અર્જુન : શ્રીકૃષ્ણ જેવા પરમસખા અને સારથિ ધરાવતા, યુદ્ધ વચ્ચે કુરુક્ષેત્રમાં ગીતાજ્ઞાન શ્રવણ કરનાર

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |


 
ભગવાન શ્રીકૃષ્ણે જેને કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં ગીતાનો ઉપદેશ આપ્યો હતો તે અર્જુન મહાભારતનું એક પરાક્રમી પાત્ર છે. શ્રીકૃષ્ણ જેના સારથિ બનાવવામાં ગૌરવ અનુભવતા એવા અર્જુન માટે ગાંડિવધારી, કૌન્તેય, પાર્થ જેવાં અનેક ઉપનામો છે. પાંડુરાજાના પાંચ પુત્રોમાં અર્જુનની ગણના યુદ્ધકૌશલ્યમાં પ્રવીણ બાણાવળી તરીકે થાય છે. ગુરુ દ્રોણાચાર્ય પાસે રહી અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં તેણે નિપુણતા મેળવી હતી. એકવાર ગુરુ દ્રોણાચાર્ય નદીકિનારે ગયા ત્યારે એક મગરે તેમનો પગ પકડ્યો. દ્રોણ પોતે જ તેના મુખમાંથી છૂટવા સમર્થ હતા, પરંતુ શિષ્યોની સમયસૂચકતા અને પરીક્ષા લેવા તેમણે બૂમાબૂમ કરી મૂકી. બધા શિષ્યો એકબીજાની સામે મોં વકાસીને જોઈ રહ્યા, જ્યારે અર્જુને બાણો વડે મગરનું મોં વીંધી નાખીને ગુરુને મુક્ત કર્યા. ગુરુએ તેને શ્રેષ્ઠ બાણાવળી થવાના આશીર્વાદ આપ્યા.
 
પાંચાલ દેશના રાજા દ્રુપદે પોતાની સ્વરૂપવાન અને તેજસ્વી ક્ધયા દ્રૌપદી માટે સ્વયંવર ગોઠવ્યો. તે સમયે પાંડવો છૂપા વેશે રહેતા હતા. દ્રુપદ રાજાએ જે મત્સ્યવેધ એટલે કે ઊંચા થાંભલા પર રહેલી માછલીની આંખને વીંધી શકે તેને પોતાની પુત્રી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. કર્ણ, દુર્યોધન, દુ:શાસન, વિરાટ, ભૂરિશ્રવા, અશ્ર્વત્થામા સહિત અનેક મહારથીઓ સ્વયંવરમાં ભાગ લેવા આવ્યા હતા, પરંતુ બ્રાહ્મણના વેશમાં રહેલો એક માત્ર અર્જુન મત્સ્યવેધ કરવામાં સફળ રહ્યો. જ્યારે પાંચેય પાંડવો દ્રૌપદીને લઈ ઘરે આવ્યા ત્યારે અજાણતાં જ માતા કુંતીએ સરખે ભાગે વહેંચી લેવાની વાત કરતાં દ્રૌપદી પાંચેય પાંડવોની પત્ની બની. છતાં દ્રૌપદીને સૌથી વધારે સ્નેહ અર્જુન પ્રત્યે હતો. એકવાર એક બ્રાહ્મણની ગાયોનું ધણ ચોર લોકો લૂંટી ગયા. બ્રાહ્મણે રાજદ્વારે ફરિયાદ કરી. અર્જુને કહ્યું, હું લૂંટારાઓનો પીછો કરીને ગાયો છોડાવું છું. પરંતુ અર્જુનનાં શસ્ત્રો તો યુધિષ્ઠિર અને દ્રૌપદી જ્યાં બેઠાં હતાં. તે ઓરડામાં હતાં અને યુધિષ્ઠિરની પરવાનગી વગર તે લઈ શકાય નહીં. જો તે યુધિષ્ઠિરના ઓરડામાં જાય તો મર્યાદા ભંગ થાય અને અર્જુને બાર વર્ષનો વનવાસ સ્વીકારવો પડે. પરંતુ અર્જુને વનવાસ કરતાં ધર્મને પાળીને ગૌમાતાનું રક્ષણ કરવાનો સ્વીકાર કર્યો. તે ગંગાકિનારે હરદ્વાર આવ્યો. અહીં તેને નાગરાજની પુત્રી ઉલૂપીનો ભેટો થયો. ઉલૂપી તેને સમર્પિત થઈ. અહીંથી અર્જુન મણિપુર આવ્યો. જ્યાં મણિપુરની રાજક્ધયા ચિત્રાંગદા પર મોહી પડ્યો. મણિપુરના રાજા ચિત્રવાહન પાસે જઈને તેણે પુત્રીના હાથની માગણી કરી. પરંતુ રાજાએ શરત મૂકીને ચિત્રાંગદાની કૂખે પુત્ર ન જન્મે ત્યાં સુધી તમારે અહીં જ રહેવું. અર્જુને એ માટે સંમતિ આપી. કારણ કે વનવાસનાં હજુ નવ વર્ષ બાકી હતાં. અહીં તેના લગ્ન થયાં અને બભ્રુવાહન નામના તેજસ્વી પુત્રનો જન્મ થયો. અહીંથી અર્જુન સૌરાષ્ટ્રની કામણગારી ભૂમિ તરફ આવવા રવાના થયો. કૃષ્ણ જાણતા હતા કે અર્જુન બાર વર્ષના વનવાસ પર છે તેથી તે મને મળવા ગમે ત્યારે અહીં આવી પહોંચશે. કૃષ્ણ અને અર્જુન મામા-ફોઈના ભાઈઓ થતા હતા, પરંતુ બંને વચ્ચેની મિત્રતા ભાઈ કરતાં પણ વધારે હતી. બંને જણ પ્રભાસક્ષેત્રમાં મળ્યા અને બાર વર્ષના પરાક્રમની વાતો કરી. કૃષ્ણે મિત્રના માનમાં રૈવતક પર્વત પર મોટો ઉત્સવ રાખ્યો. અહીં એક સુંદર ક્ધયા સાથે તેનો મેળાપ થયો. તે હતી સુભદ્રા, ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામની બહેન. કૃષ્ણ અર્જુનના મનની વાત કળી ગયા અને પોતાના જ રથમાં સુભદ્રાનું હરણ કરીને લઈ જવાની યોજના બનાવી. બલરામ આ જોઈ ખૂબ ક્રોધિત થયા પરંતુ કૃષ્ણે સૌને સમજાવી શાંત કર્યા અને કૃષ્ણ તથા અર્જુન એક નવા સગપણથી જોડાયા.
 
