ગાંધારી : કૌરવોની માતા અને મહાભારતનું સૌથી ઓજસ્વી પાત્ર

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
ભારતીય સંસ્કૃતિનું મહાકાવ્ય એટલે ભગવાન વેદવ્યાસ રચિત મહાભારત. અનેક ચડાવ-ઉતારમાંથી પસાર થતા મહાભારતના કથાનકને ચોટદાર અને ખરા અર્થમાં ક્લાઇમેક્સ કહી શકાય એવો એક પ્રસંગ એટલે સો કૌરવપુત્રોની માતા ગાંધારીનો શાપ. મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણને નિર્વંશ હોવાનો અભિશાપ આપી શકે એવું સમર્થ પાત્ર ગાંધારીનું છે. હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી મહાભારતનું સૌથી ઓજસ્વી પાત્ર છે. તે પૂર્ણ પુરુષોત્તમને શાપ આપ્યા પછી પણ નિષ્કલંક રહી શકી છે!
 
કૌરવોની માતા ગાંધારી મહાભારતનું સૌથી તેજતર્રાર અને ગર્વિષ્ઠ પાત્ર છે. તે ધર્મપરાયણ છે. તે પણ માનવસહજ મર્યાદાઓથી પર નથી. પેરેડોક્સ અને દ્વંદ્વના મહાકાવ્ય એવા મહાભારતમાં ધર્મ શું છે એ કૃષ્ણ, વિદુર, યુધિષ્ઠિર અને ગાંધારી એ ચારને જ ખબર હતી. ધર્મરાજ યુધિષ્ઠિર અને યોગેશ્ર્વર શ્રીકૃષ્ણ પોતાના ધર્મમાંથી ચલિત થયાના એક કરતાં વધારે ઉદાહરણો મહાભારતમાં જોવા મળે છે, પણ ગાંધારીએ કૌરવના પક્ષે રહીને પણ ધર્મની બહાર એક પણ ડગ માંડ્યાનો દાખલો મહાભારતમાંથી શોધ્યો જડતો નથી.
 
એક વખત વેદવ્યાસ ફરતા ફરતા ગાંધારી પાસે આવ્યા. ગાંધારીએ તેમની અદકેરી સેવા કરી. આનાથી પ્રસન્ન થઈને વેદવ્યાસે તેને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ગાંધારીએ તેમની પાસે વરદાન માગ્યું, મારા પતિ જેવા સો પુત્ર મને થાય. એ વખતે ગાંધારીને ખબર ન હતી કે તેનાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થવાનાં છે અને તેણે માગેલું આ વરદાન અભિશાપ સાબિત થવાનું છે.
 
સમય જતાં રાજકુમારી ગાંધારીનાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થયાં.
 
ગાંધાર પ્રદેશ (કંદહાર-વર્તમાનમાં અફઘાનિસ્તાન અને પેશાવરનો પ્રદેશ)ના રાજા સુબલની પ્રભાવી પુત્રી ગાંધારીને અંધ ધૃતરાષ્ટ્ર સાથે પરણાવી દેવા પાછળ તેમના પિતાની ગણતરી રહેલી હતી એમ કહીએ તો કશું ખોટું નથી. આર્યાવર્તના સૌથી સમૃદ્ધ અને સમર્થ રાજ્ય હસ્તિનાપુરના યુવરાજ ધૃતરાષ્ટ્ર માટે માગું લઈને ગંગાપુત્ર ભીષ્મ મહારાજ સુબલ પાસે પહોંચ્યા. ત્યારે સુબલ જાણતા હતા કે પરાક્રમી યોદ્ધા ભીષ્મ સ્વયંવરમાંથી અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરી લાવ્યા છે. એટલે તેમનો આ પ્રસ્તાવ ફગાવી દેવાથી તેઓ રાજકુમારી ગાંધારીનું પણ અપહરણ કરે એવું બને. તેથી ગાંધારનરેશ સુબલે પુત્રીનાં લગ્ન થકી સૌથી શક્તિશાળી રાજવી પરિવાર સાથે સંબંધ બંધાવાની ગણતરીઓ માંડી હોવી જોઈએ. આમ, તેણે ન તો ગાંધારીની મરજી જાણવાની તસ્દી લીધી કે ન તો સ્વયંવર યોજ્યો. ગાંધારી માટે આનાથી પણ મોટી આઘાતજનક વાત એ હતી કે તેને એવું પણ ન જણાવાયું કે એનાં જેની સાથે લગ્ન થવાનાં છે તે ધૃતરાષ્ટ્ર અંધ છે.
 
