ભીમ : પાંડવોના સુરક્ષા કવચ સમાન, ૧૦ હજાર હાથીઓનું બળ ધરાવનારો ૧૦૦ કૌરવોને હણનાર યોદ્ધો

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |


 
 
 
ભીમનો જન્મ વાયુદેવના અંશથી થયો હતો. વનવાસ દરમિયાન પાંડુએ જ્યારે કુંતી પાસે મંત્રો દ્વારા પુત્રો પ્રાપ્ત કરવાની વાત કરી ત્યારે કુંતીએ પ્રથમ યુધિષ્ઠિરને જન્મ આપ્યો. ત્યાર બાદ ભીમનો જન્મ થયો. માતા કુંતી જ્યારે ભીમને લઈ પાંડુ પાસે ગયા ત્યારે જ સિંહગર્જના થઈ અને ડરના કારણે ભીમ તેમના હાથમાંથી છૂટી એક પથ્થર પર પડ્યો અને કુંતી અને પાંડુના આશ્ર્ચર્ય વચ્ચે એ શિલાના બે ટુકડા થઈ ગયા. જ્યારે ભીમને જરા સરખી પણ આંચ ન આવી. બરોબર તે જ સમયે આકાશવાણી થઈ કે આ બાળક બળવાનોમાં સર્વશ્રેષ્ઠ થશે.
 
બાળપણમાં રમત-રમતમાં ભીમ કૌરવોને વારંવાર હરાવી દેતો. પરિણામે દુર્યોધનને તેની ખૂબ જ ઈર્ષા થતી. એક દિવસ નદીમાં નાહવાને બહાને તે પાંડવોને ગંગાતટ પર લઈ ગયો અને ભીમને મારી નાખવાના ઇરાદે લાડવામાં કાલકૂટ ઝેર ભેળવી ખવડાવી દીધું. આ ઝેરથી અચેત થઈ ગયા બાદ દુર્યોધને ભીમને બાંધી ગંગામાં નાખી દીધા અને ભીમ બેહોશીની દશામાં નાગલોક પહોંચી ગયા. જ્યાં કુંતીના પિતા શૂરસેનના નાના આર્યકે ભીમને ઓળખી લીધા અને તેમની વિનંતીથી નાગરાજ વાસુકીએ અમૃતરસ પીવડાવી દસ હજાર હાથીઓનું બળ તેને આપ્યું. ભીમનું એક માત્ર કામ માતા કુંતી અને પાંડવોની રક્ષા કરવાનું હતું અને તે માટે તે ગમે તે હદે જતા. વારણાવર્તના લાક્ષાગૃહમાંથી હેમખેમ નીકળી ગયા બાદ તેનો સામને હિડિમ્બા રાક્ષસ સાથે થયો અને તેનો વધ કર્યો. ભીમના બળથી આકર્ષાઈને તેને વરી ચૂકેલ હિડિમ્બા સાથે ભીમે માતા કુંતીના આદેશથી લગ્ન કર્યાં હતાં અને સંતાન થાય ત્યાં સુધી હિડિમ્બવનમાં રોકાયા હતા. હિડિમ્બા અને ભીમને પુત્ર જનમ્યો તેનું નામ ઘટોત્કચ હતું. ભીમે એકચક્રા નગરીમાં માતા કુંતી અને ભાઈ યુધિષ્ઠિરના આદેશથી અત્યાચારી બકાસુર રાક્ષસનો વધ કરી સમગ્ર નગરના લોકોને બકાસુરના ભયથી મુક્તિ અપાવી હતી. ભીમે જ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જઈ બળવાન પરાક્રમી એવા જરાસંધને લલકાર્યો અને તેનો વધ કર્યો હતો.
 

 
 
હસ્તિનાપુરમાં જુગટામાં દ્રૌપદીને હાર્યા બાદ જ્યારે ભરીસભામાં દુ:શાસન દ્વારા દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું. ત્યારે તમામ કૌરવોને પોતાના હાથે જ મારવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી અને દુ:શાસનની છાતી ચીરી તેના લોહીથી દ્રૌપદીના કેશ રંગવાની પ્રતિજ્ઞા લીધી હતી અને આ પ્રતિજ્ઞા પૂર્ણ પણ કરી હતી. મહાભારતના યુદ્ધમાં ભીમે જ દુર્યોધન સહિત સોએ સો કૌરવોનો વધ કર્યો હતો. તેથી જ કૌરવ પિતા ધૃતરાષ્ટ્રને ભીમ પ્રત્યે ભારોભાર ક્રોધ હતો અને તે ખુદ પોતાના હાથે ભીમને મારી નાખવા માગતા હતા. મહાભારતના યુદ્ધ પૂર્ણ થયા બાદ ધૃતરાષ્ષ્ટ્ર વિશેષ ‚પથી ભીમને મળવાની ઇચ્છા વ્યક્ત કરે છે. ત્યારે શ્રીકૃષ્ણ ભીમને ચેતવી દે છે અને ધૃતરાષ્ટ્ર સામે ભીમની લોખંડની એ પ્રતિમા ઊભી કરી દે છે, જેની સાથે દુર્યોધન યુદ્ધની તૈયારી કરતો હતો. ભીમમાં જ્યાં દસ હજાર હાથીઓનું બળ હતું ત્યાં ધૃતરાષ્ટ્રમાં પણ ૧૦,૦૦૦ હાથીઓનું બળ હતું. ધૃતરાષ્ટ્રે ભીમને કચડી નાખવા ભીમની વજ્રની પ્રતિમાને એટલી બળપૂર્વક દબાવી કે વજ્રની એ પ્રતિમાના ફુરચેફુરચા થઈ ગયા હતા.
-- જયેશ મકવાણા