આગળ જઈને અગ્નિદેવના આગ્રહથી ખાંડવવન દહનનું કાર્ય કરી ઇન્દ્રરાજાની પ્રસન્નતા મેળવી. ઇન્દ્રે અર્જુનને વરદાન માગવા કહ્યું ત્યારે અર્જુને બધી જ જાતનાં અમોઘ શસ્ત્રો માંગ્યાં, પણ ઇન્દ્રે શરત મૂકી કે ભગવાન શંકર પ્રસન્ન થાય ત્યારે જ મળે. જ્યારે કૃષ્ણ ભગવાને, ‘અર્જુન જેવા મિત્રની શાશ્ર્વત મૈત્રીની માગણી કરી.’
 
જરાસંધના વધ પછી અર્જુને કુબેરની દિશામાં જવા માટે યુધિષ્ઠિર પાસે રજા માગી જેથી ચક્રવર્તી શાસન માટે અઢળક ધન મેળવી શકાય. થોડા સમય પછી યુધિષ્ઠિર - દુર્યોધન સાથે જુગાર રમવા બેસે છે અને તેમાં દ્રૌપદી સહિત રાજપાટ હારી જાય છે અને પાંડવોને ચૌદ વરસના વનવાસમાં જવું પડે છે. અર્જુનનો આ ત્રીજો વનવાસ હોય છે. અહીં યુધિષ્ઠિર વેદવ્યાસના કહેવાથી અર્જુનને સ્વર્ગના દેવ ઇન્દ્ર પાસે મોકલે છે, જેથી ઇન્દ્ર પાસે શસ્ત્રોનું જ્ઞાન મેળવી શકાય. ઇન્દ્ર જાતે મુનિનો વેશ ધારણ કરી અર્જુનને ડગાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અર્જુન માત્ર શસ્ત્રવિદ્યા માગે છે. અહીં ઇન્દ્રે ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનું કહ્યું. અર્જુન શંકર મહાદેવનું તપ કરે છે. તેના તપથી પ્રભાવિત થઈ શિવજી કિરાતભીલ અને પાર્વતી કિરાતીના વેશમાં ત્યાં આવે છે. અહીં અર્જુન સાથે ભયાનક યુદ્ધ થયું. છેવટે શિવજી તેને ધર્મયુદ્ધમાં વિજયનું વરદાન આપે છે.
 
