવિધિથી પુત્ર ઉત્પન્ન કર.’ વ્યાસજીએ માતાની આજ્ઞાનો સ્વીકાર કરીને અંબાથી ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાથી પાંડુને ઉત્પન્ન કર્યા. ધૃતરાષ્ટ્રના જન્મ સમયે વ્યાસજી નિર્વસ્ત્ર પસાર થતાં લજ્જાથી બચવા અંબિકાએ આંખો બંધ કરી. તેથી અંધ ધૃતરાષ્ટ્ર જન્મ્યા. જ્યારે પાંડુના જન્મ સમયે લજ્જાથી બચવા પોતાના શરીરે ચંદનનો લેપ કર્યો હતો તેથી પાંડુપુત્ર થયો. જ્યારે અંબાલિકાની સ્વસ્થ અને ધર્મપરાયણ દાસી વ્યાસજી સમક્ષ રામ! રામ ! કરતી પસાર થઈ. તેથી સ્વસ્થ અને ધર્મપરાયણ વિદુરનો જન્મ થયો.
 
મહાભારતના મહાત્મા માંડવ્યના શાપથી ધર્મરાજા જ વિદુરરૂપે અવતર્યા હોવાનો ઉલ્લેખ છે. આ સંદર્ભે માંડવ્ય ઋષિની રોચક ધર્મવાર્તા પણ છે. માંડવ્ય નામના એક યશસ્વી બ્રાહ્મણ હતા. તેઓ બહુ ધૈર્યવાન, ધર્મજ્ઞ, તપસ્વી અને સત્યનિષ્ઠ હતા. તેઓ પોતાના આશ્રમના દ્વાર પર વૃક્ષ નીચે મૌન ધારણ કરીને, હાથ ઊંચા કરીને તપસ્યા કરતા હતા. એક વેળાએ લુંટારા લૂંટનો માલ સિપાઈઓના પીછાને કારણે આ આશ્રમમાં સંતાડી ત્યાં છુપાઈ ગયા. સિપાઈઓએ આવીને માંડવ્યને પૂછ્યું, ‘લૂંટારા કઈ બાજુ ગયા ? તરત જ જણાવો, જેથી તેમનો પીછો કરીએ.’ માંડવ્યે મૌનને કારણે કશો ઉત્તર આપ્યો નહીં. સિપાઈઓ તથા રાજ-કર્મચારીઓએ આશ્રમની તપાસ કરતાં લુંટારા તથા બધું ધન મળી આવ્યું. તેથી તેમણે માંડવ્યમુનિ અને લુંટારાઓને રાજાની સમક્ષ હાજર કર્યા. રાજાએ આશ્રમમાં સંતાયેલ લુંટારાઓને તથા મુનિને શૂળીએ ચઢાવવાનો હુકમ કર્યો.
 
સિપાઈઓએ જોયું કે ઋષિને શૂળી પર ચડાવ્યે ઘણા દિવસો વીતવા છતાં તેઓ મર્યા નથી. સિપાઈઓએ આ વાત રાજાને સંભળાવી. રાજાને પોતાની ભૂલ સમજાઈ. રાજાએ માંડવ્યમુનિ પાસે આવીને પ્રાર્થના કરી કે, ‘હે મુનિવર ! અમે અજ્ઞાનવશ આપનો મહાન અપરાધ કર્યો છે. તમે મને ક્ષમા કરો, મારા પર પ્રસન્ન થાઓ.’ માંડવ્યમુનિને શૂળી પરથી ઉતારવામાં આવ્યા. ઘણો પ્રયત્ન કરવા છતાં શૂળી પરની અણી તેમના શરીરમાં રહી ગઈ. મુનિએ શરીરમાં રહી ગયેલી અણી સાથે તપ કર્યું અને દુર્લભ લોકને પ્રાપ્ત કર્યો. ત્યારથી તેમનું નામ અણી માંડવ્ય પડી ગયું. મહર્ષિ માંડવ્યે ધર્મરાજાની સભામાં જઈને પૂછ્યું કે, મેં અજાણ્યે એવું કયું પાપ કર્યું હતું, જેનું મને આ ફળ મળ્યું ? જલદી કહો. અન્યથા મારા તપનું બળ જુઓ.’ ધર્મરાજાએ કહ્યું, ‘તમે બાળપણમાં એક નાનકડા પતંગિયાની પૂંછમાં કાંટો ભોંકી દીધો હતો, તેનું આ ફળ છે.’ આ સાંભળી અણીમાંડવ્ય ઋષિએ ધર્મરાજને કહ્યું, ‘બાળક બાર વર્ષની અવસ્થા સુધી જે કાંઈ કરે છે તેનાથી અધર્મ થતો નથી. કેમ કે તેને ધર્મ-અધર્મનું જ્ઞાન રહેતું નથી. તમે નાના અપરાધનો મોટો દંડ આપ્યો છે. તમને ખબર હોવી જોઈએ કે બધા પ્રાણીઓના વધથી બ્રાહ્મણનો વધ મોટો છે. તેથી તમારે નિમ્ન યોનિમાં જન્મ લઈને મનુષ્ય બનવું પડશે. આજે હું સંસારમાં કર્મફળની મર્યાદા સ્થાપિત કરું છું.’ ચૌદ વર્ષની અવસ્થા સુધી કરેલાં પાપોનું પાપ લાગશે નહીં, ત્યાર પછી કરેલાં કર્મોનું ફળ અવશ્ય મળશે.’ આટલું કહ્યા પછી માંડવ્યમુનિએ ધર્મરાજાને શાપ આપ્યો, ‘હે ધર્મરાજ ! તમે સંસારમાં આ અન્યાયી નિર્ણય લીધો છે તેથી શાપિત છો. તમારો જન્મ અલૌકિક હશે. તમે દાસીને ત્યાં જન્મ લેશો અને ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્રસભર નીતિશાસ્ત્રનો સંસારને સંદેશો આપશો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો ધર્મમાર્ગ પ્રસ્થાપિત કરશો.’ તેથી મહાભારતમાં મહાત્મા વિદુર, ધર્મરાજાના અવતાર સ્વ‚પે જન્મ્યા હોવાના પ્રમાણ સાથે સંકળાયેલ કથાવસ્તુઓના ઘટનાક્રમથી પ્રતીત થાય છે.
 