ઉરમાં અનેક અરમાનો ઉછેરીને નવવિવાહિત ગાંધારી લગ્ન કરીને હસ્તિનાપુર સાસરે પહોંચી ગઈ. પછી તેને ખબર પડી કે તેનો પતિ અંધ છે. જીવનનો આ વજ્રાઘાત ગાંધારીએ કઈ રીતે જીરવ્યો હશે ?! તેણે કઈ તાકાતથી જીવનની આ વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો હશે ? જેના આધારે જીવન જીવવાનું હોય એનો જ આધાર બનવું પડે એ પરિસ્થિતિ ખરેખર દુષ્કર છે.
 
અંધ પતિ સાથે શારીરિક અભિન્નતા જળવાઈ રહે એ માટે ગાંધારીએ આંખે પાટા બાંધી લીધા. આ તેણે પોતાની જિંદગી સાથે કરેલું સૌથી મોટું સમાધાન છે. નરી આંખે દુનિયાને નિહાળી શકતી ગાંધારી અને અંધ ધૃતરાષ્ટ્ર એ જગતનું સૌથી મોટું કજોડું કહેવાય. અહીં ફક્ત તેના બાહ્ય તફાવત વિશેની વાત નથી માંડવી, પણ માનસિક કજોડાંની વાત પણ કહેવી છે.
 
પુત્ર દુર્યોધનનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓએ માતા-પિતાને જણાવ્યું હતું, આ પુત્ર વિનાશ વેરીને કુળનો નાશ વેરશે.
 
એ વખતે મમતાથી છલોછલ માતા હોવા છતાં ગાંધારીએ ઊંચા ગજાની હિંમત દાખવીને મોહાંધ પતિને જણાવી દીધું હતું કે આ પુત્રને આપણે ત્યજી દઈએ પણ ધૃતરાષ્ટ્રે તેની વાત કાને ધરી નહીં.
 
અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને ધર્મની જાણતલ ગાંધારીને મોટા ભાગે ગુમાવવાનો જ વારો આવ્યો છે.
 
અંધ પતિને રાજ કરવા ન મળ્યું. એટલે ગાંધારી કદી મહારાણી પદ ન પામી શકી. પછી તેણે પતિ નહીં તો પુત્ર રાજસિંહાસન પર બેસશે એવી આશા સેવી. એ પણ ઠગારી નીવડી. કુંતીએ એના કરતાં વહેલો પુત્રને જન્મ આપ્યો. પુત્રોને જન્મ આપવાની રાહ જોઈ રહેલી ગાંધારી રાજમહેલમાં પણ એકલતા અનુભવવા લાગી.
 
ગુણિયલ ગાંધારીમાં માનવસહજ ગુણ-અવગુણ પણ જોઈ શકાય છે. પોતાના કરતાં દેરાણી કુંતીની કૂખે વહેલો પુત્રરત્ન જન્મ્યો એટલે ગાંધારીને તેની ખૂબ જ ઈર્ષ્યા થઈ. ઈર્ષ્યાની આગમાં ભડ ભડ બળતી પતિપરાયણ ગાંધારીએ સંતાનોને યોગ્ય રીતે ઉછેરવા માટે પણ આંખે પાટા બાંધેલા જ રાખ્યા. અહીં એ થાપ ખાઈ ગઈ. પતિપરાયણતાના પ્રતીકસમા એ જ પાટા સંતાનોના યોગ્ય ઉછેરમાં દોષ પુરવાર થાય છે. ગાંધારીએ કુરુ પરિવારના હિતને ધ્યાનમાં રાખીને આંખે પાટા બાંધવાની પ્રતિજ્ઞા પડતી મૂકીને પાટા ખોલી નાખ્યા હોત તો સંતાનોને સારી રીતે ઉછેરી શકી હોત! આવું થયું હોત તો કદાચ મહાભારતનું ભીષણ યુદ્ધ ન થયું હોત. આવા અનેક પ્રસંગોના આધારે કહી શકાય કે ગાંધારીનો એક ગુણ જ સમય જતાં બીજા સંદર્ભમાં દોષ સાબિત થયો, જેના પરિણામે કુરુકુળનો સર્વનાશ થયો.
 
મહાભારતનું યુદ્ધ જીતી લીધા પછી પાંડવોએ ગાંધારીને વંદન કર્યાં ત્યારે ગાંધારીએ તેમને આશિર્વાદ આપવાને બદલે શ્રીકૃષ્ણને શાપ આપ્યો, પાંડવોને સહાય કરીને મારા પુત્રોને મરાવ્યા, માટે આજથી છત્રીસમે વર્ષે તમારો કુલક્ષય પણ એ રીતે થશે.
 