ઇન્દ્ર રાજા ઇચ્છે છે કે અર્જુન અહીં સ્વર્ગમાં જ રહે. તેથી તેને આકર્ષવા માટે ઉર્વશી નામની અપ્સરાને મોકલે છે. અર્જુને તેને પ્રણામ કર્યાં. ત્યારે ઉર્વશીએ કહ્યું, હું તારા પ્રણામની આશાથી નથી આવી પણ તારા જેવો વીર અને પરાક્રમી પુત્ર મેળવવાની આશાથી આવી છું.
 
અર્જુન પ્રત્યુત્તર આપતાં કહે છે.‘જુઓ, હું તમારો પૌત્ર બનીને જ સામે ઊભો છું. મને જ તમારો પૌત્ર સમજો.’
 
ઉર્વશી ક્રોધમાં અર્જુનને એક વરસ સુધી નપુંસક રહેવાનો શાપ આપે છે.
 
જ્યારે ઇન્દ્રને આ વાતની ખબર પડી ત્યારે અર્જુનના ઉત્તમ ચારિત્ર્યથી પ્રસન્નતા થઈ તેને બોલાવીને કહ્યું, ‘બેટા, ઉર્વશીનો આ શાપ તને આશીર્વાદરૂપ થશે અને તેનાથી તું અજ્ઞાતવાસમાં તારી જાતને છુપાવી શકીશ અને તને ફરીથી પુરુષત્વ પ્રાપ્ત થશે.’ અર્જુને સ્વર્ગલોકમાં પાંચ વર્ષ વીતાવ્યાં અને શસ્ત્રવિદ્યા લઈ પાછો આવ્યો.
 
વનવાસનાં બાર વર્ષ પૂરાં થયાં ત્યાં ગુપ્તવાસમાં રહેવા માટે મત્સ્યદેશના વિરાટનગરની પસંદગી કરવામાં આવી. અહીં અર્જુન ‘બૃહન્નલા’ નામની સ્ત્રીનું નામ ધારણ કરી નપુંસક રૂપે વિરાટ રાજાના અંતપુરમાં રાજકુમારી ઉત્તરા વગેરેને સંગીત અને નૃત્ય શીખવાડે છે. યુધિષ્ઠિર ‘કંક’ તરીકે, ભીમ બલ્લવ રસોઇયા તરીકે અને સહદેવ અને નકુલ ગ્રંથિક અને તંતિપાલ તરીકે અશ્ર્વપાલક બને છે, જ્યારે દ્રૌપદી સૈરન્ધ્રી તરીકે વિરાટ રાજાની રાણીની દાસી બને છે. અહીં ભીમ કીચકનો વધ કરે છે. કૌરવોને જ્યારે પાંડવોની ખબર પડી ત્યારે તેઓ વિરાટનું ગોધન હાંકી જવા લાગ્યા. ઉત્તર કુમાર કૌરવોની પાછળ પડ્યો. છેવટે અર્જુન તેની વહારે આવ્યો. અહીં દ્રોણ ગુરુ અને શિષ્ય અર્જુન વચ્ચે મહાભયાનક યુદ્ધ થયું. છેવટે કૌરવોની સેનાને ભાગવું પડ્યું. અજ્ઞાતવાસ પૂરો થતાં વિરાટ રાજાએ પોતાની સભામાં બધા પાંડવોની ઓળખાણ કરાવી અને પોતાની પુત્રી ઉત્તરાનો હાથ અર્જુનને આપવા તૈયાર થયા ત્યારે અર્જુન તેનો અસ્વીકાર કરતાં પોતાના પુત્ર અભિમન્યુ સાથે તેનાં લગ્ન કરાવે છે અને ઉત્તરાને પોતાની પુત્રવધૂ બનાવે છે.
 
છેવટે કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ નક્કી થાય છે. યુધિષ્ઠિરે મદદ મેળવવા માટે અર્જુનને કૃષ્ણ પાસે મોકલ્યો. દુર્યોધનને આ વાતની ખબર પડી એટલે તે પણ દ્વારકા પહોંચી ગયો. તેણે કૃષ્ણની એક અબજની નારાયણી સેના માગી જ્યારે અર્જુને કૃષ્ણને માગ્યા. અઢાર દિવસનું મહાભારતનું યુદ્ધ પ્રારંભ થાય છે ત્યારે અર્જુન ખૂબ જ વિષાદ અનુભવે છે ત્યારે તેના સારથિ બનેલા ભગવાન શ્રીકૃષ્ણ તેની શંકા દૂર કરવા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે છે. યુદ્ધમાં પાંડવોનો વિજય થાય છે. અર્જુન મહાભારતનું અતિશય ગૌરવશાળી અને પરાક્રમી પાત્ર છે.
- મધુકાન્ત પ્રજાપતિ