મહાભારતના ઉદ્યોગપર્વમાં વિદુરનીતિના આઠ અધ્યાયનું વર્ણન છે. વિદુર ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં ભારે નિપુણ હતા. ક્રોધ અને લોભ તેમને સ્પર્શી શક્યા નથી. તેઓ દૂરદર્શી, શાંતિના પક્ષપાતી અને સમસ્ત કુરુવંશના હિતૈષી હતા. ધૃતરાષ્ટ્રને આપેલ નીતિના ઉપદેશમાં વિદુર સદ્ગુણલક્ષી મહાત્મા અને ધર્માત્માના ચરિત્રમાં ઊપસી આવે છે. મહાભારતમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જે મહત્ત્વ છે તેવું મહત્ત્વ વિદુરનીતિનું છે. વિદુરનીતિમાં સામાન્ય માણસ સમજી શકે તેવા વ્યવહારુ ઉપદેશો છે.
 
વિદુરનીતિના પ્રથમ અધ્યાયમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને પ્રજ્ઞાચક્ષુ હોવાનો અહેસાસ કરાવે છે. ધૃતરાષ્ટ્ર ધર્માત્મા તથા ધર્મના જ્ઞાતા હોવા છતાં દુર્યોધન, શકુનિ, કર્ણ અને દુ:શાસન જેવા અયોગ્ય વ્યક્તિઓને રાજ્યનો ભાર સોંપે છે તેનું ભાન કરાવે છે. પંડિતના તથા મૂઢબુદ્ધિનાં લક્ષણો જણાવી વિદુરજી ક્ષમાશીલતા તથા સમાધાનનો ઉપદેશ આપે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા કદાચ સામાન્ય વ્યક્તિને સમજવામાં મૂંઝવણ ઊભી કરે ! પણ આ વિદુરનીતિના આઠેય અધ્યાયોમાં જે ઉપદેશ સરળ ભાષામાં વર્ણવાયો છે તે અદ્ભુત છે. વિદુરનીતિનો અભ્યાસ પણ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. વિદુરનીતિ વિશ્ર્વને શાંતિ તથા ભાઈચારાનો સંદેશ આપે છે.મહાભારતના શાંતિપર્વમાં પણ વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સમજણ આપી છે. તેમણે કહ્યું કે, ‘હે રાજન ! ઘણા દયા, સત્ય અને સંયમ - આ બધી આત્માની મૂડી છે. આ ધર્મ છે. તેનું અવલંબન લઈને મનુષ્ય સંસાર-સાગરને પાર કરી ત્રણે લોકમાં ઇચ્છા પ્રમાણે સ્થિત થઈ પરમ સુખને પામે છે.’
 
મહાભારતમાં પ્રસ્તુત થયેલ મહાત્મા વિદુરજીનું જીવનચરિત્ર સ્વથી માંડી સમષ્ટિના કલ્યાણ માટે સૌને પ્રેરણા આપે છે.