મહાભારતમાં ધર્મરાજ કહેવાતા યુધિષ્ઠિર ધર્મથી ચલિત થયા, પરંતુ ગાંધારી કદી પોતાના ધર્મથી ચલિત ન થયાં.
પુત્ર દુર્યોધન મહાભારતના યુદ્ધમાં જતાં પહેલાં માતા પાસેથી આશીર્વાદ મેળવવા માટે આવે છે ત્યારે ગાંધારીએ પુત્રને ’વિજયી ભવ:’ના આશીર્વાદ
 
નથી આપ્યા. તેને બદલે એમ કહ્યું કે ‘य तो धर्मस्ततो जय’જ્યાં ધર્મ છે તેનો વિજય છે.’
 
ગાંધારીને બરાબર ખબર છે કે તેનાં સંતાનો ધર્મના પક્ષે નથી. ધર્મની ધજા લઈને પાંડવો ઊભા છે. એટલે તેણે એમ કહ્યું કે જ્યાં ધર્મ છે તેનો વિજય છે. આમ ગાંધારી પોતાના પુત્રોને પક્ષે ન ઊભી રહી.
 
તે હંમેશાં ધર્મના પક્ષે ઊભી રહી. ગાંધારી જેવી સમર્થ સ્ત્રી આર્યાવર્તમાં બીજી એકેય નહોતી. મહાભારતમાં કૃષ્ણે કહ્યું છે, તમે પૃથ્વીને પણ બાળી શકો છો. છતાં તમારી બુદ્ધિ પાંડવોના વિનાશ માટે પ્રવૃત્ત ન થજો.
 
દમામદાર ગાંધારી પતિ ધૃતરાષ્ટ્ર કે પાંડવો પાસે રડી નથી પણ એ શ્રીકૃષ્ણ પાસે રડી હતી. તેનું કારણ શું? વ્યથા, ક્રોધ, ઘૃણા, આવેશ અને રુદનની ચરમસીમાએ ગાંધારી રણભૂમિમાં પડેલાં નિષ્પ્રાણ સંતાનોને જોવા માગે છે. શ્રીકૃષ્ણ તેને દિવ્યદૃષ્ટિથી રણમેદાનમાં લઈ ગયા. ત્યારે ગાંધારીએ શું જોયું? રક્તરંજિત રણભૂમિ અને પોતાના જ પુત્રોનો સંહાર ! આ જોઈને તેણે હૈયાફાટ રુદન કર્યું. ત્યાર બાદ આ બધાની વચ્ચે ગાંધારી શાંત અને નિસ્તેજ ઊભી રહી. એ વખતે તેને થયું કે ધાર્યુ હોત તો શ્રીકૃષ્ણ આ ધર્મયુદ્ધ અટકાવી શક્યા હોત અને આ નરસંહાર પણ ! આ ગ્લાનિની ભારેખમ પળોમાં ગાંધારી હોશ ખોઈ બેસે છે અને તે ભગવાન શ્રીકૃષ્ણને અભિશાપ આપી બેસે છે. તે કહે છે કે,
 
"હું તપસ્વિની ગાંધારી ! મારા આ જન્મનાં તમામ પુણ્યબળ તેમજ પૂર્વજન્મના પુણ્યબળને ભેગું કરીને કહું છું કૃષ્ણ, સાંભળો! તમે જો ધાર્યંુ હોત તો યુદ્ધને રોકી શક્યા હોત. મેં એકસો પુત્રોને જન્મ આપ્યો હતો, હાડપિંજરોને નહીં. નિરપરાધ અશ્ર્વત્થામાને તમે શાપ આપ્યો એ જ શાપ તમે અધર્મ આચરનારા ભીમને શા માટે ન આપ્યો? આ રીતે તમે ધર્મનો દુરુપયોગ કર્યો છે. જો મારી સેવામાં બળ હોય અને મારા સંચિત તપમાં ધર્મ હોય તો કૃષ્ણ સાંભળો! તમારો સંપૂર્ણ વંશ પણ આવી રીતે જંગલી પશુની જેમ એકબીજાને ફાડી ખાશે. તમે પણ એક પારધીને હાથે માર્યા જશો. તમે પ્રભુ છો પણ પશુના મોતે મરશો. આજથી ૩૬મા વર્ષે તમારો કુલક્ષય થશે.
 
બીજી જ ક્ષણે ગાંધારીને ભાન થયું કે તેણે આ કેવો શાપ આપી દીધો? પથ્થરદિલને પણ પીગળાવી મૂકે એવી પોક મૂકીને ગાંધારી રડી પડી.
 
એક સો માતાની વેદનાની પરાકાષ્ઠા ગાંધારીમાં જોવા મળે છે એવી ભારતભરના અન્ય કોઈ ગ્રંથમાં જોવા નથી મળતી.
કૌરવોનો નાશ થયા પછી તે પાંડવો પાસે રહેતી હતી. જ્યારે ધૃતરાષ્ટ્ર વનમાં ગયા ત્યારે તેમની સાથે ગઈ હતી અને ધૃતરાષ્ટ્ર મરણ પામતાં એમની સાથે બળી જઈ સતી થઈ હતી.